સુમન શાહની નિબન્ધસૃષ્ટિ/ન પ્રમદિતવ્યમ્

ન પ્રમદિતવ્યમ્


વ્યાખ્યાન એક ઘટના છે -ધર્મકાર્ય. એનાં બે પાસાં છે: વ્યાખ્યાતા બોલે એ; અને શ્રોતા સાંભળે એ: ઍક્સ્પ્રેશન અને કમ્યુનિકેશન. અભિવ્યક્તિ અને સંક્રમણ. વ્યાખ્યાનમાં એ બન્નેનો સમ્પુટ રચાય -જેમકે હાથ જોડીએ એટલે ‘નમસ્કાર’ રચાય છે. ક્યારેક આ છેડેથી ભાઈ બોલ્યા જ કરતા હોય પણ સામા છેડે કશું પ્હૉંચતું જ ન હોય. ઊલટું પણ બને. આ તરફથી જેવું પીરસાય કે તરત આ તરફ આરોગાય. મારા દીકરાનો એક મિત્ર -બન્ને ચૉથા-પાંચમા-માં હશે ત્યારની વડોદરાની વાત છે. ઘણી વાર સહજપણે અમારી જોડે જમી લેતો. ત્રણ ભાખરી પછી તો પૂછવું જ પડે -આપું કે? ડોકું હલાવી એ ‘હોવ’ બોલતો ને પાંચમી ભાખરી વખતે પણ ‘હોવ’ બોલતો! મજા આવતી. સમર્થ વ્યાખ્યાતાનું આવું થાય છે. એ જેટલું કંઈ બોલે, સામેવાળા ‘ઓઇયાં’ કરી જાય. વ્યાખ્યાતા થાકે નહીં, ધરાય; એમ લાયક વિદ્યાર્થી પણ થાકે નહીં, ધરાય. સંક્રમણની વાતો ફરી ક્યારેક. આજે માત્ર અભિવ્યક્તિની અને તેમાંય કેટલીક વ્યવહારુ વાતો કરું: પહેલી વાત છે, રોજે રોજ અભિવ્યક્ત થતા રહેતા એ ભાઈ કે બહેનની વ્યાખ્યાતાને છાજે એવી રુચિકર અવસ્થા, પોઝિશન, ગ્રેસફુલ ઍટિટ્યુડ. વર્ગમાં દાખલ થતાંવેત એનો સમગ્ર દેખાવ -ઍપીયરન્સ- સુઘડ લાગવો જોઈએ. અધ્યાપક વર્ગમાં લાલઘૂમ ખમીસ-પાટલૂનમાં ને વાળની ‘સ્પાઇકી’ કે ‘મોહૉક’ સ્ટાઇલમાં આવે, તો ચાલે? વડોદરામાં પ્રૉફેસર કંટકના વર્ગમાં એક વિદ્યાર્થી નાઇટસૂટમાં આવેલો. સંસ્કારનગરીમાં નાઇટસૂટ ‘ફૅશન’ રૂપે પ્રવેશેલો એ જમાનાની વાત છે -લેટ ફિફ્ટીઝ. કંટકસાહેબે એને એવા તો ગુસ્સાથી ગેટ-આઉટ કરી કાઢેલો, ન પૂછોની વાત. અમારા એક પણ્ડિત અધ્યાપક હમેશાં ધોતી-ઝભ્ભા-બન્ડીમાં હોય, માથે સફેદ ટોપી. અગાઉના પણ્ડિતો ખેસ ધારણ કરે ને પાઘડી પણ પ્હૅરે. આજના અધ્યાપકે પણ્ડિતોના પહેરવેશને અનુસરવાની જરૂર નથી. હવે સ્ત્રી-અધ્યાપકોની વસતી વધી છે. સમજાય એવું છે કે એમના બ્લાઉઝની, નૅક કે બૅક-ની ડેપ્થ જે હોય એ, પણ સાડીછેડો કે જો દુપટ્ટો હોય તો, યથાસ્થાને જોઈએ. આ કોઈ ડોસાછાપ દુરાગ્રહ નથી. પ્રૉફેશનલ ઍટિકેટને માટેનો વ્યવસાયપરક શાલીનતાને માટેનો સદાગ્રહ છે. બીજું, મુખ સ્વચ્છ જોઈએ. એમાં પ્રમાદ ન ચાલે. કોઈ કોઈ અધ્યાપકો ટી-ટેબલ પર બાજુવાળાના કાનમાં મોં ઘાલીને બોલતા હોય છે. બધા બોલ સ્વમુખદુર્વાસમિશ્રિત થતા હોય છે. ભાષાભવનના મારા એક સહકાર્યકર, મોટા વિદ્વાન, વર્ગમાં જતાં પહેલાં હમેશાં બ્રશ કરીને જતા. કહેતા -સુમનભાઈ, આ વિદ્યા-વચન-પ્રવચન માટેની શુચિતા છે. કેટલી સરસ વાત! ત્રીજું, જૂતાં પર ધૂળ ન ચાલે, પૉલિશ ભલે ન હોય. હવે તો દોડવાના સફેદ શૂઝ પણ ચાલે છે! કેમ કરીને કહું કે અધ્યાપકના શૂઝ પણ ફૉર્મલ જ જોઈએ. જર્મનીમાં સંસ્કૃતના જર્મન પ્રૉફેસર વર્ગમાં સૌ પહેલાં પોતાના શૂઝ કાઢી નાખે છે ને બૉર્ડ પર ‘ઓમ્ ગુરવે નમ:’ લખ્યા પછી વ્યાખ્યાન શરૂ કરે છે. એ જાણ્યું ત્યારે સારું જ લાગેલું પણ આપણી સ્થિતિ જોડે સરખામણી થતાં દુ:ખી થઈ જવાયેલું. કપડવણજની કૉલેજમાં એક મિત્રઅધ્યાપક સ્લીપરમાં આવતા. વધેલા સુક્કા નખ અને એમની ‘ફટી એડિયાં’ મને હજી દેખાય છે. મને સારી પેઠે ખબર છે કે આજનો અધ્યાપક આ બધી બાબતોમાં એટલો બધો ભદ્દો તો નથી જ નથી, છતાં પ્રૉફેશનલ ઍટિકેટને કોઈ છેડો નથી. પૂર્વજોએ સ્વાધ્યાય અને પ્રવચન બાબતે કહ્યું હતું કે પ્રમાદ ન ચાલે -ભલે એ કાયિક, બાહ્ય અને સ્થૂળ છે. સ્વીકારો કે વ્યાખ્યાનમાં શુચિતા-શાલીનતા, મોટી પૂર્વશરત છે. મનની પવિત્રતા કે હૃદયની સચ્ચાઈ તો, એ પછીની વાતો છે. વ્યાખ્યાન નામના ધર્મકાર્યનું અનુષ્ઠાન વર્ગખણ્ડ છે. આપણે ત્યાં એની કેવીક જોગવાઈ છે? કેટલીયે કૉલેજોમાં અધ્યાપકનાં ટેબલ-ખુરશી પ્લૅટફૉર્મ પર નથી હોતાં. છેલ્લી પાટલીવાળાંનાં ચ્હૅરા ન દેખાય. અધ્યાપક અને વિદ્યાર્થીના સ્થાન-ગ્રહણનો આ મુદ્દો મહત્ત્વનો છે. ગુરુ સદા ઉચ્ચાસને હોય. એ મહિમાવન્ત અર્થને ક્ષણભર જતો કરીએ, પણ વિદ્યાર્થી એટલું તો સમજી રાખે કે અધ્યાપક એનાથી એકાદ સ્તર ઊંચે હોય છે. મેં સૂત્ર રચ્યું છે કે ‘અ ટીચર શૂડ બી હર્ડ’. એને કાન દઈને સાંભળવો ઘટે છે. અધ્યાપક વર્ગમાં પ્રવેશે ત્યારે ઊભા થઈને વિદ્યાર્થીઓ અભિવાદન કરે એવું કેટલી કૉલેજોમાં થતું હશે? ઉદાસીન થઈને અધ્યાપકોએ પણ આ આગ્રહને પડતો મેલ્યો હોય તો નવાઈ નહીં. અમેરિકામાં વર્ગમાં કૉલેજિયનો ટાંટિયા જે તરફ જેટલા ફેલાવેલા રાખવા હોય એટલા રાખી શકે છે. હું એક શાળામાં ગયેલો. પ્રિન્સિપાલ મને આખી શાળા બતાવતા’તા. અમે ચાલતા’તા. એક કોરિડોર આવ્યો. છોકરા-છોકરીઓ ભીંતે અઢેલીને આમતેમ સૂતેલાં પડેલાં. મારું આશ્ચર્ય શમતું ન્હૉતું. પણ ત્યાં એ સૌને મેં ‘હાય કાર્લ! ગુડ મૉર્નિન્ગ!’-નો ઘોર કરતાં સાંભળ્યાં. ન શમેલું આશ્ચર્ય વધ્યું. કેમકે મૉર્નિન્ગ-વિશ એમણે પોતાના પ્રિન્સિપાલ કાર્લને કરેલી -સૂતેલાં રહીને! કાર્લે પણ એટલી જ ઊલટથી ‘મૉર્નિન્ગ’ કહેલું. અતિશયોક્તિ વગર કહું છું કે બાળકોની એ સહિયારી બૂમમાં મને વિનયનો આછો પણ સાચો સૂર આજે પણ સંભળાય છે. અભિવ્યક્તિનો ચીલાચાલુ અર્થ એવો કે વ્યાખ્યાતાએ અસ્ખલિત, સડસડાટ, વ્યક્ત થવું. ન ભાષિક સ્ખલન કે ન બોલવામાં અચકાટ-ખચકાટ. જોકે કલાત્મક અભિવ્યક્તિ માટે તો ધીરજ અને સમજદારીથી ઘણું ઘણું કરવું રહે છે: સૌ પહેલાં તો, એણે કે અન્ય વક્તાઓએ પણ હમેશાં સંક્રમણની ઇચ્છાથી અને પૂરી ગરજથી બોલવું. એવી તૉરી ન રાખવી કે સમજશે સમજવાના હશે તો! દરેક વિષયમુદ્દાની વાત ફોડ પાડીને કરવી. મભમ નહીં ગબડાવવાનું. બોલ્યું બધું સાર્થક લાગવું જોઈએ. વિના કારણ સંસ્કૃત અવતરણો નહીં ઝુલાવવાનાં. અઘરા અંગ્રેજી શબ્દો નહીં ફટકારવાના. કુંભારના ઘડાની જેમ દરેક મિનિટે વક્તવ્યને ઘાટ મળવો જોઈએ. ગૂંચવાડિયા મુદ્દાઓને ચાતરી નહીં જવાના, સીધા કરી બતાવવાના. જ્ઞાનની ન દેખાતી બાબતો તરત દેખાય; છુપાયેલી વસ્તુઓ બહાર આવે; ઢંકાયેલું ખુલ્લું થાય; વગેરે બધું વર્ગમાં એક જાદુની જેમ થવું જોઈએ. સંસ્કૃત શબ્દો વાપરીને કહું તો, અધ્યાપકે સ્ફુટ કરવું, અર્થપૂર્ણ કરવું, સ્પષ્ટ કરવું, દર્શાવવું, પ્રગટ કરવું, અનાવૃત્ત કરવું. ખરેખર તો આ બધાં અભિવ્યક્તિનાં અંગોપાંગ છે. સ્વની સર્જકતાને ખન્ત અને તન્તથી વળગી રહેનારા અધ્યાપક માટે આમાંનું કશું પણ અશક્ય નથી. સર્જકતા જાદુ છે. એથી વ્યાખ્યાન કે દુનિયાની હર કોઈ વસ્તુ કલાત્મક બની જાય છે. કલાકારને આપણે ત્યાં ઐન્દ્રજાલિક -જાદુગર- કહ્યો જ છે. સુખ્યાત વ્યાખ્યાતાઓ ઐન્દ્રજાલિક હોય છે. એમના માટે કોઈપણ વક્તવ્ય કોઈપણ પ્રસંગે સહજ હોય છે. જુઓને, ચીલાચાલુ અભિવ્યક્તિનું અને આ જાતની કલાત્મક અભિવ્યક્તિનું. બન્નેનું, સંક્રમણ તો થાય જ છે. પણ પહેલી વખતે, સંક્રમણ વિદ્યાર્થીના કાને પ્હૉંચતાંમાં જ પતી જાય છે; જ્યારે બીજી વખતે, એના કાને થઈ ચિત્તમાં યોગ્ય સ્થાને ઠરી રહે છે.

= = =