સુમન શાહની નિબન્ધસૃષ્ટિ/રવીન્દ્રનાથ સાથે ગુલઝાર-૨

રવીન્દ્રનાથ સાથે ગુલઝાર-૨


‘ગુલઝાર ઇન કૉનવર્સેશન વિથ ટાગોર’ આલ્બમ મારે મન સાહિત્ય અને સંગીતની દુનિયાની મોટી કલા-ઘટના છે. રવીન્દ્રશબ્દ સાથે ગુલઝાર શાન્તનુ શ્રેયા શાન સૌ સંયોજાયાં ને એથી નવ્ય કલા-આકાર સરજાયો. સમજીએ તો, ઘણો પ્રેરણાદાયી છે. વર્તમાનમાં સાહિત્યશબ્દ ‘દૃશ્ય’ થઈને ‘સૂર અને સ્વર’-ની દિશામાં વળી રહ્યો છે. કલા-સર્જકતાએ એવો વળાંક લીધો છે. એ પ્રકારના પૅરેડાઇમ શિફ્ટના -નમૂનેદાર બદલાવના- એક ઉદાહરણ તરીકે પણ મને આ આલ્બમમાં રસ પડ્યો છે. પાછો આવું છું, આ મુદ્દા પર; પહેલાં, ટાગોરની કવિતાભેલીમાંની બાકી રચનાઓની વાત કરું. નાયિકા હવે વિમાસણમાં મુકાઈ ગઈ છે. સખીને સાદ કરી કહ્યું: ઓ સખી, સુન! વો જોગી, દેખ તો…ઓ સખી, સુન! વો ભિક્ષુ, દેખ તો…ક્યું મેરે દરવાજે પર આતા હૈ સુબહ સે? ક્યું મેરે દરવાજે પર વો આને લગા હૈ? ક્યા કરું? બુલાઉં યા ફેર દૂં? ક્યા કરું? ભિક્ષા દૂં?: જોગીને એણે હવે ગાતો પણ સાંભળ્યો. જોકે એથી તો એની મૂંઝવણ વધી ગઈ. કેમકે: યે બડે દર્દીલે સૂર હૈ, ઓ સખી! ઓ જોગી! -શ્રેયા એટલા જ દર્દથી ગાય છે- દૂર સે દર્દીલે સૂરો મેં સહી, વો ક્યા બજાતા હૈ?: સમજ નથી પડતી એને: જહાં સે નીકલું વો હી ચહેરા આંખો મેં આતા હૈ, ક્યા કરું?: વાત વણસી રહી છે, કેમકે: ઘની રાતેં ઔર સાવન, ઓ સખી! ઓ જોગી! સાવન મેં જબ રાતેં ઔર ઘની હો જાતી હૈ, કાજ પડે રેહતે હૈ, ક્યા કરું?: શ્રાવણની ઘનઘોર રાત્રિઓમાં વિરહાવસ્થા અસહ્ય બની રહી છે એ તો ખરું જ. પણ: હર બાર વો નયી ધૂન બજાતા હૈ: સમજાતું નથી કે એ હરેક નવી ધૂનનું કરવું શું. જોગી સવાર-સાંજ આવે છે; પણ કેમ? -સુબહ-શામ ક્યું લૌટ આતા હૈ?: જુઓ, જોગી દર્દભર્યું ગાય છે; દરવાજા લગી આવે છે; મન ભિક્ષા આપવા કરે છે; પણ મિલન? દૂરનું દૂર છે. જરા વિચારીએ કે કવિએ બન્નેને મેળવી દીધાં હોત તો? ના-ના, તો તો વાત ખતમ થઈ જાત! નાયિકાને જોગી સમજાતો નથી પણ હૃદયના ઊંડાણે સમજાઈ ગયો છે. હેરાન થવાયું છે. પણ એ ગમતીલો રંજાડ અને એથી જાગેલી દર્દમધુર મનોરમણા સ્તો પ્રિયજનોનું જીવન છે! પ્રેમદર્દ જ વ્હાલું છે. વિરહ મટી જાય, પછી તો શું! પ્રણયમાં વિરહમૂર્તિ હમેશાં મિલનમૂર્તિ કરતાં વધારે સુન્દર લાગે છે -આ વચન મારું નથી, સ્વયં રવીન્દ્રનાથનું છે. હવે, જાણે નાયિકા અને જોગી મળ્યાં છે. બન્નેને પોતાની સ્થિતિનો તાગ મેળવવો છે. ગીત, શ્રેયા અને શાનના ડ્યુએટ પ્રકારે છે. સવાલ-જવાબ ચાલે છે: શ્રેયા: બૂઝ ગયા થા ક્યું દીયા?: શાન: જ્યાદા હી બચાયા થા મિલન કી રાત મૈંને જાગ કર, ઇસલિયે…મુરઝા ગયા ફૂલ ક્યું?: શ્રેયા: પ્યાર કી બેચૅનીઓ મેં ઉસ કો સિને મેં દબા રખ્ખા થા મૈંને, ઇસલિયે… કિસલિયે સુખી નદી: શાન: બાંધ બાંધા થા જરૂરત કે લિયે ઉસ પર, ઇસલિયે: શાન: તાર ઝટકા સાજ કા ક્યું?: શ્રેયા: ઉસ કી હદ સે જ્યાદા ખિંચ ગયા થા સૂર લગાને મેં, ઇસલિયે: શ્રેયા-શાનનું ગાયન સાવ જ સુન્દર છે પણ હિન્દી અનુવાદને કદાચ ન છૂટકે આમ ગદ્યાળુ રાખવો પડ્યો છે. મર્મ એ છે કે પ્રેમમાં માણસ લાલચી થઈને રાચવા માંડે, પ્રેમનો જરૂરતથી અતિ વપરાશ કરે, તો વિલાઈ સુકાઈને તૂટી જાય છે. ઓવરઇન્ડન્જલસ અને યુઝ પ્રેમને નષ્ટભ્રષ્ટ કરી નાખે છે. કલાને ય લાલસાથી વળગી પડીએ ને જડુસની જેમ વાપરવા માંડીએ, સુન્દરતા મરી જવાની. વિરહિણી હવે એટલે તો કહે છે -મૈંને તો કુછ માંગા નહીં! રચનામાં પાછી દૃશ્યોની રમ્ય લીલા છે અને તેથી મારે અધિક કશું નથી કહેવું. શ્રેયા ગાય છે: મૈંને તો કુછ માંગા નહીં, માગા નહીં…જંગલ કે પાસ એક પેડ કી ઓટ મેં ખડી રહી. સુબહ કી આંખ મેં કચ્ચી નિન્દ થી ઔર હવા મેં શબનમ થી, કુછ માંગા નહીં…ખામોશ રહી, એક શબ્દ નહીં બોલી મૈં…એક પંછી થા, પત્તોં કી ઝુરમુટ મેં બૈઠા કુછ બોલ રહા થા. પગદણ્ડી પર આમ કા મૉર બરસ રહા થા. શિવમન્દિર મેં આરતી કા ઘડિયાન બજા થા. બરગદ દે તલે તુમ ગાયેં દોહ રહે થે, મૈં લુટિયા લે કર ખડી રહી, કુછ માંગા નહીં, મૈંને તો કુછ માંગા નહીં…ઝાગ ભરે બરતન પે તુમ્હારે હાથોં કે કડે થે, ખણકતે રહે, દિન ચડને લગા ઔર ફિર ભી મૈં કુછ બોલી નહીં. દો પ્યાસે નૈન લિયે પેડ કી ઓટ મેં ખડી રહી, બોલી નહીં, કુછ માંગા નહીં: કદાચ અસમંજસભરી આવી ક્ષણોમાં પ્રેમ પ્રગટતો હોય છે. પછી જોકે એમાં જ પીડા રૂપે સંતાઈ જાય છે. ને એટલે એ સ્થગિત મનોસૃષ્ટિમાં જીવનભર અવાક્ બસ ઊભા રહી જવાનું હોય છે… સાતમી અન્તિમ ગીતરચના ઉપસંહાર છે. શ્રેયા, શાન અને અન્યો વડે ગવાયેલું કોરસ છે. માની લેવાનું કે નાયિકા અને સખી બે બહેનો છે. ગીત છે: દોનોં બહને કિસલિયે હસતી રહેતી હૈ જબ ભી પાની ભરને આતી હૈ?: કારણશોધ ચાલે છે: ક્યા રસ્તે કે પાર કોઈ રાહગીર ખડા દેખ રહા હૈ, ઇસલિયે હસતી રેહતી હૈ? પેડોં કી છાંવો કે નીચે, કોને સે છૂપકે, દેખતી હૈ, ઇસલિયે?: વધારે માર્મિક પંક્તિઓ આ છે -ક્યું યહીં પે આકે, કલસી કા પાની છલક ઊઠતા હૈ? કિસલિયે આંખો કે તારે ચમક ઊઠતે હૈ? -કેમકે -પાસ હી પે ચહિતા કોઈ આહ ભરતા હૈ -ને તેથી- કનખિયોં સે વો ઉસ કો દેખ લેતી હૈ -ઇસલિયે ક્યા હસતી રહેતી હૈ?: હું તો એમ કહું કે અંતરતમમાં પ્રેમના જીવલેણ અંકુર ફૂટ્યા હતા, ઇસલિયે, એ સહજ નિર્દોષ હસવાં જ પ્રેમીઓના જીવનની મૂડી હોય છે! કલા-સર્જકતાએ લીધેલા વળાંક વિશે શરૂમાં મેં કહ્યું એ વળાંક આપોઆપ નથી આવ્યો. સંગીત અને ચિત્રકલાના સર્જકો સાહિત્ય-શબ્દની શોધમાં સામેથી લાગી પડ્યા છે. આ ન્યૂ ઑપનિન્ગસનો -ઉઘાડનો- સમય છે. જોકે સાહિત્યના અમુક ઠેકેદારો નાકનું ટીચકું ચડાવે છે. સાહિત્ય-શબ્દ ગાયન-વાદન સાથે સંયોજાય, એ પર કૅમેરા કામ કરે, એ એમને અત્યાચાર લાગે છે. કોઈ કોઈ તો એટલે સુધી કહે છે -એથી સાહિત્યકલાનું સત્યાનાશ નીકળી જવાનું છે. પરન્તુ હકીકત એ છે કે અન્ય લલિતકલાઓની સંગતમાં સાહિત્ય આજે અભૂતપૂર્વ વિવિધતા સાથે ચોપાસ ખીલી રહ્યું છે. ટીવી અને ઇન્ટરનેટ પરનાં ક્રીએટિવ પ્રેઝન્ટેશન્સ દર્શાવે છે કે રાંકનાં રતન સમી ઘરખૂણેની કેટલીયે સર્જકચેતનાઓ ઠેર ઠેર પ્રગટી રહી છે. આલ્બમ જેવી કલા-ઘટનાઓ હું જે આ કહું છું એની સાખ પૂરે છે. તમને શું લાગે છે?

= = =