સુમન શાહની નિબન્ધસૃષ્ટિ/રુચિની ઉદારતા

રુચિની ઉદારતા


નાનપણમાં ગામડામાં ફિલમ જોવા જતા ત્યારની એક વસ્તુ યાદ રહી ગઈ છે: પરદા પર જેવું ગીત ચાલુ થાય, કેટલાય જણા ઊઠીને એકી-પાણી માટે ને બીડીઓ પીવા બહાર નીકળી જાય. મને થાય, આ લોકોને ગીત-સંગીત જોડે આવી દુશ્મની કેમ. આજકાલ ટીવી-સીરિયલોમાં ઍડ આવે એટલે કેટલાંયનાં મોં વાંકા! મારી વાત કરું તો સીરિયલોમાં હું સાહિત્યગુણ શોધ્યા કરું છું પણ ટાઈટલ-સૉન્ગ મને ગમે છે -શબ્દ અને સંગીતનું રસાયન હોય છે. શહેરોમાં ઓટલા હવે ઓછા રહી ગયા છે. પણ ફ્લૅટોનાં ચૉકઠાંમાં બહેનો ઊભાં-ઊભાં ય રસપ્રદ વાતો કરી લેતી હોય છે: અમારા એમને તો બટેટાના શાક સિવાયનું એક્કે ભાવે નહીં -રમણીબેન. શરમીબેન તરત કહે: અમારા બિપિનભાઈને તો એકોએક શાક, અરે કારેલાંનું પણ ભાવે! કાઆયમ્મ ખુટાડી દે! અમેરિકાના સ્પ્રિન્ગફીલ્ડના એક મૉલમાં એક ગુજરાતી બેન એટલું તો મોટેથી બોલેલાં, સાંભળીને અમે આજુબાજુવાળાં ચકિત થઈ ગયેલાં: શું બોલેલાં?: આઈ નેવર લાઈક ઍની પરફ્યુમ ઍક્સેપ્ટ ધિસ હૉન્ટિન્ગ ‘પૉઇઝન’ -ભલે ઇટ્સ નેઇમ પૉઇઝન છે! એક શરદકુમાર છે. સૂતાં પહેલાં પથારીની ચાદર કઢાવી નાખે ને બીજી વાર પથરાવે. કહેતા હોય: ડાર્લિન્ગ, નાની સરખી કાંકરી હોય ને તો પણ આપણી તો સાલી આખ્ખી રાત બગડી જાય! આજકાલ અમુક સાહિત્યકારો પશ્ચિમનું સાહિત્ય વાંચવાની ના ભણે છે. કહે છે: આપણા સાહિત્યમાં શું નથી, તે… આ બધા દાખલાઓમાં માણસોના આગ્રહ-દુરાગ્રહ વરતાશે, ખાસ તો, સૌની અંગત રુચિ દેખાશે — પર્સનલ ટેસ્ટ. બને એવું કે દરેક પોતાની રુચિને શ્રેષ્ઠ ગણે. બીજાંઓને પણ એ જ માપે વેતરી નાખે. ઝટ મૂલ્યાંકન કરી પાડે: કારેલાં તે કંઈ ખાવાની ચીજ છે -બિપિનભાઈ સાવ ગામડિયા નહીં તો!: આસપાસનાં આગળ પોતાની રુચિનાં આક્રમણ શરૂ કરી દે: તું બબલી, એક વાર ‘પૉઇઝન’ લાય ને વાપર તો ખરી, તારો એ તને ઝૂમીને વળગી પડશે!: એટલું જ નહીં, સમાજને, સંસ્કૃતિને કે સરકાર આખીને કાં વખોડે, કાં વખાણે! આ મનોવલણ કે આ માનસિકતા કે આવા ચિત્તમાંચડા વિચારણીય છે. અંગત રુચિ ખોટી નથી, સારી વસ્તુ છે. એથી માણસની ઓળખ બને છે. માણસ પારદર્શક લાગે, સમજાય, ભાઈબંધી કરવાલાયક છે કે કેમ તેનો નિર્ણય લઈ શકાય. પણ અંગત રુચિ સાહિત્ય અને કલાઓના મામલામાં મોટું વિઘ્ન છે. એટલે તો સિદ્ધાન્તકારોએ સાહિત્યિક રુચિની -લિટરરી ટેસ્ટની- વાત આગળ કરી છે. સાહિત્ય મનુષ્યની ભાવ-ભાવનાઓ ઊર્મિઓ ને લાગણીઓ પર ખડું હોય છે -વાચક પાસે હૃદય જોઈએ. જોકે હૃદય તો કોની પાસે નથી? પણ કાવ્યશાસ્ત્રીઓએ કહ્યું, વાચક સ-હૃદય હોવો જોઈએ. એટલે કેવો? તો કે, જેનું ચિત્ત ઉત્તમ સાહિત્યને જાણવા-માણવાથી દર્પણ જેવું થઈ ગયું હોય -જેથી કોઈપણ રચનાને એ ઝીલી શકતો હોય. એટલે સમજી લેવાનું કે એ જણની અંગત રુચિનું સુખદ રૂપાન્તર થઈ ગયું છે. સાહિત્ય માગે છે એવી રુચિની દિશામાં એ ભરપૂરભાવે વિકસી ગયો છે. એવો વિકાસ જો થાય, તો: રમણીબેનના વરને માત્રબટેટામાં નહીં, શાકમાત્રમાં સ્વાદ પડવા લાગે. દરેક શાકના આકારનું સૌન્દર્ય જોતા થઈ જાય. એવા સ-હૃદયી પતિના સંસર્ગે કરીને રમણીબેનને કારેલાં જેવાં કારેલાં ગમતાં થઈ જાય. અંદર કાજુ-દ્રાક્ષ નાખે, રૂપાળું કરી મૂકે. બિપિનભાઈને ગામડિયા કહેલા એ વાતનો એમને અફસોસ પણ થાય: ‘પૉઇઝન’-ઘેલી બેન અનેક પરફ્યુમોને વખાણતી થઈ ગઈ હોય. કેમકે એને હવે દરેક સુગન્ધની જુદાઈ ‘હૉન્ટિન્ગ’ લાગવા લાગી હોય: બને કે શરદભાઈને હવે ભૂમિશયનમાં ય મજા આવવા લાગી હોય. સાહિત્યકાર સ-હૃદયી હોય તો એને પૂર્વ-પશ્ચિમના ભેદ ન રહે. સાહિત્યસંતોષ માટે એ તો દસે દિશાઓમાં રખડતો હોય. સ-હૃદયતા સરવાળે એને વિવેકી પણ બનાવે. જેમકે, વિવેકને કારણે હું પછી સાહિત્યગુણ જ્યાંત્યાં ન શોધું. રુચિની ઉદારતાને ‘કૅથોલિસિટી ઑવ ટેસ્ટ’ કહે છે: સંકુચિતતા નહીં, વ્યાપકતા. જડતા નહીં, વિવેકભરી નમનીયતા. રુચિની ઉદારતાને કારણે વ્યક્તિ ઈશ્વરદીપી વિશેષતાને આપબળે ખીલવી જાણે. પાંજરામાં પુરાયેલી ન રહે. અને એટલે પછી, એનાં ઉડ્ડયન અનન્ત આકાશમાં હોય… આ પુરુષસર્જિત સમજમાં માન્યતા પ્રવર્તે છે કે સુન્દર સ્ત્રીઓ બુદ્ધિશાળી નથી હોતી. ( મુદ્દો મૂકવા મારે આવું ન છૂટકે લખવું પડ્યું છે. બાકી એ સૌ મને માફ કરે ) પણ દુનિયાની હજ્જારો સુન્દરીઓએ આ માન્યતાને ખોટી પાડી છે. જેમકે, જગવિખ્યાત ક્લીયોપૅટ્રા (ઈ.પૂ. આશરે ૬૯-૩૦) ઘણી સુન્દર, પણ રુચિ-સમૃદ્ધ સ્ત્રી હતી. જુલિયસ સીઝરને અને માર્ક ઍન્ટનિને, બન્નેને ચાહે. ફિશિન્ગ, ઘોડેસવારી એના શોખ. કલાઓમાં સંગીત, રસ-વિષય. સાત તારનું તન્તુવાદ્ય સરસ વગાડી જાણે. ભાષાપ્રેમી એવી કે વિદેશી ભાષાઓ શીખે, પૂરા લગાવથી બોલે. વાચન અપાર હતું. જોક્સ ગમે. ઍન્ટનિના સાથમાં જોક્સબાજી ખાસ્સી ચાલે. રુચિની આવી ખીલવણીને પરિણામે ક્લીયોપૅટ્રા ‘અતિસુન્દર’ ભાસી -સૌન્દર્યની વ્યાખ્યા બદલાઈ ગઈ! એને તમે સ-હૃદયી ગણી શકો. વાતનો રેલો પગ તળે આવે છે: સાહિત્યકારો પણ ઉદાર-રુચિ હોવા જોઈએ. સાચકલો લેખક હૃદયથી અક્ષર પાડે છે. એનું આકરું મૂલ્યાંકન કરાય એ પહેલાં એના હૃદય-તત્ત્વનું સમુદાર ભાવે સમ્માન થવું જોઈએ. નીવડેલા સાહિત્યમાત્રને પોતાનું સત હોય છે. ભલે એ પૂર્વનું હોય કે પશ્ચિમનું. પરમ્પરાગત કે આધુનિક. ભલે એ નારીવાદી હોય કે દલિતોની વ્યથાને વાચા આપનારું હોય. ચુકાદા આપતાં પહેલાં સૌએ એ બધાંનાં સતને જાણીને માણવાં જોઈએ. મતલબ કે ક્લીયોપેટ્રાની જેમ સાહિત્યકારો રુચિ-સમૃદ્ધ હોવા જોઈએ. એમણે પણ ઈશ્વરદીધી વિશેષતાને ખીલવવી જોઈએ. બને કે એક દિવસ ‘અતિસુન્દરતા’ હાંસલ થાય! આઇરિશ નાટ્યકાર જ્યૉર્જ બરનાર્ડ શૉ (૧૮૫૬-૧૯૫૦) મોટા ગજાના સાહિત્યકાર. છતાં એમને અન્યો પાસેથી શીખવાનું હમેશાં ગમતું. અન્યોના વિચારોને ખુશીથી અપનાવે. અનેક તત્ત્વચિન્તકોનાં દર્શનને સમજી-વિચારીને એમણે ‘ધ લાઇફ ફોર્સ’ નામની સ્વકીય ફિલસૂફી વિકસાવેલી -જેનો સાર એ કે જિન્દગાની જ એક એવો ફોર્સ છે જે તમને ફિલસૂફ બનાવી દે છે! શૉ-એ ઈશ્વરદીધી સર્જકતાને એ ફિલસૂફીથી ખીલવેલી. એમની સાહિત્યસૃષ્ટિમાં એનાં સત પ્રગટતાં. મારી નજરમાં શૉ મોટા સ-હૃદયી. હું એવાઓની શોધમાં હોઉં છું…

= = =