સુમન શાહની વાર્તાસૃષ્ટિ/ટૉયોટા

ટૉયોટા


મારી પત્ની પ્રેમાળ છે. પ્રેમાળ એટલે પ્રેમાળ, પ્રેમવાળી, પોતાનો બધો પ્રેમ મને આપવાવાળી, પ્રેમાળ. હું ઑફિસ જઉં ત્યારે મુખ્ય બારણા સુધી આવીને ‘આવજો’ કરે, ક્યારેક ‘બાઆય’ પણ કરે. એના હાથ ઍંઠા હોય તો પણ. હમેશાં એ હું જમી રહું પછી જમે છે માટે. ઘણી વાર તો મને અમારા કમ્પાઉણ્ડ–ગેટ સુધી મૂકવા આવે, તો ક્યારેક બસ–સ્ટૅન્ડ લગી પણ સાથે થાય. ક્યારેક એટલે, એને એમ કરવું જરૂરી લાગે ત્યારે. સાંજે ચૉક્કસ મારી રાહ જોતી અમારા વરણ્ડામાં બેઠી જ હોય. અચૂક એનું મૉંઢું બસના માર્ગે જ મંડાયેલું હોય.

કેટલાંયે વર્ષોથી એનો મારા માટેનો પ્રેમ આમ પુષ્ટ થઇ ગયો છે. પણ પુષ્ટ એટલે ફૂલેલો નહીં. કસાયેલો. ટેવથી. સાવ સરળ. પણ ટેવવશ નહીં. હું મારી પ્રેમાળ પત્નીથી મ્હાત્ થયેલો પતિ છું. એને બધી બાજુથી ઓળખવા હમેશાં સાવધ રહું છું. મને એવી એક પણ ક્ષણ યાદ નથી કે જેમાં હું એના કોઇ પણ ભાવને ઝીલવાનું ચૂકી ગયો હોઉં. જોકે આ સાવધતાને લીધે જ ક્યારેક મારી ભૂલ થઈ જાય છે. કોઈ નબળી ક્ષણે હું ચૂકી જઉં; પણ પછી, કબૂલાત સાથે તન્તોતન્ત પૃથક્કરણ કરી આપું. એ હસીને ક્હૅ  ‘આટલા બધા ખુલાસાની જરૂર નથી. હવેથી ધ્યાન રાખજો.’

મારી પત્ની ‘ધ્યાન રાખજે’ –ઍમ તુંકાર નથી વાપરતી. એને એની ચીડ છે. પોતાના પતિને ‘જૅન્તી’ ‘જૅન્તી’ કરવો ને ઘરઘાટીને ‘કૈસે હો રામદરશ?’ – એમ લહેકો કરી પપલાવવામાં એને છીછોરીવેડા લાગે છે. પોતાને ‘હઅંઅં…સાઆઆ!’ એમ ટાહ્યલું કરી કે વારે વારે નામ દઇને બોલાવવાની પણ મને એણે મનાઇ કરેલી છે. એ જ રીતે, ‘ઓકે ડાર્લિન્ગ’, ‘અચ્છા–ફૉલોડ’, ‘કૅરીઑન’ જેવા પ્રયોગોની પણ એને સૂગ છે. એ એવું માને છે કે જીવન કંઈ નાટક નથી. જ્યાં જ્યાં અભિનય પ્રવેશે ત્યાં ત્યાં ચેતવું જોઇએ. જીવનમાં અકારણ ઘૂસી જતી બનાવટોથી એ સદા ચેતેલી રહે છે. એટલે મોટે ભાગે ચૉંકેલી લાગે. ક્યારેક સમ્મૂઢ. પોતાની એવી સાવધતાને સહજતામાં ખપાવવાનો એનો પ્રયાસ મારી પેલી ભૂલોની જેમ જ ક્યારેક જુદો દેખાઇ આવે છે.

આમ અમે બન્ને પ્રેમની બાબતમાં ત્રુટિપૂર્ણ તો છીએ જ. છતાં થોડી વાતો કરું. તમને આ જે વાત કરું છું એ જો એ જાણે, તો તો મારું આવી જ બને. એ એને લગીરેય પસંદ નથી. બનાવટની એને સૂગ છે તેથી સાહિત્યને પણ ધિક્કારે છે. છાપામાં છપાતી, સાડીઓની જાહેરખબરોમાં મૉડેલ તરીકે કામ કરતી છોકરીઓ એટલે જ એને નથી ગમતી.

મને છેલ્લા દસેક દિવસથી જમણી સાઇડે કમરમાં દુખે છે. ઊભો હોઉં તો બેસતાં દુખે જ. બેઠા પછી ઊભા થતાં જમણી હથેળીથી એ ભાગને દબાવું તો જ ઊભા થવાય. મૉં પર વેદના મચકોડાઇ રહે. પરમ દિવસે એણે તરત જ કહ્યું  ‘તમારી કૅડમાં લાકડું ઘાલ્યું છે, મટી જશે.’ મેં એને જણાવ્યું કે ‘વિન્ટોજીનો’ ઘસી આપ. રાતના દસ વાગ્યા પછી અમે સૂઈ જઈએ છીએ. આ કહ્યું ત્યારે પૉણા દસ થયેલા, એણે કહ્યું  ‘અત્યારે ઊંઘ આવે છે. જાતે જ ઘસી લો.’ મૅં કહ્યું  ‘સારું, લાવ.’ ‘વિન્ટોજીનો’ એણે શોધ્યું પણ ન મળ્યું. ક્હૅ કે ખલાસ થઈ ગયું હશે; નહીં હોય આપણા ઘરમાં. ‘વિક્સ’ આપું? ‘ટાઇગર’ બામથી તો તમારી ચામડી બળે છે. બહુ પોમલા છો. મેં કહ્યું  ‘વિક્સથી શું થાય? એ એટલી બધી માઇલ્ડ હોય છે કે આપણા દર્દ લગી જવલ્લે જ પ્હૉંચે. કશીક ઊંડે ઊતરીને તત્કાળ ચૉક્કસપણે અસર કરે એવી વસ્તુ જોઇએ.’ ‘એવી તો નથી’, એણે ક્હેલું.

પછી અમે ક્યારે ઊંઘી ગયાં તે ખબર નથી. બીજે દિવસે એટલે કે ગઈ કાલે હું ઑફિસેથી ઘેર પાછો ફર્યો ત્યારે એ ‘વિન્ટોજીનો’ લઈ આવેલી. નાનકડી વસ્તુ માટે બજાર જઈ બધું શ્રમપૂર્વક ખરીદી લાવવામાં એને કદી કંટાળો આવતો નથી. ઘણી વાર તો નાખી દેવા જેવી ચીજ માટે પણ એ શ્હૅરમાં નીકળી પડે છે. મને થાય કે આમ એકલા રખડવાની એને મજા આવતી હશે. પછી આવીને, બસ, રિક્ષા, ખરીદી –બધામાં કેટલો કેટલો ખર્ચ થયો એ બધું ગણાવી જાય છે. હું એને ક્હું કે હિસાબની શી જરૂર છે? એ તો બધું તારે જ જોવાનું છે ને? પણ તું શ્હૅરમાં આમ એકલી જાય છે તે સાચવજે. જમાનો બહુ ખરાબ છે. તને યાદ છે ને કે તું સુન્દર પણ છું? ‘મને કયો બાપ ખઇ જવાનો છે?’ એવો એનો કાયમી જવાબ હોય, એટલે મેં જ જવાબ આપી દીધો, ‘મને કયો બાપ ખાઇ જવાનો’તો?’ –નહીં?’ એણે હમ્મેશની જેમ આજે પણ ઠાવકાઇપૂર્વક ‘હા’ કહ્યું. એની આ ‘હા’ વખતે એ ઠસ્સો રાખે છે. છતાં ગમ્ભીર હોય છે. મને થાય કે એને આ મજાક ગમતી નથી. છતાં હું એ અવશ્ય કરું –મને એમાં એક જાતનો આનન્દ આવે છે. એણે કહ્યું ‘ચલો સૂઈ જાઓ, ‘વિન્ટોજીનો’ ઘસી આપું, પાછા ઊંઘવાની વખતે લઈ બેસશો તો મને નહીં ભાવે.’ હું એની આંખોમાં જોઈ રહું છું. એ પૂછે છે: ‘તાક્યા શું કરો છો બાઘાની જેમ?’

‘હાલ ને હાલ શું છે? એવું કંઈ દુખતું નથી. હજી ઑફિસેથી તો હમણાં જ આવ્યો છું.’ એ ક્હે છે,  ‘તો તમે જાણો.’

એ ગઈ સાંજની વાત છે. પછી રાતે, એટલે કે ગઈ કાલે રાતે, મૅં ‘વિન્ટોજીનો’ યાદ ન કર્યું. સૂતાં સૂતાં એ ક્હૅ  ‘કોઇ ખાસ વસ્તુ યાદ નથી આવતી મૂઇ…!’ એણે આવું કહ્યું ત્યારે મને થયેલું કે એને ચૉક્કસ ‘વિન્ટોજીનો’ જ યાદ આવ્યું છે પણ ઘસી આપવાનો ઇરાદો નથી. મૅં ક્હેલું  ‘એવું જ છે સાલું. અમુક વસ્તુઓ અણીને વખતે યાદ જ નથી આવતી. માણસને હમેશાં મદદ નામની ચીજની અવારનવાર જરૂર પડે છે.’ ‘ચોવીસ કલાક તો તમારી તે’નાતમાં રહીએ છીએ’ –ઍણે છણકાઇને કહેલું.

આટલી વાત પરથી મારી આ પત્ની તમને ક્યાંય કમજોર નહીં લાગી હોય. પાકી ગૃહિણી છે. તે છતાં, એની એક નબળાઇની વાત તમને જણાવવી જ જોઇએ:

એને હમેશાં બરડાની વચ્ચે મીઠી ચળ આવે. પણ હાથ એના પ્હૉંચે નહીં. આ ચળ પાછી એને દર વખતે સૂવાના સમયે જ આવે. ક્હૅ, ‘જરા ખંજવાળી આપોને!’ અને ક્હૅતાં–ક્હૅતાં તો ઊંધી ફરી જાય, બ્લાઉઝ પણ ઝટપટ ઢીલું કરી નાખ્યું હોય. હાથ નાખી હું એને ખજવાળવા માંડું. કહું ‘ખરો શબ્દ ‘ખજવાળવું’ છે.’ એ ક્હૅ ‘એક અનુસ્વારથી શો ફરક પડી જાય છે?’ મારી પત્ની ગોરી અને નાજુક છે. છતાં સહેજ માંસલ પણ ખરી. ખજવાળતાં મને એમ થાય કે નખોરિયો પડી જશે. થાય કે આ વખતે તો જરૂર પડ્યો જ. ‘પોચું પોચું શું ખંજવાળો છો? જરા જોરથી ખંજવાળો ને!’ હું સહેજ જોર વધારું તો એ વધુ જોરથી કરવા ક્હૅ. ક્યારેક તો, ‘આટલુંયે નથી આવડતું’ કહીને મારો હાથ પકડી જાતે જ ખજવાળવા લાગે. કેટલીક વખત મારો હાથ બરડાની સીમામાં નયે રહે. ખજવાળવાની પ્રવૃત્તિ ક્યારેક એને અને મને ઉશ્કેરી જાય. તો અમે શરીરોને વિશે વધુ સક્રિય થઈએ. તે વખતે અમારી પ્રતીતિ બંધાય કે શારીરિક પ્રેમનું પણ કેટલું બધું મહત્ત્વ છે. મારા કોઇક સાવ ભીના ચુમ્બનમાં એને નર્યો પ્રેમ અનુભવાય છે એવું મને સ્પષ્ટ લાગે, કેમકે એના બધા જ જોરથી મને એ પોતાની તરફ ભીંસે, ને ‘મજા આવે છે’ જેવું કંઇક ગણગણે.

આવાં અનુસન્ધાનોને કારણે ખજવાળવાવાળી વાત, પછી તો અમારા માટે ચાવી જેવી બની ગયેલી. એને હું ગમે ત્યારે પૂછી લેતો: ‘ખજવાળાવવું છે?’ એ શરમાઇ જતી. એક વાર મિત્રો બેઠા હતા અને જાતજાતની ચળની વાતો નીકળેલી તે વખતે મૅં સતત નૉંધેલું કે એની ખંજવાળ વિશે હું ભસી ન મરું એ માટે એ મને વારેવારે તીખી નજરે જોતી’તી. મારામાં એ વાત થોડી વણસેલી: એટલે સુધી કે ઑફિસમાંની ટાઇપિસ્ટ છોકરી જોડેની ચાલુ વાત દરમ્યાન, ધારો કે એ બહુ જ સહજ રીતે એની પૅન્સિલથી એની પીઠ ખજવાળવા લાગી જાય, તો અમારી વાતનો તાર તૂટી પડે. ટાઇપિસ્ટ છોકરી પૂછે, ‘શું થયું એકાએક? તબિયત તો સારી છે ને?’ હું કહું  ‘સારી છે, કૅરી ઑન…’

મારી પત્નીને મૅં એક વાર કહ્યું  ‘આ તારું ખજવાળવાવાળું મને બહુ ભારે પડે છે.’ જોકે ટાઇપિસ્ટ છોકરીવાળી વાત મૅં નહીં જ કરેલી. મને એમ કે એ વાત કરવાથી મારી પત્ની કંઈક જુદું જ ઘટાવી બેસશે. એને એમ પણ થાય કે એમની, એટલે કે અમારી, વાતનો તાર તૂટી પડે પછી સંધાતો હશે કઈ રીતે –અને સાચે જ એ મને એ વિશે સીધો પ્રશ્ન પૂછે એવી છે -‘તમારા બન્નેની વાતનો તાર, પછી સંધાય છે કઈ વાતે?’ કે એવું કંઈક.

મારી આ જાતની કોઈ પણ દહેશત હું છુપાવું એ, એ તો કળી જ જાય અને ‘હંહં’ ‘હંહં’ કરી, કહું તે બધું અંકે કરતી જાય. એટલે હું વાત વાળી લઉં – ‘તને ખબર નથી એમાં કેટલો બધો કંટાળો આવે છે!’ એ નર્યો નિરાધાર જવાબ આપે : ‘કંટાળો આવે તો હું શું કરું?’: મને આ, પ્રશ્ન જેવા એના જવાબનો પ્રતિપ્રશ્ન ન સૂઝે. એટલે એક વાર કહ્યું -હું તને પ્લાસ્ટિકનું એક સ્ક્રૅચર લાવી આપીશ. ‘એ શું છૅ?’ – એનો પ્રશ્ન તીવ્ર હતો. મૅં કહ્યું -‘લાંબી પેન્સિલ જેવી પ્લાસ્ટિકની સ્ટિક આવે છે. એને એક છેડે પંજા જેવું બનાવ્યું હોય. એ વડે માણસ જાતે જ ખજવાળી શકે.’ મને યાદ છે કે આ સાધન અંગે એણે કશો ઉત્સાહ નહીં બતાવેલો, જોકે સાવ નારાજગી પણ નહીં બતાવેલી.

પણ સ્ક્રૅચર હું હજી લગી લાવી શક્યો નથી. ભૂલી જ જઉં. બજારમાં મને કોઈ દિવસ લિસ્ટ બહારની વસ્તુઓ યાદ જ ન આવે. લિસ્ટ એ બનાવી આપે છે અને એવી રીતે કે એમાં મારો સમય ન બગડે. વસ્તુઓનો ક્રમ દુકાનોના ક્રમ પ્રમાણે રાખે, એટલે વધારાના આંટાફેરા ન થાય. એ ક્હૅ  -‘હજાર વાતો યાદ ર્હૅ છે, ને મારું આટલું સ્ક્રૅચર નથી લવાતું તમારાથી!’ મને ખબર હોય કે લિસ્ટમાં એ જાણી જોઇને જ નહીં લખતી હોય, પણ ‘લિસ્ટ’-માં તું સ્ક્રૅચર કેમ નથી લખતી?’ એમ ન પૂછું, જુદું જ કહું  -‘તું અઠવાડિયામાં બે–ત્રણ વાર શૉપિન્ગ માટે તો જાય જ છે, તો આ લઈ આવે તો?’ એ ક્હૅ  -‘હા, હું જ લઈ આવવાની છું. તમારાથી નહીં થાય. મને ખાતરી છે.’ પછી એનો ચ્હૅરો અકળ બની જાય. છતાં એ પર એવું વંચાય કે ‘લિસ્ટમાં સ્ક્રૅચર હું કેમ નથી લખતી?’ વગેરે.

આ વાતને જોકે મહિનાઓ થઈ ગયા.

પણ આજે સવારે મારો દુખાવો વધી પડેલો. પથારીમાંથી ઊઠતાં જ મુશ્કેલી પડી.

એ તો રોજ વહેલી ઊઠી જાય છે. દૂધની કોથળી બહાર મુકાય છે તે બિલાડી ફાડીને પી ન જાય એની ચિન્તામાં એકાદ વર્ષથી એણે વહેલાં ઊઠવાનું શરૂ કર્યું છે -‘આ કોથળીઓનો બહુ ત્રાસ છે. મ્યુન્સિપાલ્ટીવાળાને બાટલીઓ શું નડતી’તી?’. પણ હવે આ ફરિયાદ એને યાદ પણ નથી. હું ઊઠું ત્યારે એ છાપું વાંચવામાં ગુલતાન હોય. ફર્શ પર આખ્ખું છાપું પાથરીને એના પર ઝળૂંબતી હોય. ક્યારેક તો ઘૂંટણિયે પડી હોય. વહેલી સવારનો તડકો એના વાળ પર ઝમઝમ થતો હોય. એના પ્રત્યેક બે વાળ વચ્ચેના અન્ધકારમાં સૂર્યનું પ્રત્યેક કિરણ ઓગળી જવાની ઉતાવળ કરતું હોય. એના મૉં પર સુરખી હોય. ઍની આંખો ઘેનભારે છતાં મોહક લાગે. હોઠ પર તેજીલી રતાશ હોય. હું ક્હું  -‘શી ઉતાવળ હોય છે તને ઊઠી જવાની? બિલાડી રોજ થોડી આવે છે? હું જાગું ત્યાં લગી સાથે સૂઈ રહેતી હોય તો?’ થોડી વાર ચૂપ રહે, સાંભળ્યું ન હોય એમ છાપું વાંચ્યે રાખે. પછી અંદર મૉં રાખીને કડકાઇથી ક્હે  -‘મૉડું થશેતો બસ ગુમાવશો.’ પછી તો મારે એમ જ ક્હૅવાનું રહે કે, ‘સારું. રિક્ષા કરવી પડે તો સારું તો નહીં જ વળી. સાઠ પૈસામાં પતે તે માટે રૂપિયા પાંચ ખરચવાના થાય. આ સાંભળે કે તરત, ‘બૅ વાર ખર્ચો તો મહિનાના ચાળીસ થાય ને વરસના ચારસો ઍંશી.’ પછી જરા અટકીને પૂછે -‘જિન્દગીના કેટલા થાય, ખબર છે?’ હું કહું  -‘તું જ ગણી દે.’ એ ગણવા જાય ત્યારે હું એને વારું અને કહું કે ‘ચારસો ઍંશીને કેટલાએ ગુણીશ તેની ખબર છે?’ પછી ઉમેરું - ‘દરેક વખતે સાઠ પૈસા બચે તે બાદ કરવાનું તું ભૂલી ગઈ છે…’ એ હસી રહે. ક્હે  -‘ખરી વાત છે તમારી.’ પછી મારો પૂરો સ્વીકાર કરતી હોય એમ જોઈ રહે, મારી આંખોમાં.

મારી પત્ની આવા તો દરેક વસ્તુના હિસાબ કાઢે છે. એટલું જ નહીં, કોઈ પણ હિસાબને જિન્દગી લગી પ્હૉંચાડી આપે છે. આ એનું મૅનરિઝમ છે એ હું જાણું છું. પણ ચૉક્કસપણે છે.

મૅં કહ્યું  -‘અત્યારે બહુ દુખે છે હંસા.’ એણે તરત જ કહ્યું -‘આમ ને આમ તમને સંધિવા કે પથરીનો રોગ થઇ જશે. મણકો તો નથી ખસી ગયો ને? બે મહિના પર તમારી ડાબા પગની એડી દુખતી’તી. એ પહેલાં જમણો ઢીંચણ વળવામાં મુશ્કેલી થઈ’તી. હવે આ કમરમાં દુખે છે.’ હું ક્હું છું -‘હા, તેં ગણાવેલું બધું સાચું જ છે.’ ‘સાચું તો છે સ્તો…’

પછી ચુપકીદી છવાઈ ગઈ, થોડી ક્ષણો માટે, ચાના કપ મુકાયા તેનો અવાજ મોટો લાગ્યો. ‘લૉ, ચા પીઓ.’ … ‘જરા કરડા પાણીએ ન્હાશો એટલે બેચાર દીમાં બધું સીધું થઈ જશે.’ … ‘ચા કેવી છે?’ … આ ઍનો રોજનો સવાલ હોય છે. એને વખાણ ગમે છે એ હું જાણું છું. છતાં ચા અંગેનો નિર્ણય હમેશાં સાચો આપું છું -‘સહેજ ખાંડ ઓછી છે.’ એને જોકે ખબર હોય છે એટલે આ વખતે પણ મારા જવાબની રાહ જોયા વિના બોલી  ‘દૂધ થોડું ઓછું ને મસાલો સ્હૅજ વધારે હોત તો અફલાતૂન થાત, નહીં?’ અને અમે બન્ને સાથે જ હસી પડીએ છીએ.

પણ એનું હાસ્ય મને જરા કરમાયેલું લાગ્યું. એ જ ક્ષણે યાદ આવ્યું કે ખડખડાટ, પેટ પકડીને, અમે છેલ્લાં કેટલાંય વર્ષથી હસ્યાં જ નથી. હું પૂછવા જતો’તો, પણ એનો ચ્હૅરો ઠીકઠીક ગમ્ભીર લાગ્યો, તરત જ બોલી  -‘જુઓ, આજે તમારે ઑફિસેથી ઘેર આવવાની જરૂર નથી. હું સીધી પાંચ દસની બસમાં ત્યાં બરાબર છએ પ્હૉંચું છું.’ મને થયું, શું એને ટાઇપિસ્ટ છોકરીવાળી વા…ત –પણ પછી તરત જ યાદ આવ્યું, કે એ વાત તો મારા સિવાય જાણે છે જ કોણ… ટાઇપિસ્ટ છોકરીને પણ ક્યાં ખબર છે… હું કેવો બાઘો છું તે મને પહેલી વાર આટલી તીવ્રતાથી સમજાયું. એ ક્હૅ –

‘તમારું ચેક–અપ કરાવવું પડશે. આ નહીં ચાલે. તમને થોડા થોડા દ્હાડે આ ને તે જગ્યાએ દુખે છે તે મને ઠીક નથી લાગતું.’ હું વચમાં બોલેલો કે ‘પણ કરડા પાણીએ ન્હાવાથી નહીં આવી રહે?’ પરન્તુ એ તો, એના વાણીપ્રવાહમાં ક્યાંયે તણાઈ ગયું. ‘આપણે સીધા પૅથોલૉજિસ્ટ પાસે જઇશું.’ મૅં પૂછ્યું -‘સર્જ્યન પાસે નહીં?’ ઍણે કહ્યું  -‘પહેલાં બધા રીપોર્ટનું ગોઠવી લઇએ. ને ઍક્સ–રે તો આજે પડાવીને જ આવીએ. ‘પણ સર્જ્યનની ભલામણ વિના કઈ જગ્યાનો ઍક્સ–રે લેશે? મારો એ પ્રશ્ન પણ પેલાની જેમ જ તણાઈ ગયો. ‘એ બધું જોયું જશે. જઈએ તો ખરા.’ મૅં કહ્યું -‘હંસા, આ તો સર્જ્યનની કન્સલ્ટેશન ફીથી બચવાની વાત હોય એવું નથી લાગતું?’: ‘એવું લાગે છે, પણ શું થાય?’ એણે હસીને વાક્ય પૂરું કરેલું.

જોકે વાક્ય પૂરું થતાં જ હાસ્ય પણ પૂરું થઈ ગયું –જાણે બંધ થઈ ગયું કશાકમાં. મૅં જોયું કે એની આંખમાં ઝળઝળિયાં આવી ગયેલાં. ને એકાએક જ મારી છાતીમાં માથું ખૂંતીને એ રડી પડી. ક્ષણમાં જ ધ્રુસકે ને ધ્રુસકે રડવા માંડી. મેં જેમતેમ આશ્વાસન આપ્યું -કપાળમાં એક હળવું ચુમ્બન કરતાં. એના આયોજનને તાબે થવાની મેં પૂરી હા પાડી. ઑફિસે જતાં કહ્યું  ‘રડીશ નહીં ડાર્લિન્ગ, મને કંઈ થવાનું નથી.’ મૅં જોયું કે ‘ડાર્લિન્ગ’-નો એણે વાંધો ન લીધો. એટલે જરા હિમ્મતથી કહ્યું  ‘કમરેથી મટીને ક્યાંક બીજે જશે એટલું જ. પણ ત્યાંથી તો મટશે ને?’ એણે કડવા સ્મિતથી ‘બાઆય’ કર્યું.

બધું પતાવીને અમે મૉડી રાત્રે પાછાં ફર્યાં.

સર્જ્યન પાસે પણ જવું પડ્યું. ઍક્સ–રે થોડા દિવસોમાં આવશે; બ્લડ, યુરીન, સ્ટૂલ વગેરેનું ચાલશે. પછી અમે ઘરમાં આછું–પાતળું જે કંઈ હતું તે ખાઈ લીધું. આજે અહીં અમારી રોજની ટપાટપી ન્હૉતી. અહીં–તહીં એક હળવું મૌન લ્હૅરાવા માંડેલું. અમારી પ્રત્યેક ક્રિયાના અવાજો સંભળાતા હતા. એની અમારાથી નોંધેય લેવાય છે એમ પણ અમને બન્નેને સમજાતું લાગતું’તું. બેડમાં પડતાં જ પોતાના બન્ને હાથ કપાળે ક્રૉસમાં ગોઠવતાં છત સામે જોઈને એ બોલી :

‘તમને કંઈ થઈ જાય તો?… મારું કોણ છે?’

મને થયું મામલો બીચકી પડશે.

‘અરે કમરમાં જરી દુખ્યું તેથી મરી થોડો જવાનું છું? કેવી વાત કરે છે?’

એ બોલી નહીં. એટલે, મને સૂઝ્યું કે ગમે તેમ, પણ મૅં હસીને કહ્યું  ‘ચાલ ‘વિન્ટોજીનો’ ઘસી આપ. પછી બદલામાં હું તને ખંજવાળી આપીશ, બસ?’

એ બોલી  ‘મશ્કરી શું કરો છો? તમે તો એવા જ છો! ફરી જાવ.’ મૅં જોયું કે એના ઘસવામાં આજે ફેર હતો. હું અનુભવતો હતો કે બહુ જ હળવેથી એની આગલી બે આંગળીઓ નાના વર્તુળમાં ઘુમાવતી ખાસ લયબદ્ધતાપૂર્વક ઘસતી’તી. કશીક ખૂબીથી દાબ વત્તોઓછો કરતી’તી. લાગ્યું કે દવા જ નહીં, આંગળીઓ વાટે એ પોતે મારામાં ઊંડે લગી ઊતરી જવા ઇચ્છે છે.

અને એ જ વિચારથી હું મનોમન એનાથી ઘણે દૂર ચાલી ગયો…

મૅં એને મુક્ત કરતાં કહ્યું -‘બસ! ચાલ સૂઈ જઈએ.’ એના મૉં પર ચિન્તાથી લેપાયેલો સન્તોષ હતો. એ ક્હૅવા લાગી -‘તમારા શરીરમાં દુખાવો આમ જે તે જગ્યાએ ફર્યા કેમ કરે છે? તમે સાવ ગંડુ છો, ક્યાં દુખે છે એટલીય તમને ખબર નથી પડતી? ડૉક્ટરને પણ કહી શક્યા નહીં કે કમરમાં બરાબર આ જગ્યાએ દુખે છે! કેવા છો…પોતાની જાતની જેને કશી ગમ ન પડે તે તે કં માણસ ક્હૅવાય?’ હું એનો હળવો ગુસ્સો ધ્યાનમાં લીધા વિના મારી પેલી મનોમય દૂરતામાં હતો. એવામાં એ, ‘ક્યાં દુખે છે તેની ચૉક્કસ ખબર તો પડવી જ જોઈએ’ -ઍમ બોલતાંબોલતાં પડખું ફરી ગઈ…‘નહીં તો આમ ને આમ…’

મારે પૂછવું’તું, શું આમ ને આમ? પણ હું પડી રહ્યો. એ પડી રહી. મને થયું પડખું રડવા માટે બદલ્યું હશે. જોયું તો, એની આંખો મિંચાયેલી હતી ને મૉં પરની શક્તિ નરમ લાગતી’તી. મને થયું ઊંઘી જશે અને સાચે જ એ બાળકની જેમ ઊંઘવા માંડેલી.

મૅં બેડસ્વિચ ઑફ્ફ કરી.

મને ઊંઘ નથી આવતી હજી. રૂમમાં બધે ઘેરો અન્ધકાર છે. બારીના કાચની બ્હાર આખું શ્હૅર ધીમું

પડી રહ્યું છે. રાતના દસ વખતે હોય તેટલું થાકેલું. મારી પાંપણ ઢળે ત્યાં આ શું દૃશ્ય રચાય છે?:

મોટો વિશાળકાય બગીચો છે. નેશનલ પાર્ક ક્હૅવાય તેવો. એની બરાબર વચ્ચે આ એક જ બાંકડો છે, ખાલી. એની બરાબર વચ્ચે કોઈ એકલું બેઠેલું છે. અવશ્ય એ કોઈ તે હું જ છું. અહીં અજાણ્યાં પુષ્પો છે. પંખીઓ છે. માણસોની હલચલ ઝાઝી નથી. બપોર જેવું લાગે છે. ક્યાંકથી પ્રવાસીઓનું મોટું ટોળું નીચાણમાં દેખા દે છે. એમનો કલશોર ઉપર આવે છે. એકધારો મારી આસપાસ ભમે છે. આકાશ ભૂરું છે. એક ટપકું નીચે ઊતરતું આવે છે. એ સમડી છે. નીચે જોઉં ત્યાં જુદું જ દેખાય છે. ચૉપાસ પીળી રેતી પથરાયેલી છે. બદામી ક્હૅવાય તેટલી પીળી, પણ લોટ જેવી મુલાયમ. વચ્ચેથી ઘેરા સ્લેટ કલરનો રસ્તો જાય છે, દૂર ક્ષિતિજમાં ભળતો. એની બરાબર વચ્ચે એક સિલ્વર ગ્રે કલરની ટૉયોટા કાર ચમચમચતી ઊભેલી છે. હું જોઉં તે પહેલાં કાર સરવા લાગે છે. આ પણ નર્યા તડકાથી ભરેલી બપોર છે. નરી વિજનતા છે. અહીં ટૉયોટા સરતી નથી. ઊભી જ છે. સરતી તો મારી દૃષ્ટિ છે. હું એની નજીક જઉં છું. એના બધા કલરગ્લાસ બન્ધ છે. આ ગ્લાસ બ્હારથી બ્લાઇન્ડ અને તપખીરિયા છે. અથવા ગમે એમ, અન્દર કોણ છે તે નથી દેખાતું મને. ધીરે ધીરે બદામી રેતી સળવળે છે, ને ક્રમે ક્રમે વર્તુળાતી આછી આંધી રચાય છે. હાથ પછાડતો હું ટૉયોટામાં પ્રવેશવા એની ચારે બાજુ ભમી વળું છું. પણ વ્યર્થ. બધેથી બંધ છે. ચમચમાટ ગ્રે કલરમાં બન્ધ અન્ધકારને અઢેલી ઊભો રહું, મને એમ થાય છે.

પણ મારી પ્રૅમાળ પત્ની અહીં આ ઊંઘે છે તે?