સોનાનાં વૃક્ષો/પીળા કેનવાસ પર

૨૦. પીળા કેનવાસ પર
Sonanam Vruksho - Image 28.jpg

ઉનાળો બેસી ગયો છે, અચાનક જ. ધૂળિયો વંટોળ પહેરી બાબરો ભૂત બાકળા ખાવા આવી ગયો છે પાછો. ખુલ્લાં ખેતરોની છાતી પરથી ધૂળને રમણે ચઢાવતા વાયરાઓ ચક્કર વક્કર પાંદડાં આભે ઉડાડતા દોડે છે. ઝાડ નીચે સૂકાં પાંદડે પોરો ખાતી પાનખરો આમ ઊભે વગડે વેરાઈ – વખરાઈ ગઈ છે. પીળાં પીળાં વસ્ત્રો ઉતારી દઈને વન આખું માયાનાં લીલાં લૂગડામાં વીંટળાઈ ગયું છે. દિશાઓ સાંજે મેલા માણસના ચહેરા જેવી મ્લાન દેખાવા માંડી છે. પીળચટા અને રાતા કથ્થાઈ રંગોની વણઝાર આવી ને ચાલી ગઈ. હવે તો કૂંપળોએ પણ લીલાં પાંદડાંનો પૂર્ણવેશ ઓઢી લીધો છે. ચઈતર ક્યારે બેઠો એની કશીય ગતાગમ પડી નહીં. ચેટીચાંદની રજાએ એનું ભાન કરાવ્યું. સાંજના પશ્ચિમાકાશમાં શુક્રતારકની લગોલગ બીજત્રીજના ચન્દ્રની યુતિ જોતાં પાકો ઉનાળો બેઠાની પતીજ પડી. હવે તો આકરા તડકા, લૂ–વાળી સાંજો, ઢળતી રાતોના ચીકણા પરસેવા અને વહેલી પરોઢના ટાઢા પવનો... દેહ ઠરે તો જીવ જાગી ઊઠે ને જીવ જંપવા ચાહે ત્યારે દેહમાં તપારાનો પાર નહીં. પેલી જૂની વહુ જેવી વાત, કે – સાસરીમાં સંપ નહીં / ને પિયરમાં જંપ નહીં! માયા મેલાય નહીં / ને કાયા વેઠાય નહીં. ખોળિયું મેલીને જીવને ખુલ્લાશમાં જવાની ઝંખના જાગે છે. પણ આ હાડચામના માળામાં ખોસી ઘાલ્યા છે દેવે, તે વેઠ્યા વિના છૂટકો છે કાંઈ! પરભવના વેરી જેવી માયા, સમજાય છે પણ છોડાતી નથી. ઉનાળો લડવાડ કરતા પડોશી જેવો છે. એ જંપી ગયેલો હોય ત્યારેય માલીપા તો બળબળતો હોય છે. મનને મારી હઠાવો તોય વળી વળીને એ ત્યાં જ પહોંચી જાય. અભાવોમાં ઊછર્યા ત્યારે ઉનાળો વૈભવી લાગેલો; શિયાળો કઠોર! આજે સાવ વિપરિત સ્થિતિ છે. જોકે ઉનાળાનો અણગમો નથી પણ એ વેઠ્યો જતો નથી. બધું સમસમે છે, ખદબદે છે... બજારો, લોકો, ગંદકી, ધૂળ–ધૂમાડા, ગરદી, પરસેવાની દુર્ગંધો, ન મળે સરખા છાંયા કે ન મળે માટલીનાં ટાઢાં જળ! જે પ્રકૃતિએ આપેલું, નરવું ને ચોખ્ખું આપેલું, માણસોએ એનેય વેડફી નાખ્યું છે. બસસ્ટેશનો, રેલવે સ્ટેશનો, મુસાફરખાનાં ને બજારો, ચૌટા ચોરા નદી તળાવના આરા ઓવારા, ફરવાનાં સ્થળો ને મહાલવાની મોકળાશ... બધેથી સ્વચ્છતા લુપ્ત થઈ ગઈ છે. માણસનું પગલું જાણે શાપિત પગલું છે. એ જ્યાં પડે છે ત્યાં હવે તો નર્યું નરક સરજાઈને રહે છે. ગંદકી – ગોબરવેડોથી મોટું નરક ક્યું વળી! જીવ મારો આશ્વાસન શોધ્યા કરે છે. કંઈક જરા અમથું સારું ભાળીને એ મલકાઈ ઊઠે છે. હાસ્તો! ‘ઢેડના છોકરાં ઢોકળે રાજી!’ ને મારે મને એ રાજીપાનું મૂલ્ય છે. જે નથી એની નકરી લહાયમાં ને લહાયમાં જે મારી સામે છે એને ગુમાવી દેવાની ભૂલ મારે નથી કરવી. મુસાફરીમાં જોઉં છું તો કોક આંબાના ઝાડ તળે રાતાં માટલાં ને કાળી ઘડીઓમાં ટાઢાં પાણીની પરબો મંડાણી છે. જીવ એ પાણી માટે ઝૂરે છે. ખેતરના શેઢે ઝાડ નીચે ધણિધણિયાણી બપોરિયું ગાળતાં બેઠાં છે. કોક મજૂર મારગમાથે હાથનું ઓશીકું કરી લીમડાને છાંયે નિરાંતવો ઊંધી ગયો છે. મારી કાયા એવા સુખને ઝંખે છે, બસ–ટ્રેનમાંથી ઊતરી પડવાનું મન થાય છે પણ મને ખબર છે કે એ દેખાતું સુખ ઘણું આકરું છે. એ કઠોર સુખ આપણાથી જીરવાય નહીં એવું હોય છે. માત્ર દુઃખો નહીં, સુખો પણ કપરાં ને દોહ્યલાં હોય છે, – આ બળ્યાઝળ્યા ઉનાળા જેવાં; આદમીના આયખા જેવાં આકર્ષક અને અકારાં હોય છે સુખો! નદીનાં ખળખળતાં પાણી પુલ પરથી પસાર થતાં જોઈએ ત્યારે વહાલાં લાગે છે, ને હોય છે પણ વહાલાં સ્વજન જેવાં. પણ ત્યાં પહોંચતાં પહેલા કરાડકોતર, કાંટાળી કેડીઓ ને ઝાડઝાંખરા, તપતી રેતીનો ઉત્તપ્ત પટ વીંધવા પડે છે ને પાણીનો સ્વાદ ચાખીને પાછાં વળતાંય વટાવવી પડે છે એ વિટંબણાઓ! માનીએ તો આ મારગે ચાલવાનું સુખ છે. બાકી તો સુખ એટલે થોડીક સ્મૃતિઓ, જે આપણને સતત તરસાવતી રહે છે! શિયાળાનાં સુખો રંગીન પતંગિયાં જેવાં હશે, પણ ઉનાળાનાં સુખો તો કરાડ કોતરોની પાર વહેતી આછી ને ઊંડી નદીનાં છીછરાં જળ જેવાં! પહોંચો ને પામો એ પહેલાં ઓસરી જાય તો કહેવાય નહીં! રતુંબડી ગોરસ આમલીઓ ઊંચી ડાળે ઝૂલ્યા કરે છે. નીચે ઊભેલો ‘સુસંસ્કૃત પ્રોફેસર્સ દંપતિ’નો બાળક એ જોઈ ઝૂર્યા કરે છે. મારી આંખ સામે આંબાની ડાળ ઉપર મોટી થઈ આવેલી, મોંમાં પાણી લાવતી કેરીઓ હાથ લંબાવીને લઈ શકાય એટલી પાસે છે. પણ એનો માલિક તો મારી નીચેના ભોંયતળિયે રહેતો અધ્યાપક છે. એ આંબાનાં પાંદડાં વીણે છે – વાળે છે; ગણિતનો માણસ છે. એ એનો હક્કદાવો જતો કરે શું કામ! બધું સામે છે છતાં જાણે ‘ઉપરવાળા’ના હાથમાં કશું નથી. આનું નામ જીવતર અને આનું નામ તે માનવનિયતિ. માણસમાં રહેલો માલિકીભાવ દરેક ઋતુમાં મોટો થતો જાય છે. નકામી વસ્તુ માટે પણ એ ના બાઝવા આવે તો જ નવાઈ! એ પણ કણબીની જેમ બાર જોજન ઉજ્જડ તાકે છે જેથી એ ભોગવી શકે – એકલપેટો! ચૈત્રને કાબરચીતરો કહેનાર ખોટા પડ્યા છે. ખુલ્લાં ખેતરોમાં ઉનાળુ બાજરી મગફળીના મોલ લહેરાય છે, ને વૃક્ષો પાસે આટલાં બધાં પાંદડાં કદાચ ક્યારેય નહોતાં. બે પાંદડે થતાં જેનો જન્મારો ગયો હોય એ પૈસા મળતાં જરાક છલકાઈ જાય એવું આ બદામડીઓનું થયું છે. ને ઊંચા આસોપાલવ ઉનાળુ રાજવીને લીલી ચામર ઢોળવા વધુ ઊંચે ચડ્યા દેખાય છે. આ વર્ષે લીમડાઓ ઉપર મંજરી વધારે બેઠી છે. ચોમાસું સારું આવવાની એ એંધાણી છે? બારી પાસેની આ નાનકડી લીમડી આ વર્ષે જ મંજરીવતી થઈ છે, એની આખી હસ્તી એક નજરમાં સમાઈ જાય છે – પણ એની નમણાશ, કુમાશ આપણને ભરી દે છે. મંજરીઓ જાણે ઝાંઝરીની ઘુઘરીઓ જેવી. ઢળતી સાંજે આછા પવનમાં મને જે રણઝણાટ સંભળાય છે તે એનો હશે કે પછી કોઈ યાદ છોડીને ચાલી ગયેલી માયાવતીની માયા? રામ જાણે! પાસેની પીપળ પર બેસીને કોયલ બોલે છે – નર કોયલ! ઘણી વાર તો એ ધીરે ધીરે સ્વસ્થ સ્વરે બોલ્યા કરે છે. પણ ક્યારેક એમાં ગતિ–આવેગ ઉમેરાય છે; એનો અવાજ એના સમગ્ર અસ્તિત્વને ચાક્ષુષ કરી આપે છે. એ વ્યગ્રવિહ્વળ અને ઊંડેથી આવતા વેદના ઘૂંટ્યા સ્વરમાંની વ્યાકુળતા સાંભળીને હું જરાક અસ્વસ્થ થઈ જાઉં છું. કોણ જાણે કેમ, અનુકંપાને બદલે મારામાં પણ કશોક વ્યગ્રાવેગ જન્મી આવે છે. અવાજ થકી હું એ કોયલના સમગ્રને મારામાં અનુભવતો રહું છું. મારી ભીતરી વાતોનો જાણતલ એ નર કોયલ હવે આખો ઉનાળો આમ બોલ્યા જ કરશે ને મારા એકાકી મનને ઠોલ્યા કરશે. પાસે થોડાં બુલબુલ બોલે છે; ઝીણા સ્વરમાં દૈયડ કોકને બોલાવે છે. હું એમની ઉડાઉડને માપ્યા કરું છું પણ કોયલ સ્વર સાથે સંધિત મારી નિયતિને હું આઘી હડસેલી શકતો નથી. ચૈત્રના તડકા તલવાર જેવા ચળકે છે. પીળા કેનવાસ પર વૃક્ષોની લીલાશ અદકેરી ઊપસી આવી છે. સૂમસામ રસ્તા પર તરુવરોના પડછાયા ઉકેલાતા – સંકેલાતા છેવટે જાતને પી–પીને તગડા થતા થડમાં આંધળી ચાકણ જેવા વીંટળાઈ રહે છે. તૂટેલા ખાટલામાં આયખાનાં રહ્યાંસહ્યાં વરસો પાથરીને કોક કાળા ડિલવાળો વૃદ્ધ હવે ઊઠવાનું જ ન હોય એમ સૂઈ રહ્યો છે. બાળકો દૂરનાં વૃક્ષોમાં લખોટીઓ રમે છે – ક્યારેક એમના તારસ્વરો સંભળાઈ જાય છે. બાકી તો કીડીઓ પણ પાછી દરમાં વિરમી ગઈ છે. એક કબૂતર મારી બારીની પહોળી પાળી પર આવીને બેસે છે. એના એક પગે ઉઝરડા ઊઠ્યા છે. એ પગ માંડી શકતો નથી... ‘તે પંખીની ઉપર પથરો ફેંકતાં ફેંકી દીધો....’ એવું મને યાદ આવે છે. શ્રીમતીજીએ આ જખમી કબૂતર માટે મકાઈ દાણા અને પાણી મૂક્યાં છે. પણ એ તો ભયાક્રાન્ત આંખે બધું જોયા કરે છે. હું એને આશ્વાસન આપવા ચાહું છું પણ એને વિશ્વાસ પડતો નથી. ધરપત નથી વળતી. હું સહેજ પડદો આઘો કરી લઉં છું. લાલ ચણોઠી જેવી એની ભયવિહ્વળ આંખો મારી બપોરી ઊંઘમાં ઊઘાડબીડ થયા કરે છે, ને એની રતાશ મારા લોહી દ્વારા આ શબ્દો સુધી. હવે આજે મારાથી વધારે નહીં લખાય.

મોટા પાલ્લા, તા. ૧૪–૪–૯૪