સોનાની દ્વારિકા/બે

બે

લ્લે, તમે તો અહીં અંબાજીના ચોકની માયાજાળમાં જ અટવાઈ ગયા ને હું તો એક ઠેકડામાં પહોંચી ગયો ગામને પે.. લ્લે છેડે હરિજનવાસમાં! દેશનાં ફાડિયાં થયાં ત્યારે આવેલી આઝાદી પછી બધા કાયદાકાનૂન થયા, સમાનતાનો વાયરો ફુંકાયો ને જ્ઞાતિગત રાજકારણનાં સમીકરણો રચાયાં, એટલે લોકો મહાપરાણે હરિજનવાસ કે વણકરવાસ એમ કહેતાં થયાં નહિતર તો બધાં એક શ્વાસે ઢેઢવાડો શબ્દ જ બોલતાં. વર્ષોથી સહજભાવે બધું સ્વીકારાઈ ગયેલું, ન બોલનારને ખરાબ લાગે કે ન સાંભળનારને! આભડછેટના ખ્યાલો ખરા, પણ જીવલેણ નહીં. આખું ગામ, વણકર-ચમાર-ભંગી બધાંની સાથે એકસરખી, ભેદભાવ વિનાની છાંટ લે. કોળી-ખોજા-મુસલમાન કે ફકીર સાથે ચડતાઊતરતા ક્રમે ભાણે બેસીને રોટલા ખાવા સિવાયનો તન-મન-ધનનો વ્યવહાર ચાલે. રાખવા જેવું હોય એ ખાનગી રહે. કેટલુંક જાહેર-ખાનગી પણ હોય તો કેટલીક રસિક વાતોનાં ઢોલનગારાં પણ વગડે. કો’ક કો’ક વાતે આંખ આડા કાન પણ થાય. જાણ્યેઅજાણ્યે પણ ગામ પોતાના ન દેખાતા કે ન જોવાતા ખરજવાપણાંમાં રાચે ને વરહના વચલા દિને, ક્યારેક તો લોહી ન નીકળે ત્યાં સુધી વલુર્યાં કરે, ભેદની ભીતું સાથે ઘસ્યા કરે પોતાનો બરડો ને એમ સવર્ણ-અવર્ણ પ્રાણીમાતર ખજવાળનો રસ ચાખ્યા કરે! મારે તમને મારી અંદર રહેલા ચારેય વરણ દેખાડવાના છે તે થયું કે આપણે વારાબદલો કરી નાંખીએ, અને એ સમયે કહેવાતા શુદ્રથી જ શરૂઆત કરીએ. ગાંધીજીએ કહ્યું છે ને પોતાની જાતને છેવાડે રાખવાનું? તો લ્યો હું મારામાંના બ્રાહ્મણને કહું છું કે- ‘ગોરમા’રાજ તમે તો હમણાં આંયા ફરકશો જ નહીં. મેલીદાટ જનોઈ ઘસી ઘસીને વાંસો ખજવાળતાં ખજવાળતાં બહુ બધાંની જનમકુંડળીઓ જોઈ. કેટલાંયને સ્વર્ગની ટિકિટો અપાવી અને ચાંદીના તારની નિસરણીએ ચડાવીને મોકલ્યાં. ગાયનાં પૂંછડાં પકડાવીને વૈતરણીય તરાવી દીધી. સતનારાયણથી માંડીને ભાગવતની કથાઓ કરી, અગડમબગડમ્ મંત્રો ભણીને લેવાય એટલાં દાન-દખૈણાંય લીધાં. શ્રાવણ મહિનો ના’વા કરતાં તો વધારે ધબૈડીને લાડવા ખાધા છે તે હવે તમારા આ ટીપણાનો વાળો વીંટો. ઘણાં વરહ આગળ રહેવાનું સુખ લીધું છે તે તમારો વારો આવશે સૌથી છેલ્લો! ત્યાં સુધી જો કોઈ મંત્ર સાથ દે તો જપો અને જંપો!’ છેવાડામાંય પાછું એવું કે પહેલો આવે વણકરવાસ. એનો નાયક દાનો, પણ ઓળખાય ભગતને નામે. ઉંમર વરસ સાંઠ કે ઓગણસાંઠ. આ એની સ્થાયી ઉંમર. એમાં ક્યારેય વધ-ઘટ નહીં. બેઠી દડી ને ઘઉંવર્ણી કાયા. જ્યારે જુઓ ત્યારે પોતિયાભેર. ક્યાંક જવા-આવવાનું થાય ત્યારે પહેરણ ગળામાં નાંખે ને ફાળિયાના બે આંટા મારી દે માથે! આખો દિવસ વખત પ્રમાણે સૂતર-ફાળકા ને શાળ સાથે લીધા કરે લઢા. કાપડની હાર્યે હાર્યે જીવતરનેય વણે. ઘર મોટું વીઘાએકનું. બધાં દિલનાં ને મહેનતનાં સાચાં એટલે નવરાં જ ન પડે. દાનો આ બધાંમાં નોખો પડી આવે. એ તો રાત પડે એટલે બેસી જાય એકતારો લઈને. સરવા સાદે ભજન માંડે:

‘વાગે ભડાકા ભારી ભજનના, વાગે ભડાકા ભારી રે...
બાર બીજના ધણીને સમરું હાં. હાં.. હાં…
બાર બીજના ધણીને સમરું નકળંગ નેજાધારી. ભજનના વાગે…

હાં... હાં... હાં... કરીને પોઢાડે જગત આખાને અને જગાડે જાતને. એકતારાની ગુંજ ફરી વળે આખા વાસ ઉપર. લોક મીઠી નિદ્રામાં હોય ત્યારે દાનો પોતાની રીતે અલખને આરાધે. નહીં કોઈ કર્મકાંડ કે નહીં કોઈ સાદ પુરાવવાવાળું. એ પછી આવે ચમારવાસ. એનો નાયક ઉકો. બેય ગાલે ઊંડા ખાડા પણ પૂરો પાંચ હાથ ઊંચો. ઢીંચણમાંથી ઘસાઈ ગયેલું પોતડું પહેરે. મૂઉં ઢોર જે આપે તે બધું ખપે. આખો દિવસ ચામડાં હાર્યે બથોડા લેવાના. આકડાનું દૂધ ચોપડી ચોપડીને ચામડા પરના વાળ ઉતારે. પાકી મજૂરી કરે ને ચામડું પકવે-કમાવે. કૂંડમાં પલાળેલું ચામડું, બાવળની છાલ અને મીંઢીઆવળ ભેગાં થઈને આખા વાસને ચારે કોરથી ગંધના ભરડામાં લઈ લે. ગંધ એવી ને એટલી તીવ્ર કે જુદારો ઊભો થાય આપોઆપ. રામજી મોચી બનાવે એવાં કુરુમનાં કુંણાં નહીં, પણ ખપ લાગે એવાં ચંપલ કે ખાસડાં બનાવી લે પોતાની મેળે. વાસના બીજા લોકોને પણ બનાવી આપે. ચંપલમાં આડા પટ્ટા તો ખરા પણ પાછળ પાનીને પકડી રાખે એવી પટ્ટી પણ કરે એટલે ચાલવામાં સરળતા રહે ને પટપટ અવાજ ન આવે! ઉકાની નવીવહુ જ્યારે જુઓ ત્યારે સીમમાં જ હોય, એનું મુખ્ય કામ બાવળિયા કાપી કાપીને ભારા ઘરે લાવવાનું. ઘરની વંડીના ટેકે ભારા ઊભા કરીને મેલે. ભારાની બખોલમાં કૂતરી વિયાઈ હોય તો યાદ કરીને રોટલો નીરે. છેલ્લે આવે ભંગીવાસ. એનો નાયક ભૂરો. ચામડી યુરોપિયન જેવી, એટલે એનું નામ પડ્યું હશે કે નામ પડયું એટલે સત્ રાખવા ભૂરો થઈ ગયો હશે એની ખબર કોઈનેય પડી નથી. હાથમાં ધારિયું લઈને ઊભો હોય તો અસલ રજપૂત જ લાગે! લોકવાયકા એવી કે એની મા બહુ રૂપાળી હતી. ભૂરાની પડાળીમાં ચાર-પાંચ ઢોલ તો લટકતા જ હોય. દરેકની દાંડી જુદી. કોઈ થોડી આગળથી વળેલી તો કોઈ વળી સાવ સીધી. દાંડી જે તે ઢોલની દોરીમાં ભરાવેલી હોય જ. કોઈને ત્યાં સારો પ્રસંગ હોય તો ઢોલ વગાડવા જાય. છોકરાએ સાથે લીધેલો એક ઢોલ ઊભો મૂકે, એના ઉપર ઘરધણી સિક્કો કે રૂપિયાની નોટ મૂકે. ભૂરો એ ઢોલ ઉપર પોતાની તાકાત હોય એટલી વાપરીને ઢોલ ઢીબે. ધ્રિબાંગ.. ધ્રિબાંગ અવાજની ધ્રુજારીથી નોટ કે સિક્કો નીચે પડે. લઈને ખિસ્સામાં મૂકી દે. ક્યારેક જાનૈયાઓ હાથે કરીને જમીન ઉપર નોટ મૂકે, ભૂરો ઢોલની, ‘લગન લગન ધિન્ ધિન્... લગન લગન ધિન્ ધિન્’ – ધ્રિબાંગનો તાલ તોડ્યા વિના છેક નીચે નમીને નોટ મોઢામાં લઈ લે. થોડીક ધૂળ મોઢામાં જાય તો પહેરણની બાંયથી આડા હાથે લૂછી લે. ક્યારેક રંગમાં આવી જાય તો ઢોલ વગાડતો વગાડતો ગોળ ફુદરડીયે ફરે. એ વખતે એની આંખો સ્થિર, જાણે ખીલા થઈ ગઈ! બે હોઠ વચ્ચે નોટ ભરાવી હોય, ચક્કર આવી જાય ત્યાં સુધી ભમરડો થઈ ફર્યા કરે. મોઢામાં નોટ અને ગોળ ફરતો ફરતો બધાંની સામે એવું જુએ કે ત્રાટક કરતો હોય એવું લાગે. ભૂરાની ને ટીટીની જુગલબંધી જામે. ટીટી ઢોલની હારોહાર્ય શરણાઈ વગાડે. માત્ર વગાડે નહીં, નાચે પણ ખરો. એના ફૂલેલા બે ગાલ અને ઊંડી છતાં બહાર આવવા મથતી આંખો ઉમંગ અને મસ્તી બંનેને પ્રગટ કરે. એનું સાચું નામ તો કોઈનેય ખબર નથી. કહેવાય છે કે ડાકલિયા રાવળ, ડાહ્યાની છોકરીનું સગપણ એની સાથે જોવાનું હતું ત્યારે આ બહાદૂરે એમ કહેલું કે પોતે રેલખાતામાં ટીટીમાસ્તર છે. તે બધાંએ એનું નામ જ ટીટી પાડી દીધું. લગન થઈ ગયાં પછી પણ ગામમાં જ રહી ગયો. ઘરજમાઈ થઈને જીવ્યો. જીવ્યો ત્યાં સુધી ગળું ફુલાવી ફુલાવીને શરણાઈ વગાડતો રહ્યો. લગ્નસરા ન હોય ત્યારેય ફૂંકને સાબદી રાખવા અમસ્થો અમસ્થો વગાડ્યા કરે. ક્યારેક લહેરમાં આવી જાય તો ભાંગતી રાતે ભૈરવીના સૂર પણ રેલાવે. ક્યારેક તો એમ લાગે કે એકલા એના સૂર નહીં, સમય પણ રડી રહ્યો છે. દરબારગઢનાં ડબાજાજરૂ ભૂરાને માથે. ભૂરિયો ખાલી ડબ્બો લઈને આવે. જાજરૂનાં પગથિયાં નીચેથી છલોછલ ભરેલો, ગંધ મારતો ડબ્બો ખેંચે. વાંકી કેડ્ય કરીને ઊં.. ચ.. કે, ખાલી ડબ્બામાં ખળળળ..... ખળ! અવાજ સાથે, વચ્ચે વચ્ચે કાળાં ગચિયાં સહિત સોનાવર્ણો મળ ઠાલવે. આખા નર્કલોકને ડોલાવે. માથે ચડાવે અને ડગુમગુ ચાલે નીકળે ત્યારે, જમુનાજીએ જેમ વસુદેવજીને મારગ કરી આપેલો એમ, કહેવાતી પવિતર ગતગંગા નાકે લુગડું દઈને એને પણ મારગ કરી આપે! ક્યારેક એના પહેરણ કે માથા ઉપર મળના લબદા પડે પણ એના ચહેરાની એકેય રેખા ન બદલાય. હિમાલયમાં જોગીઓ તપ કરતાં કરતાં મથીમથીને મરી ગયા તોય સ્થિતપ્રજ્ઞ ન થયા પણ આ ભૂરો એ કક્ષાને આંબી ગયો છે એમ લાગે! આડે દિવસે ગામની સાફસફાઈ કરે. ક્યાંક કોઈ કૂતરું કે ભૂંડ મરી ગયું હોય તો એના પગે કાથીની દોરી બાંધીને ઢસડી લઈ આવવાનું એના હાથમાં! ખળાંવાડ પાછળની ખાડ્યોમાં નાંખવા જાય ત્યારે દિશાએ ગયેલો કોઈ ઉભડિયો કહે કે હજી આગળ.... ભૂરા! થોડેક આગળ જા. બધાંનો એક જ અવાજ કે ભૂરો ખૂબ આગળ વધે...! રાત્રે ઘરે ઘરે જઈ બેય માણસ વાળુ ઉઘરાવી લાવે. એની ઘરવાળીની કેડ્યમાં પહોળા હાથે પકડેલું એક બકડિયું હોય, બકડિયામાં ટીનની એકાદ તપેલી, બે-ચાર મોટા વાટકા. બીજા હાથમાં આંકડિયાવાળું દુધિયું. આંકડિયાનો બીજો છેડો નાનકડી છોડીના હાથમાં. ભૂરા પાસે કૂતરાંને ભગાડવા સારુ બાવળનો સોટો ને એકાદું બીજું વાસણ. કોઈના ઘરેથી ખીચડી, તો ક્યાંકથી વાટકો દાળ. કોઈ ઘર ધરે રોટલો તો કોઈ વળી રીંગણાં-બટેટાંનું શાક આપી માલામાલ કરે. લીલોતરી શાક તો ભાગ્યમાં હોય ત્યારે જ ભળાય. ક્યારેક વાસણના અભાવે દાળ ને કઢી તો શું બધુંય ભેગું ભરીને ગોતું કરી નાંખે. કેટલાક સાધુઓ સ્વાદ પરહરવા આવું કરતા હોય છે. ભૂરો વખાનો માર્યો સાધુપણું ભોગવે! વાળુમાં સત્તર જાતની વસ્તુઓ હોય તોય એની કુંડળીમાં પૂર્ણ ભોજનનો સ્વાદ નહીં. રંગે ને ગંધે બધુંય નોખનોખું તે એકેયનો મેળ નહીં. ઘરનાં બધાં ખાઈ લે પછી પોતે પહેલી ધારનો દેશી દારૂ ચડાવીને જે ખાવું હોય એ ખાઈને પડ્યો રહે ઘોડિયા જેવી ઢોયણીમાં, તે વહેલી પડે સવાર! ક્યારેક અડધી રાતે એની ઊંઘ ઊડી જાય તો વાદળોને સ્થિર ધારીને ચાંદાને દોડતો જોયા કરે! તોય ઊંઘ ન આવે તો વસ્તાર વધારવાનું કામ કરીને નિદ્રાદેવીને ખોળે ઘોંટી જાય. ઢળતી સાંજે, ઢેઢિયા કૂવે લૂગડાં ધોવાઈ જાય પછી દાનોભગત નહાવાનો વિચાર કરતો હતો ત્યાં એની નજર પડી. ગમ્ભાભાઈનાં દીકરી ખમાબાને તળાવે આવતાં જોયાં એટલે અચરજ તો થઈ, પણ હશે કંઈક કામ એમ ધારીને સાબુ ઘસતો રહ્યો. પરંતુ ખમાબાની ચાલ ઉપર એને શંકા ગઈ. હાથ થંભી ગયા. લૂગડાં મેલ્ય પડતાં ને જઈને હાથ જોડીને લાગલું પૂછ્યું: ‘બા! અટાણે ચ્યમ આંયા?’ ખમાબા મૂંઝાઈ ગયાં. થોડાં ગલ્લાતલ્લાં કર્યાં ને કહે કે— ‘મારું ઝાંઝર ખોવાઈ ગયું છે તે જોવા આવી છું.’ દાનાને દાળમાં કંઈક કાળું લાગ્યું. પ્રશ્ન પણ થયો કે જેની ડેલીએ પાણીનાં પીપડાનાં ગાડાં જતાં હોય એ દરબારની દીકરીનું ઝાંઝર આંય ક્યાંથી આવે? પણ બાને સીધું કંઈ થોડું જ પૂછાય? ગામધણીની દીકરી, એટલે આવ્યો હતો એમ પાછો કૂવે જતો રહ્યો. એ લૂગડાં ધોતો હતો પણ એની નજર તો ખમાબા ઉપર જ હતી. ખમાબા ધીમા પણ મક્કમ પગલે બોડિયા કૂવા તરફ આગળ વધી રહ્યાં હતાં. દાનાને કુદરતે જ સુઝાડ્યું, એણે હડી કાઢી પણ એ પહેલાં તો ખમાબાએ ધૂબકો મારી દીધો. ભ… ફ્ફાં... ગ અવાજ સાથે કૂવામાં પાણીની દેગ ચડી. દાનો એક પળનોય વિચાર કરવા ન રોકાયો ને તરત બીજો ધુબાકો થયો! એણે તો ઝાલી લીધા ખમાબાના વાળ ને એક હાથે બથ ભરીને લઈ આવ્યો સપાટી ઉપર! ખમાબા પાણી પી ગયાં હતાં. એટલી વારમાં તો બીજા બે-ચાર જણાય આવી ગયા. બધાએ ભેગાં થઈને દોરડું બાંધી બાને કાઢ્યાં બહાર. ખમાબાનું માથું નીચેની બાજુએ લટકતું રહે એમ ખભે નાંખીને દાનો લઈ આવ્યો દરબારગઢમાં! ખમાબા બચી ગયાં. ગમ્ભાનાં માને સહુ ગોહેલમા તરીકે ઓળખે. ગોહેલમા નાની ઉમરે વિધવા થયેલાં. સુરુભાબાપુને એરુ આભડી ગયેલો. ભાયાતુંની વચ્ચે રહીને એમણે ખેતી અને ડેલી બેય સંભાળેલાં. જાણે બત્રીશ દાંતની વચ્ચે જીભ! ગંભીરસિંહનો ઉછેર તો એવો કર્યો કે ગામ આખું એમ કહે કે સુરુભાનો બીજો અવતાર જ જોઈ લ્યો! ગોહેલમા કહે: ‘પાણી છાંટો ને દીકરીને કરો પવિતર!’ ખમાબા બોલ્યાં, ‘હું તો દાનાકાકાના ખંભે ચડી ત્યારે જ પવિતર થઈ ગઈ! હવે તો નવે અવતારે આવી છું!’ મરદને માથે બે બાચકાં જેવા ગમ્ભાનો તો જીવ જ ઊડી ગયો હતો. માને કહે ‘પગ પૂજો આ દાનિયાના, નહીંતર આજે નો થાવાની થઈને રે’ત! હું દુનિયાને મોઢું શું બતાવત? મારે તો જીવતેજીવ મરવા જેવું થાત ને?’ વખત જતાં દાનાએ ખાનગીખૂણેથી જાણી લીધું કે ખમાબાની મરજી મામાના દીકરા હાર્યે પરણવાની નહોતી ને ગોહેલમા કે બાપુને એ ના કહી શકતાં નહોતાં. એટલે કૂવો પૂરવાનું નક્કી કરેલું. દાનો તો સીધો જ પહોંચ્યો દરબારની ડેલીએ. ગમ્ભા હજી હમણાં જ ડેલીના ઓટલે આવીને બેઠા હતા. દાનો કહે, ‘અન્નદાતા! નાના મોઢે મોટી વાત, પણ બાની મરજી નો હોય તો મોહાળમાં નો દેશો. જિંદગી આખી પેટ ભરીને પસ્તાશો તોય ભેગું નહીં થાય!’ ગમ્ભા માણસ ઠાવકા. આધામાં બાધું સમજી ગયા. પછી તો વરસે બે વરસે ખમાબાનાં લગન લેવાયાં પણ હજી વાત બહાર પડી નહોતી. અંદર અંદર ઘરમેળે જ વહટી ચાલતી હતી. એક દિવસ સવારે દાનો પછેડીઓ લઈને દરબારગઢમાં આવ્યો. એની ત્રણ મહિનાની મહેનત હતી. વણાટકામ એવું કે પાણીનું તો પોટકુંજ બાંધી લ્યો! બાપુને કહે કે, ‘માથે શિયાળો આવે છે. આ ચોતારી પછેડીઓ બીજે તો ક્યાં વરે? પાછી આ વખતે તો રાતી કોરની બનાવી છે. વાંકો વળીને પોટલું છોડતાં છોડતાં કહે કે ‘શોલાપુરની ચાદરો આવે સે ને? ઈનેય બે આંટી મારે એવી થઈ છે ને હજી તો ખેળેય કાઢવાની બાકી સે. તમે લઈ લ્યો! દરબારગઢમાં શોભે એવું જામોકામી કામ કર્યું છે. પાછું વળીને જોવાપણું નંઈ…’ બાપુએ મૂલ પૂછ્યાં ને વાત પતી ગઈ. દરબારનો પસાયતો દૂદો પછેડીને છાંટ નાંખવા પાણી લેવા ગયો પણ એ પહેલાં તો દરબારે પછેડી હાથોહાથ જ લઈ લીધી. વધારામાં ગમ્ભાએ રમતરમતમાં જાણ્યું કે દાનાની દીકરી કંકુનાં લગન પણ ખમાબાની વાંહોવાંહ્ય આવે છે. મનમાં કંઈક ધારી લીધું હોય એમ હળવો ખોંખારો ખાધો ને દાનાને પછેડીના રૂપિયા ગણી દીધા. માગશરમાં ખમાબાના ઢોલ વાગ્યા. ‘હાલ્ય ઘોડી હેબતપર!’ જેવું જ થયું. હેબતપર એટલે ગમ્ભાની હાર્યે રાજકુમાર કોલેજમાં ભણતા વીરભદ્રસિંહનું ગામ. વિરભદ્રસિંહ એક વાર મોટર લઈને આવી ચડ્યા ને કુદરતને કરવું ને અઠવાડિયામાં તો બધું થાળે પડી ગયું. વીરભદ્રસિંહના મોટા દીકરા મનોહરસિંહને ખમાબા ગમી ગયાં. તરત સગપણ નક્કી થયું. ખમાબા ખુશ ખુશ. જમાઈરાજ સિવિલ એન્જિનિયર. સોલંકી એન્ડ કંપનીની સાથે રહીને સરકારી કોન્ટ્રાક્ટ રાખે. તાલુકાપ્રમુખ ને ધારાસભ્ય ને બધા ઓવરસીયરો હાર્યે રાખરખાવટ સારી એટલે કમાઈ આડે નવરા ન પડે. આ બાજુ ખમાબાનું ખાંડું આવ્યું ને ગમ્ભાને ચટપટી થઈ. રંગેચંગે પ્રસંગ ઉકેલ્યો. ગામ ધૂમાડાબંધ જમ્યું. દીકરીને આશીર્વાદ આપવા આવેલા કરુણાશંકર સાથે ગમ્ભાએ ખૂણામાં જઈને કોઈ વાતે સલાહ માગી. માસ્તરે હકારમાં માથું ધુણાવ્યું. કોઈને ખ્યાલ ન આવ્યો કે શું વાત થઈ હશે! બધું આટોપીને દરબારે દૂદાને કીધું કે દાનો આની કોર્યથી નીકળે તો બોલાવી લેજે. કલાકમાં તો દાનોભગત આવીને હાથ જોડી ઊભો રહ્યો ડેલીએ. ‘બાપુ કંઈ કામકાજ? મને શીદ સંભાર્યો?’ ગમ્ભાબાપુ નીચી નજરે જ બોલ્યા, ‘દાના આપડી દીકરીનું શું નામ?’ દાનો કંઈ સમજ્યો નહીં. કહે કે, ‘ખમાબા!’ ‘અરે! ખમાબા નહીં, તારી દીકરીનું પૂછું છું....’ ‘કંકુ.. બાપુ!’ ‘તે... ઈ... કંકુનાં લગન ચ્યારે લેવાનાં છે?’ ‘માંમૈનામાં બાપુ.’ બાપુનો હળવો ખોંખારો ને દૂદાની સામે નજર મંડાઈ. તરત જ દૂદો ડેલીની માંહ્યલી પા પગ કરી ગયો. પાઘડી સરખી કરતાં કરતાં બાપુ બોલ્યા: ‘જો દાના તારી દીકરી ઈ અમારી દીકરી. કંકુને તારે નકરું કંકુ જ દેવાનું છે. બાકીનું બધું ડેલીએથી પોગી જાશે. તારે કોઈ વાતે ફકર્ય કરવાની નંઈ. તું તારે આખા વાહને ખવરાવજે બે પેટ કરીને! નાકની ચૂંકથી માંડીને હારલોવારલો... જે હોય ઈ... નખથી સર સુધીનો પૂરો કરિયાવર દરબારગઢમાંથી મોકલી આપશું. પણ એટલું યાદ રાખજે કે આ વાત બીજા કાને જાવી નો જોવ્વે! કોઈ વાતે કસર નો રાખતો! તારે તો એક જ સોડી સે ને? આપડે ચ્યાં વારે વારે…’ બાપુને ડૂમો ભરાવા જેવું થયું ને આગળ એક પણ શબ્દ બોલી ન શક્યા. ‘ધનઘડી ધનભાયગ... તમારાં રાજ અમ્મર તપો. મારી ચામડીનાં જોડાં કરીન પે’રાવું તોય ઓસું પડે... પણ અન્નદાતા ચ્યાં અમારું વરણ ને...’ દાનાએ ફાળિયાના છેડાથી પરસેવો લૂછ્યો! બાપુ કહે, ‘શક્તમાની આંણ્ય... જો આગળ કંઈ લવો વાળ્ય તો.. ખમાબાને બીજી બે’ન હોત તો અમે શું કરત?’ કંઈક ફફડાટ થયો ને બાપુએ નજર ઊંચી કરી તો ડેલીના પીઢડામાં ચકલીના માળા હતા, એમાંથી એક ચકલી ફ... ર્ર... ૨... ૨ કરતી ડેલીની બહાર ઊડી ગઈ…!

***