સોનાની દ્વારિકા/સત્તાવીસ

સત્તાવીસ

વહેલી સવારે જિતુ નાહીને નીકળ્યો ત્યારે માએ ગરમાગરમ બે ભાખરી, કેરીનો છૂંદો અને દૂધ તૈયાર રાખ્યાં હતાં. નીકળતી વખતે જિતુ પિતાના ફોટાને અને માને પગે લાગ્યો. મા એકદમ ગળગળી થઈ ગઈ. ‘બેટા! ભવિષ્યની મુઠ્ઠીમાં સુ હશ્યે ઈ આપડે જાણતાં નથી, મારો નાથ જે કરે ઈ ખરું! પણ એટલ્યું માનજે કે તારા બાપની જેમ રૂપિયા વાંહે ગાંડો નો થાતો... કદાચ સે ને ઈ પૈસાવાળાની સોડી હોય તો આપડે નો પોગી હકાય... ગમે એટલું કરીયે ને તોય આપડે ઈમની નજરમાં ઊતરતાં એટલ્યે ઊતરતાં જ.... બધું મેલી દઈએ પણ સ્વમાન ન ખોઈએ! હમુંહરખું ને ભળતું હોય તો જ આપડે ખપનું!’ એમ કહીને જિતુને વિદાય આપી. બત્તીના અજવાળે શેરીના છેડા સુધી, જિતુની પીઠ દેખાણી ત્યાં સુધી મા જોતી રહી… ચાલવાની અદા તો અસલ એના બાપની... એ આમ જ ચાલતા જરાક ડોકી નમાવીને હાથ ઉલાળતા... બસસ્ટેન્ડમાં માંડ બે-પાંચ માણસો હતાં. ચાવાળો અબ્દુલ ભખભખિયા પ્રાયમસ ઉપર ચા ઉકાળી રહ્યો હતો. નીરવ શાંતિમાં પ્રાયમસ સિવાયનો કોઈ અવાજ સંભળાતો નહોતો. ઉકળતી ચાની વરાળ ઊંચે તરફ જતી અને અવકાશમાં વિલીન થઈ જતી હતી. હજી બસને વાર હતી. માથે પોટલાં લઈને એક આખો પરિવાર આવ્યો. એક છોકરો બાપની આંગળિયે, છોકરી માની આંગળિયે અને એક વધારાનું માની કેડ્યમાં. પતિપત્ની બંનેનાં ખાસડાંએ ખળભળાટ મચાવી દીધો. સાક્ષાત દરિદ્રતા જાણે પરિવાર સાથે ફરવા નીકળી હતી. બધાં એક બાંકડા ઉપર ઠલવાયાં. માએ કેડ્યમાં હતો એને છાતીએ વળગાડ્યો. બાપ બીડી જેગવવા જરા આઘો ગયો. એક ખસૂડિયું કંઈક ખાવા મળશે એવી આશાએ આવીને બેઠેલી સ્ત્રીના પગ સૂંઘવા લાગ્યું. સ્ત્રીએ બાળકને ધવરાવતાં ધવરાવતાં જ પોટલામાં હાથ નાંખીને રોટલાની ફડશ કાઢી. જરા દૂર જાય એમ ઘા કર્યો. ખસૂડિયું ત્વરાથી એ બાજુ દોડી ગયું. ખચળ... ખચળ… અવાજ સાથે એ રોટલો ખાઈ ગયું. કંઈ પડ્યું તો નથી રહ્યું ને એની ખાતરી કરવા છેલ્લે મોઢું આમતેમ ફેરવીને જમીન સૂંઘી લીધી. પાછું પેલી બાઈ પાસે આવીને દયામણી નજરે જોવા લાગ્યું. બાઈએ છોકરાને જમણી બાજુએથી ફેરવીને ડાબી બાજુએ વળગાડ્યું અને જમણો હાથ ઊંચો કરીને કૂતરાને જતા રહેવાનો ઈશારો કર્યો. કૂતરું તરત જ ચાલતું થયું અને ગઈ કાલની ચાની ભૂકી ખાતા ગધેડા પાસે જઈને ઊભું રહ્યું. અબ્દુલે પહેલો ઘાણ ગાળ્યો. એલ્યૂમિનિયમના નાના પવાલામાં થોડી ચા કાઢી. જરા દૂર જઈને એ ચા જાણે કોઈની રકાબીમાં રેડતો હોય એમ ધીરે રહીને જમીન પર ઢોળી. આંગળીમાં પવાલાનો આંકડિયો ભરાવીને બે હાથ ઊંચા કર્યાં. જરા ઊંચે જોયું ને પાછો લારીએ આવી ગયો. જોયું તો બે ઘરાક ઊભા હતા. એમાંનો એક તો જિતુ. જિતુએ અડધી ચા પીધી ત્યાં અચાનક આવીને કોઈએ એની પીઠ હાથ મૂક્યો અને પાછળથી જ બે હાથ આગળ લાવીને બાથ ભરી લીધી. શમ્મીએ હાથ ઓળખ્યા. એ હતો નીતિન! ‘સાલ્લા! ભાભીને મળવા જા છો ને મને કહેતોય નથી? તું સમજે શું તારા મનમાં?’ ‘પણ... તને ક્યાંથી ખબર...? ‘પડી’ એવો શબ્દ અંદર જ રહી ગયો. ‘તું સાલ્લા... મને ભાઈબંધને અંધારામાં રાખીને પૈણવા જા ને મને ખબર નો પડે?’ ‘પણ, હું તને આવીને બધી વાત કરવાનો જ હતો. ને હું ક્યાં પૈણવા...? હજી તો ખાલી મળવા જ...’ ‘મને દુ:ખ એ વાતનું છે કે તેં મને નોખો ગણ્યો....? ઈ તો તું નીકળ્યો ને વાંહોવાંહ્ય માસી મારા ઘરે આવ્યાં ને બધી વાત કરી. હું તો તરત જ સાઈકલ લઈને નાઠો...’ નીતિને ખિસ્સામાં હાથ નાંખ્યો ને મોટી ફાફડા જેવી સોની નોટ શમ્મીના હાથમાં મૂકી દીધી. શમ્મી એક ક્ષણ ગળગળો થઈ ગયો. એને ઢીલો પડેલો જોઈને નીતિને એના વાંસામાં ધબ્બો માર્યો અને કહે— ‘હારું ઈ કે મારે આવવાની જરૂર છે? તું કહેતો હોય તો આ પેર્યે લૂગડે બસમાં બેસી જઉં તારી ભેગો...’ ‘ના.. ના.. એવી કંઈ જરૂર નથી. રાતે આવીને હું મળીશ ને બધી વાત કરીશ. પણ, સાંભળ! અત્યારે મને પૈસાની કંઈ જરૂર નથી.... આ નોટ પાછી લઈ લે! પછી જોશે તો તારી પાંહે જ માગીશ ને?’ નીતિને ફરી એક વાર ખિસ્સામાં હાથ નાંખ્યો ને રોકડો રૂપિયો કાઢ્યો. કહે કે- ‘હવે એકસો એક થયા! શુકનના... હવે ઈ તો કહે કે ભાભી કેવી છે? શર્મિલા ટાગોર જેવી કે સાયરાબાનુ જેવી?’ ‘હું જઈને જોઉં પછી ખબર પડે...!’ દૂરથી બસ ચાલુ થવાનો ઘરરર ઘરરર અવાજ આવ્યો. બસસ્ટેન્ડના પાછળના ભાગમાંથી શરૂ થયેલી ઘરઘરાટી ઝીણી લાઈટો સાથે નજીક આવી. કંડકટરે આખું બસસ્ટેન્ડ જાગી જાય એવી વ્હિસલ મારી મારીને બસને રિવર્સ લેવડાવી. ધડામ્ કરતું બારણું ખોલ્યું. એનો ‘અમદાવાદ... અમદાવાદ એવો અવાજ ચારેકોર ગૂંજી રહ્યો. બંને ભાઈબંધ ભેટ્યા ને છુટ્ટા પડ્યા. જિતુ બસમાં ચડ્યો ત્યારે ડ્રાયવર પોતાની સીટમાં જ બેઠો બેઠો લાંબો થઈને અમદાવાદનું બોર્ડ લગાવી રહ્યો હતો. બોર્ડ લગાવીને એ એમનું એમ એન્જિન ચાલુ રાખીને જ નીચે ઊતરી ગયો. બારણું પણ ખુલ્લું રહી ગયું... અબ્દુલ પાસે ઊભેલા કંડકટર પાસે પહોંચી ગયો. બસમાં એકદમ સવારની શાંતિ હતી. જેમ જેમ પેસેન્જરો આવતાં ગયાં એમ એમ ખડબડ વધતી ચાલી. ક્યાંક બેગ મૂકવાનો, કોઈનો શ્વાસ લેવાનો, કોઈનાં પગરખાંનો, કોઈની લાકડીનો એમ જાતભાતના અવાજો આવતા રહ્યા. આવનાર દરેકની ગંધ જુદી. માણસ આવે, ચારેકોર બાજની જેમ નજર ફેરવે, પછી એક જગ્યા નક્કી કરે અને ગોઠવાય. આમ કરતાં કરતાં તો આખી બસ થોડી વારમાં જ ભરાઈ ગઈ. એક માણસ આવ્યો એના માથે કેળાનો ટોપલો હતો. એણે છેલ્લી સીટ પાસે ટોપલો મૂક્યો ને આખી બસમાં કેળાની સુગંધ ફરી વળી. જિતુએ બારીમાંથી બહાર જોયું. કંડકટરે ચાની રકાબી લારી ઉપર મૂકી અને ડાબો હાથ લાંબો કરીને ઘડિયાળ જોઈ. બંને ખાખી ડગલા બસમાં પોતપોતાની જગ્યાએ ગોઠવાયા. બે ઘંટડી અને ઘરઘરાટી બસસ્ટેન્ડની બહાર નીકળી. બસસ્ટેન્ડના ઝાંપા પાસે નીતિન હજી ઊભો હતો. એણે જિતુને હાથ હલાવી આવજે કહ્યું... હજી સૂર્યોદય થયો નહોતો. વાતાવરણમાં ગુલાબી ઠંડી હતી. પૂર્વાકાશમાં દૂર એક તારો ઝાંખો ઝાંખો દેખાતો હતો. જિતુએ સુમિત્રાના ચહેરાની કલ્પના કરવા માંડી પણ કંઈ ગડ ન બેઠી. એનું દિલ જોરથી ધડકવા લાગ્યું. એક ક્ષણ વિચાર આવ્યો કે આવશે તો ખરીને? વળી થયું કે આવશે જ ને? કેમ નહીં આવે? મારા પ્રેમમાં કોઈ ખોટાપણું નથી તો એણે આવવું જ પડશે! વિચારો ને વિચારોમાં વઢવાણ આવ્યું. બસ ઊભી રહી. જિતુ જે બારી પાસે બેઠો હતો ત્યાં બહારથી એક થેલી ઊંચી થઈ. એણે નીચે જોયું તો એક બહેન કહેતાં હતાં કે- ‘લઈ લો ને, મારો ભાઈ કરું! ચ્યાંક થોડીક જઈગા હોય તો મારા હાટુ મગન રાખો ને!’ જિતુએ હાથ લંબાવીને થેલી લઈ લીધી અને પોતાની બાજુની જગ્યાએ મૂકી દીધી. ત્યાં તો એક નાનકડી પતરાની બેગ! એ પણ લઈ લીધી અને ઊભા થઈને છાજલીમાં મૂકી દીધી. હજી બેસવા જાય ત્યાં તો નાનું એવું ટેણિયું! હસીને સંભાળપૂર્વક તેડીને અંદર લઈ લીધું અને બાજુમાં બેસાડ્યું. જિતુને રમૂજ સૂઝી. નીચે જોયું તો પેલી સ્ત્રી ઊભી હતી. જિતુએ બેય હાથ બારીમાંથી બહાર કાઢ્યા અને આંગળીઓથી જ કહ્યું કે તમેય આ બારીમાંથી જ આવી જાવ! પેલી સ્ત્રી હસી પડી અને દોડતી, બસના બારણા પાસે આવી. થોડી વારમાં એ આવીને જિતુની બાજુમાં બેસી ગઈ. છોકરાને ખોળામાં લીધું અને આભારની નજરે જોઈ રહી. પળ વાર જિતુને થયું કે એ પોતાનો ભવિષ્યકાળ જોઈ રહ્યો છે કે શું? બસ કરતાંય જિતુના મનની ઝડપ વધારે હતી. હજી તો લખતર, વિઠ્ઠલગઢ, વીરમગામ, સાણંદ... એ વિચારે ચડી ગયો : મા આમ તો રાજી હતી. પણ એ એવી છે કે મારી પસંદગીથી રાજી નહીં હોય, તોય આખી જિંદગી વેઠી લેશે. મનમાં ને મનમાં શોષાતી રહેશે. પોતાની ઈચ્છા ક્યારેય પ્રગટ થવા નહીં દે. હવે એને દુઃખનો ડર રહ્યો નથી. હા, જિતુ પાસે એવી આશા ખરી કે મોત આવે ત્યાં સુધી શાંતિથી જીવી શકે. એટલે જ એને થયું કે પોતાની અને સુમિત્રાની જવાબદારી ઘણી મોટી છે. પોતે મનમાં ગાંઠ વાળી કે પોતે કોઈ પણ ભોગેય માની આંતરડીને કકળવા નહીં દે… માનો વિચાર કરતાં કરતાં જ એને ભરતમામા યાદ આવ્યા. એ જાણશે તો શું કહેશે? ભરતમામાએ માને કહી રાખેલું કે- ‘જિતુ હાટન એક સારી કન્યા જોઈ રાખી છે. વખત આવશે તાંણે કહીશ... પણ ઈના બારામાં બોન તમારે ચંત્યા કરવાની નથી...’ કદાચ એમના મનમાં મામીની બહેનની દીકરી માયા હોય! બી. એ. ના છેલ્લા વર્ષની પરીક્ષા આપવા આવી ત્યારે મામીએ એને આપડે ત્યાં ઉતારેલી. હવે વાતની ગડ બેઠી કે મામીના મનમાં તો આ વાત બહુ પેલ્લેથી જ ગોઠવાયેલી! માયા સળંગ એક અઠવાડિયું રહી હતી. માને તો કંઈ વાંધા જેવું નહીં હોય. પણ એ મારું મન વાંચી ગઈ હશે કે ગમે તેમ પણ મને એનામાં રસ નથી એની જાણ થઈ ગયેલી. મામા જ્યાં સુધી મોઢે ચડીને ન કહે ત્યાં સુધી શું કામ મગનું નામ મરી પાડવું? એમ વિચારીને મૂંગી રહેલી.. જિતુએ બારી બહાર જોયું તો આકાશમાં બે સફેદ વાદળીઓ તરી રહી હતી. બંને વચ્ચે થોડુંક અંતર દેખાતું હતું, પણ આકાર એવો કે નજીક આવી જાય તો ખબર ન પડે કે આ બંને અલગ હતી. એણે બંને વાદળીની ધાર ખૂણા અને આકારને મેળવવાની મનોમન કોશિશ કરી. વળી વિચાર આવ્યો કે કદાચ એકમાંથી જ બે નહીં થઈ હોય એની શી ખાતરી? અને મગજમાં ગીત આવ્યું : ‘દિવાના હૂઆ બાદલ...!’ સુમિત્રાએ એક વાર કહેલું : ‘જિતુ તું ગીતો ગાય છે એ માત્ર નકલ નથી. એમાં તારા મનનો ભાવ પણ ભળે છે ને? એ મને ગમે છે.’ એકબીજાંને ખબરેય ન પડે એમ બંને ગીતોને નિમિત્તે જિંદગીનાં ને પ્રેમનાં ઉખાણાં ઉકેલવા લાગેલાં. આજે સુમિત્રા મળવાની હતી. જિતુના શરીરમાં લોહી બમણા વેગે દોડવા લાગ્યું. પોતે સુમિત્રાને ગમશે કે નહીં ગમે એવી શંકા તો એના મનમાં હતી જ નહીં, કેમકે એને પોતાના વ્યક્તિત્વનો અંદાજ હતો. તો સામે પક્ષે સુમિત્રાની વાતોને કારણે પગથી માથા સુધીનો વિશ્વાસ હતો. એક વાત એવી હતી જે સુમિત્રાએ કહેવાની બાકી રાખી હતી. ફોન પર બંને એકદમ રોમેન્ટિક મૂડમાં હતાં ને ગીતોની ધડબડાટી ચાલતી હતી એને રોકીને એકદમ જિતુએ એને પૂછેલું : ‘સુમી! તારા જીવનની એવી કઈ વાત છે કે જે તારા સિવાય તેં કોઈનેય ન કહી હોય? એ તું મને આજે કહે…’ ‘ના. એક વાત છે તું ચોંકી ઊઠે એવી… પણ એ તો હું તને રૂબરૂમાં જ તારો હાથ હાથમાં લઈને પછી જ કહીશ. આમ તો હું જિંદગી આખી તને એ વાત ન કહું તોય કશો ફરક પડવાનો નથી, પણ મારે તારી આગળ કોઈ પડદો ન જોઈએ… હું મારા મનને પણ નિરાવૃત્ત કરવા માંગુ છું!’ અને જિતુએ જિદ છોડી દીધી હતી. બસ એક આંચકા સાથે ઊભી રહી અને ખ્યાલ આવ્યો કે વીરમગામ આવી ગયું! જિતુ સીટ ઉપર પોતાનું કાળું પાકીટ મૂકીને પેલી બહેનને ભળામણ કરીને નીચે ઊતર્યો. બહારની ખુલ્લી હવા શ્વાસમાં ભરી મૂતરડી બાજુ ગયો. લાઈન મોટી હતી. ભયંકર ગંધ સામે એ માથું ખજવાળતો ઊભો રહ્યો. એણે જોયું કે એની આગળ જ કંડકટર ઊભો છે એટલે ઉતાવળ કરવાનું કોઈ કારણ નહોતું. પાછો આવ્યો ત્યારે બિસ્કિટનું એક પડીકું લેતો આવ્યો. દડબડ દડબડ કરતાં પેસેન્જરો પાછાં હતાં એમ ગોઠવાયાં. ઊભેલા માણસો અને વચ્ચેની જગ્યામાં પડેલો સામાન જિતુને એની જગ્યાએ જવા દેતો નહોતો. કોથળા ઉપર હળવેથી પગ મૂકી મૂકીને માંડ એની જગ્યાએ પહોંચ્યો. એના હાથમાં રહેલા બિસ્કિટના પડીકાને પેલી સ્ત્રીનું બાળક જોઈ રહ્યું હતું. એણે તરત જ એના હાથમાં મૂકી દીધું. બાળકે લઈ પણ લીધું. પેલી સ્ત્રીએ બાળકના વાંસામાં ગુંબો માર્યો! ‘મારા રોયા! આમ તે કંઈ લઈ લેવાય?’ એવો એનો ભાવ વાંચીને જિતુ એટલું જ બોલ્યો કે- ‘હું તો એના માટે જ લાવ્યો’તો!’ જિતુના મોઢા પરનું હાસ્ય જોઈને પછી એ સ્ત્રી કશું બોલી નહીં. એણે હળવે રહીને પેકેટ તોડ્યું. બાળક એક પછી એક બિસ્કિટ ક્યાંય સુધી ખાતું રહ્યું. ઘણી વાર પછી બસ ઊપડી. જિતુની ચટપટી વધતી ચાલી. એક તબક્કે તો એમ થયું કે હવે સુમી વિશે વિચારો ન કરવા. હમણાં મળવાની જ છે તો પછી... પણ તોય દર બીજી મિનિટે સુમી ઝબકી જતી. થોડી થોડી વારે એનો અવાજ સંભળાય. આજે તો હેડફોન વિનાનો એનો અવાજ… જિતુ સુમી અંગે પાછો કલ્પનાના તરંગે ચડ્યો. આમ તો એણે કહી જ દીધું હતું કે— ‘પોતે આવશે આવશે ને આવશે જ. એક સો ને દસ ટકા આવશે!’ એટલે સુમીની વાત પર વિશ્વાસ ન કરવા જેવું કંઈ હતું નહીં. પણ, તોય એને થયું કે કોઈ કારણસર ન આવે તો? એ તો- ની કલ્પના જિતુ ન કરી શક્યો. પોતાની જાતને સુમી વિનાની કલ્પવી અઘરી હતી. ભગવાનને મનોમન પ્રાર્થના કરતો રહ્યો કે કંઈ અણધાર્યું ન બને તો સારું! છેવટે પાલડી આવ્યું. લગભગ અડધા ઉપરની બસ ખાલી થઈ ગઈ. જિતુ ઊતર્યો. સામે હનુમાનજીના મંદિર પાસે જ એક બાઈ ફૂલનો ખૂમચો લઈને બેઠી હતી. એની પાસેથી એણે એક ગુલાબ માંગ્યું. ‘લઈ લો ને જે ગમે ઈ...’ જિતુએ અધઊઘડેલી કળી જેવું મોટું લાલ ગુલાબ લીધું. પૈસા આપવા હાથ ખિસ્સામાં નાંખ્યો અને પૂછ્યું કે તરત બાઈ બોલી : ‘ઈ એકના તો પૈસાય શું લેવા? આલો ન જે આલવું હોય ઈ...’ તોય જિતુએ એને ચાર આના આપ્યા. બાઈ ખુશ થઈ ગઈ... ઘડિયાળમાં જોયું તો સાડા દસ થઈ ગયા હતા. એણે રિક્ષા કરી. આશ્રમરોડ પર દોડતી એની રિક્ષાએ નહેરુબ્રિજ બાજુ વળાંક લીધો અને જમણી બાજુએથી એક છોકરી વેસ્પા લઈને આગળપાછળ કશું જ જોયા વિના સડસડાટ નીકળી ગઈ! રિક્ષાવાળાએ મણ એકની ગાળ જોખી! પછી હળવેથી કહે— ‘પૈસાવાળાની છોકરિયો! સાલી કંઈ સમજે બી નહીં ને ખાલી ખાલી નેકરી પડે... આવાંઓને તો કસ્સું અલાવાય જ નંઈ...!’ જિતુના ધબકારા વધી ગયા. એ સુમી તો નહીં હોય? ઝડપથી આવવાની ઉતાવળમાં કોઈનું સ્કૂટર તો નહીં લઈ આવી હોય? વળી વિચાર આવ્યો કે એને સ્કૂટર ચલાવતાંય આવડે છે એવી કોઈ વાત થઈ નથી! નહેરુબ્રિજના છેડે, રૂપાલી સિનેમાના બસસ્ટેન્ડ પાસે રિક્ષા ઊભી રહી. ફટાફટ પૈસા આપીને જિતુએ પગ ઉપાડ્યા. એની નજર બધાં પગથિયે ચડઊતર કરી વળી, પણ કોઈ દેખાયું નહીં. ખાખી કપડાંવાળો એક મૂચ્છડ લાલો હાથમાં ધોકો લઈને ઊભો હતો. બાજુમાં કેસેટના અને પાનના ગલ્લા ઉપર એકબે માણસો ઊભા હતા. હજી અગિયારમાં પાંચસાત મિનિટ બાકી હતી. જિતુની હાંફળીફાંફળી નજર વારેવારે ઘડિયાળ પર જતી હતી, પણ કાંટા જાણે ચોંટી ગયા હતા. મેટેની શોની ટિકિટબારી હજી ખૂલી નહોતી. પાંચદસ રસિયા લોકો ટિકિટની રાહમાં આમતેમ આમતેમ થયા કરતા હતા. જિતુની નજર પગથિયાં પરથી હટતી નહોતી. એનાં મન અને શરીરની તીવ્રતા એટલી બધી વધી ગઈ હતી કે એ ઊંચાં ઊંચાં પગથિયાં જાણે કે એની સાથોસાથ શ્વાસ લેતાં હોય એવું લાગ્યું. એક હાથ પેન્ટના ખિસ્સામાં મૂકેલા ગુલાબ પર અને બીજા હાથમાં ઑફિસનુ કાળું પાકીટ! જિતુ ઊભો હતો… એના પગ સ્થિર નહોતા. એટલામાં ને એટલામાં તો જાણે એ માઈલો દૂર ફરી આવ્યો! અચાનક એક સુગંધે એને ઘેરી લીધો. સફેદ પોતમાં લાલ રંગનાં ઝીણાં ઝીણાં ગુલાબોવાળી સાડીમાં રહેલી એ સુગંધ ધીરે ધીરે રૂપાલીના પગથિયાં ચડવા માંડી. એક, બે, ત્રણ... અને સાતમે પગથિયે પગ રે જ્યાં દીધો! જિતુએ હડી કાઢી. સુમિત્રાના પગ છબે ન છબે ત્યાં તો એક. અને બે ઠેકડામાં જિતુ ત્યાં! કોઈ ખાતરી કરવાની કે પ્રશ્ન પૂછવાની જરૂર ન રહી. આપોઆપ એના હાથ જાણે આકાશને બાથમાં ભરી લેવું હોય એમ પહોળા થઈ રહ્યા! પેલી સુગંધ પણ ક્યાંક સમાઈ જવા ઉતાવળી થઈ રહી હતી. ઊછળીને એ જિતુના હાથમાં સમાઈ ગઈ! આજુબાજુનાં લોકોને કંઈ ખબર પડે એ પહેલાં બંને હાથમાં હાથ નાંખીને પગથિયાં ઊતરવા લાગ્યાં....

***