સોરઠ, તારાં વહેતાં પાણી/૩. પહાડનું ધાવણ

૩. પહાડનું ધાવણ

જકડાયેલા બૂઢા સાથીએ પાછળથી અવાજ કર્યો: “સૂરગ, ગાડાંને ભેરવના નહેરામાં ઊતરવા દે, અધીરાઈ કરીશ મા.” જુવાન પસાયતાએ આ શિખામણ સાંભળીને પોતાનો વેગ ઓછો કર્યો. પણ ‘મામાની દીકરી’ને અને પોતાને પડી રહેલું અંતર તેનાથી સહેવાતુંનહોતું. આગળ ચાલ્યા જતા ગાડામાં સહુ ઝોલે ગયાં હતાં ત્યારે બ્રાહ્મણ અમલદાર અને એનો બાળ ભાણો જાગતા હતા. “તને ઊંઘ નથી આવતી, ભાણા?” “ના.” “કાં?” “વાતો સાંભળવી છે.” “શેની? દીપડાની ને દીપડા જેવા માણસોની?” “હા.” “અરે પસાયતા! શું તારું નામ?” અમલદારે હાક મારી. જવાબ ન મળ્યો. જોડાનો સંચાર પણ ન સાંભળ્યો. રોજની આદત બોલી ઊઠી: “ક્યાં મરી ગયા બેય જણ?” “હે-હે-હે — ખુટલ!” એવા સુરીલા શબ્દો સાથે એકતાલ કરીને ગાડાવાળો પોતાની જમણી બાજુના બળદનું પૂછડું, રાંઢવાને વળ ચડાવે તે રીતે, મરડી રહ્યો હતો. “એ હેઈ હેવાન!” અમલદારે ગાડાવાળાને પૂછ્યું: “પસાયતા ક્યાં રોકાઈ ગયા?” “કાંઈ સરત નથી રહી, સા’બ. કાં’ક કામ આવી પડ્યું હશે.” “શેનું કામ આંહીં મારગમાં? — અને આ અસૂરી વેળાએ?” “કાઠી છે ખરાને, સા’બ! એટલે પછેં મારગ, ને વળી અસૂરી વેળા — બેય વાતે ફાવતું આવે ને?” ગાડાવાળો ઠંડે કલેજે, પછવાડે જોયા વગર, બળદોનાં પૂછડાંને કૂણાં કરતો કરતો અરધું સ્પષ્ટ, અરધું અસ્પષ્ટ એવું કશુંક બોલ્યે જતો હતો. અમલદારે ગાડાવાળાનો કાન પકડ્યો અને જંક્શનનો ‘ફાયરમેન’ જે રીતે ‘ટર્ન-ટેબલ’ના સંચા પર એન્જિનને ફેરવે તે રીતે એનું માથું પોતાના તરફ ફેરવી ક્રોધમાં કહ્યું: “ગોટા શું વાળી રહ્યો છો, રોંચા? અડબોત ઠોકું?” પહાડ જેવા મોટા ખૂની ખૂંટડાને એક પાળેલ કુત્તાની પેઠે શાસનમાં રાખવાની હિંમત ધરાવનાર ખેડૂત પોતાથીય નીચા કદના આ માનવીની હાક પાસે મેંઢું બન્યો, બોલ્યો: “સા’બ, આ જગ્યા વંકી છે, પાંચ રૂપિયાના પગારમાં કાઠીને ન પરવડે. કોઈક અભાગિયું મુસાફર સામું મળ્યું હશે તેને ખંખેરતા હશે બેય જણા.” “શું? — શું, મોટાબાપુ?” ભાણો નવી વાર્તાનો મર્મ પકડવા આતુર બન્યો. “છાનોમાનો બેસ, છોકરા. આ લે — આ મારી કીરીચ સાચવ.” એટલું કહેતો અમલદાર ચાલતે ગાડે નીચે ઠેક્યો, ને એણે ગાડાની પછવાડે આંટો માર્યો. ગાડું તે વખતે ‘ભેરવનું નેરું’ નામની એક સાંકડી ઊંડી નદીનો ઢાળ ઊતરતું હતું. “હં-હં!” ગાડામાંથી મહીપતરામ જમાદારની પત્નીએ સસરાની અદબ સાચવતે સાચવતે બૂમ મારી: “તમે એકલા ક્યાં ચાલ્યા? નથી જવું. પાછા ગાડે ચડી જાઓ.” “લે — બેસ-બેસ હવે, વેવલી!” ગાડાની પાછળથી બેપરવા જવાબ મળ્યો. જુવાન પુત્રી હેબતાઈ ગઈ. તાજી સુવાવડી હતી, તેથી એની ચીસ વધુ દયાજનક હતી. “બાપુ! પાછા વળો. મારા—” “હત્ ગાંડી! મારી છોકરી કે?” ગાડા પાછળના દૂર-દૂર પડતા અવાજે પુત્રીને ‘સોગંદ’ શબ્દ પૂરો કરવા ન દીધો. એ બન્નેને હિંમત આપતા ડોસા ગાડામાંથી ઊતરવાનો પ્રયાસ કરતાં ફક્ત આટલું જ બોલ્યા: “વહુ, મહીપત તો મારો દીકરો છે, જાણો છો ને?” ત્યાં તો ભેરવના નેરાના સામા કાંઠાના ચડાવ પરથી એક કદાવર આદમી દોડતો આવ્યો, ને ઉપરાઉપરી હાકલા પડકારા કરવા લાગ્યો: “ખબરદાર. જોગાડું હલ્યુંચલ્યું છે તો ફૂંકી દઉં છું. કાઢો, ઝટ ઘરેણાં કાઢો: હો-હો-હો-હો...” ને એ હોકારાના સંખ્યાબંધ પડછંદા નેરાની ભેખડોના પોલાણે પોલાણમાંથી ઊઠ્યા, એટલે ત્યાં દસ-વીસ આદમીઓ હોવાનો ભાસ થયો, ને પાછલે કાંઠેથી બીજા વિશેષ મરદોનું જૂથ ચાલ્યું આવતું હોય તેવો પ્રભાવ પાડતી વિવિધસ્વરી હાકો સંભળાઈ. “ઓ — મારી બા!” કરતી એક ઝીણી ચીસે ગાડાના જાણે બે ટુકડા કરી નાખ્યા. ને ‘દીકરી! દીકરી!’ કરતી માતાએ એ કાળચીસ પાડનાર પુત્રીને ખોળામાં લપેટી. સામે ઊભેલા માણસના હાથમાં બંદૂક જેવું કશુંક હતું. એક રસીનો છેડો તાજા લોહીના ટીપા જેવો સળગતો હતો. “કોણ છે, કોણ છે, એ હેઈ!” એ અવાજ ભાણાનો હતો. ભાણો ગાડાવાળાની બાજુમાં ઊભો થઈ કીરીચ ખેંચતો ગયો. “હવે કોણના દીકરા! તારી માને કહે કે ઝટ દાગીના નાખી દે નીચે.” એટલું કહેતાં તો એ બોલનારના કંઠમાં પાછળથી ઓચિંતો કશીક રસીનો ગાળિયો પડ્યો, ને નીચેથી ખેંચાતા એ ગાળિયાને જોરે પહાડ જેવડા એ આદમીની ગરદન મયૂરાસનને પંથે પાછળ બંકી બની; ને એની કમર પર એક જોરાવર લાતનો પ્રહાર પડતાં એ લૂંટારાનું મયૂરાસન આગળ વધ્યું. રસી સખ્ત બનતી બનતી એના ગળાને પાપડના લોટના ગોરણાની પેઠે કાપવા લાગી હતી. “બેટા,” રસીને વધુવધુ ભીંસતો એ ઠીંગણો પુરુષ કહેતો હતો: “દાગીના તો અમારી બામણાંની પાસે બીજા શા હોય? તારા ગળાને શોભે તેવી માત્ર આ જનોઈ જ અમારો દાગીનો: લે, બેટા, પરણવા ચડ!” મહીપતરામ જનોઈને હંમેશાં શૌચાદિની સગવડ માટે ખભાને બદલે ગળામાં જ વીંટી રાખતા હતા, તેથી તે એને તત્કાલ કામ આવી ગઈ. “મોટાબાપુ! મોટાબાપુ!” ભાણાએ અવાજ ઓળખ્યો; એનો સ્વર હર્ષથી ફાટી ગયો: “મોટાબાપુ!” “કોણ — મહીપત!” બૂઢા નીચે કૂદ્યા. “રંગ! મેં કહ્યું નહોતું, વહુ, કે મહીપત કોનો દીકરો છે? મારો છે — મારો.” પડેલા જુવાનની છાતી પર મહીપતરામ ચડી બેઠા. ને પેલાના ગળા પર જનોઈ કસકસતી રાખી, એની બંદૂક ઝૂંટવી બોલ્યા: “જોઉં તારી.... ઓહો! રંગ! કરામત જબરી! બાપુ, જુઓ-જુઓ — આણે બંદૂક કેવી બનાવી છે તે.” “હવે, મહીપત!” બૂઢાએ કહ્યું: “તું શું જનોઈ વગરનો છો ને?” “હાસ્તો; જનોઈ બાપડી પિસ્તાળીશ વર્ષે આજ લેખે લાગી! ત્રાગડા બદલી-બદલી હું તો કંટાળ્યો હતો. પણ માતાજીએ ખરો જવાબ દીધો.” “તે ઋષિમુનિઓ કાંઈ ઓછા દીર્ધદૃષ્ટિ હશે, મહીપત? પણ, ભાઈ, હવે તું ઊઠતો નહિ; ને ઊઠવું હોય તો પછી બોલતો નહિ. તારે ગળે જનોઈ નથી તે પાપ લાગે — ખબર છે?” “તમારી કને બીજી છે, બાપુ?” “હા, લે કાઢી આપું.” એમ કહી ડોસા પોતાની જનોઈના જોટામાંથી એક જુદી પાડવા લાગ્યા, ને બોલતા ગયા: “આયે કેટલું ડહાપણનું કામ છે! બાયડીની જનોઈ પુરુષોને પહેરવાની ઠરાવી તેનો હેતુ પણ આ જ હશે ને?” ટૂંપાતો આદમી નીચે પડ્યો બોલવા પ્રયત્ન કરતો હતો: “હું હું — ઉં-ઉં પસાયતો.” “તું પસાયતો?” તારાઓના તેજમાં ઝીણી નજરે જોતાં લૂંટારો ઓળખાયો. અમલદાર નીચે ઊતરી ગયો. પેલાનો ટૂંપો કાઢી લીધો. એ અધમૂઆને ઊભો કર્યો, ને એક તમાચો ઠોકીને કહ્યું: “ધૂળ પડી આ ધિંગાણામાં; મેં તો ગર્વ કર્યો’તો કે કોઈક મીર માર્યો મેં આજ. હટ, બેવકૂફ!” પેલો હજુ ઊભો નહોતો રહી શકતો. એને ઉપાડીને ગાડાની ઊંધ ઉપર નાખ્યો, ગાડાનાં આડાં જોડે જકડી બાંધ્યો ને પછી ગાડું હંકાવ્યું. રસ્તે એ અધમૂઆને મહીપતરામ વાતો સંભળાવતા આવ્યા: “ગાંડિયા! તેં માન્યું કે તું કાઠિયાણીને ધાવ્યો છો ને મેં તો કોઈ ફૂવડ બામણીનું જ દૂધ પીધું છે! પણ, બચ્ચા, તું ને હું બેય, આ જો, આ પહાડને જ ધાવ્યા છીએ. તું ગીરને ધાવ્યો, તો હું ઈડરિયા ડુંગરને ધાવ્યો. નીકર ગુજરાત છોડીને આંહીં હું કાઠીઓને માથે જમાદારું કરવા ન આવ્યો હોત, દીકરા મારા! પહાડને ખોળે બામણ, કાઠી અને હીંગતોળ — એવા ભેદ નથી હોતા, હો કાઠીભાઈ!”