સોરઠી સંતવાણી/અમર આંબો


અમર આંબો

આંબો અમર છે રે, સંતો!
કોક ભોમને ભાવે રે. — આંબો.
ધરતી તપાસી ધરા ખેડાવો,
કામનાં કુંડાં કાઢો;
નિજનામનાં બીજ મગાવી,
વિગતેથી વવરાવો રે. — હો સંતો.
અકળ ધરાથી ઘડો મંગાવી,
હેતન હેલ્ય ભરાવો;
નૂતન સૂરત દોનું પાણીઆરી,
પ્રેમ કરીને પીવરાવો. — હો સંતો.
કાચા મોર તો ખરી જાશે,
ફૂલ ફળ પછી આવે;
હુકમદાર બંદા હાલે હજૂરમાં,
ખરી નીતસેં ખાવે. — હો સંતો.
કાચાં ભડદાં કામ નૈ આવે,
જીરવ્યા કેમ જીરવાશે;
ત્રણ ગુણનો ટોયો રખાવી,
જાળવો તો જળવાશે. — હો સંતો.
ધ્યાન સાબે ધરા તપાસી,
રવિસાબ તિયાં ભેળા;
દાસ મોરાર ગુરુ રવિને ચરણે,
વરતી લીધી વેળા. — રે સંતો.

[મોરાર]

અર્થ : ભક્તિરૂપી અમર-આંબો તો, હે સંતો! કોઈક કોઈક ભૂમિમાં જ ઊગી શકે છે, ગમે ત્યાં નહીં. માટે તમે તમારા જીવનની જમીન જોઈ તપાસીને આંબો ઊગે તેવી રસકાળ જણાય તો પછી એને ખેડાવજો, એની અંદરથી કામવૃત્તિનાં ભોથાં કાઢી નાખજો, પછી એમાં ‘નિજનામ’ (પ્રભુનામ)નું બી વાવજો. કોઈને કળાય નહીં તેવી આપણી આંતરગત ધરતીમાંથી બનાવેલા ઘડા મગાવીને એ હેલ્ય વડે હેતનાં જળ ભરવા માટે નુરતા ને સુરતા (એકાગ્રવૃત્તિ) રૂપી બે પનિયારીઓને રોકો. એ પ્રેમનાં પાણી આંબાનાં બીજને પીવરાવો. પછી એ ભક્તિ-આંબાને જે પ્રથમ મંજરીઓ આવશે, જે પ્રાથમિક ઊર્મિઓ હશે, તે તો કાચી હશે. એ ખરી જશે. પછી સાચા મહોર બેસીને ફળ આવશે. પ્રભુનો આજ્ઞાધારી હું સેવક એની હજૂરમાં નોકરી ઉઠાવતો ખરી નીતિથી હું એ ફળને ખાઈશ. પણ એ ભક્તિ-આંબાની કાચી કેરીઓ નહીં ખવાય. એની ખટાશ જીરવાશે નહીં. માટે હે ભાઈ! ત્રિગુણાત્મક (સત્ત્વ, રજસ્, તમસ્) રખેવાળ રોકીને તું તારા એ આંબાની રક્ષા કરાવજે. મારી એ જીવન-ધરતી ગુરુ ધ્યાન સાહેબે તપાસી. ગુરુ રવિ સાહેબ પણ સાથે જ હતા. ને દાસ મોરારે એ આંબા-રોપણની વેળા સમજી લઈને રોપણ લઈ જવા દીધું.