સોરઠી સંતવાણી/કેને રે પૂછું!


કેને રે પૂછું!

શામળિયાના સમાચાર
હવે હું કેને રે પૂછું!
પાતળિયાના સમાચાર
કો’ને હું કેને રે પૂછું!
આડા સમદરિયા ને નીર તો ઘણેરાં વા’લા!
વાલીડો વસે છે ઓલ્યે પાર
હવે હું કેને રે પૂછું! — શામળિયાના.
આડા ડુંગરડા ને પા’ડ તો ઘણેરા વા’લા!
પંથડો પડેલ ના મુંજો પાર,
હવે કેને રે પૂછું! — શામળિયાના.
રાત અંધારી ને મેહુલિયા વરસે વા’લા!
ધરવેં ન ખેંચે એક ધાર
હવે હું કેને રે પૂછું! — શામળિયાના.
રોઈ રોઈને મારો કંચવો ભિંજાણો વા’લા!
હલકેથી ત્રુટલ મારો હાર
હવે હું કેને રે પૂછું! — શામળિયાના.
દાસી જીવણ કે’ પ્રભુ! ભીમ કેરે ચરણે વા’લા!
બેડલો ઉતારો ભવપાર
હવે હું કેને રે પૂછું! — શામળિયાના.

[દાસી જીવણ]