સોરઠી સંતવાણી/ચાલો તમે નિર્મળા


ચાલો તમે નિર્મળા

એને બીજ-ધર્મ પણ કહે છે. નિર્મળ રહીને આ નિજાર પંથે ચાલજો. એ ભક્તિમાર્ગના ઉપાસ્ય ‘ધણી’ (ઈશ્વર)ને આંગણે તો ઝળહળાટ અને વાદ્યોના ઝંકાર ચાલે છે. સૂરજ, ચંદ્ર ઇત્યાદિ એની સાધના કરે છે. પ્રકૃતિની રમ્યતા એને દ્વારે રમી રહી છે.

એવા નિજારને પંથે રે ચાલો તમે નિર્મળા રે જી
મળશે મળશે નકળંગી જ્યોતિસ્વરૂપ હાં…
અચળ ને પદવી રે અલખ ધણી આપશે રે જી
કાપશે કાપશે અનંત જનમનાં રે પાપ…હાં
નિજારને પંથે રે ચાલો તમે નિર્મળા હો જી.
એવા અજર અમર રે પદને આપણ પામીએં હો જી
અને આપણ સેવીએ જ્યોતિસ્વરૂપ રે હાં —
નિજારને પંથે રે.
અનહદ ને વાજાં રે વાગે ધણીને આંગણે રે જી,
ઈ રે ધણીના અનંત યુગ તો ગુણ ગાય રે હાં —
નિજારને પંથે રે.
અનંત ને સતીયું રે ઉતારે હરિની આરતી રે જી
રૂડે ઝીણે મોતીડે વધાવે કિરતાર રે હાં —
નિજારને પંથે રે.

ચંદા ને સૂરજ રે હીરા મણિ લાલ છે રે જી,
ઝળકે ઝળકે શોભા તણો નહીં પાર રે હાં —
નિજારને પંથે રે.

તેજ ને પંજર રે પરભુજીને નિરખ્યા રે જી,
એ જી મારા અંગમાં આનંદનો માય રે હાં —
નિજારને પંથે રે.

બ્રહ્મ ને ઇંદર રે શંકર અને શેષજી રે જી,
હરિના ચરણ-કમલને ચ્હાય રે હાં —
નિજારને પંથે રે.

ક્રોડ તેત્રીશ દેવતા રે દરશણને કારણે રે જી,
બીજના ધરમને નિત નિત ધારે રે હાં —
નિજારને પંથે રે.

મહાધરમનો મહિમા રે નવ જાય વ્રણવ્યો રે જી,
અગમ ને નિગમ તો એમ ગાય રે હાં —
નિજારને પંથે રે.

જ્યોતિ ને સરૂપી રે પૂજવાને કારણે રે જી,
લક્ષ્મી ઉમા બ્રહ્માણી નિત જાય રે હાં —
નિજારને પંથે રે.

ચોસઠ જોગણીયું રે કરે નિત સાધના રે જી,
એવા વીર બાવન હારોહાર રે હાં —
નિજારને પંથે રે.
સિદ્ધ ને ચોરાશી રે નવ નાથ ધ્યાન ધરે રે જી,
નવ જોગેશર સનકાદિક સાણ રે હાં —
નિજારને પંથે રે.
ચંદર ને સૂરજ રે કરે નિત્ય સાધના રે જી,
અગ્નિ પાણી ધરણી ને આકાશ રે હાં —
નિજારને પંથે રે.
ભરથ મોડ ચરણે રે રવિદાસ બોલિયા રે જી,
ના’વે ના’વે બીજના ધરમ સમાન રે હાં —
નિજારના પંથે રે.

[રવિદાસ]