સોરઠી સંતવાણી/છાનામાં છાની
છાનામાં છાની
પદમાવંતીનો જયદેવ સ્વામી, પાનબાઈ,
એનો પરિપૂરણ કહું ઇતિહાસ,
એકાગ્ર ચિત્તે સાંભળો, પાનબાઈ,
એ તો થયા હરિના દાસ —
ભાઈ રે! ગોવિંદનું ગીત કીધું જયદેવે જ્યારે,
નામ અષ્ટપદ કહેવાય,
પદ પદ પ્રતે ભગતિરસ પ્રગટ્યો, પાનબાઈ,
જેથી પદમાવતી સજીવન થાય. — પદમાવંતીનો.
ભાઈ રે! ગોપીયું ને કૃષ્ણજીની લીલા લખતા,
જયદેવ રિયા જોને સમાઈ,
સ્વહસ્તે આવીને ગોવિંદ લખી ગયા,
પ્રત્યક્ષ હસ્તગુણ માંઈ. — પદમાવંતીનો.
ભાઈ રે! એવી રે ભગતિ છાનામાં છાની, પાનબાઈ!
ને હું કહું છું તે સમજાય,
ગંગા રે સતી એમ બોલિયાં,
તે જીવ મટીને ગોવિંદરૂપ થાય. — પદમાવંતીનો.