સોરઠી સંતવાણી/પિયુજીની વાતડી


પિયુજીની વાતડી

સખી! સાંભળ કહું એક વાતડી,
સાંભળતાં લાગે ઘણી મીઠી રે
સખી! સતગુરુએ સબદ સુણાવિયા,
આજ તો રે અચરજ મેં દીઠી રે.
— સખી! સાંભળ કહું એક વાતડી.
સખી! ઊંચું જોઉં તો હરિ આસમાનમાં
હેરીને જોઉં તો હરિ હેઠા રે;
સખી! સૂઈને જોઉં તો ઝળકે સોડ્યમાં,
જાગીને જોઉં તો તખત પર બેઠા રે. — સખી.
સખી! પરણેલી પિયુજીને વીનવે,
કુંવારી કંથમાં શું જાણે રે;
સખી! કુંવરી રમે ઢીંગલે પોતિયે,
મોરામને શું માણે રે. — સખી.
સખી! પંડના પિયુજીની વાતડી
કોઈની આગળ નવ કેયીં રે;
સખી! આપડે રે’વું પિયુના શે’રમાં
લોચનિયે હેરી હેરી લેયી રે. — સખી.
સખી! મરજાદા મેલી વર હું વરી,
સંપત નૈ રે’ હવે છાની રે
સખી! ભાણને પરતાપે રવિ બોલિયા
મેરામને મન માની રે. — સખી.