સોરઠી સંતવાણી/સેજલડીનો સ્વાનુભવ
પિયુ રે પિયુ તમે શું કરો, સજની!
રવિ રે ઊગે દન દન રે,
પરણ્યા રે પછી તુંને પ્રેમરસ મળશે ઈ તો
મીઠપ દેશે માંયલું મન :
સેજલડીમાં સૂતાં રે, પિયુજીની ખબરું પડે,
બાયું! એ વર વિન્યા રે, કો’ને સખી કેમ તો રડે!
એનો અનુભવ કરિયેં રે, જોતાં રૂડા સાધુ મળે.
એક રે સાહેલડી આવી કરીને મારા
કાનમાં કહી ગઈ રે વાત રે;
છાના આવે ને વાલો છાના રે જાવે ઇ તો
સખી સાહેલીની સાથ :
નાહોલિયો છે નાનો રે, હેરણું તો હાથ પડે,
બાયું! એ વર વિન્યા રે, કો’ને સખી! કેમ તો રડે!
નાહોલિયો મારો બાળબ્રહ્મચારી ને
જતિએ કમાવેલા રે જોગ જી;
ક્યાંક ક્યાંક છાનો વાલો ક્યાંક ક્યાંક પરગટઈ તો
નહીં શાહુકાર નહીં ચોર;
નાડીવૈદ્ય નીરખ્યો રે, ત્રિભોવન તેની રેત કે. — બાયું.
સંસારિયામાં મારો ચેરો કરે છે
જણ જણ જૂજવાં રે લોક જી;
સગું રે કુટુંબ મારું સરવે મળીને મારા
શિર પર મેલે ભાર;
શરણુંમાં રાખો રે, આવી હરિ તમ તો વડ્યે. — બાયું.
આ રે સેજલડીમાં બહુ સુખ પામ્યાં
રમતાં દિવસ ને રેન રે;
કુંવારી સુંદરી શું જાણે કંથમાં ઈ તો
વસમી વિયાજમ કેરી વેણ્ય —
કોની આગળ કેયીં રે, વાતું છે વિવેક તણી. — બાયું.
હેળ્યું કરીને હેરવા ગઈ’તી
હરતાં ફરતાં સોઈ;
આઘેરાં જઈને અમે પાછાં એ પડિયાં, મારી
નજરુંમાં ના આવ્યું કોઈ;
એવા નાડી-વૈદ્ય નીરખ્યા રે, નીરખી મારાં નેણલાં ઠરે. — બાયું.
દેવાત શરણુંમાં આવી કરી મારે
નિત નિત લીલા હવે લેર;
ભોજલ કે’છે મારી જમની ભે ભાંગી ઈ તો
સમજી લે માયલા તું તો શેણ!
અચળ પંથ ભાળ્યો રે, ધાર્યો દાતા ધૂન રે ધણી. — બાયું.