સોરઠી સંતવાણી/પ્રેમનું ખેતર


પ્રેમનું ખેતર

ચેતી લેને ચેતી લેને પરદેશી ઘેલા રે!
ખેતર આ પડતર તારા પ્રેમનું હે જી.
હરિ નામનાં રે હળિયાં લૈને જોડાવ,
ધોરી રે મેલ્ય તારા ઢળકતા હે જી.
વિધવિધ નામનાં રે વાવણિયાં લઈને જોડાવ,
બીઆં રે બોઆવ બહુનામનાં હે જી.
રામ રે નામની વાડ્યું રે લૈને કરાવ,
ભુંડણ રે ખેતર તારાં ભેળશે હે જી.
મન રે પવનનો મેડો રે લૈને નખાવ,
ટોયો રે રાખ તારા તનનો હે જી.
ગોવિંદ નામની ગોફણ લૈને ગુંથાવ,
ગોળા રે ફેંક ગરુના નામના હે જી.
આવી રે મોસમ તારી, માર રે લૈને સંભાળ,
ખળામાં રે જમડા જીવને લૂંટશે હે જી.
કહે રે અખોજી, જીતી રે બાજી મત હાર!
ગામેતી પતળ્યા તારા શેર’ના હે જી.

[અખો]