સોરઠી સંતવાણી/ભૂલેલ મન સમજાવે
ભૂલેલ મન સમજાવે
ભૂલેલ મન સમજાવે બાળુડો બાવો, ભૂલેલ મન સમજાવે.
ખડિયો ને પાટી લૈ ભણવા રે ચાલ્યા ત્યારે
અભણ રે ભણાવે. — બાળુડો બાવો.
એરુ વીંછીના બાવો મંતર ન જાણે ઈ તો
નાગણિયુંને નચાવે. — બાળુડો બાવો.
કોળી પાવળ બાવો મૂઠીમાં રાખે ત્યારે
નદીયુંનાં નીર ચલાવે. — બાળુડો બાવો.
વેલાને ચરણે રામયો બોલિયા,
ઝીણા ઝીણા મે વરસાવે
બાળુડો બાવો ભૂલેલ મન સમજાવે.
અર્થ : મારો ગુરુ બાળુડો બાવો ભાનભૂલ્યા મનને સમજાવે છે. ખડીનો ખડિયો સ્લેટ લઈને ચાલ્યા તો ભણવા, પણ જઈને ભણાવ્યું દુનિયાને. સાપ વીંછીના મંત્રો તો મારા ગુરુ જાણતા નથી, છતાં સંસારની વાસનાઓરૂપી ઝેર નાગણીઓને પોતે વશ કરી છે. કોળી-પાવળ એટલે ધર્મોત્સવના પ્રસાદનો કોળિયો પોતે મૂઠીમાં રાખે છે, અને નદીઓનાં નીર ચલાવે છે. (આનો ગૂઢાર્થ સમજાતો નથી.)