સોરઠી સંતવાણી/હજી કેમ ના’વ્યા


હજી કેમ ના’વ્યા

હજી કેમ ના’વ્યા મારો નાથ
આશા અમને દૈને રે!
ગિરધારી ગિયા છે ગોપાળ
અંતરની અમુંને કૈને રે.
શોકલડી તણો સંતાપ
કે’જો રે મોરી સઈને રે.
અબોલે ગિયો છે મારો નાથ
આંયાં રે ભેળા રૈને રે,
જોઉં હું વાલીડા તારી વાટ.
વેરાગણ થૈને રે.
વન વન ફરું હું ઉદાસ
હાથે જંતર લૈને રે,
જીવીએ જુગના ઓધાર!
તમું શરણે રૈને રે.
મેલીને જાજો મા મા’રાજ,
જાજો ભેળાં લૈને રે.
સંદેશા લખું મારા શામ!
જાજો કોઈ લૈને રે.
મૂળદાસ કહે છે મા’રાજ!
રે’શું રે દાસી થૈ ને રે.

[મૂળદાસ]