સોરઠી સંતવાણી/4

4 સતગુરુ

લોકભજનની પરંપરામાં ગુરુનું મહત્ત્વ ઘણું ઊંચું છે. ‘નુગરો’ (ગુરુ વિનાનો) એ તો કલંકવાચક શબ્દ છે. પોતાના આત્મોદ્ધારક પુરુષ પ્રત્યેનો આ શિષ્યભાવ — શરણાગતિનો, અપાર આનંદનો, ગુણગાનનો, સકળ ગુણારોપણનો ભાવ — આપણાં ભજનોમાં વિલસે છે. સંતવાણીમાં ગવાયેલ આ ગુરુ કોણ છે? પંથપ્રચારકો? કંઠી બાંધનારાઓ? ગુરુમંત્રો ફૂંકનારાઓ? હજારો–લાખો લોકોને પોતાના અનુયાયી બનાવીને આ અથવા તે સંપ્રદાયનો ઉપદેશ દેનારાઓ? નહીં, નહીં, નહીં, એ ધર્મગુરુઓને કે ધર્માચાર્યોને આ ભજનના ‘સતગુરુ’ ‘ભીતર મળિયા’ તે ગુરુ અથવા ‘ગુપ્ત પિયાલો પાનાર’ ગુરુ સાથે કશી જ લેવાદેવા નથી. જેની પાછળ જખ્મી હૃદયના સંતો તીવ્ર દિલદર્દે ઝૂરતા તે આ ગુરુઓ તો કોઈક કોઈક, હજારોમાં–લાખોમાં બે-ચાર હતા. એ અક્કેકનો શિષ્ય પણ એકાદ હતો. ભજનોમાં નામચરણ જોશો તો એક કરતાં વધુ ચેલો નહીં જડે. આ એકાદ શિષ્ય અને એકાદ ગુરુ, બે વચ્ચે આત્મિક તાર સંધાઈ જતા. ઇન્દ્રિયોથી અતીત જે આંતરિક અનુભવો આ શિષ્યો પામતા હતા, તેની કોઈપણ સાબિતી તેમની પાસે હોતી નહીં. પોતાને જે માયલી પ્રતીતિ થાય તેના સાચજૂઠની તેમને ખાતરી થતી નહોતી. માર્ગ એક જ હતો કે પોતાના જ જેવો આત્મપ્રતીતિવંત કોઈ મળે અને ખાતરી આપે કે હા ભાઈ, તું જે મથામણ અનુભવી રહ્યો છે તે સાચી છે, મને પણ એનું દર્શન થયું છે, ભ્રમણા માનીશ નહીં : બસ એવો, માલમી ભેટતો તે ગુરુ ઠરતો. ત્યાં કોઈ જ્ઞાન દેનાર કે લેનાર નહોતું, ત્યાં કોઈ કંઠી બાંધનાર કે બંધાવનાર, ભૂલ કાઢનાર કે ગ્રંથો ભણાવનાર નહોતું. બન્ને આત્માઓ વચ્ચે નિગૂઢ મર્મસંબંધ, અને રહસ્યમય લગની લાગી જતાં. દીવામાંથી દીવો પેટાય તેવો એ સંબંધ હતો. માટે જ સાખી ગવાય છે —

સતગુરુ મેરે ગારુડી
કીધી મુજ પર મે’ર;
મોરો દીનો મરમરો
ઊતર ગયા સબ ઝેર.

મર્મજ્ઞાનનો જે સર્પ-મોરો ગુરુ પાસેથી મળ્યો તે વડે સંસારનાં ઝેર, સ્પર્શમાત્રથી ઊતરી જતાં. મનુષ્ય જ હમેશાં ગુરુ નહોતો બનતો. માનવીમાત્રને મૂકી દઈને દેવાયત પંડિત જેવા સંતો પ્રભુને, ‘ધણીને’ જ ગુરુપદે સ્થાપતા. ‘શિવજીનો ચેલો દેવાયત બોલિયા રે જી’ એ એમનું નામચરણ છે, અને એ જ્યારે ગાય છે ‘ગુરુ તેરો પાર ન પાયો રે!’ ત્યારે એ તરત જ ‘ગુરુ’નો અર્થ કરે છે કે ‘પ્રથમીના માલેક તારો હો જી!’ એને રવિ સાહેબ તો સ્પષ્ટ ભાખે છે, કે હરિ વિના કોઈ સદ્ગુરુ નથી. ચેતવણી, આ પરથી, એ આપવી રહે છે કે, આવા મર્મદાતા એકાદ વિરલ ગુરુ પર ન્યોછાવર બની જતું સંપૂર્ણપણે આત્મસમર્પિત શિષ્યહૃદય જે ગાય છે કે — અંગનાં ઓશીકાં ને પ્રેમનાં પાથરણાં ગુરુજીને દેખી હું તો હરખી રે

ઈ મોલમાં મારો સદ્ગુરુ બિરાજે દોય કર આસન દીના : મારી બાયું રે બેની મુંને ભીતર સતગુરુ મળિયા રે એ શરણાગતિના ભાવનું ગાન રખે આપણે આજકાલના ટકાના તેર લેખે વેચાતા આચાર્યો ને ઉપદેશકોને શિરે આરોપીએ. સાચો સદ્ગુરુ તો આવો હોય — સદ્ગુરુ એસા કીજિયે, જેસો પૂનમ ચંદ તેજ કરે ને તપે નહીં, ઉપજાવે આનંદ.