સૌરાષ્ટ્રનાં ખંડેરોમાં/ગુલાબના ગોટા જેવો


ગુલાબના ગોટા જેવો

એના વાવડ ગગુભાઈએ એક દિવસ આપેલા : હજુ ય મને ગગુભાઈનો એક બોલ મરેલા મિત્રની અમર રહેલી ફોરમ-શો ભણકાર દ્યે છે : “પણ ઝવેરભાઈ! શું કહું તમને? એનું મોં! ગુલાબના ફૂલ જેવું છે હો! ને ભાઈ, તમે જલદી ત્યાં પહોંચી જાવ. તમે જાણો છો કે આપણે મળું મળું કરતા રહ્યા ત્યાં કેટલા કેટલા મળવા જેવા નરો હાલ્યા ગયા! માટે મારા વગર પણ તમે એકલા પોગો, ઝવેરભાઈ! ગુલાબના ફૂલ જેવું એનું મોં છે.” ‘ગુલાબના ફૂલ જેવું મોં!’ ગગુભાઈ ગઢવીના ભીનલા ચહેરા માથે પણ એ વેણ બોલતાં લાલપ તરી આવતી’તી, ને એ જ ગગુભાઈની વાર્તા-કહેણીમાં વખતોવખત ટંકાતું એક બુટ્ટાદાર કવિતા-પદ આજે એમને વિશેય મને યાદ આવ્યા કરે છે કે —

બાસન વિલાઈ જાત રહે જાત બાસના.

ફૂલ ખરી જાય છે, પણ એની ફોરમ રહી જાય છે. ફોરમ રહી ગઈ એની ‘ગુલાબના ગોટા’ જેવો જે ચહેરો જોઈ આવવાનું મને એણે ચીંધાડ્યું, તે ચહેરો પણ આજે ક્યાં છે? હજુ આલમ પર ફોરે છે? નથી ખબર. આઠથી યે વધુ ચોમાસાં વરસી ગયાં એને દીઠ્યા પછી.