સૌરાષ્ટ્રનાં ખંડેરોમાં/મર્દાની ભાષા


મર્દાની ભાષા

આ નાગેશ્વરી ગામ : લોકોએ આ કોમળ શબ્દને ‘નાઘેશરી’ બનાવી દીધો છે. ગલોફાં ભરાઈ ન જાય, અને ગળું ગાજી ન ઊઠે, ત્યાં સુધી શબ્દ શા ખપનો? સૌરાષ્ટ્રીય ભાષાના ઉચ્ચારો નક્કી કરવાનું આવું કાંઈક મર્દાનગીનું ધોરણ હશે. ‘મૃગનયની’ નહીં, ‘મરઘાનેણી’! ‘શેત્રુંજી’ નહીં, ‘શેતલ’! ‘ભયંકર’ નહીં, ‘ભેંકાર’! ‘બ્રહ્માંડ’ નહીં, ‘વ્રેહમંડ’! ‘વૃક્ષ’ નહીં, ‘રૂખડો’! જેવું આ શબ્દોનું સ્વરૂપ, તેવું જ વાક્યોનું, અને વાણીના આખા યે ઝોકનું : ભાઈ શ્રી એન. સી. મહેતા, કે જે અમદાવાદના નિવાસી જણાય છે, અત્યારે આઝમગઢના કલેક્ટર પદે છે, અને કલાસાહિત્યનું ઊંડું અવગાહન ધરાવે છે, તેમણે હમણાં જ પોતાના એક પ્રોત્સાહનભર્યા પત્રમાં ‘રસધાર’ની ભાષાની મીમાંસા કરતાં ચેતવણી ફૂંકી છે કે “ગુજરાતી ભાષાથી ચેતીને કામ લેવું; કેમકે આપણી વીર-કથાઓને ઘાતક એવી માંદલી મધુરતામાં ગુજરાતી ભાષા સહેલાઈથી લસરી પડે છે!” …પરંતુ આ ભાષાનું પુરાણ હું તમારી પાસે ક્યાં ઉઘાડી બેઠો! એ બધું તમારી નાની-શી હોજરીને નહીં પચે. એ તો કોઈ વૃકોદર સાક્ષરવીરને જ સોંપીએ. થયું થયું! ક્યાં તમે, ક્યાં એ ઉચ્ચાર-જોડણીનું સાક્ષરી સમરાંગણ, ને ક્યાં આ અંધારમય બાબરિયાવાડનું મથક નાગેશ્વરી!