સૌરાષ્ટ્રનાં ખંડેરોમાં/કોટીલાની વીરકથા

From Ekatra Wiki
Jump to navigation Jump to search


કોટીલાની વીરકથા

નાગેશ્વરીમાં વરૂ શાખાના બાબરિયા રહે છે. રાજુલા જેમ ધાંખડાઓનું, ડેડાણ જેમ કોટીલાઓનું, તેમ નાગેશ્વરી વરૂઓનું અસલી ધામ : બેતાલીસ ગામ બાબરિયાઓનાં, અને તેમાં ધાંખડા, વરૂ, કોટીલા, બોરીચા, ચભાડ, કારિયાળ, ભુવા, લૈયા, ઘુસાંબા, ઘડંઘા… પણ એ શાખાઓનાં નામ વાંચતાં વાંચતાં તમારાં નાનકડાં જડબાં કદાચ ફાટી જશે; કાંઈ નહીં. એવી ઘણી શાખાઓ અહીં વસે છે. આપણને તો આજે આ નામોની કિંમત નથી, પણ જોજો! પરદેશી પંડિતો એક દિવસ એ નામમાંથી પણ ઇતિહાસની સાંકળના અંકોડા ખોળી કાઢશે. પણ તમે પંડિત નથી, રસિક છો; વીરત્વના આશક છો; તેથી ચાલો, તમને તો હું બાબરિયાઓની એકાદ વીરકથા કહી સંભળાવું. રસધાર ભાગ પહેલામાં ‘ભોળો કાત્યાળ’ યાદ આવે છે? એ જ ભાગમાં મૈત્રીની વિલક્ષણ ખાનદાની દાખવનાર વીર માત્રા વરૂ અને જાલમસંગની ઘટના સાંભરે છે? જરૂર ફરી વાંચી જજો. એ વરૂ ને કાત્યાળ કાઠીઓ નહીં. બાબરિયા હતા. પણ આજ તો ‘સૌરાષ્ટ્ર’ સાપ્તાહિકને પાને જેઓનાં દુષ્કૃત્યોની સાચેસાચી વાતો વારંવાર ડોકિયાં કરે છે, એ ડેડાણવાળા કોટીલાઓના એક પૂર્વજની યશકથા હું લખવા માગું છું. સુમેસર કોટીલાએ પાંચસો વર્ષ પૂર્વે પોતાની ‘પાણી! પાણી!’ પુકારતી રૈયતને કારણે મધરાતે દેવી ખોડિયારના ઘોર મંદિરમાં પેટે કટાર ખાવાની તૈયારી કરી, દેવીનો ચૂડલિયાળો હાથ બહાર નીકળ્યો, સુમેસરની કટાર ઝાલી રાખી, અને એ પરમાર્થી ભક્તના ઘોડાના ડાબલા પડ્યા તેટલા વા’માં એક રમ્ય, અતિ રમ્ય, અપ્સરા જેવી નાની-શી નદી રેલાવી; એ નાવલી નદીને કાંઠે, કુંડલા ગામના ટીંબા પર, સુમેસરથી સાતમી પેઢીએ સમર્થ દેવો કોટીલો પાક્યો :

દીકરીયું દૈવાણ, માગેવા મોળીયું, (તેને) તરવાર્યું તરકાણ, તેં દીનૈયું દેવલા. [હે દેવલા! તારી દીકરીઓની માગણી કરનાર તરકોને તેં શું દીધું? તરવારો દીધી!]

ખૂબી તો એ છે કે એ દીકરીઓ એની પોતાની પણ નહોતી : પારકીઓને પોતાની કરી પાળી હતી : કથા આમ કહેવાય છે : પાલિતાણાના હમીર ગોહિલની બે દીકરીઓ : બંને પદમણી : કોઈ દુષ્ટ ચારણે જઈ એ દીકરીઓનાં રૂપ વિશે જૂનાગઢના નવાબના કાન ભંભેર્યા : કહે છે કે ચારણ પાલિતાણે જઈ હજામ થઈને રહ્યો : કુંવરીઓના નખ ઉતારીને ચાલ્યો ગયો : નવાબની સમક્ષ એ નખ સૂર્યના તાપમાં મૂક્યા : તૂર્ત જ નખ ઓગળી ગયા : નવાબ માન્યો કે પદમણી સાચી : ગોહિલ રાજ પર દબાણ ચાલ્યું કે દીકરીઓ પાદશાહ જોડે પરણાવો : ગોહિલપતિની પુત્રીઓની વેલડી રાજે રાજમાં ફરવા લાગી : કોઈ રાખો! કોઈ રાખો! પણ પાદશાહી શિકારને કોણ સંઘરે? વેલ કુંડલે આવી : ચોરે બોંતેર શાખના બાબરિયો હેકડાઠઠ બેઠા છે : પૂછ્યું કે ‘કોનું વેલડું?’ જવાબ મળ્યો કે મોતનું વેલડું! દહીવાણ દેવો કોટીલો ગાજ્યો : અમે એ વેલડું છોડાવશું; બે ય કુંવરી અમારી પેટની દીકરીયું થઈ રહેશે; ભલે આવે નવાબની ફોજું : મરી મટશું! નવાબનાં નિશાન ફરુક્યાં : પણ કુંડલામાં કોઈ વંકો ડુંગર ન મળે! દેવો કહે, ઓથ ક્યાં લેશું? રાતે આઈ ચામુંડા દેવી સ્વપ્ને આવી કે “બીજે ક્યાંય નહીં, આંહીં ‘ભરોસે’ ડુંગરે જ રહેજો, બાપ! આકડા એટલા અસવાર થાશે, ને ગેબનાં નગારાં ગગડશે!” યુદ્ધ ચાલ્યું. બોંતેરમાંથી સાત શાખાઓ તો સમૂળી જ ખપી ગઈ. બીજી શાખાઓના થોડા થોડા છોકરા રહ્યા. કોઈ તરવાર ઝાલનારા ન રહ્યા. પણ આશરે આવેલી દીકરીઓ બચાવી. અને દેવા દહીવાણની વીરગાથા રચાણી કે માંડી મેઘાણા, તેં ભરોસે ભવાઈ, ખેળા ખાન તણા નત રાવત નાસાડવા. [ભરોસા નામના ડુંગર પર તેં યુદ્ધ રૂપી નાટક આદર્યું, ને તેમાં તે નવાબના ખેળા (નટો)ને તેં નસાડ્યા.]

ડખડખિયું ડાર, ડાઢાળો ડખિયો નહીં, ઘરકે ઘુંઘણીયાળ, દળ બે આડો દેવડો [જેમ વરાહ હંમેશાં પોતાના સામર્થ્યના મદમાં જળશય ઉપર બે સિંહોની વચ્ચે જ ઊભો રહીને પાણી પીવે છે, તેમ તું પણ, હે તલવાર રૂપી દાતરડીવાળા વરાહ! બે લશ્કરોની વચ્ચે ઊભો રહી લડ્યો, તારું કુટુંબ વીંખાઈ ગયું, પણ તું ન ખસ્યો.]

એ રીતે પૂર્વે તો ગરાસિયો ગામ વસાવનારો ગણાતો. પણ અત્યારે એ નિયમ પલટાયો છે. ગરાસિયો જે ગામમાં હોય તે ગામના ભુક્કા થાય. નાગેશ્વરી મને એ નવા નિયમના અપવાદ જેવું લાગ્યું. ગામનું મુખ ઊજળું છે. લગભગ તમામ ઘરનાં આંગણાં ઉજાસ મારે છે. કેમકે ગરાસિયાઓ ખાનદાન છે. ભીમ વરૂ ને કાળુ વરૂ બે ભાઈઓની સુવાસ કોમળ પુષ્પ જેવી લાગી. પૂર્વજોના સંસ્કારના પૂજક ભીમભાઈ તો રોજ કુમારિકાઓના પગ ધોઈ ચરણામૃત પીવે છે, ગાયોની સેવામાં તલ્લીન છે, સાધુ સંત કે ગરીબ નિરાધારની અખંડ ચાકરી કરે છે. અતિથિ તો એનો દેવતા છે. સાંભળ્યું કે સગી માતાને સૂગ આવે એવાં લોહી પરૂ ને મળમૂત્ર એ ભીમભાઈએ કોઈ પરદેશી પ્રવાસીના નિરાધાર દેહ પરથી ધોયેલાં હતાં.