સૌરાષ્ટ્રનાં ખંડેરોમાં/સંકટની મીઠપ


સંકટની મીઠપ

વેજલ કોઠો જોવાની અમારી આતુરતાને આ સૂર્યાસ્ત થઈ જશે તેની કશી પરવા ન રહી. અને અમારા અડબૂત ભોમિયાએ અમને આંગળી ચીંધી બતાવી દીધું કે આ સામે રહ્યો જે ડુંગરો તે ઉપર છે વેજલ કોઠો : તું ચાલ, તું અમને બતાવ : ના, હું આંહીં તમારાં ઊંટ-ઘોડાં સાચવું છું : ચડ જા બચ્ચા સૂલી પર! એવો મામલો થયો : નદીની ભેખડ પર ઊભો થયેલો ભયાનક ડુંગરો : બાજુએથી અમે ચડવા લાગ્યા : અરધે જતાં જ અમારા લેરખડા દુહાગીર ભાઈ થાક્યા, અને ‘ભાઈ, જેસાજી-વેજાજી મળે તો રામ રામ કહીને કસુંબો પીવા તેડતા આવજો!’ એટલું બોલીને એ ડૂકેલા ભાઈએ ત્યાં જ આસન વાળ્યું. અમે ઉપર ચડ્યા. પગ મરડાય તેની પરવા નહિ : વેજલ કોઠો કયે દહાડે ફરી જોશું! ચોમેર ફરી વળ્યા : પણ વેજલ કોઠો ક્યાંયે ન દીઠો : ‘જેસા-વેજા! જેસાજી-વેજાજી!’ એવી બૂમો પાડી; પણ કોઈએ જવાબ ન દીધો. ફક્ત નીચે રાવલ નદી જ અમારી બેવકૂફીનાં ચાંદૂડિયાં પાડતી ચાલી જાય છે. નદીની બાજુએથી જ અમે નીચા ઊતરવાનું સાહસ કર્યું. ગીચ ઝાડી : ગબડીએ તેવો ઊભો ઢોળાવ : એક ઝાડ પરથી અંગ પડતું મેલી બીજા ઝાડને ઝાલી લઈએ. સારું થયું કે કોઈ સૂકી ડાળી હાથમાં ન આવી, નહીં તો એ બેટ વૃક્ષોનાં ફૂલ બની છેક રાવલમાં જ અમે ઝિલાત! અંધારે અંધારે આવી વિકટ હાલત, અને તેની વચ્ચે પણ દુલાભાઈનું મધ સરીખું ગળું દુહે ને ભજને વગડો તરબોળ કરતું આવે! એ ભજન તો હું કદી નહીં ભૂલું : એના શબ્દો આપું છું, પણ એનું સંગીત કેવી રીતે સંભળાવું!

રંગ રસિયા રે મારા દિલડામાં વસિયા
જી આંયાં રહી જાવ ને…
મોહન રંગના રસિયા!

કીયાં તેરા ડેરા ને કીયાં તેરા તંબુડા;
કેડનાં કંટારાં યે તમે કેણી પેરે કસિયાં
જી આંયાં રહી જાવ ને… — મોહન.

જમુનાને તીરે વાલો ગૌધન ચારે રે
મુખડે મોરલીયાં હુંદા સેંસા રચિયા
જી આંયાં રહી જાવ ને… — મોહન.

બાઈ મીરાં કે’છે પ્રભુ ગિરધરના ગુણ;
તમને દેખીને મારાં નેણાં હસિયાં
જી આંયાં રહી જાવ ને… — મોહન.

‘તમને દેખીને મારાં નેણાં હસિયાં જી!’ એ શબ્દો જાણે કે ગવાતા નહોતા, ટપકતા હતા. વનરાજી ભીંજાઈ ભીંજાઈને આવે સૂરે તો કદાચ આજ પહેલી જ વાર ધન્ય બનતી હતી. અને એ સ્વરોની સમાધિ ન ત્રુટી જાય તેટલા માટે તો અમારા એ પડછંદ પંચકેશી ભજનિકે એ જ રાગનું બીજું પદ રેલાવ્યું કે —

મહી ઢળશે રે મારાં ગોરસ ઢળશે
જી જાવા દ્યોને રે
મોહન, મહીડાં ઢળશે!

હાથુંમાં ચૂડી ને માથડે મૈયારાં રે
કંકણ ચૂડીએ મોરાં કાંડા ખળકે
જી જાવા દ્યોને રે… — મોહન.

આ કાંઠે ગંગા ને ઓલે કાંઠે જમુના જી
વચમાં સરજૂ રે કેરાં વ્હેણાં ખળકે
જી જાવા દ્યોને રે… — મોહન.

જમુનાને તીરે વા’લો મોરલી વગાડે રે
ધુંધુણ્યું દૈશ મા! મારાં મહીડાં ઢળશે
જી જાવા દ્યોને રે… — મોહન.

આ શબ્દરચના, આ ઢાળ અને આ ઝોક મને મીરાંનાં ન લાગ્યાં. એના ઉપર ચોખ્ખી ‘પરજ’ની, એટલે કે ચારણી સંસ્કારની છાપ છે. મીરાંના મનોભાવ અનુભવનારા અનેક પ્રેમ-જખ્મી કવિઓએ ‘મીરાં’ને પોતાની કૃતિઓ અર્પણ કરી પોતાનાં નામનો મોહ હોમી દીધો છે. આપણું સોરઠી ભજન-સાહિત્ય ઘણી ઘણી રેખાઓ વડે દેદીપ્યમાન છે. એને ગાવાની જૂજવી જૂજવી શૈલીઓ છે : રામાનંદી, કબીરપંથી, માર્ગી વગેરે સંપ્રદાયના બાવાઓ ગાય છે તેનાથી પરજિયા ચારણોની હલક અનેરી જ હોય છે. પહેલામાં રૂમઝૂમાટ, અવાજ કરતી તીવ્રતા, ઢોલક, મંજીરાં ને તંબૂર જેવાં વાદ્યોની અત્યંત ચંચલ નૃત્યમયતા ને માદકતા છે. શબ્દોનો મરોડ પણ તેવો જ બંધાય છે : ત્યારે ‘પરજિયા’ ચારણનું ગળું મેઘ જેવા ગંભીર નાદે ધીરું ધીરું, ઊંડા કોઈ પાતાળમાંથી ગાજી ઊઠે છે. એમાં દોડધામ નથી, ધીરી ગજગતિ છે. વાદ્યોની વિપુલતાને તો એ પરજનાં ભજનોમાં સ્થાન જ નથી. બસ, એક જ એકતારો તંબૂરો, ને એક જ મંજીરાની જોડલી : સાંભળતાં સાંભળતાં સાચી લહેર આવે : વાસનાઓ નિર્વેદભરી મધુરતા અનુભવે : દૃષ્ટિ અનહદમાં ચડે : એવા એક ધાના ભગત નામના ચારણને કૈં કૈં રાતો સુધી હડાળામાં બાપુ વાજસૂર વાળાને ઘેર સાંભળેલા, ને બીજા સાંભળ્યા આ દુલાભાઈ તથા તેમના સાથીઓને. પણ થયું, વળી તમે વઢશો કે હું પ્રવાસ વર્ણવતો કાવ્યમાં માથું મારી બેઠો! કવિતાનો પણ સન્નિપાત જ છે ખરો ને! તેમાં યે વળી કવિતાના પડઘા જગવતું એ અરણ્ય. અંધારે અમે એ રાવળકાંઠાના પેટાળમાં પથરાયેલું જંગલ વીંધતા ઊપડ્યા. થોડેક જ ગયા ત્યાં આંકડા ભીડીને ઊભેલી એ વનસ્પતિએ ‘નો રૂમ, પ્લીઝ’ની નિશાની કરી. ઘણું મથ્યા, પણ જાણે કે વનરાજોની કોઈ ગેબી કચારીમાં જવાના અધિકારની અમને ના પાડતી એ ઝાડીએ આખરે અમને પાછા જ ધકેલ્યા. અંધારે સીધા નદીના અજાણ્યા પ્રવાહમાં લપસણી શિલાઓ પર સાવધ ડગલાં દેતાં અમારાં ડાહ્યાં પશુઓએ આખરે અધરાત પહેલાં અમને કિનારા પર ક્ષેમકુશળ ચડાવી દીધાં. અને માનવવસ્તીના ઝાંખા દીવા ઝબૂકવા લાગ્યા. ઊંચી ઊંચી ભેખડો ઉપર ત્રણ-ચાર ઝૂમખાંમાં વહેંચાઈને માલધારીઓનાં નેસડાં પડેલાં હતાં. એ બધાં ઝૂમખાંનું નામ શીખલકૂબાનો નેસ. એમાંથી એક ઘરને આંગણે અમે અતિથિ બન્યા.