સ્વાધ્યાયલોક—૧/સાહિત્યમાં સામાજિક સભાનતા


સાહિત્યમાં સામાજિક સભાનતા

હું જ્યારે કોઈ કાવ્ય કે વાર્તા કે નાટક કે નવલકથા વાંચું છું ત્યારે એ વાંચતાં પહેલાં કે વાંચતી વખતે એમાં સામાજિક સભાનતા છે કે નહિ એ વિશે સભાન નથી હોતો. ત્યારે તો હું કાવ્યને કાવ્ય તરીકે, વાર્તાને વાર્તા તરીકે, નાટકને નાટક તરીકે ને નવલકથાને નવલકથા તરીકે વાંચું છું. એટલે કે કાવ્યમાં કાવ્ય છે કે નહિ, વાર્તામાં વાર્તા છે કે નહિ, નાટકમાં નાટક છે કે નહિ ને નવલકથામાં નવલકથા છે કે નહિ એ વિશે સભાન રહું છું. વાંચ્યા પછી એ સાહિત્યકૃતિમાં સામાજિક સભાનતા છે કે નહિ એવો પ્રશ્ન અવશ્ય પૂછું છું. પણ એ સાહિત્યકૃતિમાં સામજિક સભાનતા નથી એવો ઉત્તર પ્રાપ્ત થાય છે ત્યારે પણ એ સાહિત્યકૃતિ મને એટલી જ પ્રિય રહે છે. એમાં સામાજિક સભાનતા નથી એ કારણે એ સાહિત્યકૃતિ અપ્રિય બની જતી નથી. કાન્તનું ‘સાગર અને શશી’ કે રૉબર્ટ બર્ન્સનું ‘માય લવ ઇઝ લાઇક આ રેડ રેડ રોઝ’ પ્રથમ વાચને પ્રિય હતાં, એમાં સામાજિક સભાનતા છે કે નહિ એ પ્રશ્ન પૂછ્યા પછી ઉત્તરમાં ‘ના’ પ્રાપ્ત થયા પછી પણ હજી એટલાં જ પ્રિય છે. કોઈ સાહિત્યકૃતિ વાંચ્યા પછી એમાં સામજિક સભાનતા છે કે નહિ એ પ્રશ્નના ઉત્તરમાં ‘હા’ પ્રાપ્ત થાય તો એ કારણે જ માત્ર એ સાહિત્યકૃતિ પ્રથમ વાચને જેટલી પ્રિય લાગી હતી એથી વિશેષ પ્રિય લાગતી નથી. સુન્દરમ્‌ની ‘૧૩-૭ની લોકલ’માં કે ઉમાશંકરના ‘સાપના ભારા’માં સામાજિક સભાનતા છે તે જાણ્યા પછી પણ એ કૃતિઓ પ્રથમ વાચને હતી એટલી જ પ્રિય રહે છે, વિશેષ નહિ. કારણ કે હું કોઈ પણ સાહિત્યકૃતિનો આરંભમાં અને અંતમાં કેવળ સાહિત્યકૃતિ તરીકે જ વિચાર કરું છું. કેવળ સાહિત્યકૃતિ તરીકે જ વિચાર કરવા માગું છું. વચમાં અન્ય અનેક સાહિત્યેતર વિચાર કરું એથી એ કૃતિ અપ્રિય કે પ્રિયતર બની જતી નથી, કારણ કે કોઈ પણ કાવ્ય આનંદ એટલે આપે છે કે એ કાવ્ય છે. અને કોઈ પણ કાવ્ય આનંદ ત્યારે જ આપે કે એ જ્યારે કાવ્ય હોય. હવે ન પૂછશો કે આ કાવ્ય એટલે શું? સસલાનાં શીંગડાં ને ચન્દ્રનો વાંસો! આમ સાહિત્યમાં સામાજિક સભાનતા સ્વયં નથી કોઈ ગુણ કે નથી કોઈ દુર્ગુણ નથી કોઈ સુલક્ષણ કે નથી કોઈ અપલક્ષણ. સાહિત્યમાં સામાજિક સભાનતા આરંભમાં અને અંતમાં અપ્રસ્તુત પ્રશ્ન છે. કારણ કે સાહિત્યનું સાહિત્યત્વ કેવળ સામાજિક સભાનતા પર નિર્ભર નથી. એની હાજરીથી માત્ર સાહિત્ય સાહિત્ય થતું નથી. એની ગેરહાજરીથી સાહિત્ય સાહિત્ય મટી જતું નથી. કારણ કે હું જ્યારે સાહિત્યકૃતિ વાંચતો હોઉં છું ત્યારે એમાં સામાજિક સભાનતા વિશે સભાન હોતો નથી. બાલાશંકરના ‘ક્લાંત કવિ’ કે કૉલરિજના ‘એન્સિયન્ટ મેરિનર’માં મને સામાજિક સભાનતાની અપેક્ષા નથી. આથી જ જ્યારે સામાજિક સભાનતાની કોઈ અમુક ચોક્કસ સાહિત્યકૃતિને દૃષ્ટિ સમક્ષ રાખીને નહિ, સાહિત્ય કૃતિને અનુલક્ષીને નહિ, સાહિત્યકૃતિના સંદર્ભમાં નહિ, સાહિત્યકૃતિની અંદર નહિ પણ સાહિત્યકૃતિની બહાર, સાહિત્યકૃતિથી નિરપેક્ષ કેવળ નિર્ગુણ તત્ત્વ (Abstraction) તરીકે વિચાર થાય છે ત્યારે વહેમ આવે છે. સાહિત્યના વિવેચનમાં વારંવાર આવો વિચાર થાય છે. અને આજકાલ ઠેરઠેર સવિશેષ થાય છે. આવા વિચાર કરવાની ક્યારેક તો ફૅશન પણ હોય છે. ત્યારે સાહિત્યમાં સામાજિક સભાનતાનો અતિરેક થાય છે, એની અતિશયોક્તિ થાય છે. કોઈ પણ સાહિત્યકૃતિના સમકાલીન વાચકોમાં સાહિત્યેતર રસો હોય છે. એ રસો પોષવાનો જ્યારે વાચકો- વિવેચકો પ્રયત્ન કરે છે ત્યારે સાહિત્ય વિશે જે અનેક સાહિત્યેતર વિચારો થાય છે એમાંનો એક આ સામાજિક સભાનતા વિશેનો વિચાર પણ હોય છે. હું જ્યારે અખો કે પ્રેમાનંદ વાંચું છું ત્યારે એમનાં કાવ્યોમાં હું કાવ્યોનો આસ્વાદ કરું છું. મુખ્યત્વે કે પ્રધાનપણે એમની સામાજિક સભાનતાનો આસ્વાદ નથી કરતો કારણ કે જો મને મુખ્યત્વે કે પ્રધાનપણે એમની સામાજિક સભાનતાનો કે કેવળ એમની સામાજિક સભાનતાનો જ આસ્વાદ કરવાનો આગ્રહ હોય તો એ કાવ્યો હું એક જ વાર વાંચીશ, અનેક વાર નહિ વાંચું. બીજી વાર પણ નહિ વાંચું. કારણ કે એમના સમયના સમાજ વિશેની એમની સભાનતા મારે મન કાલગ્રસ્ત છે. એ સમયનો સમાજ અલોપ થયો છે. અખાના કે પ્રેમાનંદના સમકાલીન વાચકોને કદાચ અખાની કે પ્રેમાનંદની સામજિક સભાનતામાં વિશેષ રસ હોવાનો સંભવ છે. સામાજિક સભાનતા એ જ સર્વસ્વ હોય, એ જ સ્વયં આસ્વાદ્ય હોય, એ જ કેવળ કાવ્ય હોય તો આજની એક પણ કૃતિ ભવિષ્યમાં ન વંચાય અને ભૂતકાળની એક પણ કૃતિ આજે ન વેચાય. પણ હું અખો ને પ્રેમાનંદ વાંચું છું કારણ કે એમની સામાજિક સભાનતા કાલગ્રસ્ત હશે. પણ કદાચ અંશતઃ એ સામાજિક સભાનતા દ્વારા ઘડાયેલું એમનું કાવ્યત્વ એમનું વ્યક્તિત્વ સદાય આસ્વાદ્ય છે અને રહેશે. અંગ્રેજ પ્રજા બાયરનનું ‘ડોન વોન’ વાંચે છે અને સદાય વાંચશે. બાયરનના સમયનો સમાજ અલોપ થયો છે, બાયરનની સામાજિક સભાનતા કાલગ્રસ્ત લાગે છે, પણ અંગ્રેજો બાયરનના વ્યક્તિત્વનું — પૂર્ણ વ્યક્તિત્વનું — અસ્તિત્વ એમાં સદાય અનુભવશે અને આસ્વાદશે. ગદ્યમાં અને પદ્યમાં એવાં અસંખ્ય લખાણો છે કે જેમાં અસાધારણ સામાજિક સભાનતા હોય. પણ એમાંનું એક પણ લખાણ સાહિત્યનું ન હોય. કેવળ સામાજિક સભાનતાથી દસ્તાવેજ રચી શકાય, કલાકૃતિ નહિ. ૧૯૩૦ની આસપાસ આપણે ત્યાં અને ઇંગ્લંડમાં એક નવા સમાજના નિર્માણ માટે સમાજવાદી અને સામ્યવાદી વિચારનો મહિમા હતો. સુન્દરમ્ — ઉમાશંકર અને ઓડેન-સ્પેન્ડર કવિઓની વ્યાપક સભાનતાના અંશરૂપ જે રાજકીય સભાનતા હતી તે સમાજવાદ અને સામ્યવાદ. એની સહાયથી એમણે સાહિત્ય રહ્યું. કારણ કે સુન્દરમ્-ઉમાશંકર અને ઓડેન-સ્પેન્ડર સૌ પ્રથમ કવિઓ હતા. તેઓ કવિઓ ન હોત તો એમની સામાજિક સભાનતામાંથી પ્રચારકૃતિઓ પ્રગટી હોત, સાહિત્યકૃતિઓ નહિ. વળી એ જ સમયે પ્રહ્લાદ-રાજેન્દ્ર અને ડિલન-બાર્કર જેવા કવિઓએ એ પ્રકારની સામાજિક સભાનતાની સહાય વિના પણ સૌંદર્ય સિદ્ધ કર્યું, સાહિત્ય સિદ્ધ કર્યું. વળી એક જ સમયે એક જ સમાજમાં વસતા — શ્વસતા બે સાહિત્યકારો તદ્દન વિરોધી પ્રકારનું સાહિત્ય પણ સર્જે છે. જ્યારે ઓડેન-સ્પેન્ડરે સમાજવાદી સહાયથી કાવ્ય રચ્યું ત્યારે જ યેટ્સ-લૉરેન્સે ફાસિઝમ — સરમુખત્યારશાહીની સહાયથી એમનું કાવ્ય સિદ્ધ કર્યું. એમાં કોની સભાનતા વાસ્તવિક અને કોની અવાસ્તવિક? આમ, સાહિત્યમાં સામાજિક સભાનતાની આત્યંતિક અગત્ય નથી. એનો અતિરેક, એની અતિશયોક્તિ ન થાય, કારણ કે સામાજિક સભાનતા દ્વારા પણ અંતે સાહિત્યકાર એનું વ્યક્તિત્વ જ વ્યક્ત કરે છે, જેમ બાહ્ય જગત દ્વારા મનુષ્ય માત્ર આત્મોપલબ્ધિ કે આત્મસાક્ષાત્કાર પામે છે. અંતે તો મનુષ્ય જે કંઈ કરે છે તે સૌ દ્વારા — સમાજ દ્વારા પણ — પોતાને જ પ્રગટ કરે છે. સાહિત્યના ઇતિહાસમાં એવો અનુભવ થાય છે કે કોઈ પણ સાહિત્યમાં સામાજિક સભાનતા સદાયને માટે કે દીર્ધ સમય માટે પણ ગેરહાજર નથી રહેતી. ન રહી શકે. (આપણા વિવેચનમાં અને વિશેષ તો આપણી શાળા-મહાશાળાઓના વર્ગોમાં વારંવાર કહેવાય છે કે ૧૯૩૦ની આસપાસ ગુજરાતી કવિતામાં ક્રાંતિ આવી, એમાં પ્રથમ વાર જ સામાજિક સભાનતા આવી. આ એક પ્રચલિત ભય છે. પણ એવો ભય થાય એ સ્વાભાવિક છે એટલું જ નહિ પણ અનિવાર્ય પણ છે. દલપત-નર્મદમાં સામાજિક સભાનતા હતી. ’૩૦ની આસપાસની કવિતામાં સામાજિક સભાનતા છે. પણ દલપત-નર્મદની અને’૩૦ની કવિતાના વચગાળાના સમયની કવિતામાં દલપત-નર્મદની અને વિશેષ ’૩૦ની કવિતાની સરખામણીમાં સામાજિક સભાનતા નહિવત્ છે. એ સમયના કવિઓએ કદાચ દલપત-નર્મદ કે ’૩૦ના કવિઓથી વધુ કાવ્યત્વ સિદ્ધ કર્યું છે પણ એમનું કાવ્ય એકંદરે અંગત છે. એથી આ પ્રકારનો ભ્રમ પ્રચલિત થાય. અખામાં અને પ્રેમાનંદમાં સામાજિક સભાનતા સભર ભરી છે. ’૩૦માં માત્ર સામાજિક સભાનતાની પુનઃપ્રતિષ્ઠા થાય છે, ક્રાંતિ નહિ.) પણ સાથોસાથ એવો અનુભવ પણ થાય છે કે કોઈ પણ સાહિત્યમાં — જેમાં સામાજિક સભાનતા નથી એમ મનાય એ સાહિત્યમાં પણ — સામાજિક સભાનતાનો સદંતર અભાવ નથી હોતો. ફાંસની સિમ્બોલિસ્ટ કવિતામાં, જેને પ્યૉર પોએટ્રી કહે છે એમાં પણ સામાજિક સભાનતા એના નકારાત્મક રૂપે પ્રત્યક્ષ જ છે. સાહિત્યનું ઉપાદાન ભાષા છે અને ભાષા એ સામાજિક સાધન છે. એટલે એ અર્થમાં કોઈ પણ સાહિત્યમાં સામાજિક સભાનતા છે અને હોય જ એમ કહેવાય. કોઈ પણ કાવ્યમાં પ્રેમકાવ્યમાં પણ, જેને અત્યંત અંગત કાવ્ય કહીએ છીએ એમાં પણ સામાજિક સભાનતા હોય જ છે. કાવ્યમાં સામાજિક સભાનતા હોય કે ન હોય, કાવ્યમાં કાવ્ય હોય એટલે બસ! કારણ કે હું કાવ્ય વાંચું છું ત્યારે કાવ્યને કાવ્ય તરીકે વાંચું છું. કાવ્યમાં કાવ્ય છે કે નહિ એ વિશે સભાન રહું છું કારણ કે કાવ્ય એ આરંભમાં અને અંતમાં કાવ્ય છે.

કાવ્ય એટલે શું?
કાવ્ય એટલે કાવ્ય.
પણ કાવ્ય એટલે શું?
કાવ્ય એટલે કાવ્ય.
હા, પણ કાવ્ય એટલે શું?
ત્રીજી વાર કહું છું કાવ્ય એટલે કાવ્ય.
હા, ભાઈ, હા, પણ કાવ્ય એટલે શું?
હવે શો ઉત્તર આપવો?
મૌન!

૧૯૫૬-૫૮

*