સ્વાધ્યાયલોક—૨/એક આદર્શ જ્ઞાનસત્ર


એક આદર્શ જ્ઞાનસત્ર

અંગ્રેજો ગયા, પણ અંગ્રેજી રહી અને રહેશે. એનું કારણ છે. એનું કોઈ રાજકારણ નથી, પણ કારણ છે. (અહીં જે વિચાર રજૂ થાય છે એનું રાજકારણમાં રજ જેટલું પણ મૂલ્ય નથી. એ નેતાઓ માટે તદ્દન નકામો છે.) અહીં તેમ જ આ દેશમાં સર્વત્ર છેલ્લી એક સદીના સાહિત્ય પર સંસ્કૃત અને ફારસી સાહિત્યની જેમ જ અંગ્રેજી સાહિત્યની અસર છે અને તેમાં મુખ્યત્વે તો ૧૯મી સદીના ઇંગ્લૅન્ડના રોમેન્ટિક સાહિત્યની અસર છે (જેમ આપણા વિચાર અને વ્યવહાર પર ૧૯મી સદીના ઇંગ્લૅન્ડના લિબરાલિઝમ — ઉદારમતવાદ — ની અસર છે). ૧૮૫૭માં આ દેશમાં યુનિવર્સિટીઓની સ્થાપના પછી પૂર્વ અને પશ્ચિમનું મિલન એ મનુષ્યજાતિના ઇતિહાસમાં એક અનિવાર્ય ઘટના હતી. એથી આપણે ત્યાં એક ‘પ્રચંડમનોઘટનાશાલી’ સાક્ષરમંડળ અસ્તિત્વમાં આવ્યું. અને એણે એના સાહિત્યમાં અંગ્રેજી સાહિત્યની અસર સ્વેચ્છાએ અનુભવી. આપણે આ અસર અનુભવવી એવું રાણી વિક્ટોરિયાના ઢંઢેરામાં કોઈ ફરમાન ન હતું, રાજકર્તા શાસકોને એ અભિપ્રેત ન હતું. આપણે સ્વેચ્છાએ એનો લાભ લીધો અને હજુ પણ ભવિષ્યમાં લઈશું. ભારતમાં અંગ્રેજી રાજ્યના અમલનો વિરોધાભાસ તો એ છે કે જે અંગ્રેજે આપણને પરાધીન કર્યા એ જ અંગ્રેજે આપણને સ્વેચ્છાએ સ્વાધીન કર્યા. આપણે પરાધીન તો અંગ્રેજી રાજ્યના અમલ પૂર્વે પણ હતા. પણ અંગ્રેજી રાજ્યના અમલમાં પરાધીન થયા-રહ્યા ત્યારે જ આપણે સ્વાધીનતાની ભાવના ભણ્યા. નર્મદે ‘સ્વતંત્રતા’ શબ્દ સર્જ્યો એ ભાવનાની પ્રેરણાથી. આપણી પરાધીનતાની જેમ જ આપણી સ્વાધીનતામાં પણ અંગેજોનો એટલે કે ૧૯મી સદીના ઇંગ્લૅન્ડના ‘લિબરાલિઝમ’ – ઉદારમતવાદ — નો હિસ્સો નાનોસૂનો નથી. ભવિષ્યમાં આપણામાંથી જેને જેને આપણું સાહિત્ય સમજવાની ગરજ હશે એને અંગ્રેજી ભાષા અને સાહિત્યનો પરિચય અને અભ્યાસ અનિવાર્ય રહેશે. અંગ્રેજીના પરિચય અને અભ્યાસ દ્વારા આપણે અંગ્રેજી સાહિત્યમાં કોઈ અર્પણ કર્યું નથી. અંગ્રેજી સાહિત્યના ઇતિહાસમાં એની ક્યાંય નોંધ નથી. પણ આપણી ભાષાના ઘડતરમાં — વ્યાકરણથી માંડીને ગદ્યપદ્યસાહિત્યમાં અંગ્રેજ — તેમ જ અન્ય પશ્ચિમી વિદ્વાનોનું – તથા અંગ્રેજી સાહિત્યનું સીધું કે આડકતરું અર્પણ નોંધપાત્ર છે. વળી અંગ્રેજી ભાષામાં જગતભરનું સાહિત્ય અનુવાદ રૂપે સુલભ છે. જગતની ભિન્ન ભિન્ન ભાષાઓના સૌ મહાગ્રંથો અને મહાન ગ્રંથો કે મહત્ત્વના ગ્રંથોનો અનુવાદ અંગ્રેજી ભાષામાં થયો છે એટલો જગતની અન્ય કોઈ ભાષામાં થયો નથી. જગતની અન્ય કોઈ ભાષાએ આટલો પુરુષાર્થ નથી કર્યો. માત્ર સાહિત્યનાં જ નહિ પણ જ્ઞાન-વિજ્ઞાનના ગ્રંથો વિશે પણ એમ જ કહી શકાય. આ લખનારને ચીની-જપાની, ગ્રીક-લૅટિન, ફ્રેન્ચ-જર્મન, સ્પૅનિશ-ઇટાલિયન, રશિયન વગેરે કવિતાનો અલ્પ પરિચય અંગ્રેજી અનુવાદો દ્વારા થયો છે. અંગ્રેજી ભાષામાં અનુવાદોની એક અલાયદી વિશાળ લાઇબ્રેરી છે. અંગ્રેજીમાં અનુવાદની કળા વિશે શાસ્ત્ર છે. એટલે ભવિષ્યમાં આપણામાંથી જેને જેને જગતની અન્ય ભાષાઓનાં સાહિત્ય-જ્ઞાન-વિજ્ઞાનના ગ્રંથોનો પરિચય કરવાની ગરજ હશે એને અંગ્રેજી ભાષાનો પરિચય અને અભ્યાસ અનિવાર્ય રહેશે. આજ લગી આ દેશમાં અંગ્રેજી ભાષા એ રાજકર્તાઓની, શાસકોની ભાષા હતી, એ ભાષા આપણા જીવનમાં અસ્વાભાવિક સ્થાને હતી. તેને એક મહાન મર્યાદા હતી, કલંક હતું. આપણે સ્વતંત્રતા અને સ્વમાન પામ્યા તે જ ક્ષણથી અંગ્રેજી ભાષા પણ સ્વતંત્રતા અને સ્વમાન પામી છે. હવે અંગ્રેજી ભાષા એ રાજકર્તાઓની કે શાસકોની ભાષા નથી. હતી ત્યારે પણ, આપણે આગળ જોયું તેમ, એનો સ્વેચ્છાએ લાભ લીધો છે. હવે આપણી વચ્ચે અંગ્રેજી ભાષા આપણી સ્વેચ્છાએ રહેશે એટલે આપણે એનો વધુ લાભ લઈશું. વધુ સાચી રીતે લઈશું. વધુ સારી રીતે લઈશું. હવે જ આપણને અંગ્રેજી ભાષા એના સારા, સાચા અને સ્વાભાવિક સ્વરૂપમાં જાણવા-માણવાની તક મળે છે. કહે છે કે હવે આ દેશમાં અંગ્રેજીનો અંત આવે છે. હવે જ સાચી, સારી અને સ્વાભાવિક અંગ્રેજીનો આ દેશમાં આરંભ થાય છે. આજ લગી જે અંગ્રેજી હતી તે સત્તાની ભાષા હતી. હવે જે અંગ્રેજી હશે તે સંસ્કારની ભાષા હશે. આજ લગી જે શેક્સ્પિયર હતો તે ઇન્ડિયન સિવિલ સર્વિસનો એક વગર પગારનો અમલદાર હતો. હવે જે શેક્સ્પિયર હશે તે જગતનો એક મહાન સર્જક હશે. ઇંગ્લૅન્ડમાં બ્રિટિશ કાઉન્સિલ નામની એક સાંસ્કૃતિક સંસ્થા છે. ‘રાઇટર્સ ઍન્ડ ધૅર વર્ક્સ’ નામના નિબંધો દ્વારા રસિકજનોને એ સુપરિચિત છે. અનેક દેશમાં એની કચેરીઓ દ્વારા એ કાર્ય કરે છે. આપણા દેશમાં પણ એની કચેરીઓ છે. મુંબઈમાં ફિરોજશાહ મહેતા રોડ પર હોમજી સ્ટ્રીટમાં ફ્રેન્ચ બૅંક બિલ્ડિંગમાં એની એક શાખા છે. આંખને આંજી દે એવી નથી પણ મનને ભરી દે એવી જરૂર છે. બહુ સમૃદ્ધ નથી પણ કલ્પનાથી સમૃદ્ધ છે. એ ઇંગ્લૅન્ડનું આદર્શ સાંસ્કૃતિક એલચીખાતું છે. એની પ્રવૃત્તિઓમાંથી આ દેશમાં બીજાં પરદેશી એલચી ખાતાંઓએ ઘણું બધું અપનાવવા જેવું છે. તો સાચો પ્રચાર કરવામાં સહાય થવા સંભવ છે. હવે પછી આ દેશમાં અંગ્રેજી ભાષાનો લાભ કેમ લેવાય એ માટે હૈદરાબાદમાં એક સંસ્થા એણે સ્થાપી છે. વળી અંગ્રેજી સાહિત્યની સમજ પણ સમૃદ્ધ થાય એ માટે એણે મુંબઈ યુનિવર્સિટીના સહકારથી મુંબઈમાં આ વર્ષના જાન્યુઆરીની ૨૦મીથી ૩૧મી લગી એક જ્ઞાનસત્રની યોજના કરી હતી. તે પૂર્વે એણે દિલ્હી, કલકત્તા, મદ્રાસ વગેરે સ્થળોમાં પણ એની યોજના કરી હતી. આ જ્ઞાનસત્રોમાં ઇંગ્લૅન્ડથી અંગ્રેજી સાહિત્યના બે વિદ્વાન અધ્યાપકોને — જેફ્રી બુલો અને વિવિયન સોલા પિન્ટોને — નવ અઠવાડિયાં માટે આ દેશમાં આમંત્ર્યા હતા. આ જ્ઞાનસત્રમાં મુંબઈ યુનિવર્સિટીએ પશ્ચિમ ભારતની પ્રત્યેક યુનિવર્સિટીના અંગ્રેજી સાહિત્યના બે પીઢ અને બે તાજા એમ ચાર અધ્યાપકોને ભાગ લેવા આમંત્રણ આપ્યું હતું. (આ લખનારને ગુજરાત યુનિવર્સિટીના એક અધ્યાપક તરીકે એમાં ભાગ લેવાની તક મળી હતી.) આમ, કુલ બાવન જેટલા અધ્યાપકો હતા. બ્રિટિશ કાઉન્સિલે પંદર દિવસ અગાઉ આ જ્ઞાનસત્ર અંગે અગત્યનાં પુસ્તકોની એક વિસ્તૃત યાદી અને એ અંગેનો વિગતવાર કાર્યક્રમ મોકલ્યાં હતાં. આ યાદીમાંથી મુખ્ય પુસ્તકો અધ્યાપકોએ વાંચ્યાં જ હશે એવી અપેક્ષા હતી. વળી નિશાનવાળાં પુસ્તકો બને તો સાથે લાવવાની વિનંતી પણ કરી હતી. બ્રિટિશ કાઉન્સિલે એના પુસ્તકાલયમાં આ પુસ્તકો અલગ તારવીને જ્ઞાનસત્રના દિવસોમાં અધ્યાપકો વાંચી શકે એ રીતે સુલભ પણ કર્યાં હતાં. આ બાવન અધ્યાપકોને તેર તેરના ચાર વર્ગોમાં મૂકવામાં આવ્યા હતા. એમાંથી રોજ બે વર્ગો — એક વર્ગ પ્રો. બુલો સાથે અને એક પ્રો. પિન્ટો સાથે એમ સંવિવાદ કરે ત્યારે બાકીના બે વર્ગો અંગ્રેજીની પ્રસિદ્ધ કાવ્યકૃતિઓની રેકૉર્ડો કે શૈક્ષણિક ચલચિત્રનો કાર્યક્રમ કરે એવી વ્યવસ્થા હતી. ૨૦મીથી ૩૧મી લગીમાં કુલ બાર દિવસનું આ જ્ઞાનસત્ર હતું. એક એક કલાકનાં બે વ્યાખ્યાન, એક કલાકનો સંવિવાદ, વચ્ચે વિરામ એમ અઢીથી છ-સાત લગી રોજ ત્રણથી ચાર કલાક કામ રહેતું. એમાં પ્રો. બુલો અને પ્રો. પિન્ટોએ આઠ આઠ વ્યાખ્યાનો કર્યાં અને દસ દસ સંવિવાદ કર્યા. જ્ઞાનસત્ર માટે બે વિષયો પસંદ કર્યા હતા. પ્રો. બુલોએ શેક્સ્પિયર અને પ્રો. પિન્ટોએ ૧૯મી સદીના કવિઓ તથા નવલકથાકારો. અંગ્રેજી સાહિત્યમાં શેક્સ્પિયર તો અનિવાર્ય હોય જ પણ ૧૯મી સદીના કવિઓ તથા નવલકથાકારો પસંદ કરવાનું કારણ પ્રો. પિન્ટોએ પ્રથમ દિવસે જ માંગલિક પ્રવચનમાં આપ્યું કે ૧૯મી સદીના ઇંગ્લૅન્ડનું સાહિત્ય અને એનો વિચાર એ માત્ર અંગ્રેજોનો જ વારસો નથી પણ એ જેટલો અંગ્રેજોનો વારસો છે એટલો જ હિન્દીઓનો વારસો છે. બન્ને પ્રજાએ એમાંથી પ્રેરણા — સવિશેષ સ્વતંત્રતાની પ્રેરણા પીધી છે. પ્રો. બુલોએ શેક્સ્પિયર વિશે વિવિધ દૃષ્ટિબિંદુથી વ્યાખ્યાનો કર્યાં  શેક્સ્પિયર અંગેના આધુનિક વિવેચનનાં મહત્ત્વનાં અંગો, શેક્સ્પિયરમાં વસ્તુ અને વિચાર, શેક્સ્પિયરમાં આહાર્ય અને કલ્પિત પાત્રો, શેક્સ્પિયરમાં એલિઝાબેથન માનસશાસ્ત્ર અને નીતિશાસ્ત્ર, શેક્સ્પિયરમાં રાજકારણ, શેક્સ્પિયરની ટ્રૅજેડીનો વિકાસ, શેક્સ્પિયરમાં નાટ્યાત્મક સાધનરૂપ પ્રતીકો, શેક્સ્પિયરનાં અંતિમ નાટકો. પ્રો. પિન્ટોએ બ્લેઇક, વર્ડ્ઝવર્થ, બાયરન અને કીટ્સ એમ ચાર કવિઓ તથા જેઇન ઑસ્ટિન, ચાર્લ્સ ડિકિન્સ, જૉર્જ એલિયટ અને ડી. એચ. લૉરેન્સ એમ ચાર નવલકથાકારો વિશે વ્યાખ્યાનો કર્યાં. આ ઉપરાંત પ્રો. બુલોએ આધુનિક પદ્યનાટકો અને આધુનિક કવિતા પર બે જાહેર વ્યાખ્યાનો કર્યાં. પ્રો. પિન્ટોએ અંગ્રેજી લોકગીતો અને વિલિયમ બ્લેઇકનાં ચિત્રો પર બે સચિત્ર જાહેર વ્યાખ્યાનો કર્યાં. હાજરી સારી હતી, ‘આધુનિક પદ્યનાટકો’ પરના વ્યાખ્યાનમાં સૌથી સારી. પ્રો. બુલો લંડનની કિંગ્ઝ કૉલેજમાં અધ્યાપક છે. વયમાં સત્તાવનના છે. અરધો ડઝન વિવેચનગ્રંથોના લેખક છે. માથે ચમકતી ટાલ, આંખે ચશ્માં, હોઠ પર સતત રમતું સહેજ સ્મિત, રંગે રતૂમડા અને સ્વભાવે ધીરગંભીર. અવાજ એક સપાટી પર સ્થિર. પ્રો. પિન્ટો નૉટિંગહામ યુનિવર્સિટીમાં અધ્યાપક છે. વયમાં ત્રેસઠના છે. ડઝન વિવેચનગ્રંથોના લેખક છે. માથે અંતે અસ્તવ્યસ્ત બની જતા વાળ, કપાળે જાણે કોતરેલી ભરાવદાર ભમ્મર, આંખે મોટાં ચશ્માં, હોઠ પર હાસ્યને ઉપસાવતી મૂછ, વાર્ધક્યને વિસારે પાડતી લાંબીપહોળી કાયા, સ્વભાવે ઉત્સાહી. અવાજમાં તીવ્ર આરોહઅવરોહ. આમ, બન્ને અધ્યાપકોનું લાક્ષણિક વ્યક્તિત્વ છતાં એક સામ્ય અને તે બન્નેની નિરાડંબરી નમ્રતા. કોઈ ફિશિયારી નહિ, ફાંકો નહિ, દાવો નહિ, ડંફાસ નહિ, આંજવાનો એક અપ્રામાણિક પ્રયત્ન નહિ. આખુંયે વ્યાખ્યાન વ્યવસ્થિત સળંગ આદિથી અંત લગી લખેલું. પ્રો. બુલો તો વળી પાટિયા પર પૉઇન્ટ્સ પણ લખે. પ્રો. બુલોનાં વ્યાખ્યાનોમાં અસંખ્ય ઝીણી ઝીણી વિગતો આવે. અત્યારે ઇંગ્લૅન્ડમાં શેક્સ્પિયર વિશે શું વિચારાય છે એ એમાંથી પ્રગટ થાય. આપણે હજુ ૧૯મી સદીના રોમેન્ટિક વલણ(subjective approach)માં રચ્યાપચ્યા રહીએ છીએ જ્યારે ત્યાં વૈજ્ઞાનિક વલણ (analytical approach) અપનાવ્યું છે એવું સૂચન આ વ્યાખ્યાનોમાં થતું. શેક્સ્પિયરનાં પાત્રો પર વારી જઈને આફરીન થઈને વાહ વાહ પોકારવાને બદલે ત્યાં શેક્સ્પિયર અને એના સર્જન વિશે વાસ્તવિક વિચાર વૈજ્ઞાનિક પદ્ધતિએ થાય છે એનું સૂચન થતું. શેક્સ્પિયર કેવો મનુષ્ય હતો, એ શું વાંચતો હતો, શું વિચારતો હતો, એના સમકાલીનોની શી પ્રવૃત્તિ હતી, એ જે કંઈ વાંચતો-વિચારતો એનો કેવો વિનિયોગ એ એના સર્જનમાં કરતો હતો — ટૂંકમાં શેક્સ્પિયરનું જીવન અને એનો યુગ એ અત્યારે શેક્સ્પિયર વિશેના વિચાર અને વિવેચનના કેન્દ્રસ્થાને છે. શેક્સ્પિયરનાં પાત્રો વિશે આપણી અંગત માન્યતાઓ નહિ પણ મૂળ પાઠ — શબ્દ, પ્રતીક, લય, શૈલી વગેરે — કેન્દ્રસ્થાને છે. પ્રો. પિન્ટોનાં વ્યાખ્યાનોમાં ઊર્મિ અને ઉત્સાહ આવે, રોમેન્ટિક સાહિત્ય વિશેનાં વ્યાખ્યાનોમાં એ સ્વાભાવિક છે. ઇંગ્લૅન્ડના આધ્યાત્મિક અને ઐહિક જીવનમાં ૧૯મી સદીના કવિઓ તથા નવલકથાકારોનો કેટલો પ્રભાવ હતો એ એમાંથી પ્રગટ થતું. બાયરન અને જેઇન ઑસ્ટિન પરનાં વ્યાખ્યાનો સવિશેષ સુંદર હતાં. સંવિવાદમાં સૌએ ઘેર લેસન કરીને પછી ભાગ લેવાનું રાખ્યું હતું. નાટકનાં દૃશ્યો કે કાવ્યકૃતિ કે નવલકથાનાં પ્રકરણો વિશે વિગતે વિવાદ થતો. વિરોધ પણ થતો. ચાપાણીના સમયે કૅન્ટીનમાં કે આવતાંજતાં લિફ્ટમાં પણ અધ્યાપકોનો લાભ લેવાતો. કેટલાકે અંગત મુલાકાતો મેળવીને પણ લાભ લીધો. ૨૭મીએ જાહેર રજા હતી છતાં રોજની જેમ સૌએ કામ કર્યું. પ્રો. બુલોએ એ દિવસના વ્યાખ્યાનને આરંભે ટીકા પણ કરી કે આપણે આપણા વિષયના કેવા ગુલામ છીએ…! અંગ્રેજી સાહિત્ય અંગેનું આ જ્ઞાનસત્ર કદાચને પ્રથમ જ હશે. બે અધ્યાપકો ઇંગ્લૅન્ડથી આવે તો જ અને ત્યારે જ અહીં અંગ્રેજીના અધ્યાપકોનું મિલન થાય એ પરિસ્થિતિ સુખદ નથી. આ જ્ઞાનસત્ર દરમ્યાન જ મુંબઈના અંગ્રેજીના અધ્યાપકોએ એક મંડળ સ્થાપવાની જાહેરાત કરી હતી. આવાં મંડળો સર્વત્ર અને સત્વર સ્થપાય એ જરૂરી છે. વળી અંગ્રેજી અને અન્ય સાહિત્યનાં તથા અન્ય વિષયોનાં આવાં જ્ઞાનસત્રો વારંવાર સૌ યુનિવર્સિટીના ઉપક્રમે યોજાય એ પણ અત્યંત જરૂરી છે. વળી બ્રિટિશ કાઉન્સિલ આ જ્ઞાનસત્રની પ્રવૃત્તિ જ્યારે જ્યારે સુગમ હોય ત્યારે ત્યારે કરશે એવી આશા રાખીએ. એશિયાના બે દેશોની યુનિવર્સિટીમાં, અંગ્રેજ અધ્યાપકો અંગ્રેજીનું અધ્યાપન કરાવે છે. ચીનમાં પીકીંગ યુનિવર્સિટીમાં કવિવિવેચક ઍમ્સન હતા અને અત્યારે જપાનમાં તોકિયો યુનિવર્સિટીમાં કવિવિવેચક એનરાઇટ છે એમ આપણી યુનિવર્સિટીઓ પણ અંગ્રેજ સર્જકો કે વિવેચકોને આમંત્રીને અંગ્રેજી સાહિત્યનું અધ્યાપન કરાવે એટલું સદ્ભાગ્ય અને એટલી સદ્બુદ્ધિ તો પ્રાપ્ત થાય ત્યારે! ત્યાં લગી આ કાર્ય બ્રિટિશ કાઉન્સિલ માટે તો ધર્મરૂપ છે. આ જ્ઞાનસત્રની ફલશ્રુતિરૂપ એક વિચાર સૂઝે છે. અંગ્રેજી સાહિત્ય વિશે આપણે સ્વતંત્રપણે મૌલિક વિચારણા કરવી જોઈએ. અંગ્રેજોના વિચારોનાં અનુકરણોથી જ માત્ર આપણે સંતોષ ન માનવો જોઈએ. આજ લગી એમ કર્યું તે તો ઠીક, જાણે કે સમજ્યા! પણ હવે આપણી અને આપણા દેશમાં અંગ્રેજી સાહિત્યની, આરંભમાં કહ્યું તેમ, એ સ્થિતિ છે કે જ્યારે આપણે ભારતીય દૃષ્ટિબિંદુથી અંગ્રેજી સાહિત્યનો વિચાર કરવો જોઈએ. તેઇન ને લેગુઈ જેવા ફ્રેન્ચ વિવેચકો કે શ્લેગેલ ને શેલિંગ જેવા જર્મન વિવેચકો કે મારીઓ પ્રાઝ જેવા ઇટાલિયન વિવેચકો જ્યારે અંગ્રેજી સાહિત્ય વિશે વિચાર કરે છે ત્યારે એમનું વિશિષ્ટ એવું ફ્રેન્ચ, જર્મન કે ઇટાલિયન દૃષ્ટિબિંદુ હોય છે, બિન-અંગ્રેજ દૃષ્ટિબિંદુ હોય છે. અંગ્રેજી સાહિત્યના અભ્યાસથી આપણે એટલી સર્જકતા, એટલી મૌલિકતા સિદ્ધ કરવી રહી! આપણા દેશમાં આવું જ્ઞાનસત્ર અખંડ ચાલે એવી આશા રાખીએ!

૬ ફેબ્રુઆરી ૧૯૫૮

*