સ્વાધ્યાયલોક—૨/લંડનની નાગરિકતા

From Ekatra Wiki
Jump to navigation Jump to search


લંડનની નાગરિકતા

૧૯૮૨માં પહેલી વાર પરદેશના પ્રવાસે ગયો. યુરોપનાં ચાર નગરો — લંડન, પૅરિસ, રોમ અને ઍથેન્સ — માં લગભગ અઢી મહિના પગે ચાલીને ફર્યો, લગભગ પાંચસો માઈલ ફર્યો. એ દરમ્યાન અસંખ્ય સુખદ, મધુર, અવિસ્મરણીય અનુભવો થયા. એમાંથી માત્ર એક અનુભવનું અહીં સ્મરણ કરું છું. સપ્ટેમ્બરની ૮મી ને બુધવારે સાંજે છ વાગ્યે લંડનમાં પાર્લમેન્ટ સ્ક્વેરમાં હતો. સવારના સાડા દસેક વાગ્યે મિત્રની ઑફિસમાંથી ફરવા નીકળ્યો ત્યારે છ વાગ્યે ફરીને ઑફિસે પાછો આવીશ એવું મિત્રને કહ્યું હતું. પણ બપોરે ત્રણેક વાગ્યે ફરતો ફરતો વેસ્ટમિન્સ્ટર ઍબીમાં આવ્યો ત્યારે ત્યાં ઓચિંતી એક સૂચના વાંચી કે દર બુધવારે સાંજના છથી આઠ વાગ્યા લગી પોએટ્સ કૉર્નરમાં પ્રવેશ નિ:શુલ્ક અને ફોટોગ્રાફીની છૂટ હોય છે. એટલે ત્રણથી છ વાગ્યા લગી અન્ય સ્થળોએ ફરીને સાંજના છ વાગ્યે વેસ્ટમિન્સ્ટર ઍબીમાં પાછો આવ્યો. દોઢ-બે કલાક પોએટ્સ કૉર્નરમાં કવિઓની કબરો જોવાની હતી, તકતીઓ પરનાં લખાણોની ડાયરીમાં નોંધ કરવાની હતી અને ફોટોગ્રાફ્સ પાડવાના હતા. એટલે ઑફિસ પાછા જવામાં દોઢ-બે કલાક મોડું થવાનું હતું. લંડનમાં હજુ તો એક જ અઠવાડિયું થયું હતું. નવો હતો. થયું કે મિત્રને ઑફિસમાં ફોન કરું ને જણાવું કે મોડું થશે, નહિ તો મિત્રને ચિંતા થશે કે આ ક્યાં ખોવાઈ ગયો. પાર્લમેન્ટ સ્ક્વેર પાસેની એક ફૂટપાથ પર ટેલિફોનનાં ચારેક બૂથ હતાં (આજે આ સ્થળે નવું બાંધકામ થયું છે અને એથી હવે આ બૂથ અસ્તિત્વમાં નથી). એમાંથી એક બૂથમાં ટેલિફોન કરવા ગયો. લંડનમાં બહારથી જાહેર ટેલિફોનના બૂથમાંથી પહેલી વાર ટેલિફોન કરતો હતો. એટલે ટેલિફોન કરતાં આવડશે કે નહિ, ટેલિફોન થશે કે નહિ એવી મનમાં સહેજ શંકા અને ચિંતા હતી. વળી સાથે છત્રી, ઓવરકોટ, કૅમેરા, ‘લંડન એ ટુ ઝેડ’, ખભે લટકાવવાની ચામડાની નાની બૅગ વગેરે હતાં. આમ બન્ને હાથ રોકાયેલા હતા. એથી ટેલિફોન કરવો ફાવશે કે નહિ એવી મુશ્કેલી પણ હતી. બૂથમાં ગયો. સૂચનાઓ વાંચી. જૅકેટના ખિસ્સામાંથી નામ-સરનામાં અને ટેલિફોનના નંબરોની નાની ડાયરી કાઢીને ટેલિફોનના મશીન પર મૂકી સૂચના પ્રમાણે મશીનમાં પેન્સના સિક્કા નાખીને નંબર જોડ્યો. ટેલિફોન થયો. ટેલિફોન કરતાં આવડ્યો, ફાવ્યો. એના ઉત્સાહ અને ઉશ્કેરાટમાં બૂથમાંથી તરત બહાર નીકળી ગયો. કૅમેરામાં રોલમાં બેત્રણ ફિલ્મ્સ જ બાકી હતી અને બૅગમાં વધારાનો રોલ ન હતો. સવારના ઘેરથી લેવાનો ભૂલી ગયો હતો. એટલે રોલ ખરીદવા માટે બિગ બેનની સામે વેસ્ટમિન્સ્ટર અંડરગ્રાઉન્ડની પાસે દુકાન હતી ત્યાં જવા રસ્તો ઓળંગ્યો અને પાર્લમેન્ટ હાઉસની ફૂટપાથ પર આવ્યો. ત્યાં ઓચિંતો જૅકેટના ખિસ્સામાં હાથ ગયો અને જણાયું કે પેલી અગત્યની ડાયરી ખિસ્સામાં નથી, એ તો ત્યાં ટેલિફોનના બૂથમાં ટેલિફોનના મશીન પર ભૂલી ગયો છું. તરત જ ટેલિફોનના બૂથ પર પાછો ગયો. તો જે બૂથમાંથી મેં ટેલિફોન કર્યો હતો તે બૂથમાં એક ઊંચો, પાતળો, યુવાન અંગ્રેજ ટેલિફોન કરતો હતો અને બૂથની બહાર એક નીચાં, જાડાં, વૃદ્ધ અંગ્રેજ સન્નારી ટેલિફોન કરવા માટે પેલો યુવાન ટેલિફોન કરીને બૂથમાંથી બહાર નીકળે એની રાહ જોતાં ઊભાં હતાં. પેલો યુવાન મને વચમાં નડતો હતો એટલે હું સહેજ ઊંચોનીચો અને આડોઅવળો થઈને મારી ડાયરી હજુ મશીન પર છે કે નહિ એની ખાતરી કરતો હતો. મારો દીદાર અને લેબાસ જોઈને અને મારું આવું વર્તન જોઈને હું પરદેશી છું, પ્રવાસી છું, અજાણ્યો છું એટલું જ નહિ પણ કંઈક વિચિત્ર છું અને બૂથમાં ઘૂસી જવા માગું છું એવું સ્વાભાવિક જ પેલાં સન્નારીને લાગ્યું હશે. એટલે એમને આશ્ચર્ય થયું હશે, કંઈક રોષ પણ થયો હશે. એમણે મને સહેજ કઠોર અવાજમાં કહ્યું, ‘Gentleman I am first in the queue.’ (શ્રીમાન, ક્યૂમાં હું પહેલી છું.) શું થયું એ હું પળમાં પામી ગયો. મેં કહ્યું, ‘Yes madame, you are. But I am not in the queue at all.’ (હા, સન્નારી, ક્યૂમાં તમે પહેલાં છો, પણ હું તો ક્યૂમાં છું જ નહિ). એટલે એમને જો હું ક્યૂમાં છું જ નહિ તો પછી અહીં છું જ શા માટે એવું વધુ આશ્ચર્ય થયું હશે, કંઈક વધુ રોષ પણ થયો હશે, એટલે એમણે મને સહેજ વધુ કઠોર અવાજમાં કહ્યું, ‘If you are not in the queue, then why are you here at all?’(તમે જો ક્યૂમાં નથી તો પછી અહીં છો જ શા માટે?) મેં ધીરેથી શાંત અવાજમાં કહ્યું, ‘A little while ago, I have already telephoned from this booth. But I have forgotten my important diary in the booth. So I am trying to see if it is still there. I want to pick it up.’ (થોડીક વાર પહેલાં જ મેં આ બૂથમાંથી ટેલિફોન તો કર્યો છે, પણ હું મારી અગત્યની ડાયરી બૂથમાં ભૂલી ગયો છું. એટલે એ હજુ ત્યાં છે કે નહિ તે જોવાનો હવે પ્રયત્ન કરી રહ્યો છું. મારે એ ડાયરી લેવાની છે.) એમણે હવે સહેજ પણ આશ્ચર્ય અને રોષ નહિ પણ કંઈક ચિંતા અને પ્રેમથી કોમળ અવાજમાં કહ્યું, ‘Oh, is that so? You have forgotten your important diary in the booth. Then you are first in the queue.’ (ઓહ, તો એમ છે? તમે તમારી અગત્યની ડાયરી બૂથમાં ભૂલી ગયા છો. તો ક્યૂમાં તમે પહેલા છો). મેં કહ્યું, ‘Thank you, madame!’ (સન્નારી, તમારો આભાર…!) એટલામાં પેલો યુવાન ટેલિફોન કરીને બૂથમાંથી બહાર નીકળ્યો. હું બૂથમાં ગયો. ડાયરી લીધી. બૂથમાંથી બહાર આવ્યો. ડાયરી જૅકેટના ખિસ્સામાં મૂકી. પેલાં સન્નારીએ આ જોયું. એમણે મારી સામે જોઈને વાત્સલ્યપૂર્વક સ્મિત કર્યું. મેં એમની સામે જોઈને આભારપૂર્વક સ્મિત કર્યું. અને હું ત્યાંથી ચાલ્યો ગયો. રોલ ખરીદવા માટે રસ્તો ઓળંગીને પાછો પાર્લમેન્ટ હાઉસની ફૂટપાથ પર આવ્યો. ચાલતાં ચાલતાં મનમાં ચિંતવતો હતો  આ સન્નારી આરંભમાં અને અંતમાં એમ બન્ને વાર કેવાં સાચાં હતાં! આરંભમાં એમણે આશ્ચર્ય અને કંઈક રોષથી સહેજ કઠોર અવાજમાં જે કહ્યું એમાં અંગ્રેજ પ્રજાની શિસ્ત અને અંતમાં એમણે કંઈક ચિંતા અને પ્રેમથી કોમળ અવાજમાં જે કહ્યું એમાં અંગ્રેજ પ્રજાની સહાનુકંપાનું મને એકસાથે આજે દર્શન થયું. તે સાંજે દોઢ-બે કલાક લગી પોએટ્સ કૉર્નરમાં ફર્યો ત્યારે વચમાં વચમાં આ અનુભવ વાગોળતો હતો. પોએટ્સ કૉર્નરનું વાતાવરણ આમેય પવિત્ર છે, પણ તે સાંજે મારે માટે એ સહેજ વધુ પવિત્ર બની ગયું હતું.

૧૯૯૦

*