સ્વાધ્યાયલોક—૩/નરક અને નરકની યાતનાનું કાવ્ય


નરક અને નરકની યાતનાનું કાવ્ય

Odi ct amo, quare id faciam fortasse requiris ?
nescio, sed fieri sentio et excrucior.
                                                      (૮૫, Catullus)
ધિક્કારું છું ને ચાહું છું. તમે કદાચ પૂછશો: એ તે કેમ બને ?
મને ખબર નથી, પણ બને છે ને અનુભવું છું યાતના.
                                                      (૮૫, કાતુલ્લુસ)

(કાતુલ્લુસના કાવ્યસંગ્રહમાં કુલ ૧૧૬ કાવ્યો છે. એક પણ કાવ્યને શીર્ષક નથી. એથી આ કાવ્યોનો સર્વસ્વીકૃત એવો અનુક્રમ રચવામાં આવ્યો છે. આ અનુક્રમ પ્રમાણે આ કાવ્યનો ક્રમાંક ૮૫ છે. એથી આ કાવ્ય જગતભરમાં ‘કાવ્ય ૮૫’ તરીકે પ્રસિદ્ધ છે.) ઇતરજનો જેને નરક કહે છે તે આ ! ઇતરજનો જેને નરકની યાતના કહે છે તે આ ! ઇતરજનો કાતુલ્લુસને જો પ્રશ્ન પૂછે કે ‘નરક એટલે શું ? નરકની યાતના એટલે શું ?’ તો કાતુલ્લુસ એ પ્રશ્નના ઉત્તરમાં ‘નરક એટલે…નરકની યાતના એટલે…’ એવો વ્યાખ્યા, વિવરણ આદિ સમેત મહાનિબંધ ન રચે, કાતુલ્લુસ તો રચે માત્ર બે જ પંક્તિનું યુગ્મ: ‘ધિક્કારું છું ને ચાહું છું… યાતના,’ આ યુગ્મ એ જાણે કે કાવ્યનાયક (કાતુલ્લુસ)ની ‘તમે’માં જેનું સૂચન છે તે શ્રોતા (ભાવક માત્ર)ને સંબોધનરૂપ ઉક્તિ છે, અત્યંત નાટ્યાત્મક એવી એક કરુણતમ ઉક્તિ છે. ‘ધિક્કારું છું’ (Odi): ‘ધિક્કારું છું’થી કાવ્યનો આરંભ થાય છે. ‘ધિક્કારવું’ ક્રિયાપદના પ્રથમ પુરુષ એકવચન અને વર્તમાનકાળના રૂપથી કાવ્યનો આરંભ થાય છે. આમ, કાવ્યના પ્રથમ શબ્દથી જ કાવ્યનાયકનું– અને શ્રોતાનું પણ–ધ્યાનકેન્દ્ર છે કાવ્યનાયકનો ‘સ્વ’, એ ‘સ્વ’ની ક્રિયા, એ ‘સ્વ’નો ભાવ. અને એ ક્રિયા, એ ભાવ છે ‘ધિક્કારવું’. અને એ ક્રિયાનું, એ ભાવનું, ધિક્કારવાનું કાવ્યનાયકના ‘સ્વ’માં એટલે કે કાવ્યનાયકના હૃદયમાં સતત, અવિરત, અનંત અસ્તિત્વ છે. ચાહવું કદાય સોહ્યલું હશે. પણ ધિક્કારવું તો દોહ્યલું જ છે, કોઈપણ મનુષ્ય ‘ધિક્કારું છું’ એમ કહે તે પૂર્વે એણે શું શું અનુભવ્યું હોય ? બલકે શું ન અનુભવ્યું હોય ? કોઈપણ મનુષ્ય ‘ધિક્કારું છું’ એમ કહે ત્યારે કોઈ કારણ તો હોય ને ? શું કારણ હોય ? છળકપટ, દગોફટકો, વંચના, પ્રતારણા — એવું એવું કશું અસહ્ય અનુભવ્યું હોય, એવું એવું કોઈ આઘાતજનક કારણ હોય. કેવો કરુણ આરંભ છે ! ‘ને ચાહું છું’ (et amo): કાવ્યનાયક ‘ધિક્કારું છું’ એમ પ્રથમ કહે છે અને ‘ને ચાહું છું’ એમ તે પછી કહે છે એ ક્રમ અત્યંત સૂચક છે. કાવ્યનાયક જ્યાં ‘ધિક્કારું છું’ એમ કહે ત્યાં જ શ્રોતાને સહજ જ થાય કે ‘કાવ્યનાયક પૂર્વે ચાહતો હતો પણ હવે ચાહતો નથી.’ પણ પછી કાવ્યનાયક ‘ને ચાહું છું’ એમ કહે ત્યારે તો શ્રોતાને આશ્ચર્ય જ થાય કે ‘કાવ્યનાયક તો હજુ ચાહે છે !’ વળી શ્રોતાને જો આશ્ચર્ય થાય તો કાવ્યનાયકને તો વિશેષ આશ્ચર્ય થાય ! આમ, આ ક્રમ અત્યંત નાટ્યાત્મક છે. વળી કાવ્યનાયક ‘ધિક્કારું છું, છતાં ચાહું છું’, ‘ધીક્કારું છું પણ ચાહું છું.’ એમ નહિ પણ ‘ધિક્કારું છું ને ચાહું છું.’ એમ કહે છે. એકસાથે ધિક્કારવાનું અને ચાહવાનું દોહ્યલું છે, માત્ર ધિક્કારવાનું કે માત્ર ચાહવાનું, ધિક્કારવાનું છતાં ચાહવાનું, ધિક્કારવાનું પણ ચાહવાનું એટલું દોહ્યલું નથી. આમ, કાવ્યનાયકની ઉક્તિમાં બાદબાકી કે ભાગાકારનું ગણિત નથી, સરવાળા કે ગુણાકારનું ગણિત છે. વળી જેને ધિક્કારવાનું તેને જ ચાહવાનું, જેને ચાહવાનું તેને જ ધિક્કારવાનું દોહ્યલું છે. એકને ધિક્કારવાનું અને અન્યને ચાહવાનું એટલું દોહ્યલું નથી. વળી જે ક્ષણે ધિક્કારવાનું તે જ ક્ષણે ચાહવાનું, જે ક્ષણે ચાહવાનું તે જ ક્ષણે ધિક્કારવાનું એ દોહ્યલું છે. એક ક્ષણે ધિક્કારવાનું અને અન્ય ક્ષણે ચાહવાનું એટલું દોહ્યલું નથી. આમ, કાવ્યનાયકની ઉક્તિમાં ધિક્કારવાનું અને ચાહવાનું–એ બન્નેની સહોપસ્થિતિ છે. પ્રથમ માત્ર ચાહવાનું હતું. પણ પછી એવું કંઈક થયું (શું થયું એની સમગ્ર કરુણ કથા કાતુલ્લુસનાં અન્ય પ્રેમકાવ્યોમાં છે.) એથી ધિક્કારવાનું થયું. પણ એથી તો વળી સવિશેષ ચાહવાનું થયું. એક વાર જેને હૃદયથી ચાહ્યું હોય એને વિધિવશાત્, વિધિવક્રતાને કારણે ધિક્કારવાનું થાય જ તો જેમ જેમ વધુ ને વધુ ધિક્કારવાનું થાય તેમ તેમ વધુ ને વધુ ચાહવાનું થાય. લૅટિન ભાષાની કવિતાના છંદોલયના મર્મજ્ઞોએ નોંધ્યું છે કે ‘Odi’ શબ્દમાં અંતે બીજી શ્રુતિ (sylla-ble)માં ‘i’ સ્વરની પછી તરત જ ‘et’ શબ્દમાં આરંભે ‘e’ સ્વર છે એથી ‘Odi’ શબ્દમાં અંતે બીજી શ્રુતિમાં ‘i’ સ્વરનો લોપ (elision) થાય છે અને એથી લયમાં ભાર-વજન (emphasis) આપોઆપ ‘amo’ શબ્દ પર આવે છે. આમ, કાવ્યના આરંભમાં જ ધિક્કારવાનું અને ચાહવાનું — આ બન્ને ભાવની તીવ્રતા, તીક્ષ્ણતા પ્રગટ થાય છે. આ બન્ને ભાવ અભિન્ન, અવિચ્છેદ્ય છે. આ બન્ને ભાવમાં એકમેકનો છેદ કે ભેદ નથી, એકમેકનો વિકલ્પ કે વિરોધ નથી. આ બન્ને ભાવ એકમેકના પ્રેરક અને પોષક છે. આ બન્ને ભાવ અલિપ્ત અને અસંબદ્ધ છે એમ માનવા-મનાવવાનું ક્યાંય પાખંડ કે પ્રલોભન નથી, એવો કોઈ પ્રયત્ન સુધ્ધાં નથી. એમાં કાવ્યનાયકની સ્વસ્થતા અને સંયમિતતા, પ્રામાણિકતા અને પારદર્શકતા, ક્રૂર-નિષ્ઠુર તટસ્થતા જ પ્રગટ થાય છે. ‘ધિક્કારું છું ને ચાહું છું’ પણ કોને ? લૅસ્બિઆ એટલે કે ક્લાઉડિઆને સ્તો ! (કાતુલ્લુસને ક્લાઉડિયા સાથે ઉન્માદપૂર્ણ અને ઉદ્રેકપૂર્ણ પ્રેમસંબંધ હતો. કાતુલ્લુસે એ વિશે ૨૮ જેટલાં કાવ્યો રચ્યાં છે. આ કાવ્યોમાં ક્લાઉડિયાનું કાવ્યનામ છે લૅસ્બિઆ) પણ આ ઉક્તિમાં તો માત્ર કર્તા (કાવ્યનાયક એટલે કે કાતુલ્લુસ) અને ક્રિયાપદો (ધિક્કારવું અને ચાહવું) જ છે, એમાં કર્મ તો અધ્યાહાર છે. આમ, કાવ્યના આરંભથી જ કાવ્યનાયકે પોતાનું–અને શ્રોતા (એટલે કે ભાવક)નું — એકાગ્ર ધ્યાન પોતાની પર અને પોતાના ભાવ પર કેન્દ્રિત કર્યું છે. અન્ય કાવ્યો (કાવ્ય ૭૨, ૭૫)માં આ જ બન્ને ભાવની સાથે સાથે બુદ્ધિ, તર્ક અને વિચાર પણ છે. પણ આ કાવ્યમાં તો નર્યો ભાવ છે, નર્યો અનુભવ છે, નરી ઊર્મિ છે, નરી અનુભૂતિ છે. એથી સ્તો આ કાવ્યમાં અભિવ્યક્તિ કેવી સીધીસાદી અને સહજસરલ, નિર્વસ્ત્ર અને નિરંલંકૃત છે ! બૉદલેરની જેમ કાતુલ્લુસ પણ કહી શકે કે આ કાવ્યમાં તો છે ‘Mon coeur mis a nu’ — ‘મારું નગ્ન હૃદય’. આમ, કાવ્યના આરંભથી જ શ્રોતા (એટલે કે ભાવક) પર કાવ્યના ભાવનો પ્રબળ પ્રભાવ અને અભિવ્યક્તિની વિરલ વેધકતા સિદ્ધ થાય છે. ‘તમે કદાચ પૂછશો’ (quare id faciam): ‘કદાચ’ શબ્દ અત્યંત સૂચક છે. ‘તમે પૂછશો જ એમ તો કેમ કહી શકાય ? શક્ય છે કે તમે ન પણ પૂછો. તમે પૂછશો જ એમ તે કોઈ દાવો કે ડંફાસ હોય ? કોઈ ફાંકો કે ફિશિયારી હોય ? તમે પૂછશો જ એમ બેધડક અને બેલાશક તો કેમ કહી શકાય ? તમને પૂછવા જેટલો રસ ન પણ હોય !’ આમ, આ ‘કદાચ’ શબ્દ દ્વારા કાવ્યનાયકની વિનમ્રતા અને વિવેકશીલતા પ્રગટ થાય છે. શ્રોતા (એટલે કે ભાવક) તો કાવ્યનાયકને આ પ્રશ્ન પૂછે કે ન પૂછે પણ કાવ્યનાયક તો આમ કહીને આ પ્રશ્ન પોતાને પૂછે જ છે. કાવ્યનાયકને તો આ પ્રશ્ન પૂછવા જેટલો રસ પોતાનામાં હોય જ. ‘આ તે કેમ બને ?’ (fortasse requiris): એકના એક મનુષ્યને એકસાથે ધિક્કારવાનું અને ચાહવાનું — આ તો વિચિત્ર છે, વિરોધાભાસી છે. આ તો અશક્ય છે, અગમ્ય છે. આ તે કેમ બને ? શ્રોતા (એટલે કે ભાવક) કદાચ પૂછે તો કાવ્યનાયકને આ પ્રશ્ન પૂછે. પણ આમ કહીને કાવ્યનાયક તો પોતાને આ પ્રશ્ન પૂછે જ છે. પ્રથમ પંક્તિમાં પ્રશ્ન છે અને પછી બીજી પંક્તિમાં એનો ઉત્તર છે. આમ, આ યુગ્મમાં સંવાદિતા અને સમતુલા, સુશ્લિષ્ટતા અને સુગ્રથિતતા સિદ્ધ થાય છે. આમ, આ કાવ્યમાં સુરેખ આકાર છે, કલા-આકૃતિ છે. આ કાવ્ય એક કલાકૃતિ છે. ‘મને ખબર નથી’ (nescio): એકના એક મનુષ્યને એકસાથે ધિક્કારવાનું અને ચાહવાનું ! આ તે કેમ બને ? કેમ બને ? કેમ ? કારણ કાવ્યનાયકને આ ભાવ અને આ અનુભવનું કારણ ખબર નથી. કાવ્યનાયક પાસે આ પ્રશ્નનો ઉત્તર નથી. કાવ્યનાયક પાસે આ પ્રશ્નનો એટલો જ ઉત્તર છે કે ઉત્તર નથી. કોઈપણ પ્રશ્નનો ઉત્તર બુદ્ધિ દ્વારા, તર્ક દ્વારા, વિશ્લેષણ દ્વારા, વિવરણ દ્વારા જ શક્ય છે. પણ કાવ્યનાયકનો આ ભાવ, આ અનુભવ બુદ્ધિગમ્ય નથી. તર્કગમ્ય નથી. એનું વિશ્લેષણ શક્ય નથી, વિવરણ શક્ય નથી. કાવ્યનાયકનો આ ભાવ, આ અનુભવ એ મનુષ્યહૃદયનું એક પરમ રહસ્ય છે, એક પરમ આશ્ચર્ય છે. આ કૂટ ભાવ છે, ગૂઢ-નિગૂઢ અનુભવ છે. ‘પણ બને છે’ (sed fieri sentio): કાવ્યનાયકને આ બને છે એટલી જ ખબર છે. કાવ્યનાયકે આ કર્યુ નથી, કાવ્યનાયકને આ થયું છે. તો આ કોણે કર્યું છે ? આ કેમ થયું છે ? કાવ્યનાયકને એની પણ ખબર નથી. કાવ્યનાયક પાસે આ પ્રશ્નનો પણ ઉત્તર નથી. કાવ્યનાયકનો આ ભાવ, આ અનુભવ એ મનુષ્યજીવનનું એક પરમ રહસ્ય છે, એક પરમ આશ્ચર્ય છે. આમ, કાવ્યનાયકને આ ભાવ અને આ અનુભવનું કારણ ખબર નથી એટલું જ નહિ પણ એમાં એનું કર્તૃત્વ પણ નથી. કાવ્યનાયકને આ ભાવ અને આ અનુભવનું કારણ ખબર હોત તો ? એમાં એનું કર્તૃત્વ હોત તો ? તો તો એમાંથી મુક્તિ હોત, મુક્તિનો માર્ગ હોત, મુક્તિની આશા હોત. તો તો એમાં એનું વર્ચસ્‌ હોત, એમાં એના પુરુષાર્થને અવકાશ હોત. આ ભાવ અને આ અનુભવ અત્યંત અસહ્ય છે છતાં કાવ્યનાયક અત્યંત અસહાય છે (કાવ્ય ૭૨, ૭૫, ૯૧). કાવ્યનાયક મુક્તિ માટે નિર્ણય કરે છે, નિર્ધાર કરે છે, પુરુષાર્થનો પ્રયત્ન કરે છે (કાવ્ય ૮). પણ વૃથા ! મિથ્યા ! આ એનું વિધિનિર્માણ છે, ભાગ્યનિર્માણ છે, દૈવ છે. એથી અંતે એ મુક્તિ માટે, આ મહારોગમાંથી, કર્કરોગમાંથી શુદ્ધિ માટે માત્ર દેવોને અનુગ્રહ અર્થે પ્રાર્થના કરે છે (કાવ્ય ૭૬). મુક્તિ માટે અન્ય કોઈ માર્ગ નથી, શુદ્ધિ માટે અન્ય કોઈ ઔષધ નથી, એક માત્ર માર્ગ છે પ્રાર્થના, એક માત્ર ઔષધ છે અનુગ્રહ. ‘ને અનુભવું છું એની યાતના’ (et excrucior): કાવ્યનો અંતિમ શબ્દ છે ‘excrucior’ એનો સંપૂર્ણ સાર્થ અનુવાદ અશક્ય છે. અનુવાદમાં એના અર્થનો અણસાર જ શક્ય છે. એનો વાચ્યાર્થ છે ‘હું ક્રૂસ-કાષ્ઠસ્થંભ પર છું’, ‘હું રોમન ગુલામની જેમ યાતના અનુભવું છું.’ કાતુલ્લુસના સમયમાં પ્રાચીન રોમમાં ગુલામોને શિક્ષા કરવાની એક વિશિષ્ટ, વિચિત્ર શૈલી હતી. ગુલામને ક્રૂસ-કાષ્ઠસ્થંભ પર બાંધવામાં આવે અને એને એક સાથે બે વિરોધી દિશામાં અશ્વો દ્વારા ખેંચવામાં આવે. અંતે એનું શરીર અકળાય-અમળાય, અત્યંત વિકૃત-વિરૂપ થાય. કાવ્યનાયક એના ભાવ અને એના અનુભવનો ગુલામ છે. એનું હૃદય ધિક્કારવું અને ચાહવું એમ એકસાથે બે વિરોધી ભાવમાં દૈવ દ્વારા ખેંચાય છે. પણ ક્રૂસ-કાષ્ઠસ્થંભ પરના ગુલામની યાતના એ સ્થૂલ, શારીરિક યાતના છે. જ્યારે કાવ્યનાયકની યાતના તો સૂક્ષ્મ, માનસિક યાતના છે. ગુલામની યાતનાને અંત છે, જ્યારે કાવ્યનાયકની યાતના એ અનંત યાતના છે. આમ, એ અત્યંત અસહ્ય યાતના છે. કાવ્યનો આ અંતિમ શબ્દ એ કાવ્યનો દીર્ઘતમ શબ્દ છે. એ પણ સૂચક છે. કાવ્યનાયકની આ યાતના અનંત યાતના છે. અનંત યાતના એટલે જ નરકની યાતના. કાવ્યનો આ અંતિમ શબ્દ એ કાવ્યનો એક માત્ર કલ્પનરૂપ શબ્દ છે. કાવ્યનાયકના હૃદયમાં જે પ્રચ્છન્ન છે, ધિક્કારવાનું અને ચાહવાનું, તે આ કલ્પન દ્વારા પ્રત્યક્ષ થાય છે. આમ, કાવ્યના અંતમાં કાવ્યના આરંભનું અનુસંધાન છે. કાવ્યનો આરંભ કાવ્યના અંતમાં વિકસે-વિસ્તરે છે. અને કાવ્યનો અંત કાવ્યના આરંભમાં વિરમે છે. આમ, કાવ્યની વર્તુલાકાર ગતિ છે. અનંત ગતિ છે. એથી કાવ્યને અંતે જે યાતના છે તે અનંત યાતના છે એટલે કે નરકની યાતના છે અને એથી જ કાવ્યના આરંભમાં જે ધિક્કારવાનું અને ચાહવાનું છે તે અનંત ધિક્કારવાનું અને અનંત ચાહવાનું છે એટલે કે નરક છે. કાવ્યનાયક કાવ્યના આરંભથી સંયમપૂર્વક, તટસ્થતાપૂર્વક કાવ્યના અંત પ્રતિ શાંત, સ્વસ્થ ગતિ કરે છે. કાવ્યના અંતિમ શબ્દમાં કાવ્યની પરાકાષ્ઠા છે. આ કાવ્ય એ નરક અને નરકની યાતનાનું કાવ્ય છે. આ કાવ્યમાં પ્રેમનો સંઘર્ષ છે, પ્રેમનો વિરોધાભાસ છે, પ્રેમની સંકુલતા છે, પ્રેમની વિચિત્રમયતા છે. આ પ્રેમ એ મનુષ્યહૃદયનું, મનુષ્યજીવનનું એક પરમ રહસ્ય છે, પરમ આશ્ચર્ય છે. એથી આ પ્રેમ બુદ્ધિગમ્ય નથી, તર્કગમ્ય નથી. આ કાવ્યમાં આ પ્રેમની સહજ, સરલ, સુસ્પષ્ટ અને સંપૂર્ણ અભિવ્યક્તિ છે. કાતુલ્લુસની પ્રેમયાત્રા એ પૃથ્વીલોક પરથી સ્વર્ગલોક અને સ્વર્ગલોકમાંથી નરકલોકની યાત્રા હતી. એ પ્રેમની પૂર્ણયાત્રા હતી. આ યાત્રામાં એક ક્ષણે ક્લાઉડિઆએ કાતુલ્લુસને સ્વયં દેવાધિદેવ જ્યુપિટરથી પણ ઉચ્ચસ્થાને વસાવ્યો હતો (કાવ્ય ૭૦, ૭૨) અને પછી અન્ય ક્ષણે અનંતકાળ માટે નરકલોકમાં નાંખ્યો હતો. કાતુલ્લુસનો પ્રેમ ઉદ્રેકપૂર્ણ અને ઉન્માદપૂર્ણ પ્રેમ હતો. કાતુલ્લુસની કવિતા પણ એટલી જ ઉદ્રેકપૂર્ણ અને ઉન્માદપૂર્ણ કવિતા છે. યુરોપના ઇતિહાસમાં કાતુલ્લુસનો પ્રેમ એ અ-પૂર્વ પ્રેમ હતો; એમાં પ્રેમનું અ-પૂર્વ પરિમાણ હતું, પ્રેમનું અ-પૂર્વ સંવેદન હતું, પ્રેમનું અ-પૂર્વ દર્શન હતું. યુરોપની કવિતાના ઇતિહાસમાં કાતુલ્લુસની કવિતા એ અ-પૂર્વ કવિતા છે, એમાં એક અ-પૂર્વ કાવ્યરીતિ છે, એક અ-પૂર્વ કાવ્યશૈલી છે, એક અ-પૂર્વ અભિવ્યક્તિ છે. કાતુલ્લુસના આ કાવ્ય — કાવ્ય ૮૫–થી યુરોપની કવિતામાં એક નવીન પરંપરાનો પ્રારંભ થાય છે. બે પંક્તિનું આ કાવ્ય બે હજાર વરસથી યુરોપની કવિતામાં જૂજવે રૂપે પ્રગટ થયું છે. શેક્સ્પિયરના શ્યામા વિશેનાં સૉનેટ, બૉદલેરનાં ઝાન દુવાલ વિશેનાં કાવ્યપુષ્પો અને યેટ્સનાં મોડ ગન વિશેનાં કાવ્યપ્રલાપો એ જાણે કે કાતુલ્લુસની આ બે પંક્તિ પરના ભાષ્યરૂપ, વિવરણરૂપ છે.

ગેઈયુસ વાલેરિયુસ કાતુલ્લુસ
જન્મ ઈ.પૂ. ૮૪ (?); અવસાન ઈ.પૂ. ૫૪ (?)
 

કાતુલ્લુસના જીવન વિશે અલ્પ માહિતી ઉપલબ્ધ છે. એમના જન્મ અને અવસાનની તિથિ પણ અનિશ્ચિત છે. એમનો જન્મ ઉત્તર ઇટલીમાં વેરોનામાં થયો હતો. પિતા વેરોનાના સાધનસંપન્ન, પ્રતિષ્ઠિત નાગરિક હતા. જુલિયસ સીઝર એકવાર એમના ઘરમાં અતિથિ તરીકે રહ્યા હતા. કાતુલ્લુસના અભ્યાસ વિશે કોઈ નિશ્ચિત માહિતી ઉપલબ્ધ નથી, પણ એમની કવિતામાં એમની વિદ્વત્તાનો પરિચય થાય છે. એ રોમમાં નવીન કવિઓના નેતા હતા. એ યુવાન વયે રોમમાં વસ્યા હતા. એ વેરોનામાંથી ક્યારે વિદાય થયા અને ક્યારે રોમમાં વસ્યા એ વિશે પણ કોઈ નિશ્ચિત માહિતી ઉપલબ્ધ નથી. એ રોમના એક અગ્રણી રાજકીય નેતા મેતેલ્લુસના આમંત્રણથી યુવાન વયે રોમમાં વસ્યા હતા અને આરંભમાં એ મેતેલ્લુસના ઘરમાં અતિથિ તરીકે રહ્યા હતા. એ મેતેલ્લુસનાં મોહક, મેધાવી અને મહત્ત્વાકાંક્ષી પત્ની ક્લાઉડિયાના પ્રેમમાં હતા. ક્લાઉડિયા એમનાથી વયમાં મોટાં હતાં. બન્ને વચ્ચે તીવ્ર, ઉત્કટ રોમેન્ટિક પ્રેમ હતો. આ પ્રેમમાં એમને આરંભમાં સ્વર્ગના આનંદનો અને અંતમાં નરકની યાતનાનો અનુભવ થયો હતો. આ અનુભવની પ્રેરણાથી એમણે જે પ્રેમકાવ્યો રચ્યાં તે માત્ર રોમન કવિતામાં જ નહિ, પણ જગતકવિતામાં પણ વિરલ અને વિશિષ્ટ છે. આ પ્રેમકાવ્યોમાં પ્રેમનો અનુભવ એની સમગ્રતામાં પ્રગટ થાય છે. આ પ્રેમકાવ્યોને કારણે યુરોપીય પ્રેમકવિતાના ઇતિહાસમાં પૂર્વકાલીન ગ્રીક કવિ સાફો અને અનુકાલીન કવિઓ શેક્સ્પિયર, બૉદલેર, યેટ્સ આદિની સાથે એમનું સ્થાન છે. એ સિસેરો આદિ રોમના અનેક અગ્રણી નાગરિકો, નેતાઓ, બૌદ્ધિકો અને કવિઓના મિત્ર હતા. જુલિયસ સીઝર અને એમના પક્ષકારો પ્રત્યે એમને તિરસ્કાર હતો. ઈ.પૂ. ૫૭-૫૬માં એમના ભાઈનું ટ્રૉયની નિકટ ત્રોઆદમાં અવસાન થયું હતું. વરસેક પછી એમની સમાધિ પર એમને અંજલિ અર્પણ કરવા અને ક્લાઉડિયાના પ્રેમના ત્રાસમાંથી મુક્ત થવા એમણે ત્રોઆદ અને પૂર્વના અનેક પ્રદેશોનો પોતાની અંગત યાટમાં પ્રવાસ કર્યો હતો અને એમના ભાઈ પર એક અત્યંત ઋજુ કરુણપ્રશસ્તિ રચી હતી. એમનાં પ્રેમકાવ્યોમાં ઉન્માદ અને ઉદ્રેક તથા સરળતા અને સુકુમારતા છે. આ એમની કવિતાનો વિશેષ છે. એમણે પ્રેમ ઉપરાંત કવિ, કવિતા, મૈત્રી, રાજકારણ આદિ વિષયો પર પણ કાવ્યો રચ્યાં છે. ઈ. પૂ. ૫૪માં ત્રીસ વર્ષની વયે એ રોમમાંથી અને જગતમાંથી અલોપ થયા હતા. એમનું અવસાન ક્યાં, ક્યારે અને કેમ થયું એ વિશે કોઈ માહિતી ઉપલબ્ધ નથી. એમના અવસાન પછી એમનાં કાવ્યો પણ એમની જેમ અલોપ થયાં હતાં. હજારેક વરસ લગી એમનાં કાવ્યોનો કોઈ પત્તો ન હતો. છેક ઈ. ૧૩૦૦ની આસપાસ વેરોનામાં એક કલાલના ઘરમાં ભોંયરામાં દારૂના પીપમાંથી એમનાં કાવ્યોની હસ્તપ્રત અકસ્માત્ જડી આવી હતી. આમ, એમનાં કાવ્યોએ હજારેક વરસનો અજ્ઞાતવાસ વેઠ્યો હતો. એમનાં કુલ ૧૧૬ કાવ્યો ઉપલબ્ધ છે. સમગ્ર અનુકાલીન યુરોપની પ્રેમકવિતા પર એમની પ્રેમકવિતાનો પ્રત્યક્ષ કે પરોક્ષ પણ પ્રબળ પ્રભાવ છે.

૧૯૮૩


*