સ્વાધ્યાયલોક—૬/શેષ-વિશેષ


શેષ-વિશેષ

ગુજરાતી ભાષાની કવિતામાં સ્ત્રીહૃદયના ભાવ અનેક પુરુષકવિઓએ આલેખ્યા છે, કોઈ સ્ત્રીકવિએ ભાગ્યે જ આલેખ્યા હશે. મીરાંએ આલેખ્યા છે. ગંગા-લોયણે આલેખ્યા છે; પણ એ ભાવ પરમેશ્વર પ્રત્યેના ભાવ છે, મનુષ્ય પ્રત્યેના નથી. આ કૃતિમાં એક સ્ત્રીકવિએ એક મનુષ્ય પ્રત્યેના સ્ત્રીહૃદયના ભાવ આલેખ્યા છે એ આ કૃતિની પહેલી વિશેષતા. જગતની અનેક ભાષાઓ – લૅટિન જેવી પ્રાચીન અને અંગ્રેજી જેવી અર્વાચીન ભાષાઓમાં અનેક કવિઓએ પત્રકાવ્યો રચ્યાં છે. ઈ. પૂ. ૧૪૬માં આ કાવ્યપ્રકારનો જન્મ. આદિ કવિઓ મુમ્ચૂસ અને લુક્કુલુસ પછી હોરેસે એમની કેટલીક ઉત્તમ કવિતાનું આ કાવ્યપ્રકારમાં સર્જન કર્યું. કાવ્યવિષય મુખ્યત્વે નીતિ અને ફિલસૂફી. પછી ઓવીડે એમની કેટલીક ઉત્તમ કવિતાનું આ કાવ્યપ્રકારમાં સર્જન કર્યું એટલું જ નહિ પણ પ્રૉપર્ટીઅસે એમનાં જૂજ પત્રકાવ્યોમાં જેનો અણસારો આપ્યો હતો તે પ્રેમનો કાવ્યવિષય એમણે કાલ્પનિક સ્ત્રીપાત્રોના એમના પ્રોષિત પતિ કે પ્રેમી પરનાં કુલ ૨૧ પત્રકાવ્યોના સંગ્રહ ‘હૅરોઇડ્સ’માં અજમાવ્યો. મધ્યયુગની યુરોપીય પ્રેમકવિતા પર ‘હૅરોઇડ્સ’નાં પત્રકાવ્યોની ભારે અસર હતી. અંગ્રેજી ભાષામાં ડનથી ઑડન લગીના અનેક કવિઓએ પત્રકાવ્યોનું સર્જન કર્યું છે — ડૅનીઅલ, ડન આદિએ અને સવિશેષ તો પોપે ‘ઍલ્વાસા ટુ ઍબેલાર્ડ’માં ઓવીડના ‘હૅરોઇડ્સ’ની અસરમાં વિપ્રલંભ શૃંગારનાં, કરુણ પ્રેમનાં, સ્ત્રીપાત્રોના એમના પ્રોષિત પતિ કે પ્રેમી પરનાં પત્રકાવ્યોનું સર્જન કર્યું છે. પણ ભાગ્યે જ કોઈ કવિએ કરુણપ્રશસ્તિ પત્રકાવ્ય રૂપે રચી હશે. આ કૃતિમાં એક સ્ત્રીકવિએ એમની કરુણપ્રશસ્તિ એમના સદ્ગત પતિ પરના પત્રકાવ્ય રૂપે રચી છે એ આ કૃતિની બીજી વિશેષતા. ગુજરાતી કવિતામાં — વિશેષ તો અર્વાચીન — અનેક કવિઓએ પ્રવાહી પદ્ય અનેક છંદોમાં રચ્યું છે. પણ વનવેલી છંદમાં તો અલ્પસંખ્ય કવિઓએ જ રચ્યું હશે. વળી આ છંદમાં આવી દીર્ઘ કદની કૃતિમાં તો ભાગ્યે જ કોઈ કવિએ રચ્યું હશે. આ એક દીર્ઘ કદની કૃતિમાં કર્તાએ પ્રવાહી પદ્ય વનવેલી રચ્યું છે એ આ કૃતિની ત્રીજી વિશેષતા. પણ આ કૃતિની સૌથી મોટી અને સૌથી મહત્ત્વની વિશેષતા તો છે આ કૃતિનાં એટલે કે આ પત્રકાવ્યો કે કાવ્યપત્રોનાં સંબોધક અને સંબોધ્ય તથા એમની વચ્ચેનો દેહ-મન-આત્માનો એટલે કે સંપૂર્ણ સંબંધ. આ કાવ્યપત્રોના સંબોધ્ય છે પાઠકસાહેબ. પાઠકસાહેબ એટલે ભક્તિ. ભક્તિનો રસ શાન્તરસ છે. પાઠકસાહેબ શાન્તરસના કવિ હતા. અર્વાચીન કવિતામાં દામ્પત્યના, પરિણીત પ્રેમના ત્રણ ઉત્તમ કવિઓ બલવન્તરાય, ન્હાનાલાલ અને પાઠકસાહેબ. એમાં બલવન્તરાય અને ન્હાનાલાલ કંઈક ભાવનાપ્રધાન કહી શકાય, જ્યારે પાઠકસાહેબ તો નર્યા વાસ્તવપ્રધાન. પાઠકસાહેબે એમનો પ્રથમ કાવ્યસંગ્રહ ‘શેષનાં કાવ્યો’ સદ્ગત પ્રથમ પત્નીને અને એમનો દ્વિતીય કાવ્યસંગ્રહ ‘વિશેષ કાવ્યો’ (મરણોત્તર) એમનાં દ્વિતીય પત્ની — આ કૃતિનાં કર્તા – ને અર્પણ કર્યો હતો એ સૂચક છે. પાઠકસાહેબની અને એમના પરિણીત પ્રેમ તથા દામ્પત્યની આસપાસનું વાસ્તવ જગત અને એનું વાતાવરણ કર્તાના ચિત્તમાં વિરહને કારણે વારંવાર જેની સઘન સ્મૃતિઓ અને સુરેખ કલ્પનાઓ ચમક્યા કરે છે એ પદાર્થો અને પ્રસંગો દ્વારા પ્રગટ થાય છે : સુંદર ઘર, અતિસુંદર ઘરનું આંગણું, એમાંનો નાનકડો બાગ, એનાં વૃક્ષો, પુષ્પો અને પંખીઓ, વળી પડખેથી પળે પળે પળી જતી ટ્રેન, ઘરમાંનો અભ્યાસખંડ, પાકખંડ, શયનખંડ, ઝરૂખો, હિંડોળો તથા ફૂલદાની, એમાંની ‘ઇન્દુવલ્લી, કાન્તવલ્લી’ બે જલવેલ, ગ્રંથ અને અંતમાં પણ અગત્યની માનીતી લેખણ આદિ પદાર્થો અને ગૃહપ્રવેશ સમયે પરસ્પરનું ઘરમાં સ્વાગત, ઘરના એકાન્તમાં ગોષ્ઠી, મૌન, લેખન, વાચન, હાસ્ય, અશ્રુ તથા ઘરની બહાર વિહાર અને સભાગૃહોમાં વ્યાખ્યાન, સહકાવ્યવાચન આદિ પ્રસંગો. પાઠકસાહેબના સ્વભાવની, સ્થૂલ-સૂક્ષ્મ વ્યક્તિત્વની લાક્ષણિકતાઓ પણ આ કાવ્યપત્રોમાં સંબોધક-સંબોધ્યનાં પરસ્પર સંબોધનોમાં અને વર્ણનોમાં પ્રગટ થાય છે : ‘નિર્મોહી’, ‘નિસ્પૃહ’, ‘અંતરનિષ્ઠ’, ‘સમર્થ ભાવગોપને’, ‘જ્ઞાનના અધ્યક્ષ’, ‘ન પ્રેમ, અન્ય લક્ષ્ય’, ‘અદ્ભુત ઔદાસીન્ય’, ‘પત્રોત્સુકતા’, તથા ‘ઠકુરાણી’, ‘હૃદયની અધિદેવતા’. સંબોધક પત્ની છે એથી સંબોધ્યનાં ‘સ્પર્શ’ અને ‘ત્વચા કેરી ગંધ’નો પણ અહીં ઉલ્લેખ છે. પાઠકસાહેબની સફેદ ટોપી, સફેદ કફની અને સફેદ ધોતીનો ‘શુભ્રોજ્જ્વલ વસ્ત્ર’માં તથા પાઠકસાહેબના પ્રિય ઉદ્ગારો ‘ઠીક, ઠીક’ અને સૌને પરિચિત અતિ લાક્ષણિક ‘હં’નો પણ અહીં અનિવાર્ય ઉલ્લેખ છે. આ પત્રકાવ્યો સૂઝ્યાં ૧૯૫૫થી ૧૯૫૭ લગીમાં અને રચ્યાં ૧૯૫૬થી ૧૯૭૦ લગીમાં. આ પત્રકાવ્યો રચવાનું કર્તાને માટે અનિવાર્ય હતું : ‘અવશ તમોને લખી હું રહી.’ આ પત્રકાવ્યોનો એકમાત્ર અનુભવ છે વિરહ, મૃત્યુજન્ય વિરહ, પતિવિરહ. આ વિરહ પંદર વર્ષ જેટલા દીર્ઘકાળનો વિરહ છે. પતિ-પત્નીને સંતાનની તીવ્ર ઝંખના છે. આ ‘વલોપાત’ છતાં ‘આપણું એ વણપ્રસવ્યું ગર્ભબાળ’ તથા ‘નિષ્ફળ આ ભાગ્ય’ને કારણે પતિ-પત્નીનું લગ્ન નિ:સંતાન લગ્ન છે. એથી પતિના મૃત્યુ પછી પત્નીના જીવનમાં એકલતા છે અને આ એકલતાને કારણે આ વિરહ વધુ ઘેરો અને તીવ્ર છે. એમાં એકમાત્ર આશ્વાસન હોય તો તે પતિના અપ્રગટ ગ્રંથોનું પ્રકાશન. ‘તમોથીયે અધિકાં તમ કાર્યો સત્વરે હું પૂરાં કરું.’ આ કર્મ દ્વારા આ વિરહ કંઈક સહ્ય છે. પણ સારો ય સમય વચમાં વચમાં ભૂતકાળની સ્મૃતિઓ અને ભાવિની કલ્પનાઓને કારણે વારંવાર રોષ-આક્રોશનો અને ક્યારેક કંટાળાનો અનુભવ થાય છે. પણ ગ્રંથપ્રકાશનની પ્રવૃત્તિની પૂર્ણાહુતિ થાય ત્યારે? જીવનમાં સૌ કર્મોનો અંત આવે ત્યારે? ‘વળી આંહી કાંઈ નથી બાકી, હાવાં જીવ લાગે નહિ. બ…ધું સમેટ્યું, બ…ધું તૈયાર.’ ત્યારે થાય કે ‘બસ બહુ થયું, નથી હાવાં આંહીં ર્‌હેવું.’ તો ક્યારેક વિરહ, વિરહની વેદના તીવ્રતમ પણ થાય અને આત્મહત્યાની પણ ઇચ્છા થાય. ‘નિશ્ચે તું માન કંઈક કરું મન ફાવે.’ આ વિરહદુઃખની પરાકાષ્ઠાની ક્ષણે વાસ્તવનું જ્ઞાન થાય છે. પતિ-પત્ની વચ્ચે વયનું મોટું અંતર હતું. ‘તુજને વરીને હું ન વિરહને વરી? વિરહ મારે પ્રેમનો પર્યાય.’ મનુષ્યમાત્રનું મૃત્યુ અનિવાર્ય છે અને આ બે મનુષ્યવિશેષ વચ્ચેના લગ્નજીવનમાં પત્નીને પતિનો વિરહ લગભગ અનિવાર્ય જેવો પ્રથમથી જ હતો. આ વાસ્તવના જ્ઞાનમાં અંતે ભાવનાનું બળ ભળે છે. અને પત્નીને પોતે પતિ પાસેથી ચિરસૌભાગ્ય પામી છે એવી પ્રતીતિ થાય છે. ત્યારે શોકનું શાન્તિમાં પર્યવસાન થાય છે અને અંતે ‘ચિરસૌભાગ્યવતી’ એવું ‘લિખિતંગ’ કરે છે. આ પત્રકાવ્યોનો આરંભ છે મૃત્યુમાં, વિરહમાં; અંત છે અમૃતમાં, ચિરમિલનમાં. આ પત્રકાવ્યોમાં મુખ્ય અનુભવ ભક્તિનો અનુભવ છે. અને મુખ્ય રસ શાન્તરસ છે. એક સંસ્મરણ અહીં નોંધું છું : પાઠકસાહેબના અવસાન પછી થોડાક જ દિવસમાં અમદાવાદમાં પાઠકસાહેબની શોકસભામાં પ્રમુખપદેથી પંડિત સુખલાલજીએ પાઠકસાહેબને મૃત્યુ ન હોય એમ કહીને હીરાબહેનને ‘ચિરસૌભાગ્યવતી’ કહ્યાં હતાં અને એમણે પાઠકસાહેબ સાથે લગ્ન કર્યાં એમાં નારીહૃદયની વીરતાનું જગતને દર્શન કરાવ્યું છે એમ કહીને હીરાબહેનને આશ્વાસન નહિ પણ અભિનંદન આપ્યાં હતાં.

(હીરા રામનારાયણ પાઠકના કાવ્યસંગ્રહ ‘પરલોકે પત્ર’ની પ્રસ્તાવના. ૧૯૭૦.)

*