હનુમાનલવકુશમિલન/વડ

વડ

રામરતન-લછીમનને મુંબઈમાં રહ્યે એક વર્ષ થઈ ગયું હતું. ટિકિટ વિના ગાડીમાં બેઠા ત્યારે ગામનાં ઊંચાંનીચાં, વાંકાંચૂંકાં ઘર, લીલાં ઝભલાંવાળાં ઝાડ, રેલવે પુલની નીચેથી વહેતી, કિનારામાં ભળી જતા રંગવાળી, અસ્થિર, ઘરડી ડોસી જેવા વળાંકોવાળી નદી પટ બદલતી નદીને લીધે અસ્થિર આકારવાળો કિનારો : બધું આંબાના એકાદ ટીપામાં ટપકી પડ્યું. ગાડી દોડતી જ ગઈ. દોડતાં ગયાં આંબાઓ વચ્ચે ઢંકાયેલાં નાનાં નાનાં ગામ, આખાંને આખાં. ગાડી નીચેથી, પવન ભરેલી બગલાની પાંખ જેવા પવન ભરેલા સઢોવાળી હોડીનાં ટપકાંવાળી કેટલીયે નદીઓ દોડી ગઈ. પાતળાં થડ પર ચોંટી લીલી ઘટા ટેકવેલી અને ઝાડથી ભરેલી ઊંચા સાતપુડાની આખી હાર, દોડતા ઊંટની પીઠની જેમ દોડી ગઈ. એ બધાંની દોડમાં એમનું ગામ આગળ હતું. મુંબઈ સૌથી પાછળ હતું. આ બધી દોટમાં એમના ગામની ઉપર દોડ્યે જતાં કેટલાંયે ગામો, નદીઓ, આંબાવાડીઓ, સાતપુડાની હારના થર ચડ્યે જતા હતા. છેલ્લે મુંબઈનો, મુંબઈની ફૂટપાથ, દરિયો, ‘નિયોં સાઈન બોર્ડ્ઝ’, પાણીપુરી, રસ્તા પરની મોટરની હાર વચ્ચે રણદ્વીપ જેવાં ‘ક્રૉસિંગ’નો મોટો થર ચડી જવાનો હતો. નાના હિમાલયો જેવાં, ખાદીધારી કૉંગ્રેસી જેવાં, વસઈનાં અગરો દોડી ગયાં. ડબ્બામાં ગપ્પાં હાંકતા પારસી મૂંગા થઈ ગયા ને ગંભીર બની પાણીના ભંડારને છેડેના સૂરજના સોનેરી ગોળાને જોઈને બંને હાથની હથેળીઓ એકમેકમાં ગૂંથી ઊભા થઈ ગયા. એવી વસઈની ખાડી પણ દોડી ગઈ. ગાડી અટકે–દોડે, અટકે–દોડે. ગાર્ડ સિસોટી મારે એટલે કોલાહલનો મોટો દરિયો લહેરાવા માંડે. સ્ટેશનનાં નામનાં પીળા પાટિયાં આવે. ચાલ્યાં જાય. કોઈ પણ પાટિયાને ગણકાર્યા વિના સીધી સડસડાટ ગાડી દોડી જાય. સૂનાં સ્ટેશનનાં છાપરાં પર બેઠેલાં કબૂતરો ઊડી જાય. ખટ...ખટનો નિયમિત તાલ ચાલ્યા કરે. મોટા ‘જંકશન’ પર એક પાટામાંથી ધીરે ધીરે અનેક પાટાઓ તરતા બાજુ પર સરવા માંડે. ગાડી અટકે, દોડે, અટકે. ચા, પાન, દૂધની ‘બૉટલો’, ડાઈનિંગ કારના ‘યુનિફૉર્મ’ સજ્જ નોકરોના હાથમાં ભરેલું ભાણું, લાલ વર્દીવાળા રેલવે પૉર્ટરો. આવજો આવજો. ડબ્બાનાં બારણાં આગળ લટકીને કાયમી ભયથી રામરતન–લછીમન ફફડ્યા કરે, સ્ટેશને સ્ટેશને ઊતરે. ‘યુનિફૉર્મવાળા ટિકિટચેકરોને ઊતરતા, બીજા ડબ્બામાં ચડતા જુએ, ડબ્બો બદલે, ફરી બદલે, ફરી બદલે. ‘યુનિફૉર્મ’ વગર આવેલા કોઈ ‘ટિકિટચેકર’ના હાથમાં ઝડપાઈ જાય. એની સામે લાચાર નજરે તાક્યા કરે, બન્નેય. ‘ટિકિટ દિખાઓ’ કીકી પેલાની આંખો પર સ્થિર. ખભો થપથપાવે, કીકી આંખો પર સ્થિર. ‘ચલો સાથમમેં...’ પગ ચાલે અને પોપટના કાંઠલા જેવી કાળી ને ઊતરી ગયેલા વાળવાળી ડોસીના નાનાશા અંબોડા જેવી ગોળ કીકી સ્થિર. દોડતી ગાડી અટકે. ‘પૈસા લાઓ.’ કીકી સ્થિર. અટકેલી ગાડી દોડે-અટકે દોડે–અટકે ને પછી ‘ચેકર’ છોડી મૂકે. ગાડીમાં પાછા ન બેસવાનું કહે. ફરી ગાડીના દરવાજા આગળ લટકીને, મુસાફરી ચાલુ થાય. ગાડી અટકે–દોડે–અટકે. પીળાં, નામવાળાં પાટિયાં ને લાલ-લીલી આંખોવાળાં, ડોકું નીચું નમાવેલા નમ્ર એક પગવાળાં ‘સિગ્નલો’ પાછળ રહી જાય. વળાંક આગળ, આગળ દોડતા એન્જિનના દરવાજા આગળ ઊભેલા, માથે રૂમાલ બાંધેલા ડ્રાઈવરો દેખાઈ જાય. બોરીવલીથી પછી મુંબઈ શરૂ થાય. પીળીપચ રાતની વચ્ચે પીળાં પીળાં બારીબારણાંવાળી, અવાજ વગરની સરી જતી, અળસિયાં જેવી ‘ઇલેકટ્રિક’ ટ્રેનો દેખાય. ચાનાં ‘પૅકેટ’ ગોઠવ્યાં હોય તેવાં મકાનો, ‘ટ્રેન’ને સમાંતરે પસાર થતા રસ્તા પરથી પસાર થતાં ‘કપલો’, સડેલી દ્રાક્ષના ઝૂમખા જેવી ‘કૉલોનીઓ’ પસાર થઈ જાય. ‘ટ્રેન’માં, ભજન ગાતા ભિખારીઓ પૂરા થાય ને ગાયન ગાતા ભિખારીઓ આવે. ઝાડ, નદી, તળાવ, આંબાવાડી ચાલી જાય ને ઘાસની ગંજીની જેમ એક પર એક, એકની અંદર એક, એકની ચારેકો૨, વચ્ચે નીચે ખડકેલાં ધાબાવાળાં મકાનો, ચળકતી કારો, ડાઘડૂઘ વગરનાં સ્વચ્છ સ્વચ્છ રંગબેરંગી પાતળાં પાતળાં સાડી–પેન્ટ પંજાબી ‘ડ્રેસ’ બુશશર્ટવાળાં ‘કપલો’ દેખાવા માંડે ને એ બધું ડબ્બા બદલતા, ‘યુનિફોર્મ’ વગરના ‘ચેકર’ના હાથમાં ઝડપાતા ઝડપાતા, દરવાજા આગળ લટકીને, ભય પર લટકીને, બંને ધ્રુવના તારા જેવી સ્થિર કીકીઓ વડે જોયા કરે, ને એના થરમાં, ટ્યુબલાઈટોમાં નાનાશા ગામની શી વિસાત? ધરબાતું જાય, ધરબાતું જાય એની શેરી–વળાંકો–શેરી–વળાંકો–ઢોલવાળો–માછીમાર–ઝૂંપડી–ખેતરના ચાસ–વાડ–ઘઉં–પવન–ગીત બધું ધરબાતું જાય. માહિમ, દાદર, બોરીવલી, પાર્લા, બોરીબંદર, માટુંગા, વાંદરા. નામો પૂરાં વંચાય ન વંચાય ત્યાં તો ધરબાઈ ગયેલા ગામનાં લટકતાં શબવાળી આંખો પર પોતાના સમગ્ર વ્યક્તિવની સાથે કબર બનીને બેસી જાય. સ્મશાન બનીને ભડભડ બળવા માંડે. પૂરા મનમાં છવાય ન છવાય તે પહેલાં તો ગૂંચાઈને એક આખું મુંબઈ બની જાય. માહિમ-મુંબઈ, દાદર-મુંબઈ, બોરીવલી-મુંબઈ, બોરીબંદર, પાર્લા, માટુંગા, મુંબઈ, મુંબઈ, મું... મુંબઈ આવી ગયા પછી હવે ભય પર લટકીને, દરવાજા પર અટકીને, આગળ વધવાનું પૂરું કરીને દરવાજા પર લટકેલાં શરીરને એકાદ ‘પ્લૅટફૉર્મ’ પર ધકેલીને, શરીરના શ્રમના પરસેવા પર લટકીને, રોજ સાંજ પડે ચોપાટી–ભૂલાભાઈ–નરીમાન–પોઈંટ–અપ્સરા–નાયગરા–વિબ્ગ્યોર પર લટકેલા, દોરી લોટા પર લટકીને અહીં આવેલા અને હવે મરીન ડ્રાઈવના ઊંચા ઊંચા ફ્લેટ પર લટકેલા, ઉનાળામાં માથેરાનની હવામાં ભરેલી તંદુરસ્તી પર લટકેલા, ‘ઈન્કમટેક્સ’ની ચોરી, ‘એરકન્ડીશન’ બંગલો, રેડિયો, કેમેરા, ‘લિફટ’ પર લટકેલા અનેક પૈસાદારોના પૈસા પર લટકીને જીવવાનું શરૂ થવાનું હતું. ગાડી ભલે ને અટકે–દોડે–અટકે–ધીમી ચાલે–ઝડપથી–વધારે ઝડપથી–પછી દોડે. ભલે ને ગાડી આગળ દોડી જાય. ‘પ્લૅટફોર્મ’ને વળગીને તેમના પગ ઊભા રહી ગયા. ગાડી સાથે જ એમનું ગામ પણ એમના મનમાંથી દોડી ગયું. ચળકતી દુનિયા એમની આંખોમાં, કાનોમાં, લોહીમાં, પ્લાઝમામાં, આંતરડામાં, છાતીમાં બધે ભરાવા લાગી. ‘પ્લૅટફોર્મ’ની બહાર કેમ નીકળવું તેની મૂંઝવણ હતી. ‘ચેકર’ આંકડાશાસ્ત્રની યદૃચ્છનિદર્શ પદ્ધતિ અજમાવતો હતો. ધીરેથી, ખંચકાયા વગર ભૂખથી ભરેલા પેટવાળા બંને સરકી ગયા. ‘ચેકરે’ ટિકિટ માગી નહીં. સ્ટેશનમાંથી સરકતાં જ, સ્ટેશનની પેલી તરફ પૂરાઈ રહેલું મુંબઈનું મયુરપંખી જાણે કે પોતાની કળા વિસ્તારીને ફરડક કરતું તેમની સામે આવી ગયું. પેટની ભૂખ આંખ સામે આવી ગઈ. આંખમાંની કબર અંદર ચાલી ગઈ. દરવાજે લટકીને ગાડીની મુસાફરી બેડી જેમ આવીને બંનેના પગમાં ભેરવાઈ ગઈ. પણ... એ બધું તો એક વર્ષ પર. બંને હજુ સાથે જ હતા. બંનેની સાથે તેમનું પેટ હતું. બંનેના પેટની આજુબાજુ વીંટળાયેલી ફાટેલી ચડ્ડીના ખીસાંમાં ‘સેવન ઓ’ક્લૉક’ બ્લેડ હતી, થોડું પરચૂરણ હતું. બંનેનાં મોઢાંમાં મુંબઈ આવ્યા પહેલાંની ગાળો ટકી રહી હતી અને મુંબઈ આવ્યા પછીની નવી ગાળો ઉમેરાઈ હતી. મોંમાં પાન, સિગારેટ ઉમેરાયાં હતાં. ગામમાં હતા ત્યારે લાકડાં ફાડી ફાડીને, માછલીઓ પકડી પકડીને, બે-ત્રણ-ચાર સિક્કાઓ કમાતા – કદીક ન કમાતા, ભૂખ્યા રહેતા. એકબીજાને વળગીને સૂતા, ખાલી પેટને નદીનાં પાણીથી ભરીને સૂતા. હવે ચોપાટીની રેતીમાં, ‘ફૂટપાથ’ પર, મેદાનમાં, પોલીસની નજર ચૂકવીને બગીચામાં, આખી રાત જાગતા ‘ચર્ચગેટ’ના સ્ટેશનના કોઈનું ધ્યાન ન જાય તેવા ખૂણામાં, ‘ગેટ-વે ઑફ ઇન્ડિયા’ પર ગમે ત્યાં સૂઈ જતા. મુંબઈમાં રોટલો મળે છે, જરૂર, ઓટલો ન મળે, ભલે. ઓટલો તો ગામમાંયે નહોતો, અહીંયે નથી. રોટલો ગામમાં નહોતો, અહીં છે. અહીં તો રોટલો, પાણીપુરી, ભેળ, ચણા, મમરા, પાઉં ગમે તે મળ્યા જ કરે છે, સીફતથી સેફટી રેઝર વાપરતાં આવડે તો કદીક નોટોનો ચોડો તો કદીક નયા પૈસાનું પરચૂરણ, લાલ-ભૂરાં-પીળાં, કંપનીની જાહેરખબરોવાળાં ‘ઍડ્રેસ’ અને માલિકના ફોટાવાળાં – ‘બસ’ના ‘પાસ’વાળાં તૂટી ગયેલી ચાંપવાળાં – અમેરિકન લેધર પોલિશથી ચળકતાં, ઝાંખાં જાતજાતનાં પાકીટો, પર્સ, ગુરુના ગ્રહવાળી, સાંઈબાબાના ફોટાવાળી વીંટી બેરર ચેક–જાતજાતનું મળ્યા કરે છે. પોલીસ, જેલ, દંડ, તમાચો, લોકોનું ટોળું પણ કદીક કદીક મળ્યા કરે છે. એમાંથી સળિયા પાછળ પણ જવાય છે ને ફરી ચંપલો, રૂમાલો, વીંટીઓ, પાકીટો, પર્સો ને ‘સેવન ઓ’ક્લૉક’ બ્લેડ શરૂ થઈ જાય છે. વાપરવામાં બીજી ‘બ્લેડો’ કરતાં ‘સેવન ઓ’ક્લૉક’ સારી છે. ગામમાં હોત તો ધરમશાળાના ઓટા પર અડધા ભૂખ્યા લાળઝરતાં મોં અને સૂકી આંખોવાળા, બન્ને જીવ્યા કરતા હોત. બાજુના મંદિરની આરતીનો ચપટીક પ્રસાદ મેળવવા જીવજાનથી સવારસાંજ પ્રયત્ન કરતા હોત ને મહિના પછી, ઓટા પરથી, હાથના પંજાને પેટ પર દબાવેલાં, ખુલ્લાં મોં ને ફાટી ગયેલી આંખોવાળાં બે શબ, સવારે નદી પર ‘અસનાન’ કરવા જતા પૂજારીએ જોયાં હોત. ધંધો ચલાવવા માટે ‘ચર્ચગેટ’ સારું છે. સ્ટેશન, ચોપાટી, એક્વેરિયમ, હેંગિંગ ગાર્ડન, કમલા પાર્ક, રીગલ, ઈરોઝ, રાજાબાઈ ટાવર ને ઑફિસો બધું જ ત્યાં ઊભરાય છે. દોડતી ‘લોકલ’ ટ્રેનમાં ચસોચસ ભરાઈને ‘હૅંગર’ પર લટકીને તેઓ ચાલ્યા જાય ને બારણાં આગળ ઊભા રહીને લાંબું ‘એરિયલ’ બહાર કાઢી ‘ટ્રાન્ઝિસ્ટર’ વગાડતા માણસને કોઈ ‘પ્લીઝ’ રેડિયો બંધ કરવાનું કહેતો હોય, ચોપાટી પરની દેશનેતાની સભામાં બેસીને સિનેમાની ચર્ચા બે દોસ્ત કરતા હોય, ‘હેંગિંગ ગાર્ડન’ પર ઊભા રહીને કોઈ પણ વિદેશીઓ આખું ખીચોખીચ ભરાયેલું મુંબઈ જોતા હોય કે પછી ‘ગેટ-વે ઑફ ઇન્ડિયા’ આગળના દરિયા પાસેના ‘ઓપન ઍર’ કાફેમાં જાડી પારસી બાનુઓ પ્રવેશતી હોય ત્યારે ચાલાકી અજમાવવાનું સહેલું પડતું હતું, ‘ઈરોઝ’માં ચાલતી ‘ઍવૉર્ડ’ વિજેતા ‘ફિલ્મ’ માટે લાંબી ‘ક્યૂ’માં ઊભા રહીને સમય પસાર કરવા માટે ‘સ્ક્રીન’નાં પાનાં ફેરવતા છેલ્લા ઊભેલા કોઈ કૉલેજિયનની પાછળ ‘ક્યૂ’માં જોડાઈ જવું અને જરાક સીફતી હાથ અજમાવીને પછી ‘પાકીટ ઘરે જ ભૂલી ગયો’નું બહાનું કાઢી ‘ક્યૂ’થી નીકળી જવું એવી ચાલાકી તેમને હવે આવડી ગઈ હતી. ગામડામાં ઊછરેલું તેમનું બાળપણ હવે અડધું જવાન બન્યું હતું. સિગારેટની ફૂંકોમાં શિયાળાની રાતો ચાલી જતી ને મુંબઈ – નિયોન લાઈટો, મકાનો, કાફે, ટચૂકડા સફાઈદાર અને લીલી ‘લોન’વાળા ‘ગાર્ડનો’, ઘાટકોપર તરફ પથરાયેલાં ખેતરો, ‘ઍરપોર્ટ’ અને રસ્તાનાં ગૂંછળાવાળું મુંબઈ – ચારેકોર જામેલા દરિયાની વચ્ચે તર્યા કરતું; તર્યા કરતા મુંબઈની વચ્ચે તેઓ બંને તર્યા કરતા. ફોકલૅન્ડ રોડ પર આવી ચઢેલા કોઈ શોખીનને રાતની મજાની લાલચે ખેંચી જતા અને પોતાનું કમિશન વચ્ચેથી રળી લેતા. યૌન સંબંધોની ચિત્રવાર્તાની ચોપડીઓ – ખરી ગયેલા વાળવાળા ટાલિયા ડોસાઓ ચપોચપ એનાં પાનાં ઉથલાવ્યા કરતા. ને એ બધાંને લીધે મુંબઈમાં તર્યા કરતાં એમનાં ખિસ્સાંઓમાં સિક્કાઓ તર્યા કરતા, સિગારેટ ભરેલાં પાકીટો તર્યા કરતાં. ચોકી વટાવીને સીફતથી સરકી જતી ‘સ્ટીમ લૉંચ’ કોંકણ ઘાટનાં અજાણ્યાં ગામડાં આગળ રાત્રે લાંગરતી અને એમાંથી છટકેલાં ઘડિયાળો, ‘ટેરેલીન’ એક હાથથી બીજા હાથમાં તરતાં તરતાં તેમના હાથમાં આવતાં અને ત્યાંથી આગળ ને આગળ તરતાં જઈ પછી ક્યાંક, કોઈ દશ બાય બારની ‘રૂમ’માં કે કોઈ ‘મોટર મિકેનિક’ના ‘ગરાજ’માં કે કોઈ ‘સ્ટોરકીપર’નાં કાંડા પર સ્થિર થઈ જતાં. ‘આરે’ની દૂધની ‘બૉટલ’માં દૂધ આખા મુંબઈમાં પહોંચી જાય એટલા જ સમયમાં દેશી દારૂની ‘બૉટલો’ નક્કી કરેલી જગ્યાઓએ પહોંચાડવા માટે નક્કી કરેલી વ્યવસ્થાના ભાગ તરીકે સાઈકલનાં ‘પૅડલો’ પર તેમના પગ ફરવા માંડતા. ઘડિયાળના કાંટા ગોળ-ગોળ ફરતા જતા. પોતાની સાથે એક મોટા, લાંબા, જાડા ભૂતકાળને ખેંચતા ખેંચતા જેમતેમ ફર્યા કરતા ને હમણાં જ વર્તમાન ગણાતી પળ બીજી જ ક્ષણે ભૂતમાં પલટાઈ જતી ને એમ આ બધું પણ ધીમે ધીમે ભૂતકાળ બનતું ગયું. વર્તમાનને ભૂતકાળમાં ફેરવવાનું આખું યંત્ર ચાલ્યા જ કરતું હતું અને અત્યારની વર્તમાન પળે ‘ગ્લેન્શ ડાઉન સ્ટ્રીટ’ આગળના ‘ક્રૉસિંગ’ આગળ ઝબૂકતી લીલી ‘લાઈટ’ને જોવા થોભેલી તેમની આંખો, એ ક્ષણ ભૂત બની ગઈ ત્યારે ‘ક્રૉસિંગ’ વટાવીને રસ્તાને સામે કાંઠે, પગ સહિત, પહોંચી ગઈ, મોંમાંના મઘઈ પાનમાંનો બધો રસ ચૂસી લીધા પછી બાકી રહેલા નિર્જીવ કૂચાને રામરતને થૂંકી નાખ્યો. મોંમાંથી નીકળેલા કૂચાએ રસ્તા પર પડતાંની સાથે જ, છાંટા ઉડાડી, રસ્તાની બાજુ પર બેઠેલા, ‘અલ્લાકે નામ પર’ બોલતા, તંદુરસ્ત, જાડા ભિખારીના મોંમાંથી તેમને માટે બે-ચાર ગાળ કઢાવી દીધી. હડતાળ, તોફાન, સરઘસ, ઘેરો, ચૂંટણીએ તેમને માટે એક નવી કમાણી ઊભી કરી દીધી હતી. જોર પર ચાલતા બજારને લીધે એમના પગ જોરથી, ઝડપથી ચાલતા હતા. ધંધા માટે નીકળ્યા હોય ત્યારનાં અને સામાન્ય ફરતા હોય ત્યારનાં એમનાં આંખ, જીભ, કાન, હાથ, પગ જુદાં રહેલાં. હમણાં કોઈપણ અવયવ શિકાર-શોધક તરીકે વર્તતા ન હતા. સ્વતંત્રતા હતી. કશું જ કરવાનું ન હતું – માત્ર ફરવાનું જ હતું, પાન ચાવી ચાવીને થૂંકવાનું જ હતું. કશો પણ વેરો આપ્યા વિના મુંબઈની સડકો ઘસવાની હતી ને રાતે લીલા ઘાસની ‘લોન’ પર અડધા જાગતા-ઊંઘતા સૂવાનું હતું. હજુયે એકને વળગીને જ બીજો રહી શકે એટલી જરૂરિયાત બંનેને એકબીજાની રહી હતી. ‘ફલોરા ફાઉન્ટન’ના છેલ્લા ‘સ્ટૉપ’ આગળ ડ્રાઈવરો ટોળે વળ્યા હતા. રસ્તા પર પડેલી સાબુની જાહેરખબરના કાગળમાં કોઈ ‘હીરોઈન’ના ઊડતા ચહેરાને લછીમને ઊંચકી લીધો ને પછી એની સામે આંખ મીંચકારી, હોઠ પર જરા જીભ ફેરવીને ફેંકી દીધો. પછી આજુબાજુના બધા જ લોકો કાં તો બુઢ્ઢા થઈ ગયા છે કાં તો હજી છ મહિનાનાં છોકરાં જ છે એવા ભાવથી આજુબાજુના રસ્તા પરથી ‘કાર’માં પસાર થતા, ફરફરતા વાળવાળા ચહેરાઓ તરફ, ડ્રાઈવરો તરફ ને છેલ્લે રામરતન તરફ જોયું. બન્ને કાટખૂણે વળી જતાં રસ્તા તરફ વળી ગયા. કોઈ ભેળપુરીવાળા પાસે માટલું જોઈને પાણી માગવા આવેલા છોકરાને ભેળવાળો કહેતો હતો, ‘હમારા ભેલપુરી લેગા તો પાની મિલેગા, સમજે?’ એ ભેળપુરીવાળાની બાજુમાં કોઈ રડ્યું ખડ્યું ઝાડ ઊગી નીકળ્યું હતું. મોટુંયે થયું હતું. એના પર, ચોપાટીમાં મળનારી દેશનેતાની સભાનું મરાઠીમાં ‘પોસ્ટર’ ચોંટાડેલું હતું. રામરતનની નજર બેધ્યાનપણે તે તરફ ગઈ ને પછી ત્યાંથી ધીમે ધીમે ઊંચે ચડતી ચડતી આખા ઝાડ પર ફરી વળી. પોતાના મોંમાં મઘઈનો કૂચો તેણે ફરીથી થૂંક્યો, ‘આપણા ગામમાંયે, સાલો, આવો બરગદ હતો, બોકડિયાને પેલે કાંઠે.’ ‘હોગા, હોગા.’ ચીડભર્યા અવાજે લછીમને કહ્યું.