હનુમાનલવકુશમિલન/સંપાદકોનું નિવેદન

સંપાદકોનું નિવેદન

લેખકના મરણોત્તર સંગ્રહમાં એનું કાચું-પાકું દરેક લખાણ છાપવાની સામાન્ય રૂઢિ છે. પણ આખરે તો મૂલ્ય સર્જકતાનું જ અંકાય, દસ્તાવેજનું નહીં – એવા વિચારથી અમે અહીં ભૂપેશની વાર્તાકાર તરીકેની સ્પષ્ટ છાપ ઉપસાવે એવી, પસંદ કરેલી સોળ વાર્તાઓ લીધી છે. એણે કુલ અઠ્ઠાવીસ વાર્તાઓ લખેલી. એમાંથી પાંચ તો અધૂરી હતી. બાકીનીમાંથી સાત અમને સમગ્રપણે નબળી જણાઈ – રચનાનો કશો પિંડ ન બંધાતો હોય એવી અજમાયશરૂપ રહી ગઈ હોવાને લીધે કે પહેલા મુસદ્દા પર એણે બીજીવાર કામ ન કર્યું હોવાથી પણ કાચી રહેલી લાગવાને કારણે. અલબત્ત, આ વાર્તાઓમાં પણ ક્યાંક ક્યાંક ભૂપેશની સર્જકતાના સ્ફુલિંગો તો જણાય છે, પણ રચનાની દૃષ્ટિએ એ ભૂપેશના સર્જકવિશેષમાં કશો ઉમેરો કરતી જણાઈ ન હોવાથી એના કેવળ દસ્તાવેજી મૂલ્યને અમે મહત્ત્વનું ગણ્યું નથી. અધૂરી રહેલી વાર્તાઓમાંથી ‘વિપ્રગ્રામ’, ‘કોટક પ્રૉબ્લેમ’ અને ‘કુટુંબ’ ઠીકઠીક લાંબી વાર્તાઓ છે – ‘કોટક પ્રોબ્લેમ’ તો લાંબીટૂંકી વાર્તા કે લઘુનવલ કહેવાય એવી છે. ને સર્જકતાની રીતે પણ આ વાર્તાઓ ધ્યાનપાત્ર છે, પરંતુ એ અધૂરી હોવાથી જ અહીં સમાવી નથી. ભવિષ્યમાં એને કોઈ રીતે પ્રકાશમાં લાવવાનો વિચાર છે જ. અવસાન પૂર્વેના એકાદ વરસથી તો ભૂપેશે સાહિત્યસર્જન ને એનું પ્રકાશન પણ બંધ કરેલાં. કલા ને સાહિત્યની પ્રવૃત્તિ એને દ્વૈતીયીક લાગવા માંડેલી. પોતાના આ વલણને એ ચકાસવા માગતો હતો. એને અંતે એ શા નિર્ણય પર આવ્યો હોત એ કહી શકાય નહીં. એટલે આમાંની મોટા ભાગની વાર્તાઓ તો એના આવા વલણની નોંધ સાથે છેલ્લા આઠ-દસ માસમાં જ વિવિધ સામયિકોમાં પ્રકાશિત થઈ છે. એનાથી ભૂપેશની સર્જકતા તરફ ઠીકઠીક ધ્યાન ખેંચાયું છે. કેટલીક વાર્તાઓ આ સંગ્રહમાં જ પ્રથમ વાર પ્રકાશિત થાય છે. વાર્તાઓનો અનુક્રમ કાલાનુક્રમી રાખ્યો નથી પણ સંવેદનવિષય, રચનાશૈલી ને પ્રયોગોના વૈવિધ્યને ધ્યાનમાં લઈને રાખ્યો છે. રચનાતારીખ, પ્રકાશનાદિની વિગતો અન્યત્ર એકસાથે આપી છે. પસંદગી નિમિત્તે ભૂપેશની સર્વ વાર્તાઓમાંથી ને એના હસ્તાક્ષરોમાંથી ઝીણવટ ને કાળજીપૂર્વક પસાર થવાનું થયું એણે ને વાર્તાઓ અંગે જે ચર્ચાઓ કરી એણે અમને ભૂપેશની ને એની સર્જકતાની નિકટ રાખ્યા છે – એનો મોટો આનંદ છે. ગુજરાતી સાહિત્ય પરિષદ આ વાર્તાઓને પ્રકાશિત કરે છે એ માટે અમે એના આભારી છીએ. આપણા એક મોટા ચિત્રકાર ને કવિ શ્રી ગુલામ મોહંમદ શેખે પ્રેમપૂર્વક આ સંગ્રહનું પ્રચ્છદપટ તૈયાર કરી આપ્યું એ માટે એમના તથા ભૂપેશની વાર્તાઓને પ્રકાશિત કરનાર વિવિધ સામયિકોના સંપાદકો-તંત્રીઓના પણ અમે આભારી છીએ. કવિમિત્ર મૂકેશ વૈદ્ય વાર્તાઓના સંપાદનની ને પુસ્તકના નિર્માણની ઘણી ચર્ચાઓમાં સાથે રહ્યા છે તથા વાર્તાઓની મૂળ પ્રતો પરથી નકલો કરવાનું ખૂબ ચોકસાઈ ને જહેમત માગી લેનારું કામ બહેન લિપ્સા અધ્વર્યુએ ખૂબ ઉમળકાપૂર્વક કરી આપ્યું છે. – એ બંનેનો સાનંદ ઉલ્લેખ કરીએ છીએ, આભાર માનીએ એ તો એમને ગમશે નહીં.

સંપાદકો