હયાતી/૯૦. રોયા નહીં
૯૦. રોયા નહીં
અમે કાળજાથી કીકી લગી આંસુ ભર્યાં ને પછી રોયા નહીં,
કંઈક મંડાઈ મીટ કેરી લાગણીથી આંસુઓને ધોયાં નહીં.
તમે વાટથી વંકાઈ આંખ ફેરવી લીધી
ને જરા ખટકો રહ્યો,
નાચતા બે પાય ગયા થંભી, બે હાથે
લાલ ફટકો રહ્યો.
કૂણાં લોચનિયાં જાતને મનાવે જાણે કે એને જોયાં નહીં;
અમે કાળજાથી કીકી લગી આંસુ ભર્યાં ને પછી રોયા નહીં.
છૂંદણાના હંસ કને મોતી ધર્યાં
ને પછી જેયા કર્યું,
તડકો આ તાપથી અકળાયો ને
અંગ ભીનું વાદળ ધર્યું.
એથી પાગલમાં જાતને ખપાવી, લાગે કે લેશ મોહ્યા નહીં,
પછી કાળજાથી કીકી લગી આંસુ ભર્યાં ને હવે રોયા નહીં.
૧૯૭૫