હયાતી/૯૧. અગ્નિ પ્રજળ્યો
Jump to navigation
Jump to search
૯૧. અગ્નિ પ્રજળ્યો
માયરામાં મોજડીએ દીધો છે ડંખ
એને ચૂંદડીના રેશમથી અડકો;
ભારેલી ચિનગારી ભીતર પડી છે
જરા હળવી શી ફૂંક અને ભડકો!
કાળી માટીને લીલા પાનમાં ભરીને
આમ બાંધી દિયો ન મારા પાય;
શમણામાં કોક ગાંઠ બાંધે ને કોક એને
શમણામાં છોડીને જાય.
સાવ રે અબોલ મીટ માંડી ત્યાં
સૂના આ અંતરમાં કેમ થતો થડકો!
કેમ કરી ફરવા આ ચારચાર ફેરા
કે પહેલે ચકરાવે ચડ્યા ફેર;
પહેલે ડગલે જ પાય લથડ્યા : પહોંચાશે
સાત ડગલાં માંડીને કેમ ઘેર?
મધરાતે વેદીમાં અગ્નિ પ્રજળ્યો
કે સાંજે સૂરજ ભૂલ્યો’તો થોડો તડકો!
૧૯૭૫