હરીશ મીનાશ્રુની કવિતા/હું નિકટ છું, નખની માફક વેગળો પણ કહી શકે

હું નિકટ છું, નખની માફક વેગળો પણ કહી શકે

હું નિકટ છું, નખની માફક વેગળો પણ કહી શકે
આ વ્યથા એવી સરળ છે કે જવલ્લે સહી શકે

તું મૂકી તો જો સકળ આકાશમાં શ્રદ્ધા પ્રથમ
તે પછીની ક્ષણને તું ઇચ્છે તો સૂરજ કહી શકે

મેં રહસ્યો મારાં વડવાનલનાં સોંપ્યાં છે તને
તું હવે તારા કોઈ પર્વત ભણી પણ વહી શકે

સંગ રહેવું કે વિખૂટા પડવું : તારી મુનસફી
અહીં મને તરછોડી આગળના મુકામે ચહી શકે

છેવટે તો એ રીતે પણ સિદ્ધ એકલતા થશે
મારાં અશ્રુ તુંય લોચનનાં ખૂણે જો લહી શકે

સ્થળ સમયમાં તેં ઉમેરી દૂરતા ને જે રહ્યું
તે સ્મરણ છે, પણ જવા દે, તું એ સમજી નહીં શકે