હેમંત ધોરડાનાં ચૂંટેલાં કાવ્યો/કમરામાં બંધ ભગ્ન હવાઓમાં ધારશો



કમરામાં બંધ ભગ્ન હવાઓમાં ધારશો
મારા અવાજને હવે નીરવમાં ઢાળશો.

ચારે તરફ સફેદ દીવાલોના વ્યાપમાં
કેવળ સફેદ છું હું મને ક્યાં સમાવશો.

લંબાવું દૂર દૂર અવિરત તિરાડનું
હું સાવ સ્થિર છું તો મને ક્યાંય માનશો.

ખૂણામાં એક કોડિયું એકીટશે તગે
કેમે વિતાવશો મને કેમે વિતાવશો.

બારીમાં બંધ કાચ ઉપર ભેજ થઇ જઈશ
ભૂંસીને આંગળીથી મને શબ્દ પાડશો.