હેમેન શાહનાં ચૂંટેલાં કાવ્યો/રોમાંચ

રોમાંચ

રોમાંચ ત્યાં ગયા એ સુધીનો જ હોય છે,
ઊંચાઈનું ઇનામ તો ખીણો જ હોય છે.

શ્રદ્ધાનો હાથ છોડીને દોડી ગયા હશે,
પ્રશ્નોનો તો સ્વભાવ અધીરો જ હોય છે.

ફૂલો, ઝરણ, વિહંગ તો મૌલિક રીતે કહે,
ઉદ્ગાર માનવીનો ઉછીનો જ હોય છે.

હું મારી માન્યતાના સતત પ્રેમમાં રહું,
આકાર વિશ્વનો કોઈ બીજો જ હોય છે.

ભૂલા પડી જવાયું એ જુદી છે વાત પણ,
સાચો હંમેશ માર્ગ તો સીધો જ હોય છે.

આખરે ૩૬