હેમેન શાહનાં ચૂંટેલાં કાવ્યો/સુખ દુ:ખ
સુખ દુ:ખ
સુખદુઃખ છે મનની પાટીએ, જગ્યા જરાય નહિ,
ભૂંસ્યા વગર તો એક પણ પંક્તિ લખાય નહિ.
દાવા-દલીલ માટે જરૂરી છે બારીકી,
મોટેથી બોલશો તો કંઈ પુરવાર થાય નહિ.
તરતું મૂકી લખાણ, ખસી જાવ બાજુએ,
કાગળની હોડીને કદી ધક્કા મરાય નહિ.
માપી, ગણી શકો એ બધું કામનું નથી,
જો છે મહત્ત્વનું તો એ તોળી શકાય નહિ.
નાનું જરાક રાખો અનુસ્વાર ‘હું’ ઉપર,
આખો વખત વજનને ઉઠાવી ફરાય નહિ.
અંતે ખરી જવાનીયે તાકાત જોઈએ,
પ્હેરો સુગંધ એટલે ફૂલો થવાય નહિ.
આખરે ૪