૮૬મે/આ મારો અહમ્

આ મારો અહમ્

આ મારો અહમ્ મને કેટકેટલો નડી રહ્યો,
વરસોનાં વરસોથી એ મારી સાથે કેટકેટલો લડી રહ્યો.

જીવનમાં એક વાર પ્રેમ આવ્યો’તો મારે બારણે,
ઘરમાં પ્રવેશી ન શક્યો મારા અહમ્ને જ કારણે;
રાહુની જેમ જ્યાં ને ત્યાં આમ સદા એનો પડછાયો પડી રહ્યો.

ચિરકાલનું એ બંધન હશે? કદીક તો તૂટશે!
કે પછી શું એ મારા મૃત્યુની સાથે સાથે જ છૂટશે?
અસહાય એવો મારો પ્રાણ એકાન્તમાં મૂગો મૂગો રડી રહ્યો.

૨૦૧૨