– અને ભૌમિતિકા/ઋતુઓ


ઋતુઓ

બારીમાં ડોકાયેલી આ ડાળીએથી.
વસૂકી ગઈ છે ઋતુઓ,
ડાળેડાળથી ખરી પડ્યું છે
કાચીંડા જેવું આકાશ.
ઠંડીથી ઠૂંઠવાઈ ગયેલી
જરઠ કોઈની નસો જેવી
ટોચો સુધી તળવળાટ મચાવી જતી
ખિસકોલીની પુચ્છ વડે
આંજી શકતો નથી હવે ડાળીઓની લીલાશને
...વાસંતી લયનું પતંગિયું
ઊડાઊડ કરે બહાર...
ઘૂઘવીને ગેલ કરતાં
બે પારેવાંને નિરર્થક તાકી રહી
અણગમાને ક્યાં સુધી પોષ્યા કરવાનો?
વૃદ્ધ થતો જાય છે
અહીંથી પસાર થતો પવન
ને ડાળીઓ–
કંપ્યા કરે છે
કોઈ જર્જરિત હાથની જેમ

૨૧-૧-૧૯૭૦