– અને ભૌમિતિકા/એક કાવ્ય(2)


એક કાવ્ય


—ત્યારે
કાનમાં પાણી ભરાઈ જતું.
ચાલવા જાઉં ત્યાં
હજાર હજાર નગારાંની
તેલ-છંટાયેલી બહેરી-ધબ સપાટી પર
ઢમ ઢમ વાગતા
મારા પગ, કાનનો પડદો
કે જેમાં ન્હાતો તે તળાવનો પાણી-પટ!
જેમ જેમ ચાલું તેમ તેમ
રબ્બરની દીવાલો સામે આવતી લાગે
ને મુઠ્ઠી વાળી ઠોકું તો
ઢમ્‌ ઢમ્‌ થઈ ઢળકે કક્કાનો ઢ.

બધે જ રબ્બરની દીવાલો.
આંગળીથી તાણું લીટી
ત્યાં ઢઢળે દીવાલ;
ખોડવા જાઉં ખીલી ત્યાં તો
માત્ર ખંજન પડે ઘડીક ને પાછાં વિલાય,
પગ પછાડી ઠેસે લઉં
ને ઠેલાય તો ઘડીક પછી લફરક લફરક પાછી ધાય,
ઈંડું અફાળું તો ખોયણું પાડે.
ફોડી શકું જ નહિ તે આ ઈંડું, દીવાલ
કાનનો પડદો કે તળાવ!

—કાનમાં ટચલી આંગળી
ને પછી તો
નખ અને પરપોટો


૩૦-૮-૧૯૭૭