– અને ભૌમિતિકા/ગમતા મલક ભણી


ગમતા મલક ભણી


વેલ્ય રે ઉપાડી અમે આથમતે તેજ
ઝીણી ઘૂઘરીઓ ઘમઘમતી છોગાળા ફળિયે...
ઊઘલી વેળાનું પીળું આભલું આંજીને હવે
ગમતા મલક ભણી મઘમઘતા વળિયે...

નીરખી લેવાને મિષે વલવલતી ક્યાંક
તારી કીકીઓ પહેરીને મને ‘હું’ને જોવાનો ભાવ જાગે,

પાદર વળોટીને ઊતરતી ઢાળ એવી
કો’ક અધીરાઈ ઝીણા કંઠ મહીં રેલાતી લાગે;

ઝૂકી કો’ ડાળખીનું છોગે અડ્યાનું ભાન :
માંડવાની હેઠ અમે ઘડી ઘડી લળિયે...

કાછડો વાળીને ભેળા ચારેલા દંન હવે
ઝાંખરેથી, ખેતરથી તેતર થઈ દબદબતા ભાગે,
અમથી અમથી તે લાજ કાઢી રમ્યાંની વાત
ક્યાંક રે સંતાઈ હવે શૈનઈમાં ભૂલવાનું માગે;

તારે પરદેશ આવી ઊતર્યા કે ડૂલ
તારી સૈયરના ઊછળતા દરિયે...

૯-૪-૧૯૭૧