– અને ભૌમિતિકા/રખોપું


રખોપું

આંબે રખોપું તમે માંડ્યું દરિયાવ
અમે ડાળીએથી શાખ કેમ લેશું?
ઝલમલતી તેજ-છાંય હેઠે બેસીને કાંઈ
વૈશાખી વાયરાની ભમતી આ ડમરીને
ગૂંથો એકલતાના ગીતમાં,
આંખનો ઉલાળ મળ્યે એક વાર, પાંપણની
પાંખો કરીને ઊડી આવીએ ને ગાઈ લિયે
એવું કાંઈ કોયલની રીતમાં.
આણીમેર તો ’મારી તાતી તરસ જેવું વ્હેળું
જો ટહુકો તો પથ્થરિયા વ્હેણમાંયે ટાઢો ઝબકોળ એક લેશું...

લાલ રે ચટાક મેલી માટલીના શ્યામ એક ઝાબામાં
ત્રોફવેલ ગાલમાંના તલ જેવું ઝમતું કૈં એવું રે ત્રાજવું,
પ્હાડોની આડશમાં પોઢ્યા અષાઢનું ય
મૂંગું મૂંગું તે ક્હેણ કહી જવું :
ન્હોય કદી ખાલીખમ વાદળાંનું ગાજવું.
તસતસતા તડકાનાં પાતળાં ના પોત હવે :
કરડી બે કીડીઓથી અમથા ઢોળેલ જૂઠા
રોષની યે પોશ ભરી લેશું.
આંબે રખોપું તમે માંડ્યું, દરિયાવ...!
૧૦-૪-૧૯૬૯