‘પ્રત્યક્ષ’ પત્રસેતુ/આભાર અને અપેક્ષા : ભરત મહેતા

૧૯
ભરત મહેતા

[સંદર્ભ : જાન્યુ.-માર્ચ, ૨૦૧૦, ‘કળાકારનો ઇતિહાસબોધ’ની સમીક્ષા, હેમન્ત દવે]

૩. આભાર અને અપેક્ષા :

આદરણીય સંપાદકશ્રી, જાન્યુઆરી-માર્ચ ૨૦૧૦ના ‘પ્રત્યક્ષ’માં મારી એક પુસ્તિકા ‘કળાકારનો ઇતિહાસબોધ’નું સુદીર્ઘ વિવેચન શ્રી હેમન્ત દવેએ કર્યું એ બદલ હું એમનો આભારી છું. વિશેષપણે એટલા માટે કે હેમન્ત દવે મારા અંગત મિત્ર છે. તેમ છતાં એમણે નિર્મમપણે સમીક્ષા કરી છે. એમણે મારી કેટલીક સરતચૂકો તરફ પણ ધ્યાન ખેંચ્યું છે. સમીક્ષામાં એક-બે જગાએ બિનજરૂરી પ્રસ્તાર છે તે આપ ગાળી શક્યા હોત. જો કે એ સંપાદકનો પ્રશ્ન છે. એક બે બાબતોમાં સમીક્ષક સાથે મારી અસંમતિ હોઈને આ પત્ર લખું છું. ઇતિહાસ અને સાહિત્યના સંબંધની ચર્ચામાં હું નર્મદાબંધ, ગોધરાકાંડ, અનુ-ગોધરાકાંડા, અખિલ ભારતીય સાહિત્ય પરિષદને છેડું છું તે એમને ‘અનર્થક’ લાગ્યું છે જ્યારે હું માનું છું કે ઇતિહાસ અને સાહિત્યના સંદર્ભે આ ઉદાહરણો ચર્ચાને માટે ઉપયોગી છે. કાર્લ પોપરને મેં પ્રતિક્રિયાશીલ ચિંતક ગણાવ્યા છે એની સામે પણ એમને વાંધો છે. મેં મારા પ્રિય ઇતિહાસકાર ઈ. એચ. કારની મદદથી જ આ કહ્યું છે. મેં તો પોપરને માત્ર પ્રતિક્રિયાશીલ જ ગણાવ્યા છે જ્યારે ઈ. એચ. કારે તો એમના ‘What Is History’માં પોપર અને બર્લિનની સવિગત આકરી ઝાટકણી કાઢી છે. ગુજરાતી સાહિત્યની વાત કરતાં કરતાં મેં ગોટા વાળી દીધા છે.’ (ભાષા?) એવો આક્ષેપ સમીક્ષકે કર્યો છે. સંદર્ભ ‘બાહુક’નો છે. એમણે ચિનુ મોદીને અને કાવ્યખંડને ટાંકીને આ કાવ્યમાં નળ નગરવિચ્છેદનો ભાર અનુભવે છે તેમ સૂચવ્યું છે. જ્યારે મેં ‘નાગરિકભાગ હળવો થતો હોય’ તેમ કહ્યું છે. સમગ્ર કાવ્યનો ધ્વનિ મારા નિરીક્ષણને જ વાજબી ઠેરવે છે. બાહુકમાં પરિવર્તિત નૈષધરાય હોદ્દાના કોચલામાંથી બહાર નીકળતાં સ્વ-ઓળખનો રોમાંચ અનુભવે છે. ‘કાલપરિવર્તન’, ‘હુકમ, માલિક’, ‘રાજા મિડાસ’ જેવી કૃતિઓ પણ આના સાતત્યમાં જોઈ શકાય. છેલ્લે, લેખકની માર્ક્સવાદ સામેની સૂગ (મોટા ભાગના ગુજરાતી વિવેચકોની પેઠે) વારંવાર વ્યક્ત થઈ છે. હદ તો ત્યાં થાય છે કે તેઓ લખે છે, ‘માર્ક્સે કરેલો લોકશાહી અને મુક્તિનો પ્રચંડ વિરોધ એટલો જાણીતો છે કે એનો ઉલ્લેખ અહીં અનાવશ્યક છે.’ (પૃ. ૨૯) હું તો વિશ્વના અનેક લોકોની જેમ માર્ક્સને મુક્તિના પ્રચંડ હિમાયતી માનું છું. કદાચ સમીક્ષક એમની આ માન્યતાને સુસ્થાપિત કરી આપે ભવિષ્યમાં તો પશ્ચિમના જ્ઞાનજગતમાં એમનું પ્રદાન ગણાશે. પુસ્તકના મૂલ્યાંકનમાં પણ એ શા માટે અવઢવમાં રહ્યા છે તે ખબર પડતી નથી. એકતરફ તેઓ કહે છે કે – ‘આ પુસ્તક મહાંશે સંતર્પક નથી એમ કહેવાનું કમનસીબે પ્રાપ્ત થાય છે.’ જ્યારે બીજી તરફ લખે છે કે – ‘આ વ્યાખ્યાનો ઇતિહાસના વિદ્યાર્થીને સાહિત્યને એક જુદી રીતે જોવાનો દૃષ્ટિકોણ પૂરો પાડે છે.’ (પૃ. ૨૪) બાકી, સમગ્ર સમીક્ષા મારા માટે ખૂબ જ ઉપયોગી નીવડી છે તેથી એમનો અને ‘પ્રત્યક્ષ’નો હું આભારી છું.

વડોદરા;૨૭ જૂન, ૨૦૧૦

ભરત મહેતા

[એપ્રિલ-જૂન, ૨૦૧૦, પૃ. ૫૧-૫૨]