‘પ્રત્યક્ષ’ પત્રસેતુ/ડંકેશ ઓઝાની સમીક્ષા વિશે : કિશોર વ્યાસ
કિશોર વ્યાસ
[સંદર્ભ : ઑક્ટો.-ડિસે. ૨૦૧૨, ડંકેશ ઓઝા]
ડંકેશ ઓઝાની સમીક્ષા વિશે
આદરણીય સાહેબ, પ્રત્યક્ષ(ઑક્ટો.-ડિસે. ૨૦૧૨)માં ઇન્દુલાલ યાજ્ઞિકની આત્મકથાનું ગ્રંથાવલોકન પ્રગટ થયું છે. આ અવલોકન ક્યારે થાય છે અને કોણ કરે છે એની જિજ્ઞાસા હતી. જ્યારે આ આત્મકથામાંથી પસાર થતો હતો ત્યારે શાંતિલાલ મેરાઈ સાથે આ અંગે વાત થતાં એમણે કહેલું કે : ‘આટલી દીર્ઘ આત્મકથા લખનાર તો ઠીક, વાંચનારાં પણ વિરલ થતાં જાય છે. તમે વાંચો છો એનું મને આશ્ચર્ય થાય છે.’ આ કથનમાં આપણી વાચનસ્થિતિનું એક ચિત્ર સાંપડે છે. ડંકેશ ઓઝા આ આત્મકથાની સમીક્ષા કરવાના અધિકારી છે પણ મને લાગ્યું કે એમને વાત કરવાની ઝાઝી મોકળાશ મળી નથી.* પ્રત્યક્ષ હો કે કોઈ અન્ય સામયિક હોય, આપણે ૭૦-૮૦ પાનની ચોપડીને પણ ચાર પાનાં આપીએ અને બે હજાર પૃષ્ઠો ધરાવતી ચોપડીને પણ એટલાં કે એનાથી એકાદ પાનું વધારે આપીએ છીએ. આ કારણે સમીક્ષકે કૃતિના અત્યંત નોંધપાત્ર અંશોને કુદાવીને કે સંકેતમાત્ર કરીને સંતોષ માનવાનો રહે છે. (બે પાનમાં પણ કૃતિની સઘન સમીક્ષા થઈ શકે એવી દલીલ થઈ શકે અને પાંચસાત પાનાં ખર્ચીએ એટલે સમીક્ષા ઉત્તમ બને એવું કહી શકાય નહીં) અહીં ડંકેશભાઈએ ઇન્દુલાલને અસ્થિર મનના ફકીર લેખે કે હનુમાનની જેમ હૂપાહૂપ કરતા રહેતા સતત ઉદ્યમી મનુષ્ય તરીકે દર્શાવી અવતરણો મૂકી આપ્યાં છે પણ આત્મકથાના તમામ ભાગોમાં ઇન્દુલાલે નાનામોટા કોઈપણ કામ માટે સપાટાબંધ જેવો શબ્દ તરતો રાખ્યો છે, જે ઇન્દુલાલનું મનોવલણ પ્રગટ કરી રહે છે. જેલમાં ગાંધીજી સાથે જ્ઞાનગોષ્ઠીનું પૂર રેલાવનાર ઇન્દુલાલના ગાંધીજી, સરદાર કે સેવાસંઘ સાથેના મતભેદો કયા હતા એ સમીક્ષક અહીં ચર્ચી શક્યા નથી. ફિલ્મના અનુભવો વિશે અહીં કશું જ લખી શકાયું નથી. ઇન્દુલાલના સર્જક તરીકે ‘કુમારનાં સ્ત્રીરત્નો’ અને ‘માયા’ને યાદ કરી એ વિગત જ નોંધી છે પણ આત્મકથા કેવળ વિગતો જ આપે કે સર્જક તરીકેની એમની મથામણ પણ રજૂ કરે? ઇન્દુલાલની આત્મકથામાં એવાં કયાં મનોમંથનો, આત્મનિરીક્ષણો કે આત્મકથાને ઊંચે લઈ જતી ઘટનાઓ છે એ સમીક્ષકે બતાવવું જ જોઈએ, એ અહીં અધૂરું લાગે છે. એ જ રીતે ગાંધીજીને સાપ્તાહિક તરીકે સ્વીકાર કરવાનું મન થાય એવાં સત્ય અને નવજીવન વિશે, (આ અંગે આત્મકથામાં વીસેક પાનમાં નોંધ છે) યુગધર્મ સામયિકને કે, ઇન્દુલાલની જુદાજુદા અખબારીપત્રોની કામગીરીને પણ અહીં ક્યાંય જગા મળી નથી. ડંકેશભાઈએ આ આત્મકથામાં પથરાયેલા લેખઅંશો, વ્યાખ્યાનો કે ભાષણોની ટૂંકી નોંધ લીધી છે પણ સતત જુદીજુદી કામગીરીનાં વર્ણનો, અહેવાલો ને લેખઅંશોને કારણે એકવિધતા પ્રવેશી ગઈ હોવા છતાં જે વિગતો છે એ ગુજરાતના ઇતિહાસને માટે ધ્યાનાર્હ બની રહે. એ જ રીતે પ્રથમ ભાગમાં વિસ્તારીને એ જમાનાના ચિત્રને જ્ઞાતિ, જાતિ અને નડિયાદને જે રીતે જીવંત કર્યું છે એમાં ઇન્દુલાલ પાછળ છે અને ગુજરાતનો સાક્ષાત્કાર છે એ અર્થમાં ઇન્દુલાલે પોતાની જાતને ગૌણ બનાવીને નવસંચલનોને કેન્દ્રમાં મૂકવાનો યત્ન કર્યો છે એથી આ આત્મકથા સ્પર્શી જાય. માધવસિંહ સોલંકીની વિગત જ સમીક્ષકે કેમ મૂકી હશે – એવો પ્રશ્ન પણ મારા જેવાને થવાનો. મને લાગ્યું કે આત્મકથાને માટે અહીં ગાડીતસાહેબને કે ટોપીવાળાને બોલવા દેવા કરતાં ઇન્દુલાલને જ વધુ બોલવા દેવા જેવા હતા. બાકી આ આત્મકથાના પુનર્મુદ્રણ માટે અરુણાબહેન મહેતા મેમોરિયલ ટ્રસ્ટને, વિતરક ગૂર્જરને, તેમજ ભારતીબેન, ડંકેશ ઓઝાને અભિનંદન આપીએ એટલાં ઓછાં છે.
કાલોલ, ૧૨, ફેબ્રુઆરી ૨૦૧૩
– કિશોર વ્યાસ
[જાન્યુઆરી-માર્ચ, ૨૦૧૩ પૃ. ૫૦]
* સમીક્ષા ટૂંકી જ લખો – એવું સમીક્ષકને સંપાદક તરફથી કહેવામાં આવ્યું ન હતું. એટલી સ્પષ્ટતા. - સંપા.