‘પ્રત્યક્ષ’ પત્રસેતુ/પુસ્તકનું નિર્માણ અને લેખકો : રોહિત કોઠારી
રોહિત કોઠારી
પુસ્તકોનું નિર્માણ તથા લેખક-મુદ્રકચર્ચા
પુસ્તકનું નિર્માણ અને લેખકો
તંત્રીશ્રી, મુદ્રણાલયની વ્યવસ્થામાં કમ્પ્યુટરના આવ્યા પછી લેખકોની અપેક્ષા વધતી ગઈ છે, સામે કમ્પ્યુટરની જાણકારીવાળા લેખકો જૂજ છે, એટલે કેટલીક જરૂરી વાતો હું કહેવા માગું છું. બોલ્ડ કરેલી વિગતો લેખકોની અપેક્ષા અને વલણો સૂચવે છે. કમ્પ્યુટરમાં તો ચાંપ દાબો એટલે બધું થઈ જાય; નહીં? : પહેલાંના સમયમાં બીબાં કહેતાં ટાઈપો કેસમાંથી વીણવાં પડતાં હતાં. અત્યારે કમ્પ્યુટરમાં પણ ટાઈપ વીણવા તો પડે જ છે – અલબત્ત, કીબોર્ડ દ્વારા. કમ્પ્યુટર વાપરનાર પણ માણસ જ છે. માત્ર પહેલાંની જેમ બીબાંની કોઈ તૂટ નથી હોતી. જેટલી સંખ્યામાં અક્ષરો જોઈએ તેટલા મળી રહે છે. વળી, ઝડપ, ચોખ્ખાઈ વધી છે કારણ કે દરેક બીબું નવું જ હોય છે. આનું નુકસાન પણ છે : ઘણી મુદ્રણપ્રતોનું ટાઈપસેટિંગ કર્યા પછી વર્ષો સુધી તે છપાવા જતી નથી, તેથી સરવાળે ભોગવવાનું તો મુદ્રણાલયને જ આવે છે. મારે ત્યાં ચાર-પાંચ વર્ષથી ટાઈપસેટિંગ થયેલી હસ્તપ્રતો પ્રેસ દ્વારા એનો મોક્ષ થાય, છપાય એની રાહ જુએ છે. આમાંની કેટલીક ટાઈપ્ડ હસ્તપ્રતોનું તો બાળમરણ પણ થાય છે. CD આપું તો નહીં ચાલે? : આપણે ત્યાં પ્રાદેશિક ભાષામાં અલગ અલગ સૉફ્ટવેર છે ભાષાભારતી, આકૃતિ, શ્રીલિપિ, CDAC વગેરે ઘણાંબધાં. દરેક સૉફ્ટવેરમાં મૂળાક્ષરોના અલગ અલગ કેરેક્ટર-મેપ હોય છે. એટલે કે એક સોફ્ટવેરમાં ૨૧૭ પર ‘ક’ હોય તો બીજા સૉફ્ટવેરમાં ૨૧૭ પર ‘ક’ને બદલે બીજો કોઈ અક્ષર હોય. આમ છતાં જે-તે ફાઈલની સાથે તેના ફોન્ટ મળે તો કમ્પ્યુટર પર તે જોઈ શકાય, પરંતુ એમાં કશો સુધારો-વધારો-ફેરફાર કરી ન શકાય, કમ્પ્યુટરની ભાષામાં, એ edit ન થઈ શકે. તેમ જ કોઈ પણ ફાઈલની સાથે ‘તે’ એટલે કમ્પ્યુટર અનેક પ્રકારની માહિતીથી જોડાયેલું હોય છે. એટલે બહારથી આવેલી ફાઈલમાં કોઈ માહિતી ખૂટતી હોય તો કમ્પ્યુટર પર જોઈએ તેવું દેખાતું નથી. એટલે સોફ્ટવેર એકસરખાં હોય તો બધા પક્ષની મહેનત નિવારી શકાય. (એક વાર આવી રીતે બહારથી આવેલી એક સામયિકની ફાઈલની બટર મેં કાઢી, છપાવી અને પાર્ટીને મોકલી. પછી ખબર પડી કે બધી ટેક્સ્ટ ખસી ગઈ હતી. લેખનું મેટર જાહેરાતમાં જતું રહેલું! સરવાળે બધા અંકો પસ્તી કરેલા!) ચિત્રો તો કમ્પ્યુટરમાં અઢળક હોય છે : કોઈ પણ પુસ્તકમાં ચિત્રો / ફોટા વાપરવાના હોય તો લેખક (કે તેના વતી આવનાર) અપેક્ષા લઈને આવે કે હવે તો ઇન્ટરનેટ પર ઘણા ફોટા તૈયાર હોય છે. CDમાં પણ ઘણાં ચિત્રો હોય છે! પણ એક વાર તેમને એક કમ્પ્યુટર આપી દઈએ અને CDઓ આપી દઈએ તો ખબર પડે કે તે જોવા અને પસંદ કરવામાં ઘણો સમય જાય છે. આ વાત એટલા માટે કહી કે લેખકને ઇન્ટરનેટ / CDની અધકચરી માહિતી હોય છે, કેટલાક ખોટા ખ્યાલો, એથી, બંધાયેલા હોય છે. તમે તમારે એક વાર એન્ટ્રી કરી લો ને, પુસ્તકની સાઈઝ વગેરે તો પછી નક્કી કરીશું : કમ્પ્યુટરમાં એક વાર એન્ટ્રી કર્યા પછી પુસ્તકની સાઈઝ / ટાઈપસાઈઝ વગેરે બદલી શકાય છે. એટલે આ રીતે પણ ઘણી વાર મેટર મળે છે. આવી પરિસ્થિતિમાં ઘણી વાર અધૂરું – થોડું મેટર મળે, બાકીનું બીજું પછી આપીએ છીએ, એમ કહે. (હસતાં હસતાં હું એમ કહું : લેખક એક ફકરો કમ્પોઝમાં આપે અને ‘એટલું કરતા થાઓ ત્યાં બાકીનું મેટર આપું છું’ એમ કહે!) ટૂંકમાં, પુસ્તકનાં બે પૂંઠાં વચ્ચેની તમામ સામગ્રી એકસાથે ફાઈલમાં આપવાની પ્રથા હવે ખોરવાતી જાય છે. અર્પણ / નિવેદન / પ્રસ્તાવના જેવાં મેટર તો ફાઈલ સાથે લગભગ મળતાં નથી. આવું શા માટે? પુસ્તકમાં સમાવેશ પામનારી સઘળી સામગ્રી એકસાથે કેમ આપી ન શકાય? કમ્પ્યુટર ઑપરેટરને એકસાથે આખી હસ્તપ્રત મળી જાય તો તેને પણ કામ કરવાની વધુ અનુકુળતા રહે. એક લેખકને આખું પુસ્તક કમ્પોઝ કરીને પ્રૂફ મોકલ્યું ત્યારે તેમણે જણાવ્યું કે આ પુસ્તક તો અન્યત્રથી પ્રકાશિત થઈ ગયું છે! લેખ કોઈક સામયિકમાં પ્રકાશિત થવાનો તો, એ જ લેખ બીજા કોઈ સામયિકને પણ મોકલ્યો હોય તો ત્યાં જાણ કરવાની આચારસંહિતા છે. તો પુસ્તક બાબતમાં પણ એ જ આચારસંહિતા લાગુ નહીં પડતી હોય! પુસ્તકનું મેટર આપ્યા પહેલાં લેખક ફોનથી પૂછે છે : ફલાણા દિવસે તમને મેટર આપું તો તમે પુસ્તક ક્યારે આપો? (હું તો હવે આવા ફોન પર જવાબમાં કહું પણ ખરો : દીકરાના જન્મ પહેલાં એડમિશનની વાત ન કરીએ તો સારું.) પછી એમણે કહેલા ફલાણા દિવસે મેટર ન મળે અથવા મેટર મળ્યા પછી કોઈ વિઘ્ન આવે ને એથી પ્રસ્તાવના ન મળતાં મોડું થાય તે લેખકના પક્ષે થતી આવી અનિયમિતતાઓ અમારે નભાવવાની પણ મુદ્રણાલયમાં કોઈ આપત્તિ આવે અને પુસ્તક છપાઈમાં મોડું થાય તો લેખક વરસી પડે : ઉદ્ઘાટન રાખ્યું હતું અને તમે પુસ્તક ન આપ્યું! એક લેખક મને કહે ‘વિશિષ્ટ પુસ્તકોને તમે તમારી શક્તિનો લાભ ન આપો? આવાં વિશિષ્ટ પુસ્તક માટે કેટલાક ફેરફારો કરવાના આવે તો તમારી વ્યવસ્થામાં તમે બાંધછોડ ન સ્વીકારો?” મારે તેમને કેમ સમજાવવું કે “દરેક લેખક માટે તેમનું પુસ્તક વિશિષ્ટ જ હોય!” કેટલાંક પુસ્તકો – અને તે પણ મહત્ત્વના લેખકોનાં – છ-આઠ વર્ષ પછી આરામથી પ્રકાશિત થયાં હોય તેવું પણ મેં જોયું છે (અલબત્ત, કમ્પ્યુટર આવ્યા પછી જ તો). તે જ લેખક ઉતાવળ હોય તો “આટલું તો તમે એક દિવસમાં ખેંચી કાઢો!” તેમ કહેતાં પણ અચકાય નહીં. પુસ્તકમાં મૂકવાની લેખકનાં પૂર્વપ્રકાશિત પુસ્તકોની યાદી કમ્પોઝ થયા પછી સૂચના આવે ‘અરે, એ યાદી તો પુસ્તકના પ્રકાશનવર્ષ પ્રમાણે કરવાની છે’! ચારપાંચ ગ્રંથો-પુસ્તકોનો સંપુટ (સેટ) પ્રકાશિત કરવાનો હોય ત્યારે તેનો પહેલો ગ્રંથ પ્રકાશિત થાય ત્યાં સુધીમાં સંપુટના ખંડોના ક્રમ સુધ્ધાંમાં વારંવાર ફેરફારો થતા જોયા છે! કયો ગ્રંથ પહેલો અને કયો છેલ્લે એ પણ પહેલાંથી નિશ્ચિત ન કરી શકાય? લેખક પાસે આવા કાર્ય-આયોજનની અપેક્ષા નહીં રાખવાની? કેટલાક લેખકોની લેખન અને સંપાદનકલા હસ્તપ્રત સ્તરે આરામ કરે અને જેવું પહેલું-બીજું ક્યારેક તો ત્રીજું – પ્રૂફ નીકળે તેવી જ પેલી કલા આળસ મરડીને જાગ્રત થાય! આમ પ્રૂફ કક્ષાએ પુસ્તકનું સંપાદન થતું અમે વારંવાર અનુભવીએ છીએ. જયંત કોઠારીનાં કેટલાંય પુસ્તકો મેં કર્યાં છે, જેમાં ‘નહીં’ અને ‘વિશે’ જેવા વૈકલ્પિક જોડણીવાળા શબ્દો પણ હસ્તપ્રતમાં સુધારીને આપતા હતા! એવું નહીં કે ‘find & replace’માં સુધારી લેજો! આશ્ચર્યચિહ્ન / પ્રશ્નાર્થચિહ્ન આગળની જગ્યા બાબતે ચીકાશ કરતા લેખક પણ પોતાના પક્ષે રહેલી અપૂર્તતા સ્વીકારવા તૈયાર જ હોતા નથી! (ભાવનગરના એક જૈન સામયિકનું મુદ્રણકાર્ય લગભગ પંદર વર્ષોથી હું કરું છું. તેના સંપાદક સાહિત્યકાર નથી છતાં સુધારો ખોટો થયો હોય તો સફેદ શાહીથી તે રદ કરે અને નવો સુધારો કરે! મેટર મોકલે ત્યારે શબ્દો સુધ્ધાં ગણેલા હોય એટલે પાનાં લગભગ ધાર્યા મુજબ ઊતરે! જો આ સંપાદક આટલી કાળજી રાખી શકે તો બીજા કેમ નહીં?) શું બધી વાતે મુદ્રણાલય જ જવાબદાર છે? શું કાયમ મુદ્રણાલય જ ભૂલો કરે છે, કાયમ વિલંબ પણ એ જ કરે છે? તેના કર્મચારીઓને મગજ બાજુ પર મૂકીને માત્ર યંત્રવત્ કામ (મજૂરી) જ કરવાનું છે? લેખકની કંઈ ભૂલ વિશે ધ્યાન દોરવાનો તેને કોઈ હક નહીં? પરદેશના દાખલા વારંવાર આપતા રહેલા લેખકોને પૂછી શકાય કે પરદેશમાં આવું ચાલે ખરું? આ સઘળી વાતોનો સરવાળો કહો કે સરવૈયું કહો, એક જ છે : લેખક-સંપાદક એમની સૂઝ-સમજ મુજબ એમના પુસ્તકને સર્વોત્તમ રૂપે પ્રકાશિત કરવા માગે છે અને એથી જ સઘળી મથામણ કરતા હોય છે આ ભૂમિકાએ એમના આ આદર્શને સહૃદયતાથી અપનાવવાનો અને અનુસરવાનો જ હોય, કારણ કે પુસ્તકનું પ્રકાશન સર્વથા વાચકવહાલેરું (user friendly) અને સુંદર નીવડે એમાં તો અમારોય આનંદ સમાયેલો છે, પણ મૂળ મુદ્દો તો એ જ છે કે પુસ્તકને સર્વોત્તમ બનાવનારાં તમામ સૂચનો-આગ્રહો-આદેશો સમયસર કહેતાં પુસ્તકના મુદ્રણકાર્યના આરંભે જ થાય. એમ થતાં મુદ્રણાલયના કાર્યકરોની સગવડ-સાનુકૂળતા સચવાશે અને પરિણામે નાનીમોટી વાતે સરજાતા વાંધાવિરોધ પણ નહીં ઉદ્ભવે! હું લેખનનો માહેર નથી એટલે મારી આ રજૂઆતની પદ્ધતિને કારણે કોઈ દુભાઈ જાય તો દરગુજર કરે – મારો એવો આશય નથી જ.
અમદાવાદ;
૧૭, ફેબ્રુ. ૨૦૧૦
– રોહિત કોઠારી
* લેખન-સંપાદન-પ્રકાશન સાથે સંકળાયેલી આ બીજી બાજુ પણ એટલી જ અગત્યની છે. એટલે આ અંગે પ્રતિભાવાત્મક ચર્ચામાં સામેલ થતા સૌને નિમંત્રણ – સંપાદક
[જાન્યુઆરી-માર્ચ, ૨૦૧૦, પૃ. ૪૬-૪૮]