‘પ્રત્યક્ષ’ પત્રસેતુ/પુસ્તકનું નિર્માણ અને મુદ્રકો : હેમન્ત દવે


૧૯ ખ
હેમન્ત દવે

[જાન્યુ-માર્ચ, ૨૦૧૦ના રોહિત કોઠારીના પત્રના અનુસંધાનમાં]

પુસ્તકનું નિર્માણ અને મુદ્રકો

પ્રિય રમણભાઈ, જાન્યુ.-માર્ચ ૨૦૧૦ના પ્રત્યક્ષમાં પ્રસિદ્ધ થયેલા રોહિત કોઠારીના પત્ર ‘પુસ્તકનું નિર્માણ અને લેખકો’ વાંચીને આ પત્ર લખવા પ્રેરાયો છું. પહેલાં તો આવા સરસ અને ચર્ચામાં ઘણા વખત પહેલાં જ લાવવા જેવા મુદ્દાઓને પત્રરૂપે પ્રકાશમાં લાવવા બદલ પત્રલેખકને તેમ જ પ્રત્યક્ષને પણ ધન્યવાદ. (આશા રાખીએ કે આપણા લેખકો-સંપાદકો પત્રલેખકે ચર્ચેલી-સૂચવેલી બાબતોને ગાંઠે બાંધશે.) એમના પત્રમાંની ઘણી બાબતો આપણા સૌના કમનસીબે સાવ સાચી છે તેમ છતાં એમાં એક-બે મુદ્દા એવા છે જે મને ચર્ચવા જેવા લાગ્યા છે. પત્રમાંની કેટલીક વાતો તો હું સમજી શક્યો જ નથી. દા.ત., જ્યારે તેઓ એમ લખતા હોય કે કમ્પ્યુટરની છપાઈમાં ‘નુકસાન’ પણ છે : ‘ઘણી મુદ્રણપ્રતોનું ટાઇપસેટિંગ કર્યા પછી વર્ષો સુધી તે છપાવા જતી નથી, તેથી સરવાળે ભોગવવાનું મુદ્રણાલયને જ આવે છે.’ (પૃ. ૪૭) પહેલાંના સમયમાં જ્યારે મુદ્રણ છૂટાં બીબાંઓને આધારે થતું હતું ત્યારે આવાં ન છપાયેલાં પુસ્તકોને સાચવી રાખવાનું મુશ્કેલ જ નહીં, લગભગ અશક્ય જેવું હતું. પણ અત્યારે કમ્પ્યુટરના જમાનામાં મોટાં પુસ્તકો પણ જે જગ્યા રોકે છે તે સાવ નગણ્ય છે. વર્ડ-ફાઈલ તો હવે વર્ડ-૨૦૦૭માં (docx ફાઈલ) સાવ જ ઓછી જગ્યા રોકે છે; પેજમેકરમાં પણ એ કાંઈ વધારે પડતી જગ્યા રોકતી નથી. આવી ફાઈલને રાર અને ઝીપ જેવા સોફ્ટવેરની મદદથી સંકોચી પણ શકાય છે. ને હું નથી માનતો કે મુદ્રકોને નાણાં પુસ્તક છપાઈ ગયા પછી જ મળતાં હોય. કદાપિ એમ થતું હોય તો એ પદ્ધતિ બદલાવી જોઈએ. ‘એક વાર આવી રીતે બહારથી આવેલી એક સામયિકની ફાઇલની બટર મેં કાઢી, છપાવી અને પાર્ટીને મોકલી. પછી ખબર પડી કે બધી ટેક્સ્ટ ખસી ગઈ હતી. લેખનું મેટર જાહેરાતમાં જતું રહેલું! સરવાળે બધા અંક પસ્તી કરેલા!’ એમ તેઓ લખે છે (પૃ. ૪૬) તે પણ મને તો નવાઈ જેવું લાગ્યું. ‘નવનીત નકલ’ (બટર કોપી) કાઢ્યા પછી કશી જ વસ્તુ ખસવાનો કોઈ પ્રશ્ન હોઈ શકે જ નહીં. નવનીત નકલ એ તો ‘નૅગેટિવ’ છે એમાં જે હોય તે અને તે જ ‘પૉઝેટિવ’માં આવે. હા, બહારથી આવેલી સીડીને પોતાના કમ્પ્યુટરમાં ન જોઈ પરબારા જ નવનીત નકલ કાઢવી એ, કે નવનીત નકલ કાઢ્યા પછી પણ એને મૂળ સાથે ન ચકાસી જોવી એ, કે નવનીત નકલ કાઢ્યા પછી સીધું જ મુદ્રણ કરી દેવું એ તો મુદ્રકનો જ દોષ ગણાય. (‘બહાર’થી આવેલી ઘનાંકિતામાં તો ખાસ એમ કરી લેવું જોઈએ.) એમાં કમ્પ્યુટરનો ક પણ ન જાણતો લેખક તો શું કરી શકે? આ તો એમના લખાણ સંદર્ભે ઊઠેલા પ્રશ્નોની વાત થઈ. મારે પ્રસંગોપાત્ત લખાણ કરવાનું બને છે અને એ દૃષ્ટિએ ‘લેખક’ની હેસિયતથી, સામા પક્ષથી, કેટલીક વાત મૂકું તો ગેરવાજબી નહીં ગણાય એમ ધારું છું. હું મારાં લખાણોની છપાઈ બાબતે સહેજ (ખરું જોતાં, ઘણો) ચીકણો છું. મારું લખાણ યોગ્ય રીતે ન છપાય તો હું વ્યગ્ર બની જાઉં (અહીં આગળ કરાયેલી વાતમાં કોઈને મારી એ વ્યગ્રતા આક્રોશમાં પલટાતી દેખાય તો એનું કારણ આ છે). મારો ભાઈ સુહાગ તો એ જ કારણે એનાં લખાણો મોકલતો નથી. (એની શરત એને બે પ્રૂફ તપાસવા આપવાં એવી હોય છે જે આપણા તંત્રી-સંપાદકો વિવિધ કારણોસર સંતોષી શકતા નથી. બેશક, એમના પક્ષે એમની પણ વિવશતા હશે જ.) એટલે મુદ્રકો લેખકો-સંપાદકો માટે જે મુશ્કેલીઓ ઊભી કરે છે તેની વાત કરું? આપણા કેટલાક મુદ્રકોને વિરામચિહ્નોની છપાઈ સંબંધિત બાબતોનો ખ્યાલ હશે? (ગુજરાત ક્યારેય ફ્રેંચ વસાહત ન હોવા છતાં) પૂર્ણ, અર્ધ અને અલ્પવિરામ સિવાયનાં બધાં વિરામચિહ્નો એક જગ્યા છોડીને જ આપવાનાં! પરિણામે ઘણી વાર આ બિચારાં નબાપાં વિરામચિહ્નો બીજી લીટીમાં (ક્યારેક તો બીજા પાને!) નોંધારાં ઊભાં રહે! દા.ત., રોહિતભાઈના પત્રમાં જ એમણે પાંચ જગ્યાએ મૂકેલી ત્રાંસ (સ્લેશ) ચાર ઠેકાણે બીજી લીટીમાં લટકી પડી છે! – અને જ્યાં આ પ્રકારની જગ્યા ન છોડવાનો આગ્રહ (પત્રલેખકનો શબ્દ ‘ચીકાશ’) રાખતા લેખકોનો તેમણે ઉલ્લેખ કર્યો છે તે લીટીમાં પણ! કેવી વક્રતા! ઠીક. કેટલા મુદ્રકો (અને સંપાદક-તંત્રી-મહોદયો પણ) વિગ્રહરેખા (હાઇફન/ડૅશ), લઘુરેખા (એન ડૅશ), ગુરુરેખા (એમ ડૅશ) વચ્ચેનો ભેદ સમજતા હશે? તમે વિગ્રહરેખા, લઘુરેખા, ગુરુરેખા એવો તમારા લખાણમાં ભેદ કરો તોય છાપનાર તો એ બધાને બદલે વિગ્રહરેખા જ મૂકશે, ને બેઉ તરફ એકેકી જગ્યા છોડશે તે નફામાં. પૃષ્ઠક્રમાંકમાં, તારીખોમાં, વર્ષોમાં લઘુરેખા જ હોય, છતાં તમામ મુદ્રકો વિગ્રહરેખા જ મૂકે છે ને! લઘુરેખા છાપતાં ન આવડે એથી વિગ્રહરેખા બે વાર મૂકવાની! ચાલો, મેટરમાં શબ્દો નીચે મૂકેલી અધોરેખા વક્રાક્ષર માટે અને તરંગરેખા (વેઇવી લાઈન) ઘનાક્ષર (બોલ્ડ) માટેના સંકેત છે એ કેટલા મુદ્રકો જાણતા હશે? હાથપ્રતમાં મુદ્રકને સૂચના આપવા માટે અધોરેખા કરી હોય તો છપાઈમાં પણ અધોરેખા જ આવે. લેખકો-સંપાદકો-મુદ્રકો માટેની મુદ્રણમાર્ગદર્શિકા કેટલા લેખકો-સંપાદકો-મુદ્રકો ખરીદવાની-વાંચવાની તમા રાખતા હશે? કેટલા મુદ્રકો પ્રૂફવાચનમાં પ્રયોજાતા બધા સંકેતો સમજી શકતા હશે? વિવૃત માત્રાને બદલે કાંઈક ભળતું જ ચિહ્ન મૂકવું, જેમ કે ‘ડૉ.’ ને બદલે ‘ર્ડા’, વગેરે એટલું તો કોઠે પડી ગયું છે કે હવે એ જ સાચું છે એમ મનાવવા લાગ્યું છે (જેમ મરાઠીમાં ને ટ્ટરૂ ને બદલે ટ્ટરૂક્ષ્મ એવી અશુદ્ધ જોડણી જ હવે લખાવા માંડી છે એમ જ તો). કંઠ્ય અનુનાસિક ‘ઙ’ ને બદલે આપણે પૂ ‘ડ’ જ છાપવાનો : વચલી બિંદી તો ભૂલથી આવી ગઈ હશે કાં શાહીનું ડબકું પડી ગયું હશે! અવગ્રહ ‘ઽ’ માટે પણ ‘ડ’ જ રાખવો. (આમે બેઉ દેખાય તો સરખા જ! લિપિ દેવનાગરી હોય કે ગુજરાતી શો ફેર પડે છે? તાલવ્ય અનુનાસિક ‘ઞ્’ માટે ‘ગ્-’ (અડધો ગ અને વિગ્રહરેખા)-ની યુ વ્યવસ્થા કરવાની. ઉટ્ટંકિત અવતરણમાં લેખક પોતાના તરફથી વધારાની માહિતી આપવા કે સ્પષ્ટતા માટે ચોરસ કૌંસનો ઉપયોગ કરે તોપણ મુદ્રકે તો ગોળ/સાદો કૌંસ જ મૂકવાનો! (વિજયરાય વૈદ્ય પોતાનાં લખાણમાં ચોરસ કૌંસ મૂકતા. અરે! છેક ૧૯૮૫ અને ૧૯૮૭માં એમના મરણોપરાંત છપાયેલા ‘કૌમુદીમનન’ અને ‘કૌમુદીદર્શન’માં પણ આ ચોરસ કૌંસ જોવા મળે છે.) - આ બધાં માટે કૅરિક્ટર મૅપમાં કે સિમ્બલમાં નહીં જવાનું? (જોકે, છપાઈ કરનારા કેટલા એ જાણતા હોય છે એ પણ એક સવાલ છે.) રૂપકડી ફૂદડીને બદલે કદરૂપો તારો મૂકવાનો. (એમાં આપણા અણઘડ બીબાંનવીસોની પણ જવાબદારી ખરી.) સેક્શન સાઇન ‘ઝ્ર’ને બદલે ડૉલર સાઇન ‘$’ મૂકવાની. (પ્રત્યક્ષના એ જ અંકમાં છપાયેલા મારા અવલોકનમાં જ એમ થયું છે!) તો સંક્ષેપાક્ષરસૂચક નાનું પોલું મીંડું ‘’ (જે લેખકો એનો આગ્રહ સેવતા હોય તેમનાં લખાણોમાં) શા માટે નથી મૂકી શકાતું? ઉદ્દેશમાં ‘હૃ’ વર્ષોથી ‘હ્ર’ જ છપાય છે, તંત્રીશ્રીનું ધ્યાન એ તરફ દોર્યા પછી પણ; એ કોની ભૂલ? અંગ્રેજી અવતરણોમાં આંકડા માટે ગુજરાતી અંક વાપરનાર મુદ્રકોને શું કહીશું? (મારા પૂર્વોક્ત અવલોકનમાં મેં એ તરફ ધ્યાન દોર્યું છે.) નાની ઇ અને મોટી ઈ વચ્ચે પણ ભેદ ક્યાં કરાય છે? ટૂંકામાં, મુદ્રકો પોતે જ, પત્રલેખકના શબ્દોમાં કહું તો, ‘કમ્પ્યુટરની જાણકારીવાળા’ નથી. તો મુદ્રણકલાની જાણકારી ધરાવતા, સુઘડ અને કલાત્મક મુદ્રણ કરી આપનારા નવજીવન જેવા મુદ્રકો ગુજરાતમાં કેટલા? અનામિકા નામ ફરી સાર્થક થાય, કદાચ. (જેમને આમાં શંકા પડતી લાગે તેમણે નરહરિ કે ભટ્ટના ‘વિનયન શબ્દકોશ’ની પ્રથમ આવૃત્તિ જોઈ જવી.) જેમ સૂંઠને ગાંગડે ગાંધી તેમ આજે કમ્પ્યુટરના પડદે બધા મુદ્રકો થઈ બેઠા છે. આપણા મુદ્રકો પાસે અંગ્રેજીમાં ત્રણ જ બીબાં છે, ને કમનસીબે ત્રણે દીઠે ન રુચે એવાં, કદરૂપાં : એરિઅલ, પેલટિનો લાઇનટાઇપ, ને ટાઇમ્ઝ નૂ રોમન. વધુમાં, પૃષ્ઠવિન્યાસ (પેજ લેઆઉટ) અને બીબાંના કદથી ઊપજતા સૌંદર્યબોધનો મુદ્રકોમાં અભાવ. જાણે લોખંડમાં કાટ ભળ્યો! ઠીક. પણ પેલિટનો લાઇનટાઇપ જ્યારે વક્રાક્ષરમાં મૂકવામાં આવે ત્યારે ઘાટાં શી રીતે થઈ જતાં હશે? રોમન લિપિમાં આવતાં અને અંગ્રેજી સિવાયની ફ્રેંચ, જર્મન સરખી અન્ય યુરોપીય ભાષાઓમાં સામાન્ય રીતે પ્રયોજાતાં સ્વરાઘાત આદિનાં વિશિષ્ટ ચિહ્નો – અં ડાયક્રિટિક માર્ક્સ – યુક્ત સ અક્ષરો (અક્યૂટ અને ગ્રેઇવ ઍક્સેન્ટ, સર્કમફ્લેક્સ, સડિલ, ઉમ્લાઉટ, વ સાથેના અક્ષરો) લગભગ દરેક રોમન બીબાંમાં હોય જ છે છતાં એ આપણા મુદ્રકો છાપી શકતા જ નથી (કારણ કે એ શી રીતે છાપી શકાય એની એમને જાણ નથી હોતી) : હમણાં જ ‘તથાપિ’ના અંકમાં મંજુલાલ દવેનો પોલ વાલેરી અને પ્રતીકવાદી કવિતા વિશે એક અગત્યનો લેખ પુનર્મુદ્રિત થયો છે, પણ એમાં આવતાં ફ્રેંચ અવતરણોમાંથી બધાં જ ડાયક્રિટિક માર્ક્સ ગાયબ થઈ ગયાં છે! મૂળ લેખમાં, છેક ૧૯૩૦માં, છૂટાં બીબાંના જમાનામાં, એ મૂકી શકાયાં હતાં! શું કહીશું? કોને કહીશું? એ જ રીતે ભારતીય નામોનું રોમન લિપ્યંતરણ કરતી વખતે ખાસ ઉચ્ચારો દર્શાવવા માટે પ્રયોજાતાં વિશિષ્ટ ચિહ્નો ધરાવતાં બીબાં કે ભાષાવિજ્ઞાન-ધ્વનિશાસ્ત્રમાં ઉપયોગમાં લેવાતા આઈપીએ (ઇન્ટર્નેશનલ ફનેટિક ઍલ્ફબેટ) નેટ પરથી વિનામૂલ્ય મેળવી શકાય છે છતાં કેટલા મુદ્રકો એ જાણતા કે વસાવતા હશે? (લા દ પ્રાચ્યવિદ્યામંદિરના ઔદાર્યને કારણે ગુજરાતી મુદ્રકોમાં છેલ્લાં કેટલાંક વર્ષોથી બિટસ્ટ્રીમ ચાર્ટર પર આધારિત અને પ્રમાણમાં થોડા દેખાવડા ‘અઇચએસીસી ઇન્ડિક’ ફોન્ટનો પ્રચાર થયો છે. પણ એમાં દેવનાગરીના નુક્તાવાળા ડ અને ઢ (અનક્રમે ઝસ્ર્ અને સ્ર્) માટે અને અના લિપ્યંતરણ માટે ન્ન્-એવી જુદી વ્યવસ્થા નથી. તો તમિળ ‘ચ્દ્બ’ (રોમનમા ‘zh’) માટે મધુસૂદન ઢાંકી જેવા કેટલાક લેખકો પ્રયોજે છે તે ‘શ્’ કેન ચિહ્‌ન પણ એમાં નથી. ને છતાં ‘Encyclopedia of Indian Temple Architecture’ ગ્રંથોમાં ચિહ્‌ન જોવા મળે છે, તો એ એમના મુદ્રકની કુશળતા થઈ. હું જ્યારે કહું છું કે આપણા મુદ્રકોને છાપતાં આવડતું નથી તે આ અર્થમાં પણ ખરું. પણ કમનસીબે એ યનિકોડ ફોન્ટ નથી, ને પરિણામે એને બીજા કોઈ ફોન્ટમાં તબદીલ કરવા જતાં પારાવાર મુશ્કેલીઓ ઊભી થાય છ.૧) જ્યારે બીબાંમાં ધાતુનો રસ ઢાળીને (ગુજરાતી) અક્ષરો બનાવવાની ભારે માથાકૂટ હતી ત્યારે નર્મદ ‘નર્મકોશ’માં ‘હ શ્રુતિ’ (મર્મરત્વ) માટે અક્ષરની નીચે નુક્તો મુકાવી શકે છે તો અડધો, દંડ વિનાનો, અ = ‘’ પણ મુકાવી શકે છે. (લાઇનટાઇપ અને માનટાઇપ યંત્રો પશ્ચિમમાં ૧૮૮૦ના દસકામાં આવ્યાં; ગુજરાતમાં છેક ૧૯૫૩માં ‘ગુજરાત સમાચારે’ સર્વપ્રથમવાર માનટાઇપ યંત્ર વસાવ્યાં.) બ ક ઠાકોર (વ્યંજન સાથેના) અનુનાસિકો માટે પોતાના આગ્રહને અનરૂપ પોલું મીંડું મુકાવી શકતા હતા. અત્યારે આ કામ કલ્પના ન આવે એ હદે સરળ થયું હોવા છતાં નર્મદસાહિત્યના સંપાદક રમેશ મ શુક્લને ‘નર્મવ્યાકરણ’ની પ્રસ્તાવનામાં લખવું પડ્યું કે, ‘અમને ઉપલબ્ધ લેસર કમ્પોઝમાં દંડ વિનાના આ વર્ણસંકેતની [=‘’ની] સંયોજના ન હોઈ ‘અ’ને ખોડો કરી કામ ચલાવ્યું છે. (પૃ ૩૦, પાદનોંધ). એ જ રીતે, ‘ફાર્બસ ગુજરાતી ત્રૈમાસિક’ના ચૂંટાયેલા લેખોના સંચયમાં એના સંપાદક સિતાંશુ યશશ્ચંદ્ર બ ક ઠાકોરના લખાણના પુનર્મુદ્રણ અંગે પાદનોંધમાં જણાવે છે કે ‘[બ ક ઠાકોરના] મૂળ લખાણમાં અનુનાસિક માટે પોલું મીંડું વાપરવામાં આવ્યું છે. નવી મુદ્રણપ્રસ્તુતિમાં હજી આ સગવડ નથી. તેથી અહીં સર્વ અનુસ્વરો [તત્સમ] માટે એક જ લિપિચિહ્‌ન વાપર્યું છે.’ (આપઓળખની મથામણ : ૧, પૃ ૨૫૫, પાદનોંધ). શું આ આપણા મદ્રકમહાશયો માટે શરમજનક નથી? ફોન્ટગ્રૅફર, ફાન્ટક્રીએટર કે ફોન્ટલૅબ જેવા પ્રોગ્રૅમની મદદથી ચાહીએ તેવાં, આવાં જરૂરી ચિહ્‌નો તરત તૈયાર કરી શકાય. કયા ને કેટલા મુદ્રકો આ પ્રોગ્રૅમથી પરિચિત હશે? અથવા આ જાણ્યા પછી પરિચિત થવાનો પયત્ન કરશે? (ને છતાં આ જ મુદ્રકમહાશયો જ્યારે ફોન્ટની વાત આવે ત્યારે જાણે પોતે, સ્વયં, ફોન્ટ રચી એના ઇન્ટેલક્ચૂઅલ પ્રોપર્ટી રાઇટ્‌સ ન મેળવી લીધા હોય તેટલું મમત્વ ફોન્ટ માટે દર્શાવે છે : ફોન્ટ માગ્યા એટલે જાણે શુંયે માગી લીધું!) આપણા કેટલાક મુદ્રકોને તો સરખું છાપતાં પણ નથી આવડતું. કોઈ લીટીમાં શબ્દો સંકોચીને સાવ વરવું કરી મુકાય છે તો કોઈ લીટીમાં શબ્દો ફેલાવીને કદરૂપું. (અરિહંત ગ્રાફિક્સ (પાર્શ્વ પબ્લિકેશન)નાં મેં જોયેલાં તમામ પ્રકાશનો આવાં, બે અક્ષરો વચ્ચે બેહૂદી રીતે જગ્યા વધારીને છપાયેલાં છે.) પહોળાશ (બે લીટી વચ્ચેની જગ્યા=લેડિઙ) કોઈ પાને મોટી તો કોઈ પાને સાવ નાની. (નમૂનાદાખલ, ગુજરાત વિદ્યાસભા દ્વારા તાજેતરમાં પ્રકાશિત મગનલાલ વખતચંદ શેઠના ‘અમદાવાદનો ઇતિહાસ’.) અરે! બીબાંનું કદ પણ એક પાને નાનું તો બીજા પાને મોટું! – આ છએ છ વાના ‘ઉદ્દેશ’ના કોઈ પણ અંકમાં જોઈ શકાશે. (સંપાદકની ચીવટ મુદ્રક ધોઈ નાખે!) ‘ફાર્બસ ગુજરાતી ત્રૈમાસિક’માં બે ફકરાની વચ્ચે જગાનો જે ભયંકર બગાડ થાય છે (ને પરિણામે કાગળનો પણ ખરો જ) તેમાં મુદ્રકને અર્થલાભ થતો હશે, પણ સરવાળે એ કેવું અસુંદર દેખાય છે તેની મુદ્રક કેમ પરવા નહીં કરતો હોય! એવું જ ‘શબ્દસૃષ્ટિ’માં વપરાતા બીબાં અંગે; ટાઇમ્ઝ નૂ રોમનના સહોદર સરખા આઇ લિપનાં એ બીબાં આંખમાં વાગે એવાં દુર્દર્શન છે. ‘એતદ્‌’ના નવ્યઅવતારમાં આવતા બાલાવબોધી, મોટ્ટા અક્ષરો પણ એવાં જ દુર્દર્શન. (ને એ પણ એના ડિમાઈ ૮ના કદમાં!) મણિલાલ નભુભાઈ ગ્રંથાવલિની છપાઈ જુઓ : ક-ચ-રો. – એ સિવાય બીજો કોઈ શબ્દ પ્રયોજી શકાય જ નહીં.૨ અને હવે આની સામે સાવ સાદું ‘ભૂમિપુત્ર’ મૂકો. – પારાવાર નાણાં વેડફીને, કલાદાખલ શૂન્ય મૂલ્ય ધરાવતાં ચિત્રો સાથે ચતુરંગી મુખપૃષ્ઠ બનાવતું. મોંઘા કાગળ વાપરતું આપણું કોઈ સામયિક એની બરોબરી તો શું કરે, એની આસપાસ પણ ન ફરકી શકે. એ કમાલ એનાં અદ્‌ભુત બીબાંનો, એ બીબાંના માફકસરના કદનો, અને એના લાજવાબ પૃષ્ઠવિન્યાસનો છે. તાજેતરમાં જ આવેલું ભાંડારકર શોધસંસ્થાનનું સંશોધન સામયિક ‘ઍનલ્ઝ’ આખેઆખું ઘનાક્ષરમાં – અસંખ્ય છાપભૂલો છોગામાં – છપાયું છે. એક વિશ્વવિખ્યાત સંસ્થાનું સામયિક આવું વરવું નીકળે તે કેટલું નામોશીભર્યું! જ્યારે એના સંપાદકશ્રીને એ સંદર્ભે વાત કરી ઉપયોગી થવા માટે પ્રયત્ન કર્યો તો જવાબ મળ્યો કે the printer will take care of it! મુંબઈની એશિયાટિક સોસાયટીનું સામયિક પણ જોતાંવેંત જ નાખી દેવાનું મન થાય એટલું ભદ્દું અને રદ્દી હોય છે. (આપણાં ગુજરાતી સામયિકો આની સરખામણીમાં ઘણાં સારાં હોય છે તેનો સંતોષ, જો લેવો હોય તો, લઈ શકાય!) આની સામે જ્યારે મુદ્રણકાર્ય અત્યંત મોંઘું ને કડાકૂટભર્યું હતું ત્યારે છપાયેલા પૂના ‘ઓરીએન્ટલિસ્ટ’ કે ‘નૂ ઇન્ડિયન એન્ટક્વેરી’ કે ‘ઍનલ્ઝ’ સ્વંયના જૂના અંકો જુઓ – બીબાંની પસંદગીથી માંડીને પૃષ્ઠવિન્યાસ, બાંધણી, બધું જ આલા દરજ્જાનું! કહેવાનો અર્થ એ કે આપણા બહુ ઓછા સંપાદકો અને મુદ્રકો બીબાંના સૌંદર્યની કે પૃષ્ઠવિન્યાસની સમજ ધરાવતા હોય છે; મોટે ભાગે તો મુદ્રકો જેવું ને જે છાપી આપે તે જ લેખકો-સંપાદકો ચલવી લેતા હોય છે, બલકે તેમણે ચલવી લેવું પડતું હોય છે. લેખક-સંપાદક ગમે તેટલાં સૂચનો આપે, મુદ્રક તો એ જે ઇચ્છે તે જ છાપવાનો (કારણ કે એ બિચારાને કમ્પ્યુટરના કળપટા ને ગણતરીના બે-ચાર કમાન્ડ સિવાય કમ્પ્યુટર વિશે ભાગ્યે જ કશી ખબર હોય છે) : પં મેધાવ્રત શાસ્ત્રી પરના એક લઘુશોધનિબંધમાં ‘મેઘાવ્રત’ નહીં પણ ‘મેધાવ્રત’ જોઈએ એમ ચોખ્ખું જણાવ્યા પછી, ચાર વાર સુધાર્યા પછી પણ છેવટે નિબંધ બંધાઈને આવ્યો ત્યારે ‘મેઘાવ્રત’ જ આવ્યું! પૂછ્યું તો જવાબ મળ્યો કે અમે બે-ચાર જણને પૂછી જોયું ને તેમણે કહ્યું કે ‘મેઘા’ જ હોય, ‘મેધા’ ન હોય! – અને સામયિકો જ શા માટે? રોજેરોજ ઢગલાબંધ પ્રકાશિત થતાં પુસ્તકો જુઓ – એ જ પરિસ્થિતિ! છાપભૂલોની તો વાત જ કરવા જેવી નથી. પ્રકાશનગૃહો તો હવે પોતાનો પ્રૂફવાચક રાખવાનું જ ભૂલી ગયાં છે. પહેલી પ્રત, જેવી છપાઈ હોય તેવી, લેખકને જ બઝાડવાની. સુધાર્યા કરે બિચારો. ને લેખક સુધારા/સૂચનો કરીને આપે એટલે આપણા કુશળ મુદ્રકમહોદય કહી દે કે તમે કહો તેવા બધા સુધારા ન થાય. કારણ એટલું જ કે એને એ આવડતું જ ન હોય! બાંધણી પણ કેવી ડૂચા જેવી! (નર્મદ, મણિલાલ નભુભાઈ, આનંદશંકર ધ્રુવની ગ્રંથાવલિઓની બાંધણી જુઓ.) અમે ક્યારેક મજાકમાં કહીએ છીએ કે આપણાં મોટા ભાગનાં પુસ્તકોનું કદ ડિમાઈ-૮ હોવાથી એનો ઉપયોગ ભજિયાં-ભૂસું બાંધવામાં પણ ન થાય! તો અટકું?

નડિયાદ : ૪-૭-૨૦૧૦

– હેમન્ત દવે

તાજાકલમ : આ પત્ર લખ્યો મેં છે પણ એમાંની કદાચ બધી નહીં તોપણ ઘણી વિગતો સુહાગને આભારી છે – મેં તો કેવળ લખ્યું એટલું જ –; બીબાં, મુદ્રણ, પૃષ્ઠવિન્યાસ, બાંધણી અને એ તમામનાં રસકીય પાસાં એની પાસેથી જ હું શીખ્યો અને એની પાસેથી જ મેં જાણ્યાં. ગેન્ટીઉમ (Gentium) રોમન બીબાંમાં મેં જણાવેલાં તમામ (ભારતીય ભાષાઓના લિપ્યંતરણ માટેનાં પણ) વિશિષ્ટતાસૂચક ચિહ્નો આપેલાં છે (કેવળ નાસિક્ય મૂલ્ય ધરાવતા દીર્ઘ સ્વરો (જેમ કે, ગુજરાતી ‘શાં’) હોય તો તે માટેનાં બેવડાં ચિહ્નો - ગુરુચિહ્ન (મેક્રોન) અને સર્પરેખા (સ્વિઙ ડૅશ - નથી); એમાં આઇપીએ (ઇન્ટર્નેશનલ ફનેટિક ઍલ્ફબેટ) અને ગ્રીક અક્ષરોનો પણ સંપૂર્ણ ગણ છે; એ યુનિકોડ બીબાં છે; અને સોનામાં સુગંધ એ કે દેખાવે આ બીબાં કલાત્મક અને સુંદર છે. જોકે હજુ એમાં ઘનાક્ષર બનાવી શકાયા નથી; એ માટેની પ્રક્રિયા ચાલે છે ને થોડા સમયમાં ઉપલબ્ધ થશે તેવી આશા રાખીએ. આ બીબાં પણ વિનામૂલ્યે આ સાઇટ પરથી મેળવી શકાય છે : http://scripts.sil.org/cms/scripts/page.php?site_id=nrsi&item_id=charisSIL_downlaod

૧. એને મળતા આવતા યુનિકોડ ફોન્ટ અહીંથી વિનામૂલ્ય મેળવી શકાશેઃ http://scripts.sil.org/cms/scripts_page.php?site_id=nrsi&id=charisSIL_download ૨. આવા ઢબ્બા અક્ષરોમાં મુદ્રણ કરવાથી એ ગંદું તો લાગે જ છે (આ ગ્રંથાવલિના મુદ્રણ સાથે સુરેશ જોશી ગ્રંથાવલિનું સુંદર મુદ્રણ સરખાવતાં એ તરત જ ધ્યાનમાં આવશે), પણ એથી કાગળનો, (ને પૃષ્ઠના હિસાબે નાણાંની ચૂકવણી થતી હોય તો) નાણાંનો પણ દુર્વ્યય થાય છે; અને સરવાળે પુસ્તક મોંઘું પડે છે એ બિનજરૂરી રીતે વધુ જગ્યા રોકે એ વળી પાછો જુદો, ને મારા જેવા માટે મહત્ત્વનો, મુદ્દો થયો.

[જુલાઈ-સપ્ટેમ્બર, ૨૦૧૦, પૃ. ૫૮-૬૧]