‘પ્રત્યક્ષ’ પત્રસેતુ/મેઘાણીગ્રંથોનું સંયુક્ત અવલોકન : નરોત્તમ પલાણ

૧૧ ક
નરોત્તમ પલાણ

[સંદર્ભ : એપ્રિલ-જૂન, ૧૯૯૯, ‘સોના નાવડી’ની સમીક્ષા, જયંત કોઠારી]

મેઘાણી ગ્રંથોનું સંયુક્ત અવલોકન

કોઈપણ કર્તા કે કૃતિ ઉપરના બધા જ ગ્રંથોનું એક સંયુક્ત અવલોકન આમ તો સતત કરતા રહેવા જેવો પ્રયોગ છે, ખાસ તો જયંત કોઠારી જેવા અવલોકનકાર હોય ત્યારે. આવા પ્રયોગની વિશિષ્ટતા એ છે કે જે તે વિષયનો એક સમગ્ર ખ્યાલ એમાંથી આપણે પામી શકતા હોઈએ છીએ. ‘પ્રત્યક્ષ’ એપ્રિલ-જૂન ૧૯૯૯ અંકમાં મેઘાણી-ગ્રંથોનું આવું એક સંયુક્ત અવલોકન છે. મેઘાણી વિશેના ત્રણ મુખ્ય ગ્રંથોને જયંત કોઠારી સંયુક્ત રીતે અહીં અવલોકે છે. મૂળ ગ્રંથોમાંના એક ગ્રંથના લેખક અને એક ગ્રંથના અવલોકક તરીકે મને આવા સંયુક્ત અવલોકનની જે થોડી મર્યાદાઓ નજરમાં આવી છે તે અહીં મૂકવા માગું છું. અહીં કુલ ત્રણ ગ્રંથો છે, જેમાંથી ‘શબદનો સોદાગર’માં ૫૮ લેખ, ‘રેલ્યો કસુંબીનો રંગ’માં ૩૬ લેખ (અનુક્રમણિકામાં ૩૪ છે, પણ રમણ સોની તથા મણિલાલ પટેલ – એ બે નામ મૂકવાનાં રહી ગયેલાં છે) અને ‘અધ્યયનગ્રંથ’માં ૩૩ લેખ – આમ કુલ ૧૨૭ લેખો થાય છે. (અન્ય લખાણો જુદાં.) આટલી સંખ્યાના લેખો ઉપર એક સાથે ધ્યાન આપવામાં સરતચૂક થવાની સંભાવના વધી જાય તે સ્વાભાવિક છે. અહીં લેખકોનાં મૂળ વિધાન ઉપર તેમજ કયું વિધાન કોનું છે તેની ઉપર પણ ધ્યાન આપવાનું કોઠારીથી ચૂકી જવાનું બન્યું છે, જેમકે : “નિરંજન રાજ્યગુરુનું એ સૂચન ઘણું અગત્યનું છે કે આ કથાઓ નથી દંતકથા, નથી ઇતિહાસ, નથી લોકવાર્તા અથવા તો એ ત્રણેનું મિશ્રણ છે તો એને મૂલવવાના માપદંડ પણ આપણે જુદા ઊભા કરવા જોઈએ.” (‘પ્રત્યક્ષ’ પૃ. ૨૬). હકીકતે મૂળ ગ્રંથમાં રાજ્યગુરુનું વિધાન આ પ્રકારનું છે : “જો આપણે આ કથાઓને (સંતો અને બહારવટિયાઓની કથાઓને) એક તરફથી આ વાર્તાઓ નથી કે નથી દંતકથા, નથી ઇતિહાસ, નથી લોકવાર્તા અથવા ત્રણેના અંશો ધરાવતું આ મિશ્ર રૂપ છે એમ કહેતા હોઈએ તો પછી તેની મુલવણીના માપદંડો પણ આપણે ઊભા કરવા પડશે.” (‘અધ્યયનગ્રંથ’ પૃ. ૨૩) સ્પષ્ટ છે કે કોઠારીએ જે સૂચન રાજ્યગુરુનું માન્યું છે તે રાજ્યગુરુનું નથી પણ રાજ્યગુરુ જેના લેખની ચર્ચા કરી રહ્યા છે તે ત્રીજા લેખકનું આ સૂચન છે! ‘પ્રત્યક્ષ’ના અવલોકન ઉપરથી ‘અધ્યયનગ્રંથ’ના સંપાદન ઉપર ધ્યાન આપીએ તો ત્યાં – અધ્યયનગ્રંથમાં છપાયેલો રાજ્યગુરુનો લેખ, મૂળ વિષયનો ચર્ચાપક્ષ છે. સંતો અને બહારવટિયાની કથાની સમગ્ર ચર્ચા ભાવનગરવાળા ગ્રંથમાં એક સાથે આવે – પછી જ આમ તો આવી ચર્ચા થવી જોઈએ. બીજું, આટલા બધા લેખો ઉપર એક સાથે ધ્યાન આપવાનું થાય છે ત્યારે દરેક લેખના સ્પષ્ટ ચિત્ર કરતાં એક ખ્યાલ (ક્યારેક ધુંધળો ખ્યાલ!) લઈને અવલોકનકાર પ્રવૃત્ત થતા હોય છે, પરિણામે મૂળ લેખનો હેતુ ધ્યાનમાં આવતો નથી અને તેથી સ્વ-ઇચ્છા મુજબનું મૂલ્યાંકન થઈ જાય છે, જેમકે ‘પ્રત્યક્ષ’ પૃ. ૨૪ ઉપર ‘નરોત્તમ પલાણે એકપક્ષી રીતે મેઘાણીની મર્યાદાઓ બતાવવાનું કોણ જાણે કેમ પસંદ કર્યું છે.’ લેખકનો હેતુ ‘માત્ર મર્યાદા’ દર્શાવવાનો જ છે, શા માટે અવલોકનકાર લેખકના હેતુ ઉપર તરાપ મારે છે? મૂળ ગ્રંથમાં જે લેખ છે તેના શીર્ષકમાં ‘લોકસાહિત્યના સંશોધનવિવેચનમાં મેઘાણીની મર્યાદા’ એમ શીર્ષકમાં જ ‘મર્યાદા’ સ્પષ્ટ છે અને છતાંય અવલોકનકાર એમ કહે કે અહીં મેઘાણીની સિદ્ધિઓની ‘ઉપેક્ષા થાય છે’ તો એ તો અવલોકનકાર ધરાર ‘અહીં તો પક્ષીની માત્ર આંખ જ છે, આખા પક્ષીની ઉપેક્ષા થાય છે.’ એવું એક મિથ્યા દોષારોપણ કરે છે! કોઠારીના પક્ષે દુઃખદ ઘટના તો એ છે કે અહીં પલાણની મર્યાદા દર્શાવવા પલાણના હેતુને એક બાજુ મૂકી દેવાયો છે, જ્યારે પ્રસ્તુત અવલોકનમાં જ ભોળાભાઈની મર્યાદા દર્શાવવા મેઘાણીના હેતુને તાણી લેવાયેલો છે! જુઓ, ‘પ્રત્યક્ષ’ પૃ. ૩૧ ઉપર, મેઘાણીના કાવ્યાનુવાદો વિશેના ભોળાભાઈના લખાણોની ચર્ચા કરતાં : ‘મેઘાણીના એ હેતુ અનુલક્ષીને એમના કાવ્યાનુવાદોની સમીક્ષા થઈ ન શકે. અહીં મેઘાણીના હેતુને ધ્યાનમાં લઈ ભોળાભાઈનો પ્રતિવાદ થાય છે, ત્યાં પલાણના હેતુને ધ્યાન બહાર રાખી પલાણનો પ્રતિવાદ છે! અહીં વધારાનો એક નાજુક મુદ્દો : કનુભાઈની ‘સામગ્રી’ કાચી અને ઉભડક છે છતાંય ‘બચાવ આપવો હોય તો આપી શકાય’ (પૃ.૩૯) એમ સંવાદ થાય છે. આપણને પ્રશ્ન થાય કે શું કોઠારીના અંગત ગમા-અણગમા અવલોકનના ચાલક બળ છે? એક અન્ય વાત એ પણ જોવા મળે છે કે કોઠારીનાં પોતાનાં ગૃહીતોને જે અનુકૂળ છે, તેને ઉપસાવવાનું અને પ્રતિકૂળ છે તેને જતું કરવાનું વલણ અહીં છે, જેમકે મેઘાણી ઉપર ચારણી સાહિત્યનો પ્રભાવ સ્પષ્ટ હોવા છતાંય શક્ય તેટલું તેને અલગ દર્શાવવાનું વલણ કોઠારીમાં છે. પલાણ અને રતુદાનના વિરોધમાં રાજ્યગુરુનું વિધાન મૂકે છે પણ માહિતીદાતા ચારણેતર હોય એનાથી ચારણી સાહિત્યનો છેદ ઊડી જતો નથી! આ તો નદીમાંથી સીધું પાણી પીઓ કે નદીમાંથી કળશિયો ભરીને પાણી પીઓ એટલે પાણી કળશિયામાંથી આવે છે એમ કહેવા જેવું થયું! માહિતીદાતા ચારણ નથી, પણ સામગ્રી? રાજ્યગુરુ ચારણ સિવાયના જે માહિતીદાતાઓની યાદી આપે છે, તે બધા જ સામગ્રી તો ચારણકથિત જ આપે છે!! ખેર, અંતમાં બે નાની શંકાઓ : મેઘાણીસૂચિની ચર્ચામાં ‘ક્ર. ૩૫૫ : અનંતરાય રાવળને નામે મુકાયેલો લેખ વસ્તુતઃ ‘સહજ’નો છે!” પણ ‘સહજ’ કોણ? અને કનુભાઈએ રાજકોટને ‘ગોહિલવાડ’માં મૂક્યું તે ભૂલ તો કોઠારી ‘હાલાર’માં મૂકે છે તે ભૂલ નહિ? વાસ્તવમાં ચોટીલાથી રાજકોટની ત્રિજ્યા લઈને થતું વર્તુળ ‘કાઠિયાવાડ’ છે!

પોરબંદર ૨૭-૭-૯૯ – નરોત્તમ પલાણ
[જુલાઈ-સપ્ટેમ્બર, ૧૯૯૯, પૃ. ૪૧-૪૨]