‘પ્રત્યક્ષ’ પત્રસેતુ/‘મેઘાણી અધ્યયનગ્રંથોની સમીક્ષા’ : જયંત કોઠારી :

From Ekatra Foundation
Jump to navigation Jump to search
૧૧ ખ
જયંત કોઠારી

[સંદર્ભ : જુલાઈ-સપ્ટે, ૧૯૯૯, નરોત્તમ પલાણની પત્રચર્ચાના અનુસંધાનમાં]

૩. ‘મેઘાણી-અધ્યયનગ્રંથોની સમીક્ષા’

‘પ્રત્યક્ષ’ના જુલાઈ-સપ્ટે. ૧૯૯૯ના અંકમાં શ્રી નરોત્તમ પલાણે મેઘાણી-ગ્રંથોના મારા અવલોકનના નિખાલસ પ્રતિભાવો આપ્યા તે વાંચી આનંદ થયો. મારે પક્ષે થોડા ખુલાસા અને થોડી પૂર્તિ : શ્રી પલાણની વિષયપસંદગી મને યોગ્ય ન લાગી – વિષય સ્વતંત્ર લેખને છાજતી ક્ષમતાવાળો ન લાગ્યો તેથી મેં હળવી ટકોર કરી. પણ કયા વિષય ઉપર લખવું તે, બેશક, શ્રી પલાણની મુનસફીની વાત છે. અંતે લેખમાં જે કામ થયું હોય તે જ મહત્ત્વનું રહે છે. મેં મારું મૂલ્યાંકન રજૂ કર્યું છે. એ સર્વસ્વીકાર્ય ન પણ હોય. મેઘાણીની કાવ્યાનુવાદોની સમીક્ષા એમના હેતુને લક્ષમાં રાખીને કરવાનું સૂચન મેં કર્યું કેમકે મને એ ક્ષમતાવાળો વિષય જણાય છે. પણ મેઘાણીના કાવ્યાનુવાદોની કઈ દૃષ્ટિએ સમીક્ષા કરવી એ ભોળાભાઈ વગેરે અનુવાદ-સમીક્ષકોની મુનસફીની વાત છે. મારાં આ ટીકા ટિપ્પણોમાં અસંગતિ દેખાતી હોય તો આ સિવાય મારે કશું કહેવાનું નથી. કનુભાઈ જાનીએ અભ્યાસસામગ્રીની જે સૂચિ આપી છે તેને ‘કેટલીક મહત્ત્વની’ એ શબ્દોનો બચાવ આપવો હોય તો આપી શકાય’ એમ મેં કહ્યા પછી ‘પણ એ દેખીતી રીતે જ કાચી છે અને ઉભડક રીતે અપાયેલી છે’ એવું વાક્ય આવે છે. આમાં જો પક્ષપાત વ્યક્ત થતો લાગતો હોય તો મારે કંઈ કહેવાનું નથી. એ સાચી વાત છે કે કનુભાઈ મારા પરમ આત્મીય છે. એમના અનર્ગળ સ્નેહને પાત્ર હું બન્યો છું. પણ વિધિવક્રતા તો એ છે કે પલાણને એમના પ્રત્યેનો પક્ષપાત દેખાયો છે ત્યારે એમને પોતાને તો એમ લાગ્યું છે કે હું એમને પૂરતો ન્યાય કરી શક્યો નથી. હું એમની સામે બેઠો છું અને મનેય લાગ્યું છે કે એકબે ઠેકાણે મારે મારી ટકોર હળવી કરવાની જરૂર હતી. એકબે હકીકતો પણ સુધારવાની થાય છે. જયંત ગાડીત અને મહેશ દવે પણ મારા આત્મીય મિત્રો છે ને એ પણ એમના લેખો વિશેનાં મારાં ટીકાટિપ્પણ સાથે સંમત નથી! એટલે સ્થિતિ એવી છે કે મારા અંગત ગમા-અણગમા અવલોકનનું ચાલક બળ બન્યા હોવાનું કોઈને લાગે તો મને રમૂજ જ થાય. હા, મારી પસંદગીઓ-નાપસંદગીઓ હોઈ શકે. હું મારી જાતને લોકસાહિત્યનો જાણકાર માનતો નથી. મેં પલાણ અને રતુદાન રોહડિયાનાં વિધાનોની સામે નિરંજન રાજ્યગુરુનાં વિધાનો મૂકીને મારું કર્તવ્ય પૂરું થયેલું માન્યું છે. મેઘાણીએ સંપાદિત કરેલું સાહિત્ય કેટલે અંશે ચારણી સાહિત્ય કે ચારણોએ પૂરું પાડેલું સાહિત્ય છે તેનો નિર્ણય લોકસાહિત્યના અભ્યાસીઓ જ આપે. રાજકોટને એક વખત હાલારમાં તો એક વખત ગોહિલવાડમાં મૂકવાનું થયું છે તે ભૂલ તરફ મેં ધ્યાન દોર્યું, પણ રાજકોટ હાલારમાં ગણાય કે કાઠિયાવાડમાં એનાં માથાં કૂટે ઇતિહાસવિદ્‌ નરોત્તમ અને કનુભાઈ જાની. મારો એ વિષય નહીં. સંતો અને બહારવટિયાની કથાઓ ‘વાર્તાઓ નથી કે નથી દંતકથા, નથી ઇતિહાસ, નથી લોકવાર્તા અથવા ત્રણેના અંશો ધરાવતું આ મિશ્રરૂપ છે એમ કહેતા હોઈએ તો પછી તેની મુલવણીના માપદંડો પણ આપણે ઊભા કરવા પડશે’ એ રાજ્યગુરુના વિધાનમાંનું મુલવણીના માપદંડો ઊભા કરવાનું સૂચન ત્રીજા લેખકનું હોવાનું હું સમજી શક્યો નથી. એમ હોય તો મારાં અભિનંદન એમને. અવલોકનને એની મર્યાદાઓ હોય છે. એમાં દાખલાઓ સાથે માંડીને ચર્ચા થઈ શકતી નથી. કેટલીક વાર અભિપ્રાયોથી ચલાવવું પડે છે. મારે તો મારી વાત મહત્ત્વનાં નિરીક્ષણો પૂરતી સીમિત રાખવાની થઈ છે ને તોયે લેખ આટલો લાંબો થયો છે. એટલે આ અવલોકનથી કોઈને અસંતોષ રહે તો અસ્વાભાવિક ન ગણાય. ખુલાસાપ્રકરણ પૂરું. હવે થોડા સુધારા અને થોડી પૂર્તિ : ૧. શતાબ્દીપ્રસંગે બોટાદમાં પણ એક વ્યાખ્યાનમાળા યોજાયેલી તે મને સ્મરણમાં નહીં આવેલી. હવે એનું પુસ્તક પ્રકાશિત થયું છે : ‘મેઘાણીશતાબ્દીવંદના-બોટાદને આંગણે’, સંપા. કનુભાઈ જાની. ૨. ‘વાક્‌’નો મેઘાણી-વિશેષાંક આંતરવિદ્યાકીય અભિગમવાળા લેખોને સમાવતો નથી, એનો ગ્રંથ તો પ્રગટ થવો બાકી છે. આ તો સ્વતંત્ર રીતે જ થયેલો ‘વાક્‌’નો વિશેષાંક છે એ હકીકત તરફ શ્રી બળવંત જાનીએ મારું ધ્યાન દોર્યું. મેં જોયું કે એ વિશેષાંકના નિવેદનને વાંચવામાં મારી ભૂલ થયેલી હતી. ૩. ચારણ-કન્યાના પ્રસંગનું વર્ણન એ પ્રસંગે ઉપસ્થિતિ દુલા કાગે જ કર્યું છે એ તરફ શ્રી જયંત મેઘાણીએ મારું ધ્યાન દોર્યું. શ્રી કનુભાઈએ એનો જ ઉપયોગ કર્યો છે. પ્રસંગના જ એક સાક્ષી કાગે જે વર્ણન કર્યું છે તેને ‘ડિંગ’ કેમ કહી શકાય એવી જરૂર પ્રશ્ન થાય. પણ આની સામેની કેટલીક હકીકતો વિચારવી પડે એવી છે. ‘સૌરાષ્ટ્રનાં ખંડેરોમાં’માં દુલાભાઈ સાથેના ઉક્ત પ્રવાસનું વર્ણન છે. જેનાથી બે ગાઉ દૂર ખજૂરીના નેસડે ચારણ કન્યાવાળો પ્રસંગ બન્યો હોવાનું કાગ કહે છે તે તુળશીશ્યામ અને આજુબાજુના પ્રદેશોની મુલાકાત પણ એમાં વર્ણવાઈ છે (૧૯૯૪ની આવૃત્તિ, પૃ. ૧૪-૨૧), સાવજ-દીપડાને મારવાની મનાઈ છે એવી, રબારી સાથેનો એક સંવાદ પણ ત્યાં આલેખાયો છે, પણ સાવજને સોટીએ-સોટીએ સબોડનાર ચારણકન્યા હીરબાઈનો પ્રસંગ નથી! મેઘાણી આ પ્રસંગ વર્ણવવો ચૂકે ખરા? કાંગલી ભેંસ અને ગીરના સિંહ વચ્ચેના સંગ્રામની નોંધ (પૃ. ૩૧) લેનાર મેઘાણી આ પ્રસંગને ચૂકે? વળી, યાત્રા કરાવનાર મિત્ર કાગના છેલ્લા શબ્દો ‘મોટી ગીર હજુ બાકી છે! હજુ તો મોટા સાવજને એક સોટાથી તગેડી મૂકનારી ચૌદ વર્ષની ચારણપુત્રીઓ આપણે જોવી છે.’ મેઘાણીએ પોતે ટાંક્યા છે એ શું સૂચવે? મોટી ગીર એટલે? ચારણકન્યાનો પ્રસંગ ત્યાંનો છે? પછીથી મેઘાણીએ દુલા કાગની સાથે બીજો કોઈ પ્રવાસ કર્યો હોવાનું જણાતું નથી. મેઘાણીએ તો પ્રવાસ કર્યા પછી થોડા સમયમાં જ એનું વર્ણન લખ્યું જણાય છે. એના લેખો ‘સૌરાષ્ટ્ર’માં પ્રસિદ્ધ થયેલા અને ૧૯૨૮માં તો એનું પુસ્તક પ્રસિદ્ધ થયું છે. દુલા કાગનો લેખ મેઘાણીના અવસાન પછી લખાયેલો છે અને ‘ઝવેરચંદ મેઘાણી : સ્મરણાંજલિ’ (૧૯૭૪)માં છપાયો છે તેમાં આ પ્રસંગનું વર્ણન છે (પૃ. ૯૮) દુલાભાઈનો કોઈ સ્મૃતિદોષ ન હોય? દુલાભાઈએ જે વીગતે અને પ્રત્યક્ષ પ્રસંગવર્ણન કર્યું છે તે જોતાં, વળી, એવો પ્રશ્ન પણ થાય કે શું આટલો મોટો સ્મૃતિદોષ હોઈ શકે? એ નોંધપાત્ર છે કે ‘ઝવેરચંદ મેઘાણી : સ્મરણાંજલિ’ના એક સંપાદક જયમલ્લ પરમાર છે અને એમણે ‘ઊર્મિ-નવરચના’ ઑગસ્ટ ૧૯૭૯માં ‘મેઘાણીભાઈની જન્મતિથિ અને એમને વિશે ચાલતી કેટલીક ડિંગ’ એ લેખમાં, આ પ્રસંગે મેઘાણી હાજર હતા અને એમણે ત્યાં જ કાવ્યરચના કરી હતી એ હકીકતને અંસંદિગ્ધ રદિયો આપ્યો છે. શું જયમલ્લભાઈને સ્મરણમાં હશે કે આ પ્રસંગ દુલા કાગે જ વર્ણવેલો છે? આ બધા સંયોગો આપણને મૂંઝવે એવા છે. પણ સામે ચારણકન્યા સિંહને સોટી સબોડતી હોય એ તો ભારે તંગદિલીની સ્થિતિ કહેવાય. એવે વખતે મેઘાણીના મોંમાંથી કાવ્યોદ્‌ગાર સરે એ મને, જયમલ્લભાઈની જેમ, અવાસ્તવિક અને અસ્વાભાવિક લાગે છે. ઉપરાંત મેઘાણીના જ પુરાવાને હું અત્યારે વધારે મહત્ત્વ આપું અને ચારણકન્યાના આ પરાક્રમના મેઘાણી સાક્ષી હતા એની ખાતરી માટે બીજા પ્રમાણની રાહ જોઉં. પણ જેઓ દુલા કાગના પ્રમાણને સ્વીકારવા ચાહે છે એની સાથે મારાથી ઝઘડો ન થઈ શકે. કનુભાઈના નિરૂપણને બચાવ મળવો જ જોઈએ. ૪. દમયંતીબહેનના અવસાનના બનાવ અંગે મેં કેટલાક સવાલો કરેલા. એ સંદર્ભમાં શ્રી મહેન્દ્ર મેઘાણી મને લખે છે કે એ વખતે એમની ઉંમર દસેક વર્ષની હતી પણ એમને યાદ છે કે ધોળીમા ત્યારે બોટાદમાં નહોતાં અને મેઘાણી બોટાદમાં જ હતા એટલે રાણપુરથી એમને બોલાવવાનો સવાલ નહોતો. ડૉ. અંબાશંકર દમયંતીબહેનના મૃત્યુસમયના બંધુ અને છેલ્લા શાંતિદાતા બનેલા તે એ રીતે કે એમણે દરબારી દવાખાનામાં એમની છેલ્લી સારવાર કરેલી. બીજાં લગ્ન વખતે જ્ઞાતિમાં ઊહાપોહ થયાની વાત મહેન્દ્રભાઈએ બીજે ક્યાંક વાંચી છે, પણ ઘરમાં એની વાત સાંભળી નથી – ઘરમાં જ્ઞાતિસભાનતા જ નહોતી. ૫. ‘કલમ અને કિતાબ’નું સંપાદન મેઘાણીએ ૧૯૩૪ અને ૧૯૩૫નાં બે વર્ષ જ સંભાળેલું એમ મેં લખ્યું તે કૃષ્ણવીર દીક્ષિતને આધારે. પણ ‘પરિભ્રમણ’ની પ્રસ્તાવનામાં જ નોંધ છે કે એમણે એ વિભાગ આઠ વર્ષ ચલાવ્યો હતો. કૃષ્ણવીરની માહિતીનો ઉપયોગ કરતાં પહેલાં હું ચકાસણી કરી શક્યો હોત. આ હકીકતદોષ તરફ મહેન્દ્ર મેઘાણીએ મારું ધ્યાન દોર્યું છે. મોડેમોડે પણ મારા અવલોકનમાંથી મહત્ત્વની થોડીક છાપભૂલો નોંધું? પૃ. ૨૩, કો. ૧, પં. ૧માં ‘લગ્નનો આધાર એમના આખા જીવન પર રહ્યો છે’ માં ‘આધાર’ને સ્થાને ‘ઓથાર’ જોઈએ. પૃ. ૨૫, કૉ. ૧, પં. ૫-માં ‘દાદીમાની વાતો’ને સ્થાને ‘દાદાજીની વાતો’ જોઈએ. પૃ. ૩૦, કૉ. ૧, પં. નીચેની ૩માં ‘ચંદ્રશેખર’ને સ્થાને ‘ચંદ્રશંકર’ જોઈએ. પૃ. ૩૪, કૉ. ૨, પં. ૯માં ‘હિમાંશીબહેનની જેમ જ’ને સ્થાને ‘સરૂપબહેનની જેમ જ’ જોઈએ. (આ મારો લેખનદોષ હતો.) પૃ. ૩૯, કૉ. ૨, પં. ૮ તથા નીચેથી ૭માં ‘ઉદાહરણો’ને સ્થાને ‘ઉદ્ધરણો’ જોઈએ

અમદાવાદ, ૧૩-૧૧-૯૯ – જયંત કોઠારી
[ઑક્ટોબર-ડિસેમ્બર, ૧૯૯૯, પૃ. ૪૧-૪૨]