‘પ્રત્યક્ષ’ પત્રસેતુ/‘ભાષાવિમર્શ’ અને પત્રચર્ચા : હેમન્ત દવે
હેમન્ત દવે
‘ભાષાવિમર્શ’ અને પત્રચર્ચા
ભાષાવિમર્શના વીસ અંકોમાં એક પત્રચર્ચા નથી તેમ હર્ષવદન ત્રિવેદીએ નોંધ્યું છે તે એક રીતે જોતાં સાચું છે, કારણ કે ‘પત્રચર્ચા’ એવા નામ હેઠળ કોઈ ચર્ચા ચાલી નથી. પણ કોઈ લેખનના સંદર્ભમાં ખુલાસા રૂપે કે પ્રત્યુત્તર રૂપે કે પૂર્તિરૂપે નાનકડો લેખ આવ્યો-છપાયો હોય અને તેને આપણે પત્ર તરીકે ઘટાવીએ તો એવા કેટલાક (પત્ર)લેખ મળે છે ખરા. જેમ કે, હરિવલ્લભ ભાયાણીએ અપભ્રંશ ‘ઉવિઠ્ઠ’ની સૂચવેલી વ્યુત્પત્તિ વિશે મેહેન્દળેએ નોંધ કરેલી. તેમાં ભાયાણીએ સૂચવેલી વ્યુત્પત્તિ સામે વાંધો ઉઠાવવામાં આવેલો. ભાયાણીએ એના ખુલાસા રૂપે, પોતાની પીઠિકાને વાજબી ઠેરવતો, અને મેહેન્દળેએ સૂચવેલી વ્યુત્પત્તિમાં પોતાના વાંધા રજૂ કરતો, લેખ કરેલો (સર. ભાષાવિમર્શ, ૧૯૭૯, ગ્રંથ ૨, અંક ૧, પૃ. ૨૪-૨૬). આ પ્રકારનાં લખાણો શુદ્ધ રૂપે લેખો નથી. પરદેશનાં સામયિકોમાં સામાન્ય રીતે આવાં લખાણો ‘બ્રીફ કમ્યુનિકેશન્ઝ’ એવા મથાળા હેઠળ, લખાણમાં ‘પ્રિય સંપાદક’, કે એવું કાંઈ, એ લખાણ પત્ર માટે છે એવું સૂચવતું કોઈ સંબોધન ન હોવા છતાં, પ્રસિદ્ધ કરવામાં આવે છે, એ અહીં સમયાંતરે નોંધી શકીએ. આ ધ્યાને લઈએ તો ભાષાવિમર્શમાં પણ કેટલીક પત્રચર્ચા ચાલી તેમ સ્વીકારવું પડે.
નડિયાદ; ૨૫ મે, ૨૦૧૩
– હેમન્ત દવે
[એપ્રિલ-જૂન, ૨૦૧૩, પૃ. ૪૫]