‘પ્રત્યક્ષ’ પત્રસેતુ/પ્રજા સાહિત્યાભિમુખ થઈ છે? : દિલીપ ઝવેરી
દિલીપ ઝવેરી
[પ્રજા સાહિત્યવિમુખ થઈ છે?]
પ્રિય રમણ, અભિમુખને પ્રત્યક્ષ ઓળખવાની વાત જુલાઈ-ઑગસ્ટ ૨૦૦૭ના અંકમાં વાંચ્યા પછી આપણી વચ્ચે ફોન પર લાંબી ગપસપ થઈ. તમે કહ્યું કે, તો પછી આ બધું લખી મોકલો ને! તો આ કાગળ બાકી વિદ્વજ્જનો સાથે વિવાદ-ચર્ચા કરવાં નથી. માત્ર કવિ તરીકે અરધું-પરધું બોબડું-ગૂંગણું બોલી જાણીએ અને રોજ શિખવાડેલી ફ્લાઇંગ કિસની સાથોસાથ બાઈબાઈ ટાટાનો હાથ હલાવી રમતરમતમાં ભાગી છૂટીએ, રમણ દોસ્ત! પ્રજા સાહિત્યવિમુખ થઈ છે? કશાક પણ કારણે. પ્રજા સાહિત્યાભિમુખ ક્યારે હતી? અને એ આવશ્યક છે કે? કશુંક પણ, જે સાહિત્ય નયે હોય તોય વાંચનારા આખરે કેટલા? તો પછી જીવનને પ્રજાભિમુખ સાહિત્ય કે સાહિત્યેતર છપાયલો શબ્દ કેટલા અંશે બદલી શકે? અભણ પણ ન હોય છતાં છાપું સુધ્ધાં વાંચનારની સંખ્યા/ટકેવારી કેટલી? પ્રજાભિમુખ થવાની પાત્રતા કેવી રીતે કેળવાય, પમાય. પ્રમાણાય? અને પછી એ પાત્રતાનો લેખકની સાહિત્યિક પાત્રતા સાથે કેવી રીતે મેળ જોડવાશે? સાહિત્યની ઉપયોગિતા એક વદતોવ્યાઘાત અસંબદ્ધિતતા છે. કલા કદીય કશાય ઉપયોગ માટે નથી હોતી. છેક ઓગણીસમી સદીમાં એડગર એલન પો જે કહી ગયેલો તેનાથી ત્યારના ફ્રેન્ચ સાહિત્યકારો અંજાઈ ગયેલા અને એમણે યુરોપમાં આધુનિકતાનો આરંભ કર્યો. તમે લખ્યું છે ‘તો પછી સાહિત્યકારે, આજે પણ, સર્વલોક-અભિમુખતાનું અશક્ય અને બિનજરૂરી (અહીં ‘અનાવશ્યક’ શબ્દ ઉચિત રહેત, સાથેના સંસ્કૃત તત્સમ શબ્દો સાથે પ્રાસમાં પણ જોડાઈને) લક્ષ્ય રાખવા જેવું નથી.’ તો તમને વાહ વાહ કહું છું. વળી સાહિત્યકાર એવું કરવા જાય તો પણ થઈ થઈને કેટલો લોકપ્રિય થવાનો?’ (કમળ છ કરોડની પાંખડીનું છે!) આનો જવાબ બાળપણથી વારેઘડીએ સાંભળતા આવ્યા છીએ – જે અમારા બાલવયના શિક્ષકો એમના બાલવયસ્ક શિક્ષકો પાસેથી શીખી આવેલા. નરસી મે’તાનાં પ્રભાતિયાં ગુજરાતી પ્રજા સદીઓથી ગાતી આવી છે એ માન્યતા પ્રમાણ રહી લોકાભિમુખતાનું. કોઈએ ખરેખર તપાસ કરી જ હતી કે પ્રજાનો કેટલો હિસ્સો પ્રભાતિયાં ગાતો હતો; અને ગાનારાંમાંથી કેટલાં જાણતાં હતાં કે આ નરસિંહ મહેતાની રચના; વળી જે ગાતાં હતાં તે એમાંથી પ્રતીત સાહિત્યિકતાને ઓળખીને કે કોઈ અન્ય કારણે? અને સાચોસાચ જુઓ તો સંસ્કૃત પરંપરામાંથી અનુવાદ કરેલાં પદોમાં સુભાષિતભર્યાં કેટલાં અને એમાં શુદ્ધ કલા કેટલી? નરસિંહ મહેતાના આદિકાલથી સાંપ્રત લગીના ભક્તો અવશ્ય હાથમાં હથિયાર ઝાલી ધસી આવશે ટાલિયા દિ.ઝ.ને હણી નાંખવા. નરસીંની ખીંટીએ મનફાવતા અર્થ ટીંગાડેલા છે એ સાચવી રાખવા માટે. પણ પ્રેમાનંદ જ પહેલો ગુજરાતી ખરેખરો કવિ એ નાડું હું છેક લગી નહીં છોડું. અને એ જ પહેલો કવિ હતો જે સમૂહમાધ્યમોના પ્રવાહથી બીવાને બદલે એમની ઉપર સવાર થઈ, બાથમાં કવિતાને સાંગોપાંગ જાળવીને આવ્યો. તોપણ, પ્રેમાનંદની કવિતાને જાણનાર કેટલા? લોકોને કવિતા સાથે શી લેવાદેવા છે? સામે પક્ષે કવિતાને તો સાચોસાચ લોકોની સાથે, એમના જીવન સાથે લેવાદેવા છે. કવિ માટે લોકજીવન એક ભૂમિકા છે જેને પર્યાયે કલાની ભૂમિકાની અપેક્ષા કરી શકાય. કોઈ પણ માનશે કે લોકોની જેમ જ જીવનારો કલાકાર લોકોથી કંઈક વેગળો તો છે જ. આ વેગળાપણું ભૂમિકાભેદને કારણે છે. અને એથી જ લોકો અને કલાકાર વચ્ચે, જીવન અને કલા વચ્ચે એક અવ્યાખ્ય પણ નિશ્ચિત ભેદ રહેવાનો જ – માટી અને ઝાડ વચ્ચે હોય એવો, ફૂલ અને સુગંધ વચ્ચે હોય એવો. માટી વિના ફૂલ ન હોય. પણ ફૂલ સુગંધને સમજે જ છે એમ માની ન લેવું. તેથી ‘અમારી કૃતિ અમે પણ સમજીએ છીએ એમ માની ન લેવું’ને પ્રલાપ માની લેવા કરતાં શોખમાં અને શેખીમાં બોલાઈ ગયેલું અણજાણ સાચ સમજવું જોઈએ. આ સમજવાની અથવા તો પામવાની જેને ઇચ્છા છે તેને માટે જ સાહિત્યનો કોઈ અર્થ છે. કલાનો અનુભવ લેવો એ એક નિર્ણય છે. અને જેણે આ નિર્ણય નથી લીધો તેને કેન્દ્રમાં કે પરિઘમાં પણ લક્ષવાની કલાકારને કોઈ આવશ્યકતા નથી. વળી નિર્ણય માત્ર જ પર્યાય નથી પાત્રતાનો. જેમ કવિતા લખવાનો નિર્ણય કર્યો એટલે કવિતા સંભવશે જ એવું થોડું નિશ્ચિત છે? અધિકારી સહદયનો જાપ તો ગુજરાતીમાં શતાધિક વર્ષોથી થતો જ આવ્યો છે ને! ભાવકનું જ આ લક્ષણ નથી, કલાકારનું પણ એ જ. એટલે જો સાહિત્યનો વિષય લેનાર વિદ્યાર્થીને આપણે ભોળે ભાવે ભાવક-દીક્ષાર્થી માની લઈએ તો અન્યાય છે. અને કલાનો આ વિદ્યા-વ્યવસાય સાથે વ્યાવહારિક આવશ્યકતાનો સંબંધ જોડવો તે પણ અન્યાય છે. સાથોસાથ અન્ય કલાકારની તેમજ અન્ય સમય-ક્ષેત્રની કલારચનાઓનો અભ્યાસ કર્યા વિના કલાદીક્ષાર્થી કલાકાર ન થઈ શકે એ પણ ભૂલવાનું નથી. પુસ્તકપ્રકાશન વધ્યું છે એને ગ્રાહકો મળે છે એટલા વાચકો નથી મળતા (‘ચાહકો નથી મળતા!’ પ્રજાની વધતી જતી સંખ્યાને સાપેક્ષે આ વિધાનનું અને એમાં અપિહિત યાચિકાનું તથ્ય કેટલું?) અરે, કશુંય દ્રવ્ય ખોયા વિના – શિષ્ટ, સન્માન્ય સંસ્થાનાં આમંત્રણ, વર્તમાનપત્રમાં પ્રકાશન આદિ આવશ્યક ઔપચારિકતાઓથી પૂર્ત મળ્યા પછીય મહત્ત્વના સાહિત્યિક કાર્યક્રમમાં આવનાર કેવળ ત્રીસ-ચાળીસ રસિકોમાંથી પણ ‘દિલીપભાઈ, તમારી ગઝલોનો તો હું પહેલેથી જ ચાહક છું’ કહેવાવાળા મને વારંવાર મળ્યા છે તો પછી ગ્રાહકોની કઈ અપેક્ષા? અધ્યાપકો-સન્મુખ એકઠાં થતાં અસહાય તરુણ જનોમાં ઔત્સુક્યનું આરોપણ પણ એવું જ ભ્રાંતિજનક કે જનિત છે. મેં ય ત્રણસો સામે ફિશિયારી મારી છે! આ લોકાભિમુખ થવાની આવશ્યકતા અને દુર્બોધતાની અનાવશ્યકતા (ખરેખર તો જ્યાં અવકાશવિસ્તારની કે ચેતોવિસ્તારની શક્યતાઓ વિશેષ હોય તે દુર્બોધ મનાયું છે.) માટેની ઝુંબેશમાં અધ્યાપકોનો અવાજ ઊંચો રહ્યો છે. અને કેટલાક કલાકાર એથી બીતા પણ થયા છે. આધુનિક સમયના કવિઓમાંથી નામ લઈને કહીએ તો રમેશ પારેખે સૌને કેવા રાજી રાખ્યા હતા! અને શૈશવકાળે અંધારિયાં ભોંયરાં કે આડેધડ ભરચક ભરેલાં અજવાળિયાં માળિયાંમાં એકલા પડીને ડરી જતા બાળકની જેમ આજે પણ કેટલાક કવિઓ બાળવયમાં આશરો લેવા જતાં વળી ફરી તડકાની ટાલવાળા ગાંધીજીની નવેસરથી રમૂજ કરતી કે સિનેમા-ટેલિવિઝનના નાચના તાલ ભેળો તાલ જોડતી (બીતેશ સાનંદસરા મુંબઈના – ભૂંરાં જીન્સ પહેરેલા અસલી) સુરેશ દલાલને રાજી રાજી કરી દે તેવી, કે પછી માણેકલાલ ઘ. કણબીને પોરસ ચડાવે તેવી તળપદી રચનાઓ લખીને કે સ્વર્ગસ્થ જયંત કોઠારી પાછા પધારે એવી મધ્યકાલીન ભાષાની અને સંત-સુરતા-સાહેબ-સાંઈ બોલીની કવિતા કરીને અંધારું કે ઘમસાણ છૂમંતર થઈ જાય એવી ભોળી ઉમેદ કરે છે ને! બચ્ચાડો કવિ આખરે તો માટીનો જ ઘડેલો માણસ છે ને? એટલે દોસ્ત, કરી લો કબૂલ કે (અમે આધુનિક કહેવાયા ત્યારે હતું તેમ) આપણે આપણા થોડાઘણા દોસ્તો માટે જ લખીએ છીએ. પોતાની કીર્તિના મહેલના એકસો દસમે માળે બેઠેલા એકસો વીસ વરસની ઉંમરના આંધળા બોહેંસે છેવટની કોઈ ચોપડીની પ્રસ્તાવનામાં આ કહ્યું હતું, તે મેં ચોર્યું. પણ જો સંવાદ સાધવો હોય તો એમની સંખ્યાને બીજી ભાષાઓના, કલાઓના મિત્રોની સંખ્યા સાથે જોડીએ. એમની આવશ્યકતા પણ સરખી જ છે. અહીં જોડીએ સંપાદકોની જવાબદારી. નિયતકાલિક કે અનિયતકાલિક, પ્રતીક પુરસ્કાર દાતા કે પુરસ્કાર દેવાને અસમર્થ સંપાદકો લેખકને એવું તો કશુંક નક્કર આપી શકે કે જેને અડી શકાય. પોતાના સામયિકમાં છાપેલી સામગ્રી વિશે લખે. આવું કવિતા માટે બચુભાઈ કરતા અને જયંત પારેખ પોતાની સગવડે અને સુમન શાહ (ક્યારેક પ્રતીક રૂપે) આવું કરે છે. બાકીના ઘણાય મૂક પંગુ પરમાનંદ ઇતિહાસ પ્રભુની પ્રતીક્ષામાં. કોઈ સાવ ખોટું બોલવાનું પણ આદરે જે અમારી જેવાના જરી બહેરા કાનમાં મંદમતિગતિ ગિરિરાજ ન્હાનાલાલ આર્યરત્નના અતિશયોક્તિ-ભર્યા ઉચ્ચારના પડઘા જેવું લાગે. ‘પ્રત્યક્ષ’નાં પાનાં તો કેટલાંય ગ્રંથિત અને લક્ષપાત્ર કલાસાહસોને નોંધવા માટે પણ પૂરાં નથી પડતાં. પણ સામયિકોમાં થતાં પ્રકાશનો માટે એમના સંપાદક બે-ત્રણ પાનાં તો ફાળવે! પ્રજાને માટે પ્રતિબદ્ધ થવાનું લેખકોને આહ્વાન કરતા તંત્રીઓ સાહિત્યને માટે તો પ્રતિબદ્ધ થાય! (વળી કદી આ વિશે તો વિગતે વાત લખવી છે.) તો સોની રમણ, તમે આરંભથી જ, સોળ વરસથી તાવી-તપાવીને ઘાટ ઘડો-ઘડાવો છો. પણ માટીમાંથી સોનું નિપજાવતા ખાણિયાઓને દાડી પૂરતું કોણ દે છે? પછી તો તાડી પીને એ મેલાંઘેલાંમાં બધું ભૂલી જાય એ જ લાગનું ને! તમે તો એવા નિસર્ગરાગી કે તમને પાણી દેખીને ડૂબકી દેવી ગમે. અને અમે તો દારૂમાં ડૂબ્યા તો ય હવે નશો નથી ચડતો એવી રીતે વાસ્તવિકતા સામે ઘૂરકી રહી છે, કવિતાની ઝૂંપડીને કરડીન્હોરી તીતરબીતર કરી દીધેલી વાઘણ જેવી. તો મારા જાતભાઈ, હુંય પરજિયો સોની છઉં, વાઘેસરી માતા જેની કુળદેવી (કે વાગીસરી માતા!) એવા એક ધંધાના આપણે બેઉ, આ કાગળ વાંચીને મેળવો હાથ. ઝાલી રાખશો તો કાંક આસરો રે’શે. – દિલીપ ઝવેરી
ગત અંકમાં, નોબેલ પારિતોષિક વિજેતા લેખિકાનું નામ ડોરિસ લેસિંગને બદલે સરતચૂકથી ડોરોથી લેસિંગ છપાયું હતું તે તરફ શ્રી પ્રબોધ જોશીએ સસ્નેહ ધ્યાન ખેંચ્યું હતું. એ માટે, ક્ષમાયાચનાપૂર્વક આભારી છીએ
– સંપાદક
[ઑક્ટોબર-ડિસેમ્બર, ૨૦૦૭, પૃ. ૩૪-૩૫]