‘પ્રત્યક્ષ’ પત્રસેતુ/‘લિપિ વિષયક પ્રત્યક્ષ નિરીક્ષણ...’ : નરોત્તમ પલાણ

૨૬ ચ
નરોત્તમ પલાણ

[સંદર્ભ : એપ્રિલ-જૂન, ૨૦૧૩, વી. બી. ગણાત્રા, હેમન્ત દવેની પત્રચર્ચા]

‘લિપિવિષયક પ્રત્યક્ષ નિરીક્ષણ...’

(૧) કોઈ મિત્ર એમ કહે કે પ્રેમાનંદના નામે ‘સુદામાચરિત્ર’ એક નથી, ચૌદ છે – તો? હા, ‘સુદામાચરિત્ર’માં ચૌદ કડવાં છે, પણ તેથી ‘સુદામાચરિત્ર’ની સંખ્યા ચૌદ કહેવાય નહીં. જૂનાગઢમાં આવેલો અશોકનો શિલાલેખ પણ એક છે, એમાં ચૌદ શાસન (ધર્માદેશ) ઉત્કીર્ણ થયેલાં છે, એટલું જ. (૨) ‘ભગવાનલાલ ઇન્દ્રજી’ વિશેના ‘પ્રત્યક્ષ’ જુલાઈ-સપ્ટે. ૨૦૧૨ના મારા અવલોકનમાં અને ‘પ્રત્યક્ષ’ જાન્યુ-માર્ચ ૨૦૧૩ના પત્રમાં ‘બ્રાહ્મી’ના બદલે ‘બ્રાહ્મ’ તથા ‘રુદ્રદામા પછી આશરે ત્રણ સો વર્ષે’ ના બદલે ‘સો’ મારું અનવધાન છે અથવા છાપભૂલ છે.* પત્રની ઝેરોક્ષ મારી પાસે નથી પણ અવલોકનની ઝેરોક્ષ છે, તેમાં એક સ્થળે ‘બ્રાહ્મી’ અને એક સ્થળે ‘બ્રાહ્મ’ લખાયું છે. (૩) વી. બી. ગણાત્રા અને હેમન્ત દવેની આ વાત યોગ્ય છે કે સ્કંદગુપ્તના લેખની લિપિ બ્રાહ્મી છે. હું કશી અવઢવમાં નથી, પરંતુ મારે વધારે સ્પષ્ટ વિધાનો કરવાં ઘટે કે અશોકલેખમાં બ્રાહ્મી, રુદ્રદામાના લેખમાં વિકસિત બ્રાહ્મી અથવા ક્ષત્રપકાલીન બ્રાહ્મી અને સ્કંદગુપ્તના લેખમાં અંત્યબ્રાહ્મી છે. મારો ખ્યાલ એવો છે કે ‘અંત્યબ્રાહ્મી’ એટલે ‘આદ્ય નાગરી’. પણ ખેર, જાડાં વિધાનો પત્રમાં પણ ન થવાં ઘટે તે સ્વીકારું છું. (૪) હેમન્ત દવે ‘અશોકના ગિરનાર લેખમાં પ્રયુક્ત પ્રાકૃત ભાષાનો ‘આભીરી’ કે ‘સોરઠી’ સાથે કશો કહેતાં કશો જ સંબંધ નથી.’ (પૃ. ૪૫) એવું જે જણાવે છે, તેની સામે ભાયાણીસાહેબનું આ વિધાન વાંચો : ‘ગિરનાર લેખની ભાષામાં સપ્તમી એકવચનમાં પ્રત્યય ‘મ્હિ’ છે, – [...] આ પ્રત્યય ‘હિં’ અને ર્હિં’ રૂપે અપભ્રંશ, પ્રાચીન ગુજરાતી અને મધ્યકાલીન ગુજરાતી સુધી ઊતરી આવ્યો છે. ગિરનારના ‘ધમ્મમ્હિ’, ‘અત્થમ્હિ’નું પ્રતિનિધિત્વ અપભ્રંશમાં ‘ધમ્મહિ’, ‘અત્થહિં’ કરે છે અને જૂની ગુજરાતીમાં પણ ‘હાથિહિં’, ‘માથિહિં’ જેવાં રૂપોનું ચલણ હતું. – આ રીતે ગિરિનગરની અશોકકાલીન બોલી અને અર્વાચીન ગુજરાતી વચ્ચે તદ્દન આછુંપાતળું સંબંધસૂત્ર પણ સ્થાપી શકાય ખરું.’ (‘વ્યુત્પત્તિવિચાર’ પૃ. ૫૪-૫૫) (૫) અને છેલ્લે, ખૂબ સંકોચ સાથે અને ખૂબ સંક્ષિપ્તમાં હું મારું લિપિવિષયક પ્રત્યક્ષ નિરીક્ષણ રજૂ કરવા માગું છું. ‘સંકોચ’ એટલા માટે કે હું આ વિષયનો ખાસ અભ્યાસી નથી અને ‘સંક્ષિપ્ત’ એટલા માટે કે હાલ (આ ઉંમરે) મારા મનમાં આ વિષય નથી. ૧૯૭૩-૭૫માં હું જ્યારે ભાયાણીસાહેબના હાથ નીચે ‘અભિલેખોમાં આવતાં ગામનામોનું ભાષાવૈજ્ઞાનિક અને સાંસ્કૃતિક અધ્યયન’ કરતો હતો ત્યારે જે જે શિલાલેખો અને તામ્રપત્રો મારા પ્રત્યક્ષ જોવામાં આવ્યા તે ઉપરથી મેં નોંધ્યું કે પથ્થરમાં કોતરાતા અક્ષર ઉપર શિરોરેખા કરવી કઠિન છે, જ્યારે તામ્રપત્રમાં સરળ છે. આટલું જ નહિ, તામ્રપત્રમાં વધારે વળાંકદાર અક્ષરો કોતરી શકાય છે. આ જ કારણે જૂનાગઢ ગિરિતળેટીમાં આવેલી અશોકશિલા ઉપરના ઈ.સ. ૪૫૭ના સ્કંદગુપ્તના લેખની લિપિ અને આ જ સમયના – ઈ.સ. ૪૫૭ના - પારડી(સુરત)ના ત્રૈકુટક રાજવી દહૃસેનના તામ્રપત્રની લિપિના વળાંકો જુદા જુદા છે. સ્કંદગુપ્તના લેખની લિપિમાં દ્વિધા રહે છે, જ્યારે દહૃસેનના તામ્રપત્રમાં સ્પષ્ટ અનુમાની શકાય છે કે અહીં દેવનાગરીનાં પગરણ થઈ ગયાં છે! હું એમ માનું છું કે સ્કંદગુપ્તનો લેખ (ઈ.સ.ની પાંચમી સદી) દેવનાગરીની પૂર્વસીમા છે, જ્યારે ઈ.સ.ની નવમી અને દશમી પૂર્વાર્ધના સૈંધવ તામ્રપત્રો દેવનાગરીની ઉત્તરસીમા છે. સૈંધવ તામ્રપત્રોની લિપિ ઉકેલનાર હાથીભાઈ શાસ્ત્રી આ લિપિને ‘જૂની નાગરી’ (નાગરીનું પૂર્વરૂપ) કહે છે. મૂળરાજ (૯૪૨-૯૯૭)થી સ્પષ્ટતઃ નાગરી પ્રચારમાં આવી ગઈ છે. સોલંકીકાળના જ હેમચંદ્ર ‘નાગરી લિપિ’નો ઉલ્લેખ કરે છે. ખેર, પાંચમીથી નવમીના કાળને આપણે નાગરીનું સ્રાવક્ષેત્ર કહી શકીએ. ગુજરાત બહાર તો આનાં વિશેષ ઉદાહરણો છે. વી. વી. મિરાશી કોઈ વર્મસૂરિજી મહારાજની મધ્યપ્રદેશ(?)ના તેવરાદેવાની પ્લેટની વાચના નોંધે છે, જે એચ. એચ. વિલ્સને ‘એશિયાટિક રિસર્ચ’ (વૉ. ૧૫)માં મૂકી છે છે, તેને ‘દેવનાગરી’ કહેલ છે. પ્રયોગનો સુપ્રસિદ્ધ સ્તંભલેખ, જેમાં ઉપર અશોકની બ્રાહ્મી અને નીચે સમુદ્રગુપ્ત (૩૩૫-૩૭૫)ની વિકસિત બ્રાહ્મી છે. આ બન્ને લેખોની લિપિના તુલનાત્મક અધ્યયન પછી ‘બ્રાહ્મી અને ‘વિકસિત બાહ્મી’ એવો ભેદ પ્રચારમાં આવ્યો છે. આ ‘વિકસિત બ્રાહ્મી’ જ દેવનાગરીની જનની છે અને પ્રયાગસ્તંભથી (ચોથી સદીથી) તેનું ગર્ભાધાન થઈ ગયેલું છે! એક આડ વાત : આ પ્રયોગસ્તંભ ઉપરની સમુદ્રગુપ્તની પ્રશસ્તિ સુપ્રસિદ્ધ સંસ્કૃત કવિ હરિષેણે રચેલી છે. અતઃ ગુપ્તકાળના આરંભથી જ દેવનાગરીના સગડ મળતા થાય છે અને મારું તો એવું અનુમાન છે કે આ ‘દેવનાગરી’માં ‘નાગરી’ શબ્દ ‘વિકસિત’ માટે જ પ્રયોજાયેલો છે તથા ‘દેવ’ ગુપ્તરાજવી ‘દેવગુપ્ત’ છે! આપણી પરંપરામાં ‘લિપિ’ને ‘માતૃકાદેવી’નું મહિમાયુક્ત સ્થાન મળેલું છે અને તે યોગ્ય છે, પણ એમાં અમાનુષી દેવદેવલાં નિહાળવા કરતાં કોઈ કાળા માથાનો માનવી જોવો તે ઇતિહાસને વધુ અનુકૂળ છે.

– નરોત્તમ પલાણ
તા.ક. ઉર્ફે બળાપો

આપણે ત્યાં ગુજરાત ઇતિહાસ પરિષદ, સૌરાષ્ટ્ર ઇતિહાસ પરિષદ અને કચ્છ ઇતિહાસ પરિષદ – આવી ત્રણ ત્રણ પરિષદો છે, પણ કોઈ નક્કર કામ થયું? હમણાં સાહિત્ય અકાદમી તરફથી ‘સમયદર્શી સાહિત્યસંદર્ભકોશ’ (સંપા. રમણ સોની) થયો, એવો ગુજરાતનાં ઐતિહાસિક સ્થળો અને જાહેરજીવનની વિધિક્ષેત્રની નોંધપાત્ર વ્યક્તિઓ વિશે ‘ઇતિહાસસંદર્ભ કોશ’ પણ કોઈ કરી શકે! ગુજરાતમાં આટલી યુનિવર્સિટીઓ અને ઇતિહાસના આટલા અધ્યાપકો છે એ શું કોઈ ‘ઇતિહાસ’ વિશે નહિ વિચારે? જુલાઈ-ડિસે. ૨૦૦૮ના ‘સંશોધન’માં એના સંપાદક હસમુખ વ્યાસ એક ચોંકાવનારી માહિતી આપે છે : ધીરુભાઈ ઠાકર સંપાદિત ‘જ્ઞાનકોશ’ [વિશ્વકોશ]માં શંભુપ્રસાદ દેસાઈને સ્થાન નથી! આનો અર્થ એ કે આપણા મુખ્ય સંદર્ભસ્રોતમાંથી ઇતિહાસલેખકોની બાદબાકી થઈ રહી છે! ચેતવા જેવું છે!

– ન.પ.
[જુલાઈ-સપ્ટેમ્બર, ૨૦૧૩, પૃ. ૪૪-૪૫]

  • ફરી ચકાસી લીધું કે સમીક્ષકની મુદ્રણપ્રતમાં ’સો વર્ષ’ એવો નિર્દેશ છે. – સંપાદક