‘પ્રત્યક્ષ’ પત્રસેતુ/‘સિદ્ધાન્તે કીમ્’ની સમીક્ષાની આસપાસ : હર્ષવદન ત્રિવેદી
હર્ષવદન ત્રિવેદી
[સંદર્ભ : જુલાઈ-સપ્ટે., ૨૦૦૯, ‘સિદ્ધાંતે કિમ્?’ની સમીક્ષા, હર્ષવદન ત્રિવેદી, તેમજ ‘ઉદ્દેશ’ સામયિક (જાન્યુ. ૧૦, ફેબ્રુ. ૧૦)ની પત્રચર્ચા]
૪. ‘સિદ્ધાન્તે કિમ્?’ની સમીક્ષાની આસપાસ :
પ્રિય સંપાદક રમણભાઈ, આ પત્ર એક રીતે તો ‘ઉદ્દેશ’ માટે હતો પણ એના તંત્રીશ્રીએ પહેલે જ અંકે (ફેબ્રુ., ૨૦૧૦) ચર્ચા બંધ કરી દઈને, પ્રત્યુત્તર આપવાનો મારો હક અટકાવી દીધો! એટલે હવે, મૂળ સમીક્ષા ‘પ્રત્યક્ષ’માં પ્રગટ થયેલી એ કારણસર ચર્ચાપત્ર તમને જ મોકલું છું. આશા છે કે એને પ્રસ્તુત ગણશો. [પહેલાં મારે સંદર્ભ આપવા પડશે : સુમન શાહના ‘સિદ્ધાંતે કિમ્?’ની મારી સમીક્ષા ‘પ્રત્યક્ષ’ જુલાઈ-સપ્ટે. ૨૦૦૯માં પ્રગટ થયેલી, એના વિશે કોઈ પ્રતિભાવકે ‘ઉદ્દેશ’માં ‘સામયિકી’ વિભાગ હેઠળ, ‘પ્રત્યક્ષ’ના તે અંકની વાત લખતાં ચર્ચા કરેલી (ઉદ્દેશ : જાન્યુ. ૨૦૧૦, પૃ ૩૮૨-૮૩) એ પછીના અંક (ઉદ્દેશ : ફેબ્રુ. ૨૦૧૦)માં આ અંગે ચર્ચાપત્રો આવ્યાં એમાં એક પ્રતિભાવકનું પણ હતું. (પૃ. ૪૪૯) – અહીં, આ બધા સંદર્ભે મારે ઉત્તર આપવો છે. મુદ્દાસર આપું :] પ્રતિભાવકે તેમના લખાણમાં મુખ્યત્વે ચાર આક્ષેપો કર્યા છે : (૧) હું આડંબર કરું છું. (૨) મેં પૂરણો જેવી સામાન્ય બાબતો અંગે નાહકની ભાંજગડ કરી છે. (૩) ગ્રંથકાર સુમન શાહને મેં ખાસ કશી મહેનત વિના જ ઉતારી પાડ્યા છે અને (૪) મેં આડીઅવળી વાતો વધારે કરી છે; એકેયના હાર્દમાં પ્રવેશ્યો નથી. આ ચારેને ક્રમશઃ જોઈએ : (૧) મેં આડંબર શાનો કર્યો છે? પરદેશી વિદ્વાનોનાં નામો સાચાં લખવાં તે આડંબર છે? મેં જે પુસ્તકોની વાત કરી છે તે પુસ્તકો મેં જોયેલાં અને વાંચેલાં છે અને વાંચ્યાસમજ્યા પછી એની સમીક્ષામાં વાત કરી છે. સુમન શાહે પોતાની ‘સંદર્ભસૂચિ’માં જે પુસ્તકો – લેખોનાં નામ આપ્યાં છે તેમાંના કેટલાંક, એમણે વાંચ્યાં કે જોયાં હશે કે કેમ.... દા.ત., બખ્તિન અને મેદ્વેદેફના પુસ્તક ‘The Formal Method in Literary Scholarship’નો ઉલ્લેખ છે. આ પુસ્તકના કર્તાનો ઉલ્લેખ સુમન શાહની સંદર્ભસૂચિમાં આ પ્રમાણે છે – Michail Bakthin (under the name of his associate P.N. Medvedev), શું ‘ફોર્મલ મેથડ’ પુસ્તકમાં નામોનો આ રીતે ઉલ્લેખ છે? બીજું. એમણે એની ઈ. ૧૯૨૮નું વર્ષ ધરાવતી આવૃત્તિનો ઉલ્લેખ કર્યો છે. આ પુસ્તક ૧૯૨૮માં પ્રથમ વાર પ્રગટ થયેલું તે રશિયન ભાષામાં તો સુમન શાહે રશિયન ભાષામાં પુસ્તક વાંચ્યું? એમના ‘અનુઆધુનિકતાવાદ અને આપણે’ (અમદાવાદ ૨૦૦૮) પુસ્તકમાં ‘આપણે ત્યાંનાં ઇતિહાસ આલેખનો અંગે’ લેખમાં તેઓ લખે છે કે ‘[આ પ્રકારની પત્રચર્ચાઓથી] થવો જોઈતો ભૂલસુધાર નથી થતો, ત્રુટિઓ દૂર કરનારી પૂર્તતાઓ [સાચો શબ્દ ‘પૂર્તિ’ કે પૂર્તતા?] નથી થતી.’ (પૃ. ૧૫૯) આગળ ફરી લખે છે કે ‘ખરેખર તો પત્રચર્ચાઓની ઇતિહાસ-આલેખકોને તેમ જ તંત્રી-સંપાદકોને ‘તમા’ હોવી જોઈએ. જે તે પત્રચર્ચાની સમીક્ષા કરીને તે આલેખનની સંશુદ્ધ-સંવર્ધિત વાચના તરત પ્રકાશિત કરવી જોઈએ.’ (પૃ. ૧૬૦). આ ખરેખર ઉમદા સૂચન છે. કમનસીબે આપણા કેટલાક લેખકો-પ્રકાશકો એમ કરતા નથી. અહીં તો, સૂચન કરનારે પોતે પણ એમ કર્યું નથી! જો પોતાની માન્યતામાં સુમન શાહ શ્રદ્ધા રાખતા હોત તો ‘સાહિત્યિક અર્થનો કોયડો’ની ’સંશુદ્ધ - સંવર્ધિત વાચના તરત પ્રકાશિત’ કરી હોત! હેમન્ત દવેએ આ પુસ્તકની સમીક્ષા (પ્રત્યક્ષ ૨૦૦૧)માં દર્શાવેલા વિગતદોષો વગેરે એમણે સ્વીકારેલા એમાં એ પ્રમાણે સુધારા કરવાની ‘તમા’ તેમણે નવ વર્ષે પણ નથી કરી, એટલું જ નહીં એ બધાંનું ‘સિદ્ધાન્તે કિમ્?’ પુસ્તકમાં પુનરાવર્તન કર્યું છે, એને આપણે શું કહીશું. બેવડાં ધોરણ, આડંબર? ‘અનુઆધુનિકતાવાદ અને આપણે’ પુસ્તકમાં સુમન શાહે રઘુવીર ચૌધરી સંપાદિત ‘સ્વાતંત્ર્યોત્તર ગુજરાતી નવલિકા’ (અમદાવાદ ૧૯૯૯)ની આકરી ઝાટકણી કાઢતાં લખેલું કે ‘હકીકતે [આ સંપાદન] એક થોથું છે. એને સંપાદન ન કહેવાય, સંઘરો કહેવાય.’ (પૃ. ૧૭૦), તો પછી ફુટકળ લેખોના ‘સંઘરા’ જેવા ‘સિદ્ધાંતે કિમ્?’ ને ‘શકલ-ગ્રંથ’ કહેવો તે સ્કૉલરશીપનું નહીં. સેલ્સમેનશીપનું ઉદાહરણ ન ગણાય? (૨) પૂરણો અંગે : પૂરણો અંગે ગ્રંથકાર સુમન શાહ સ્વયં લખે છે કે ‘[સાંધા] વડે ગ્રન્થ સમગ્રની એકવાક્યતા શું હોઈ શકે તેની ઝાંખી થવાનો સમ્ભવ છે.’ આ પૂરણો ‘દરેક લેખને બીજા જોડે જોડે છે.’ જો સાંધા/પૂરણી એમણે આ કહ્યું છે એવી મહત્ત્વાકાંક્ષી કામગીરી બજાવવાનાં હોય તો તેના વિશેની ચર્ચાને ‘નાહકની ભાંજગડ’ શી રીતે કહી શકાય? બીજું, મેં સવિગત, સોદાહરણ બતાવ્યું છે કે આ સાંધાઓમાં ‘ગ્રંથ સમગ્રની પોતાનામાં જ એકવાક્યતાની ઝાંખી કરી શકાય તેવું કશું જ નથી : એ સાંધાઓમાં કશી જ એકવાક્યતા નથી! (૩) પ્રતિભાવકનો આક્ષેપ છે કે મેં ખાસ કશી મહેનત લીધા વિના સુમન શાહને ઉતારી પાડ્યા છે. મેં મારી સમીક્ષામાં પુસ્તકની ચર્ચા કરેલી છે. એમાં રહેલા દોષ, આડંબર, ક્લિષ્ટતા, બૌદ્ધિક અપ્રામાણિકતા, વિધાનોની નિરર્થકતા, દુર્બોધતા, ઇત્યાદિ સોદાહરણ દર્શાવેલાં છે. જ્યારે આ સમીક્ષાનો પ્રસંગ આવ્યો ત્યારે મારી ગણતરી પુસ્કનાં લખાણોના ‘હાર્દરૂપ કોઈ તાત્ત્વિક પીઠિકા’ના આધારે મારા વિચારો રજૂ કરવાની હતી. કમભાગ્યે, આ લખાણોમાં વૈજ્ઞાનિક રીતે ’હાર્દ’ કે ‘પીઠિકા’ કહેવાય એવું ઝાઝું કશું મને મળ્યું નહીં. તેઓ પોતાને ‘હાર્ડ કોર’ ફેમિનિસ્ટ કહેવડાવે છે ને છતાં ‘પુરુષાર્થ’ શબ્દનો પ્રયોગ કરે છે. એમણે, સૉરી, પ્રતિ-ભાવકે, આ સંદર્ભે જે બચાવ ‘લક્ષણા’, વગેરે દ્વારા કર્યો છે તે લૂલો છે. ‘પુરુષાર્થ’નો વૈકલ્પિક પર્યાય એમને સૂઝ્યો નથી, એમાં કોઈ શું કરે? પુસ્તકની સાજસજ્જા, સારી છપાઈ અને બાંધણીવાળા (એથી પ્રકાશકને યશ આપનારા) આ પુસ્તકમાં સંઘરાયેલાં લખાણ શાસ્ત્રીય પ્રભાવવાળાં નથી. લેખક પોતે પણ સભાન છે : પ્રસ્તાવનામાં લખે છે – ‘આ લેખો સ્વરૂપે વધારે સિદ્ધાન્ત તરફી છે. અલબત્ત એમાં ચર્ચાઓ શાસ્ત્રીય ઢબછબની નથી. એમાં કશી નિશ્ચિત ઐતિહાસિક પરિપાટી નથી, આ કોઈ સ્પષ્ટરેખ શાસ્ત્રપૂત સિદ્ધાન્તવિચાર નથી. આ એવી કશી ચુસ્ત વિજ્ઞાનીય વાત નથી. હવે વિરોધાવો : પ્રતિભાવક કહે છે – ‘સાહિત્યપદાર્થને વર્ણવનારું [...] દૃષ્ટિફલક વાચકને કેવા તો લાઘવથી સંપડાવી આપ્યું છે!’ અને ‘એ ફલકમાં પ્લેટો એરિસ્ટોટલકાળથી સામ્પ્રત લગીના સિદ્ધાન્તનું ધારણપોષણ થયું છે’ વળી ‘...સાહિત્યિક વાદવિચારણા, સાહિત્યસ્વરૂપસિદ્ધાંત, પશ્ચિમની સાહિત્યવિવેચના.... વગેરે વગેરે વિશે કઠિન વિષયો વિશેના સંકુલ છતાં સુગમ અનેક લેખોથી સમગ્ર ગ્રન્થ સમૃદ્ધ બની આવ્યો છે.’ (ઉદ્દેશ, જાન્યુ. ૨૦૧૦, ૩૮૩), હવે પછી સુમન શાહ લખવાના હશે, એની આ પ્રશંસા હશે શું? લેખક - પ્રતિભાવકની કેવી તો એક-રૂપ તદાત્મતા! અને મારી ચર્ચા તો, જે લખાયું છે તેમાં લખાવટની ગૂંચો, ક્લિષ્ટતા, અસ્પષ્ટતા અંગે છે. પ્રસ્તાવનામાં સુમન શાહ એમ પણ લખે છે કે, ‘’સંભવ છે કે પહેલી નજરે બધું ઠઠાડી કાઢેલું, સમવિષમ ને ઊબડખાબડ લાગે પણ ધારીને પ્રેમથી જોતાં એમ ન લાગે’ (પૃ. ૭). કમનસીબે, ‘ધારીને પ્રેમથી’ જોયા પછી પણ આ લખાણો એવાં જ, લેખકે પહેલી નજરે કહ્યું છે એવાં જ લાગે છે! સુમન શાહ પોતાના આ પુસ્તકના પ્રાસ્તાવિક વિશે લખે છે કે ‘આ ભૂમિકાને આ ગ્રંથના આ પછીના તમામ લેખોની પણ એક પૂર્વભૂમિકા-સ્વરૂપ આકારવાનો પ્રયાસ છે.’ (પૃ. ૧૦) એટલે જો ‘તમામ લેખોની’ ‘પૂર્વભૂમિકા’ને મેં ધ્યાનમાં રાખીને સમીક્ષા કરી હોય તો એમાં ખોટું શું છે? વળી, સમીક્ષામાં બધા જ લેખો વિશે વાત માંડવી અનિવાર્ય નથી હોતી. રગ પકડાય એટલાં દૃષ્ટાંતો પૂરતાં ગણાય. બધા વિશે લખ્યું હોત તો એની-એ-ચર્ચાનું પુનરાવર્તન કર્યા જેવું થયું હોત – એવું એકસરખું પોત બધા લેખોનું છે. ૪. પ્રતિ-ભાવકનો ચોથો આક્ષેપ એ છે કે મેં આડીઅવળી વાતો વધારે કરી છે. એકે લેખના હાર્દમાં હું પ્રવેશ્યો નથી. ‘આડીઅવળી વાતો’ની પ્રતિભાવકની વ્યાખ્યા જ સમજાય તેવી નથી. હકીકતે જેને આડી-અવળી વાત કહેવાય તેનાં અનેક ઉદાહરણો સુમન શાહનાં પોતાનાં લખાણોમાં જોવા મળશે. મારે એક સ્પષ્ટતા અહીં જ કરવી જોઈએ કે સુમન શાહ સામે મારે કોઈ અંગત વાંધો નથી. અંગત કે વ્યવસાયિક એવો કોઈ સંબંધ પણ નથી. આથી મારે તેમને રીઝવવાનું કે નારાજ કરવાનું કોઈ પ્રયોજન નથી. તેઓ મારા વિભાગાધ્યક્ષ હોત અને મારા પ્રમોશનની ‘પ્રક્રિયા’ ચાલતી હોત તો એમના નબળા પુસ્તકની પણ અતિપ્રશંસા કરું કે તેમણે મારા કોઈ પુસ્તકની આકરી ટીકા કરી હોય તો તેમના પર ‘કાલ’ બનીને તૂટી પડું એવું કશું મારા કિસ્સામાં નથી. શ્રી સુમન શાહ આવતી કાલે ‘ચંદ્રકાંત બક્ષીથી ફેરો’ જેવું કોઈ પુસ્તક લઈને આવશે તો તેનો યોગ્ય પ્રતિભાવ આપવામાં મને આનન્દ થશે! ‘ઉદ્દેશ’ના તંત્રીશ્રીએ પ્રતિભાવકનું અસલી નામ આપવાનો ધરાર ઇનકાર જ કર્યા કર્યો તે દર્શાવે છે કે મામલો સાવ નિર્દોષ કે નિખાલસ નથી. ચાલો, ‘સામયિકી’માં નામ ન હોય કે સરનામું ન હોય, પણ પ્રતિભાવકે જ્યારે બીજા અંકે ચર્ચાપત્ર લખ્યું ત્યારે ત્યાં પણ સરનામું ગાયબ!? સીધો પુરાવો ન હોય (એ તો તંત્રીશ્રી આપી શક્યા હોત) ત્યારે સાંયોગિક પુરાવા અનુમાનને સત્યની નજીક લઈ જાય. ‘સિદ્ધાન્ત’, ’આડમ્બર’ ‘પેઇન્ટિન્ગ’ ‘જડ્જમેન્ટ’, વગેરે જેવી જોડાક્ષરની વિલક્ષણતા; ‘જુદું અમને એમ પણ ભાસ્યું છે’; ‘-ની મનોદશામાં સંતોષ પકડી બેસે છે’; ‘લિટરરી આર્ગ્યુમેન્ટને માટેની ખાસ કશી દાનત દેખાતી નથી’, વગેરે વગેરે, શૈલીની લઢણો અને, અને ‘ઉદ્દેશ’ના પહેલા અંક (જાન્યુ.)માં ‘સિદ્ધાંતે કિમ્?’ને ખાતર ‘પ્રત્યક્ષ’ વિશે લખ્યું તે લખ્યું પછીના બે અંકોમાં ક્યાંય એ મૅગેઝિન (‘પ્રત્યક્ષ’)ની વાત પ્રતિભાવકશ્રીએ કરી નથી – આટલાં નક્કર સંલગ્ન પ્રમાણો. એટલે, તેઓ કહે છે એમ ‘બધું સૂર્યપ્રકાશ હેઠળ’ પણ એક જ છે – પ્રતિભાવક એ જ સુમન શાહ. ને જો એમ હોય તો કરુણા નીપજે. કંઈ વધુપડતું લખાયું હોય તો દરગુજર કરશો.
અમદાવાદ : ૧૭ માર્ચ, ૨૦૧૦
– હર્ષવદન ત્રિવેદી
- ‘ઉદ્દેશ’માં ચર્ચા અટકી ગઈ એથી. મૂળ સમીક્ષા ‘પ્રત્યક્ષ’માં પ્રગટ થઈ હોવાથી, સમીક્ષકની રજૂઆતને માર્ગ આપવા જ, આ ચર્ચા અહીં પ્રગટ કરી છે. – સંપા.
[જાન્યુઆરી-માર્ચ, ૨૦૧૦, પૃ. ૪૯-૫૧]